બ્રેકિંગ ન્યુઝ
VTV / VTV વિશેષ / અને કેશુબાપા ‘પટેલ’ બન્યા, મુખ્યમંત્રી બનવાની મનાઇ છતાંય CM કેવી રીતે બન્યા? જાણો 200 કરોડની ડીલ વિશે!
Last Updated: 12:37 PM, 29 October 2024
રાજકોટ શહેરની બજાર.
લાલિયાદાદા નામનો એક સ્થાનિક ગુંડો વેપારીઓ પાસેથી હપ્તા ઉધરાવી રહ્યો હતો. દાદાગીરીથી હપ્તાવસૂલી જ એનો ફૂલટાઇમ ધંધો હતો. વેપારીઓ એના નામ માત્રથી ફફડતા. પણ લાલિયાના નસીબ એ દિવસે ખરાબ કે એક દિવસ વેપારી સાથે મારઝૂડ કરતો હતો એ દરમિયાન સાયકલ પર સવાર એક વ્યક્તિની ઝપટે ચડી ગયો
ADVERTISEMENT
ખાખી ચડ્ડી, સફેદ શર્ટમાં સજ્જ એ વ્યક્તિ સંઘના સ્વંયસેવક હતા. વેપારીઓના ટોળાનું મૌન અને અપરાધ સાંખી લેવાની દુર્બળતા એ વ્યક્તિને ખટકી. સંઘની શાખાઓમાં તૈયાર થયેલું કસરતી શરીર અને લાઠીદાવની જાણકારીથી પ્રગટેલો આત્મવિશ્વાસ લાલિયા દાદાને પડકારવા માટે અંદર ઉતાવળા થતા હતા! સંઘના એ સ્વયંસેવકે લાલિયાદાદાને લાકડીથી એવો મેથીપાક આપ્યો કે પેલો ત્યાંથી પોબારા ભણી ગયો. વેપારીઓએ લાલિયાદાદાને પાઠ ભણાવનાર એ સ્વંયસેવકને નગરપાલિકાની ચૂંટણી લડાવી અને જીત પણ અપાવી. આ પછી જે બન્યું એ ગુજરાતના રાજકારણનો એક રસપ્રદ ઇતિહાસ છે.
એ વ્યક્તિ એટલે ગુજરાતના પોલિટિક્સનું એક વટવૃક્ષસમું ખમતીધર નામ કેશુભાઇ સવદાસભાઇ પટેલ. કેશુબાપા. પાણીદાર પાટીદાર. જમીનના મૂળ સાથે જોડાયેલા સાચા લોકનેતા. ગુજરાતની રાજનીતિમાં કાળમીંઢ કિલ્લાના પથ્થર જેવું મજબૂત મોખરાનું નામ એવા કેશુબાપાએ આજના દિવસે આયખાની ચાદર સમેટી લીધી હતી.
ADVERTISEMENT
આજે કેશુબાપાની પુણ્યતિથી છે. કેશુબાપા હવે ફરી ચર્ચાયા છે. આંતરાષ્ટ્રીય કુર્મી સેનાએ કેશુબાપાની ચોથી પુણ્યિતિથીએ તારીખ 27 ઓકટોબરના રોજ રાજકોટમાં દ્વારા એક વિશાળ સ્મરાંણજલી કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં કુર્મી પટેલના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં રાજકોટ એરપોર્ટને કેશુભાઇ પટેલનું નામ આપવાની માંગ ઉઠી હતી તેમજ આ કાર્યક્રમમાં કેશુભાઇના જીવન પર લખાયેલું પુસ્તક ‘ધરતીપુત્ર કેશુભાઇ’ પણ લૉન્ચ કરવામાં આવ્યું હતું.
અત્યંત સ્ફોટક વિગતોથી ભરપૂર આ પુસ્તકના લેખક છે જાણીતા પત્રકાર દિલીપ પટેલ. વીટીવી વેબસાઇટ માટે વરિષ્ઠ પત્રકાર દિલીપ પટેલ અને વરિષ્ઠ પત્રકાર-સાહિત્યકાર વિષ્ણુ પંડયા સાથે વાતચીત થાય ત્યારે કેશુબાપાના રાજકીય જીવનની ઘણી જાણી- અજાણી વાતોનો ખજાનો ખુલે છે..
ADVERTISEMENT
બાળપણ, ગરીબી, ગુજરાન ચલાવવાની મથામણ
ગુજરાતની રાજનીતિના ઉંડા અભ્યાસુ એવા વરિષ્ઠ પત્રકાર દિલીપ પટેલ પોતાની બુક ‘ધરતીપુત્ર કેશુભાઇ’માં લખે છે એ પ્રમાણે કેશુભાઈનો જન્મ તારીખ 24 જુલાઇ,1928ના રોજ રાજકોટમાં થયો. પિતા સવદાસભાઇ અને માતા પૂતળીબાઇ. કેશુભાઇનો ત્રણ ભાઇ અને પાંચ બહેનો સાથે ઉછેર થયો. સંયુક્ત કુટુંબ હતું. કેશુભાઇના પિતાને કાળા પથ્થરની ખાણ હતી. રાજકોટની સેન્ટ્રલ જેલ કાળા પથ્થરોની બનેલી હતી એ જેલમાં પથ્થર કેશુભાઇના પિતાએ સપ્લાય કરેલા. જોકે ખાણ બંધ થઇ જતા કેશુભાઇના કુટુંબ પર ગરીબીનો પડછાયો ઉતરી આવ્યો. કેશુભાઇએ કરિયાણાની દુકાન ખોલવાથી માંડીને ઘંટી ચલાવવા સુધીના અનેક કામો કુટુંબ નિભાવવા માટે કર્યા.
...અને આમ થયો કેશુબાપાનો રાજકારણમાં પ્રવેશ!
કેશુબાપાના જાહેર જીવન અને રાજકીય જીવનમાં પ્રવેશ અંગે વાત કરતા દિલીપ પટેલ કહે છે, ‘કેશુભાઇ એનસીસીમાં હતા ત્યારે એમના ક્યુરેટર એમને સંઘના એક કાર્યક્રમમાં લઇ ગયા હતા. કેશુબાપા સંઘથી પ્રભાવિત થયા અને ત્યારથી પછી એ શાખામાં જવા લાગ્યા. આમ પંદર સતર વર્ષથી તેઓ સંઘ સાથે જોડાઇ ગયા હતા. મોરબી બંધ બનતો હતો ત્યારે કેશુબાપાએ વ્યાજે પૈસા લઇને સ્થાનિક મજૂરો માટે ઘઉં-બાજરાનો લોટ દળવાની ઘંટી શરુ કરી હતી. કારણકે મજૂરોને લોટ લેવા માટે છેક મોરબી સુધી જવું પડતું હતું. કેશુબાપાએ જોયું કે કોન્ટ્રાકટર દ્વારા મજૂરોને અન્યાય થઇ રહ્યો છે એટલે કેશુબાપાએ મજૂરો માટે અવાજ ઉઠાવ્યો હતો. એકવાર મજૂરને કોન્ટ્રાકટરના માણસોએ મારી નાખ્યો. કેશુબાપા ઘંટી પડતી મુકીને મજૂરોનો ટ્રક ભરીને કોન્ટ્રાકટરના ઘરે ગયા અને દેવાળિયા કોન્ટ્રાકટરોની મશીનરી વેચાવીને પણ મજૂરોના હકના પૈસા કઢાવ્યા હતા. આમ કેશુબાપામાં નિડરતા નેતૃત્વનો ગુણ તો પહેલી જ હતો’
ADVERTISEMENT
આ નિડરતા અને નેતૃત્વનો ગુણ એમને રાજકીય જીવન તરફ દોરી ગયો. દિલીપ પટેલ કહે છે, ‘રાજકોટમાં લાલીયા દાદાને પાઠ ભણાવ્યા પછી કેશુબાપાની સ્થાનિક વેપારી લોકોમાં લોકપ્રિયતા વધી હતી. આ મારામારીની ઘટના પછી રાજકોટ નગરપાલિકાની ચૂંટણી આવી (હા, ત્યારે રાજકોટ નગરપાલિકા હતી). સંઘના મોવડીમંડળના આદેશથી 1967માં કેશુભાઇ રાજકોટ નગરપાલિકાની કોર્પોરેટરની ચૂંટણી લડ્યા અને જીત્યા પણ ખરા. કેશુભાઈની વિપક્ષ નેતા તરીકે પસંદગી થઇ. રાજકોટના વેપારીઓ કેશુભાઇને મળવા તેમના ઘરે ગયા હતા અને આર્થિક મદદ પૂરી પાડીને કેશુભાઇને ચૂંટણી લડાવી હતી’
કેશુબાપાએ પછી તો રાજકીય જીવનમાં ખૂબ લાંબી મઝલ કાપી પણ આ પથ સરળ ન હતો.
ADVERTISEMENT

યે ઉન દિનો કી બાત હૈ!
જનસંઘનો ઉદય અને કેશુબાપાનો રાજકીય જીવનમાં ઉદય બંને સમાંતરે ચાલતા રહ્યાં છે.એટલે કેશુબાપા વિશે વાત કરીએ ત્યારે જનસંઘના ઇતિહાસ અને પ્રારંભ તરફ પણ એક નજર નાખવી જરૂરી બને છે. વરિષ્ઠ પત્રકાર અને સાહિત્યકાર વિષ્ણુ પંડયા કહે છે, ‘કેશુભાઇ પટેલ પહેલા જનસંઘમાં હતા આ પછી જનતા પાર્ટીમાં અને પછી ભારતીય જનતા પાર્ટીમાં હતા. આ ત્રણેયમાં કેશુભાઈની મહત્વની ભૂમિકા રહી છે. 1950ની આસપાસ જનસંઘ માટે માફક આવે એવી પરિસ્થિતી ન હતી. આખા દેશમાં કોંગ્રેસનો દબદબો હતો. 1952માં જ્યારે શ્યામાપ્રસાદ મુખર્જીના અધ્યક્ષસ્થાને જનસંઘની સ્થાપ્ના થઇ હતી.
ADVERTISEMENT
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર મહાત્મા ગાંધીજીની હત્યાને લઇને કેસ ચાલ્યો હતો અને થોડો સમય માટે પ્રતિબંધ પણ આવ્યો હતો. હજારો સત્યાગ્રહીઓએ એ સમયે એક વિચાર મુકાયો કે રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘની વિચારધારાનો અવાજ બને, આપણી પડખે ઉભો રહે એવો એક પક્ષ બનાવવા જોઈએ. એ દરમિયાન ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીએ હિન્દુ મહાસભાના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું.
ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી પણ કોઇ વિકલ્પની શોધમાં હતા. છેવટે આરએસએસના સરસંઘસંચાલક શ્રીગુરુજી ગોલવેલકરને મળ્યા અને શ્યામા પ્રસાદ મુખર્જી, કેઆર મલકાણી, બલરાજ મધોક, અટલબિહારી વાજપાઇ વગેરેના વિચારબીજમાંથી જનસંઘનો જન્મ થયો. રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘે જનસંઘને કેટલાક પ્રચારકો આપ્યા. ગુજરાતમાં અને મુખ્યત્વે સૌરાષ્ટ્રમાં જનસંઘની સ્થાપ્ના થઇ. કેશુભાઇ પટેલ જનસંઘનો પાયાનો પથ્થર બન્યા હતા.
ભુંગળામાં સભાની જાહેરાત કરતા, ચટ્ટાઇ પાથરતા
વિષ્ણુ પંડયા જનસંઘનો એ સમયનો ચિતાર આપતા કહે છે, ‘રાજકોટમાં જનસંઘના અગ્રણી નેતા અને ધારાશાસ્ત્રી હતા ચિમનભાઇ શુક્લ. તો ડૉ. પીવી દોશી એ સમયે આરએસએસના ગુજરાત પ્રાંતના સંઘસંચાલક હતા.
કેશુભાઇએ જનસંઘ માટે આખા રાજકોટમાં ફરીને જનસંઘનો પ્રચાર કર્યો છે. જનસંઘ પાસે પ્રચાર માટે પૂરતા નાણા કે સાધનસામગ્રી પણ નહીં ત્યારે રેકડીમાં ભુંગળુ લઇને જનસંઘાની જાહેરાતો થતી. કેશુભાઇ રાજકોટની શેરીએ-શેરીએ આવી રીતે ફર્યા છે. માઇકની પણ સગવડ નહોતી ત્યારે ગામે-ગામ ફરીને ભુંગળા પર લોકોને કેશુભાઇ સભાની જાણકારી આપતા. સભામાં થોડા લોકો હોય. કેશુભાઇ અને બીજા લોકો ચટ્ટાઇ પાથરે. ભાષણમાં જનસંઘની વાતો થાય. લાંબા સમય સુધી ગુજરાતમાં જનસંઘ સત્તામાં નહોતો. જેની જેની ડિપોઝીટ જપ્ત ન થઇ હોય એ ઉમેદવારોની સભાઓ ભરાતી અને એમને અભિનંદન આપવામાં આવતા!
જ્યારે પહેલીવાર જનસંઘના ધારાસભ્ય ચૂંટાયા!
‘ગુજરાતમાં જનસંઘે સૌ પ્રથમવાર 1963માં બોટાદ અને માણાવદર નગરપાલિકાની ચૂંટણી જીતી હતી. 1967માં પહેલીવાર વિધાનસભામાં જનસંઘના ધારાસભ્ય બન્યા ચિમનભાઇ શુક્લ. જનસંઘ ધીમેધીમે પ્રજામાં જાણીતો બનવા માંડ્યો. ગોવા મુક્તિ સંગ્રામ, ભારત-પાક યુદ્ધ સમયે જ્યારે કચ્છની જમીન પાકિસ્તાન દ્વારા પચાવી પડાઇ ત્યારે છેડાયેલો કચ્છ સત્યાગ્રહ વગેરેમાં જનસંઘે ભાગ લીધો. કેશુભાઇ પણ જનસંઘના સભ્ય તરીકે આવા આંદોલનોમાં જોડાતા. આ બધા આંદોલનને કારણે લોકમાનસમાં જનસંઘની એક મજૂબત છાપ ઉભી થતી ગઇ. જનસંઘ જનતા પાર્ટીમાં ભળ્યો. 1980માં જનતા પાર્ટીમાંથી અલગ થયેલા જનસંઘના સભ્યોએ ભારતીય જનતા પક્ષની સ્થાપના કરી. વર્ષ 1995માં ગુજરાતમાં ભાજપ સત્તા પર આવ્યો. અહીં જનસંઘની પાયારૂપ ભૂમિકા અતિમહત્વની અને મજબૂત પુરવાર થાય છે ’ વિષ્ણુ પંડયા કહે છે.
રાજકોટ બન્યું ભાજપનું ગઢ, આ હતા પાયાના પથ્થરો
દિલીપ પટેલ કહે છે એ પ્રમાણે સાયકલ પર ફરીને પ્રચાર કરનારા કેશુબાપા, ચિમનભાઇ શુક્લ અને અરવિંદ મણિયાર આ ત્રણ જનસંઘના મહત્વના પાયારૂપ પથ્થરો હતા. ભાજપને ઉભુ કરવામાં આ ત્રણ નેતાઓની પાયારૂપ ભૂમિકા છે. આજે પણ આ ત્રણ નેતાઓના પ્રભાવને કારણે રાજકોટ ભાજપનો ગઢ રહ્યો છે. ભાજપની ખરી સત્તા રાજકોટ મહાનગર પાલિકાની જીતથી આવી હતી. ત્યારપછી ભાજપે અમદાવાદ, સુરત અને વડોદરામાં સત્તા મેળવી હતી. કેશુબાપાએ જનસંઘ અને ભાજપના પ્રમુખ તરીકે પણ નોંધપાત્ર કામગીરી બજાવી છે.
આ નેતાના કહેવાથી અટક બદલીને પટેલ લગાવી
કેશુભાઇની મૂળ અટક તો દેસાઇ હતી પણ પછી એમની અટક બદલીને પટેલ કરી નાખી હતી. આની પાછળની કહાની જણાવતા વિષ્ણુ પંડયા કહે છે, ‘જુનાગઢમાં જનસંઘના એક નેતા હતા સૂર્યકાંત આચાર્ય. એમણે સૂચન કર્યું કે જો સૌરાષ્ટ્રમાં પ્રભાવ વધારવો હોય તો દેસાઇ અટકને બદલે પટેલ રાખો. એટલે પછી કેશુભાઇની અટક બદલી નાખવામાં આવી. સૌરાષ્ટ્રના પટેલ સમુદાયને આકર્ષિત કરવાનો પણ આ એક ભાગ હતો’

અસ્થિર સરકારો, કુલ 1533 દિવસોનું શાસન
પુસ્તક 'ધરતીપુત્ર કેશુભાઇ'માં નોંધાયેલું છે એ પ્રમાણે કેશુભાઇનું શાસન 1533 દિવસ સુધી રહ્યું. બાબુભાઇ જશભાઇ પટેલની સરકારમાં 19મી જૂન,1975થી 12 માર્ચ,1976 સુધીની સરકારમાં કૃષિમંત્રી. બાબુભાઇ જશભાઇ પટેલની બીજી વખતની સરકારમાં પણ કૃષિમંત્રી. ચીમનભાઇ પટેલની જનતા પક્ષની સરકારમાં કેશુભાઇ નર્મદા અને વાહનવ્યવ્હાર મંત્રી તરીકે તારીખ 4 માર્ચ,1990થી 26 ઓકટોબર,1990 સુધી રહ્યા. કેશુભાઇની સરકાર 14 માર્ચ,1995થી 21 ઓકટોબર સુધી રહી. પછી શંકરસિંહનો બળવો થતા કેશુભાઇની સરકાર ગબડી પડી. બીજી વખતની સરકારમાં તારીખ 4 માર્ચ,1998થી 6 ઓકટોબર,2001 સુધી કેશુભાઇ મુખ્યમંત્રી રહ્યા. પણ આ સરકાર પણ પોતાનો કાર્યકાળ પૂર્ણ કરી શકે એ પહેલા ભૂકંપનો ભોગ બની અને નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી તરીકે આવ્યા. કેશુભાઇની તમામ સરકાર અસ્થિર રહી. કુદરતી આપતિઓની વચ્ચે પણ કેશુભાઇએ ટૂંકા કાર્યકાળમાં પણ અસરકારક કામગીરી કરી.
મચ્છુ હોનારત: ભયાનક તારાજી, મોરબીથી સરકાર ચલાવી
બાબુભાઇની સરકાર હતી ત્યારે મચ્છુ હોનારત સર્જાઇ. તારીખ હતી 11 ઓગષ્ટ,1979. ગુજરાતમાં ત્યારે પ્રથમ બિનકોંગ્રેસી સરકાર એવી બાબુભાઇની જનતા પાર્ટીની સરકાર શાસનમાં હતી. કેશુભાઇ પટેલ બાબુભાઇની સરકારમાં સિંચાઇ પ્રધાન હતા. તેમના વિભાગ હેઠળ મચ્છુ બંધ આવતો હતો. આ બંધ તૂટવાને કારણે ભયાનક માત્રામાં તારાજી સર્જાઇ. બાબુભાઈ મોરબી જળહોનારતને પગલે તાત્કાલિક મોરબી દોડી આવ્યા. મોરબીના નગરપાલિકા પ્રમુખ રતિલાલ દેસાઈ, મોરબી મતવિસ્તારના કોંગ્રેસી ધારાસભ્ય ગોકળદાસ પરમારને મળ્યા.
રબરના બૂટ પહેરીને તારાજ શહેરની મુલાકાત
હોનારતનો વાસ્તવિક ચિતાર મેળવવા તત્કાલીન કૃષિમંત્રી કેશુભાઈ પટેલ, અંગત મદદનીશ-સાથી પ્રભાકર ખમાર સાથે બાબુભાઈ રબરનાં બૂટ ચડાવીને તુરંત જ તારાજ થયેલા શહેરની મુલાકાત લેવા નીકળી પડ્યા. મુખ્યમંત્રી અને તેમનો રસાલો કાદવથી ભરેલાં ઘરોની મુલાકાત લેવા માંડયા. મોરબીવાસીઓએ બાબુભાઈ પર રોષ ઠાલવ્યો અને જવાબદારો સામે સખત પગલાં લેવાની માગણી કરી. મોરબીવાસીઓના કઠોર આવકારથી વ્યથિત થયેલા સંવેદનશીલ બાબુભાઈ જશભાઈ પટેલે રાહતકામગીરી દરમિયાન મોરબીમાં જ રહેવાનો નિર્ણય કર્યો. આટલું જ નહીં, સમસ્ત મંત્રીમંડળને પણ પોતાની સાથે જોડ્યું. જળહોનારતને ત્રીજે દિવસે પાયમાલ થયેલું શહેર રાજ્યનું પાટનગર બની ગયું. એ સમયે છ મહિના સુધી મોરબીથી સરકાર ચાલી હતી. બાબુભાઇએ પોતાના મંત્રીઓ સાથે મોરબીમાં દીવાળી ઉજવી હતી. આ મચ્છુ હોનારતે બાબુભાઇ જશભાઇ પટેલની સરકારનો પણ ભોગ લીઘો. વિપક્ષ નેતા માધવસિંહ સોલંકીએ જનતા પાર્ટીની સરકાર પર આકરા પ્રહારો કર્યા. ત્યાં સુધી કે કેશુભાઇના પોતાના જ પક્ષના કેટલાક પ્રધાનોએ કેશુભાઇની ભૂલ કબુલી.
કેશુબાપાને જ્યારે મુખ્યમંત્રી બનવાની ઓફર થઇ
દિલીપ પટેલ કહે છે, ‘વિપક્ષની તીવ્ર માંગ અને લોકઆક્રોશ જોતા બાબુભાઇ જશભાઇ પટેલ રાજીનામુ આપવા તૈયાર હતા. રાજીનામુ આપવા માટે જે બેઠક મળી હતી એ કેશુભાઇના સતાવાર નિવાસસ્થાને મળી હતી. આ બેઠકમાં બાબુભાઇએ પોતે રાજીનામુ આપવાની તૈયારી દર્શાવીને કેશુબાપાને મુખ્યપ્રધાન બનાવાવની ઇચ્છા જાહેર કરી હતી. જોકે કેશુભાઇ વિન્રમતાથી મુખ્યમંત્રી બનવાની ના પાડી દીધી હતી અને બાબુભાઇને મુખ્યમંત્રી તરીકે ચાલુ રહેવા આગ્રહ કર્યો હતો. આમ છતા સિદ્ધાંત ખાતર બાબુભાઇએ રાજીનામુ આપ્યું અને સરકાર બરખાસ્ત કરી વિધાનસભા ભંગ કરી હતી. ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસન આવ્યું હતું. ધારત તો ત્યારે કેશુભાઇ મુખ્યમંત્રી બની શક્યા હોત, ધારત તો બાબુભાઇ આરામથી ગાંધીનગરમાં બેસી રહ્યા હોત, રાજીનામુ ન આપ્યું હોત..પણ એ બધા ખરા અર્થમાં લોકનેતા હતા. સસ્તી પ્રસિદ્ધીથી જોજનો દૂર એવા કેશુબાપા પૂરપીડિતોને યોગ્ય ગુણવતાવાળુ મળે છે કે કેમ એ ચકાસવા માટે પીડિતોની સાથે લાઇનમાં ઉભા રહીને જમતા હતા!’

મચ્છુ હોનારત: તારીખ 11 ઓગષ્ટ,1979
આ કારણોસર કેશુભાઇ સીએમ બન્યા હતા, શું હતું પત્રિકાયુદ્ધ?
વર્ષ 1978થી 1995 દરમિયાન કેશુબાપા કાલાવડ, ગોંડલ અને વિસાવદર સીટ પરથી વિધાનસભાની ચૂંટણી જીત્યા હતા. દિલીપ પટેલ કહે છે, ‘1995માં ભાજપની ચૂંટણી કેમ્પેઇનનો મુખ્યમુદ્દો ગુંડારાજની લડત સામેનો હતો. 1995ની ચૂંટણી સમયે શંકરસિંહ વાઘેલા, કાશીરામ રાણા અને સુરેશ મહેતા વિધાનસભા ચૂંટણી ન લડે એવું પક્ષે નક્કી કર્યું હતું એટલે કેશુભાઇની આગેવાનીમાં 1995ની ચૂંટણી લડાઇ હતી. ભાજપને વિજય મળ્યા બાદ પણ ભાજપની બેઠકમાં કેશુભાઇની મુખ્યમંત્રી તરીકે સર્વાનુમતે પસંદગી થઇ હતી અને કેશુભાઇ માર્ચ 1995માં ગુજરાતના 10માં મુખ્યમંત્રી બન્યા હતા’
જોકે દિલીપ પટેલ કહે છે એ પ્રમાણે કેશુભાઇની સરકાર બની ત્યારથી જ આ સરકારને પાડવા માટે ખૂબ કારસાઓ રચાયા હતા. ભાજપના 1200 મોટા નેતાઓએ કેશુભાઇ વિરુદ્ધ પત્રિકાઓ જુદાજુદા સ્થળેથી મોકલી હતી. આ પત્રિકાયુદ્ધ ઉપરાંત કેશુભાઇની સરકારને ગબડાવવામાં પાછલા બારણે કોની ભૂમિકા હતી, કેવા કેવા કારસાઓ રચાયા એની બહું સ્ફોટક માહિતી પુસ્તક ‘ધરતીપુત્ર કેશુભાઈ’માં આપવામાં આવી છે.

....તો કદાચ કેશુભાઇની સરકાર તૂટતા બચી શકી હોત!
કેશુબાપા અમેરિકા ગયા અને અહીં શંકરસિંહ વાઘેલાએ ખજૂરાહોમાં જઇને બગાવત કરીને કેશુભાઇની સરકાર ગબડાવી પાડી. આ પ્રકરણ ગુજરાતના રાજકીય ઇતિહાસમાં ખજૂરાહો કાંડ તરીકે ઓળખાય છે. કેશુબાપાને પીઠમાં ખંજર ભોંકાયાની વેદના હતી. અલબત દિલીપ પટેલના માનવા પ્રમાણે કેશુભાઇની સૌથી મોટી ભૂલ એ સાબિત થઇ કે એમણે ભાવનગરના મહેન્દ્ર ત્રિવેદીને અને શહેરી ગૃહ નિર્માણ, ખાણ ખનીજ અને ખૂબ મહત્વનું એવા ગૃહ રાજ્ય ખાતુ સોંપ્યું હતું.
દિલીપ પટેલ કહે છે, ‘જો વડોદારાના ધારાસભ્ય જશપાલસિંહને અન્ન અને પુરવઠા ખાતાને બદલે ગૃહખાતુ સોંપવામાં આવ્યું હોત તો શક્ય છે કે ખજૂરાહો કાંડની આગોતરી જાણકારી હોમ મિનીસ્ટ્રીને મળી ગઇ હોત. કારણકે જશપાલસિંહ પોતે આઇપીએસ અધિકારી હતા. તેઓ કેશુભાઇને અમેરિકા જતા અટકાવત અને કેશુભાઇની સરકાર કદાચ બચી જાત’
દિલીપ પટેલ આ વાતના સંદર્ભે આગળ કહે છે, ‘મેં નજરે જોયું છે કે ઘણીવાર પ્રેસ કોન્ફરન્સમાં મહેન્દ્ર ત્રિવેદી આઇપીએસ અધિકારીને સાહેબ કહીને સંબોધતા હતા. ઉભા થઇને ખુરશી આપતા હતા. એક અધિકારી સાથે કંઇ રીતે ડીલ કરવી જોઇએ એમાં મહેન્દ્ર ત્રિવેદી કાચા પડતા હતા’
ભરોસો પડ્યો ભારે, આ કારણે છીનવાઇ ગઇ કેશુભાઇની સત્તા
કેશુભાઇ પાસેથી સત્તાની ખુરશી છીનવી લેવામાં આવી એની પાછળના જવાબદાર પરિબળો જણાવતા દિલીપ પટેલ કહે છે, ‘મૂળ કેશુભાઇ સાદગી-સરળતા અને લોકશાહીમાં માનનારા માણસ હતા. લોકો પર ભરોસો મુકનારા માણસ હતા. કેશુભાઇએ પોતાના અંગત માણસો પર, મંત્રીમંડળ પર વધારે પડતો ભરોસો મુકી દીધો હતો. કેશુભાઇ કડક નિયંત્રણ રાખી શક્યા નહીં. કેશુભાઇની આ સૌથી મોટી નિષ્ફળતા હતી’

દર બુધવારે પત્રકારપરિષદ, ક્યારેય મીડિયા પર દબાણ નહીં!
અલબત એક પત્રકાર તરીકે દિલીપ પટેલ કેશુભાઇને કંઇ રીતે જુએ છે? એ સમયે સરકાર તરફથી પત્રકારત્વને મળતી મોકળાશ કેટલી રહેતી એ અંગે દિલીપ પટેલ કહે છે, ‘કેશુભાઇ એકમાત્ર એવા મુખ્યમંત્રી હતા કે લોકોના પ્રશ્નોને ઉકેલવા માટે દર બુધવારે સાંજના પાંચ કલાકે પત્રકાર પરિષદને સંબોધતા હતા અને કેબિનેટે લીધેલા પ્રજાલક્ષી કામોની જાણકારી આપતા હતા. પત્રકારોના દરેક પ્રશ્નોના જવાબ આપતા. મીડિયા ટીકા કરે તો અંગત રાગ-દ્રેષ રાખતા ન હતા. મીડિયાએ કેશુભાઇની સરકારા સામે જબરજસ્ત કેમ્પેઇન ચલાવ્યું હતું. મેં પણ કેશુભાઇ સામે લખ્યું ન હતું. જોકે આમ છતા કેશુભાઇએ ક્યારેય મીડિયાના માલિકો પર પ્રેશર નથી કર્યું’
સ્કૂટર પર બેસીને પત્રકાર સાથે વાત!
વરિષ્ઠ પત્રકાર-સાહિત્યકાર વિષ્ણુ પંડયા એક કિસ્સો યાદ કરતા કહે છે, ‘એકવાર સ્કૂટર પર ઇન્કમટેક્સ સર્કલ પાસેથી પસાર થઇ રહ્યો હતો ત્યારે કેશુભાઇનો કાફલો પસાર થઇ ગયો હતો. કેશુભાઇએ કાફલો અટકાવ્યો હતો અને મારી સાથે સ્કૂટર પર બેસીને ગોષ્ઠી કરી હતી. આ કેશુબાપાની સરળતા અને સાદાઇ હતી’
નર્મદાના નીર: એ બસ્સો કરોડ, ધીરુભાઇ અંબાણી, દિગ્વિજયસિંહ અને કેશુબાપા!
અલબત આ સાદગી અને સરળતાની સાથે કેશુબાપામાં એક પ્રકારની પાટીદાર મક્કમતા, નિડરતા અને કોઠાસુઝ પણ હતી. કેશુભાઈ પટેલે સત્તા પર આવતાની સાથે પોરબંદરથી અમદાવાદની માથાભારે ગેંગોને ભોં ભીતર કરી નાખી હતી. અપરાધ જગતને ડામવાની સાથે કેશુબાપાની મહત્વની કામગીરી એટલે નર્મદા બંધની ઉંચાઇ વધારવી અને ગોકળિયુ ગામ યોજના. આ બંને યોજનાથી ગામડાના છેવાડાના લોકોને ફાયદો થયો. ગામડાઓ પ્રાથમિક સુવિધાયુક્ત બન્યા અને ગુજરાતને કનડતી પાણીની તંગીની સમસ્યાનો અંત આવ્યો.
દિલીપ ભાઇ એક કિસ્સો જણાવતા કહે છે, ‘કેશુભાઈ જ્યારે સત્તા પર આવ્યા ત્યારે બે દુષ્કાળ આવ્યા હતા. ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં પીવાના પાણીની ભારે તંગી હતી. આ માટે કેશુભાઇએ બે રીતે વ્યૂહ અપનાવ્યો હતો. એક તો ખેડાના રાસ્કાવિયરમાંથી સૌરાષ્ટ્ર અને અમદાવાદને પાણી આપવા રાતદિવસ પાઇપલાઇન નાખવા કામગીરી હાથ ધરી હતી. બીજી વ્યૂહ રચના પ્રમાણે નર્મદા બંધથી તુંરત પાણી આપવું. નર્મદા બંધનું કામ અદાલતના કારણે બંધ થયું હતું. તેથી બંધના કારણૌ ઊંચાઇ વધારી શકાય એમ ન હતી. તેથી કેશુભાઇએ નર્મદા બંધના સ્થાને બોગદું બનાવીને પાણી કાઢવાની યોજના બનાવી હતી. જો બોગદુ બને તો તેની સામે બીજા બે રાજ્યો મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર વાંધો લેવાના હતા.
કેશુભાઇએ રિલાયન્સના ધીરુભાઇ અંબાણીની મદદ લીધી. ધીરુભાઇ દિગ્વિજયસિંહને તુંકારે બોલાવી શકે એવા સંબધો હતા. ધીરુભાઇની કચેરીએથી કેશુભાઇને ફોન આવ્યો અને ધીરુભાઇના નિવાસસ્થાને કેશુભાઈ, દિગ્વિજયસિંહ અને ધીરુભાઇ અંબાણી વચ્ચે એક મિટીંગ યોજાઇ. પણ દિગ્વિજયસિંહ કોઇ પણ રીતે નમતું જોખવા તૈયાર ન હતા. ધીરુભાઇએ સહેજ કડક અવાજ કર્યો. તો દિગ્વિજયસિંહે કહ્યુ, 'જો ગુજરાત સરકાર રૂ.200 કરોડ આપે તો કંઇક વિચારીએ' કેશુભાઇએ તુરંત હા પાડી દીધી. દિગ્વિજયસિંહે બેઠકમાં કહ્યું, 'જુઓ નર્મદા બંધ પર તો મધ્યપ્રદેશનું મારું રાજકારણ ચાલે છે. માટે એક વિનંતી છે કે જ્યાં સુધી બોગદા નહેરનું કામ પૂરું ન થાય ત્યાં સુધી સરકારે આ નહેર અંગે એક શબ્દ જાહેરમાં ન બોલવો'
કેશુભાઇ અને ધીરુભાઇ આ અંગે સહમત થયા અને દુષ્કાળગ્રસ્ત ગુજરાતને વીસ જ દિવસમાં પાણી મળવાનું શરુ થઇ ગયું. જ્યારે ધીરુભાઇ અંબાણીનું અવસાન થયું અને અમદાવાદની ગુજરાત વેપારી મહામંડળની શ્રદ્ધાંજલી સભા હતી ત્યારે કેશુભાઇએ આ ખાનગી વાત જાહેર કરીને કહ્યું કે, ઉદ્યોગપતિઓના હૈયામાં ગુજરાત વસે છે. જો ધીરુભાઇ અંબાણી ન હોત તો નહેર ન બની હોત!
‘કટોકટી’: પત્ની લીલાબહેનને ઘરેણા વેંચવાની નોબત આવી
કેશુબાપાના અંગતજીવન વિશે વાત કરતા દિલીપ પટેલ કહે છે, ‘કેશુબાપા અને લીલાબહેનનું દાંપત્યજીવન ખૂબ સુમેળવાળું હતું. પણ એક વાત ખરી કે કેશુભાઇ રાજકીય અને જાહેર જીવનમાં એટલા વ્યસ્ત રહ્યા કે અંગત જીવનમાં, કુટંબ-બાળકો માટે બહું ઓછો સમય આપી શક્યા. દિવસોના દિવસો સુધી બહાર રહેવાને કારણે કુટુંબમાં કેશુભાઈ ધ્યાન ન આપી શક્યા. એક સમયે તો ઘર કંઇ રીતે ચલાવવું એ મોટી સમસ્યા હતી. કેશુભાઇએ રાજકારણમાં આવતા પહેલા ચાર અલગ પ્રકારના ધંધા કર્યા હતા. જેમાં એક બૂટની દુકાન શરૂ કરવાનો ધંધો પણ કર્યો હતો પણ બૂટની દુકાનમાં આગ લાગતા નુકશાન ગયું અને પત્ની લીલાબહેનના ઘરેણા વેંચવાની નોબત ઉભી થઇ. માંડમાંડ દેવુ ભરી શક્યા. જાહેરજીવન માટે કેશુભાઇએ પોતાના અંગતજીવનનું બલિદાન આપી દીધું હતું’
ગોળીવાળી સોડા અને ગાંઠિયા
દિલીપ પટેલ કહે છે, 'કેશુભાઇ સંયુક્ત કુટુંબમાં રહેતા હતા. જ્યારે કટોકટી દરમિયાન સાબરમતી જેલમાં ગયા ત્યારે એવી સ્થિતી ઉભી થઇ કે ઘરનો સામાન વેંચીને કુટુંબનું ગુજરાન ચલાવવું પડ્યું હતું. લીલાબહેન ઘણીવાર કેશુભાઇ પર ગુસ્સે થઇ જતા પણ આમ છતા કેશુભાઇ પ્રત્યે એમને ખુબ લાગણી હતી. બંનેનું દાંપત્યજીવન સુમધુર હતું. ગોળીવાળી સોડા અને ગાંઠિયાના શોખીન કેશુભાઇ ફિલ્મોમાં ખાસ રસરૂચિ ન ધરાવે પણ લીલાબહેનને ફિલ્મ અને સંગીતનો શોખ ખરો'
‘મારો વાંક ગુનો શું?’
વિષ્ણુ પંડયા કહે છે, ‘કેશુભાઇ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે બંને વખતની સરકારમાં પ્રમાણિકતાપૂર્વક અને નિષ્ઠાપૂર્વક કામ કર્યું હતું. તેઓ માત્ર પટેલો અને ખેડૂતોના નેતા ન હતા. પરંતુ સમગ્ર ગુજરાતની જનતાના નેતા હતા. ગુજરાતની પ્રજા માટે વિધવિધ યોજનાઓ તેઓ લઇ આવ્યા .તેમણે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જવું પડ્યું ત્યારે એક જ વાક્ય કહેલું કે, 'મારો વાંક ગુનો શું?' ગુજરાતના રાજકીય ઇતિહાસમાં આ વિધાન કાયમ યાદ રહે એવું છે. કેશુભાઇએ પોતાની સત્તા માટે ક્યારેય નથી વિચાર્યુ પણ ગુજરાતના હિત માટે વિચાર્યું છે. ક્યારેય એમણે ધન એકત્રિત કરવાનું નથી વિચાર્યુ. કેશુભાઇ ભ્રષ્ટાચારથી મુક્ત અને ગુજરાતપ્રેમી મુખ્યમંત્રી હતા’
કેશુબાપા સાચા અર્થમાં લોકનાયક હતા
2012માં કેશુભાઇએ ભાજપથી અલગ થઇને ગુજરાત પરિવર્તન પક્ષની સ્થાપ્ના કરી હતી. વર્ષ 2014માં કેશુભાઇએ પટેલે પોતાના પક્ષને ભાજપમાં ભેળવી દીધો હતો. કેશુભાઇ ફરી ચર્ચાનો વિષય બન્યા છે ત્યારે દિલીપ પટેલ અંતે કહે છે, ‘કેશુભાઇને હું ટોચનું સ્થાન એટલા માટે આપું છું કારણ કે તેઓ લોકનાયક હતા. ધરતી સાથે જોડાયેલા ધરતીપુત્ર હતા. લોકોની સમસ્યાનો ઉકેલ લાવવાના સૌથી વધારે પ્રયત્નો કેશુબાપાએ કર્યા છે. આવા લોકનેતાને સાઇડમાં ધકેલવાનો પ્રયાસ થઇ રહ્યો છે એ વાત ખૂંચે એવી છે’
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.