બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / અમદાવાદનું ચકુડિયા મહાદેવ મંદિર: કુવો ખોદતા મળ્યું હતું 7 ચોટીવાળું શિવલિંગ, વાંચો મંદિરની અલૌકિક કથા
Last Updated: 07:37 PM, 13 August 2026
અમદાવાદના રખિયાલમાં ભગવાન શંકરનું પૌરાણિક મંદિર આવેલું છે. જે મંદિર પહેલા ચોટિયા મહાદેવના નામથી પ્રચલિત હતું.. હાલ તે ચકુડિયા મહાદેવ મંદિર તરીકે ઓળખાય છે. આ મંદિર આશરે ૨૬૫ વર્ષ જુનું છે. મંદિરના ઈતિહાસની વાત કરીએ તો મંદિરના નિર્માણ સમયે કુવો ખોદવામાં આવ્યો. ત્યારે પ્રથમ શિવલીંગ મળ્યું. તેમાં સાત ચોટી હતી. ત્યાર બાદ ભગવાન શંકર અને માં પાર્વતીની મૂર્તિ નીકળી હતી.
ADVERTISEMENT
ગુજરાતના સુપ્રસિધ્ધ અને અમદાવાદ શહેરના રખિયાલ વિસ્તારમાં આવેલા જાણીતા ચકુડિયા મહાદેવના વર્ષો જુના મંદિરમાં દેવાધિદેવ મહાદેવની અતિપ્રિય મહા શિવરાત્રિની ભારે ભકિતભાવ અને આસ્થા સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. મહાશિવરાત્રીના દિવસે વહેલી સવારથી મંદિરે ભક્તોની ભીડ જામે છે. સમગ્ર મંદિરને ફૂલોથી શણગારવામાં આવે છે. કહેવાય છે કે ચકુડીયા મહાદેવના દર્શન માત્રથી રીઝે છે શિવજી.. આ પાવન ધામની આ વિશેષતા છે.. અહીં સ્થાપિત વિશાળ શિવલિંગ અને દ્રાદશ જ્યોતિર્લિગના દર્શન કરીને શ્રદ્ધાળુઓ ધન્યતા અનુભવે છે.
ચકુડિયા મહાદેવ મંદિરમાં હનુમાનજી, પાળેશ્વર મહાદેવ, બળિયા બાપા, મહાકાળી માં, સાઈબાબા,રાધા કૃષ્ણ, રામ દરબાર, ઋષિકેશ મહાદેવ અને શનિદેવ મહારાજને બિરાજમાન કરવામાં આવ્યા છે. ચકુડિયા મહાદેવ મંદિરમાં ૧૯૭૫માં સ્વ.કાલીદાસજીએ ૨૧ ફૂટ કરતા ઊંચું શિવલિંગ બનાવ્યું હતું. અહીં ૧૨ જ્યોતિર્લિંગ પણ બનાવવામાં આવેલા છે. ૧૨ જ્યોતિર્લિંગના દર્શન કરવા ભક્તો મોટી સંખ્યામાં મંદિરે આવે છે. શ્રાવણ માસ દરમિયાન ચકુડીયા મહાદેવ મંદિરમાં અલગ અલગ દિવસે વિશેષ પૂજા પણ રાખવામાં આવે છે. મંદિર વહેલી સવારથી જ ઓમ નમ: શિવાય અને હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠે છે..
ADVERTISEMENT
શ્રાવણ મહિનામાં 30 દિવસ સુધી સતત મહાદેવના શૃંગાર દર્શનની સાથે આરતીનો ઔલોકિક નજારો અને શિવની અનુભૂતિ માટે શિવ ભક્તો ખાસ ચકુડિયા મહાદેવ મંદિરે આવે છે. શિવરાત્રીના દિવસે મંદિરે અનેક ધાર્મિક કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવે છે. જેના દર્શન માટે શિવભક્તો તલાવેલી સાથે ચકુડિયા મહાદેવ મંદિરે હાજર રહે છે. મહાદેવની પૂજા, ગંગાજળ અભિષેક, ધ્વજા પૂજા, પાઘપૂજા, ચકુડિયા મહાપૂજા, મહામૃત્યુંજય યજ્ઞ અને પાઠ શિવ ભક્તોને મહાદેવ સમીપે ખેંચી લાવે છે..

ADVERTISEMENT
શ્રાવણના સોમવારે ભગવાન શિવની પૂજા કરવામાં આવે તો આખા વર્ષનું ફળ ભક્તને મળે છે. અહીં શ્રાવણ મહિનાના ચાર સોમવાર અને જન્માષ્ટમી હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. રક્ષાબંધનના દિવસે ઘી માંથી શિવ પરિવાર બનાવવામાં આવે છે. જેનું ભાદરવા મહિનામાં વિસર્જન કરવામાં આવે છે. શ્રાવણના છેલ્લા સોમવારે બરફના મહાદેવ બનાવવામાં આવે છે. ચકુડિયા મહાદેવના શિવલિંગને ફુલોથી સજાવવામાં આવે છે. સાથે જ ભક્તો શિવલિંગને દુગ્ધાભિષેક અને જળાભિષેક અને બિલ્વપત્ર ચઢાવીને પૂજા કરે છે.
ચકુડિયા મહાદેવ મંદિરમાં વર્ષોથી સદાવ્રત ચલાવવામાં આવે છે. જેમાં સવારે અને સાંજે ૬૦૦થી વધારે ભક્તો પ્રસાદીનો લાભ લે છે. દરરોજ મંદિરમાં શાક, રોટલી, દાળ, ભાત બનાવવામા આવે છે. અને તે નિશુલ્ક આપવામાં આવે છે. મંદિરની ગૌશાળામાં ૧૦૦થી વધારે ગાયો રાખવામાં આવી છે. ગાયનું દુધ દિવ્યાંગ લોકોને નિશુલ્ક આપવામાં આવે છે.
ADVERTISEMENT
ચકુડિયા મહાદેવ મંદિર સવારે 3 વાગ્યે ખુલી જાય છે. દરેક ભાવિક ભક્તોને આરતીનો લાભ લે છે. પવિત્ર શ્રાવણ માસમાં શ્રદ્ધાળુઓ પૌરાણિક શિવલિંગના દર્શન કરી ધન્યતા અનુભવે છે. લાખો શ્રદ્ધાળુઓ પવિત્ર શ્રાવણ માસમાં ચકુડિયા મહાદેવના મંદિરે દર્શનાર્થે ઉમટી પડે છે. વર્ષોથી મહાદેવના દર્શને આવતા ભાવિકોની ચકુડિયાદાદામાં અતૂટ શ્રદ્ધા છે અને એટલે જ તે મહાદેવજીના દર્શન કરવાનુ ચૂકતા નથી..
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.