ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ, ક્યાંક નદીઓમાં નવા નીર તો ક્યાંક જળબંબાકાર, અમદાવાદથી અરવલ્લી સુધી ભારે વરસાદ
7 ફોટો ગેલેરી
Last Updated: 11:57 AM, 18 September 2026
1/7
સાબરકાંઠા જિલ્લામાં મધરાત્રી દરમિયાન પડેલા વરસાદ અને ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના પગલે ખેડબ્રહ્મા શહેરમાંથી પસાર થતી હરણાવ નદીમાં નવા નીરની આવક થઈ છે. નદીમાં પાણીની આવક થતાં આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. હરણાવ નદીમાં આવેલા નવા નીરના કારણે ધરોઈ જળાશયમાં પણ જળસપાટીમાં વધારો થવાની શક્યતા છે. પાણીની આવકથી ભૂગર્ભ જળસ્તર ઊંચું આવવાની સાથે બોર-કૂવામાં પાણીના સ્તરમાં સુધારો થવાની આશા છે. જેના કારણે આગામી સમયમાં ખેતી માટે પાણીની ઉપલબ્ધતા વધશે અને સિંચાઈને લગતા પ્રશ્નોમાં પણ રાહત મળવાની સંભાવના છે. વરસાદ અને નદીમાં આવેલા નવા નીરે ખેડૂતોમાં પણ આગામી પાકને લઈને આશાનું વાતાવરણ ઊભું કર્યું છે.
2/7
ખેડા જિલ્લામાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ ફરી મહેર વરસાવતા અનેક વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ઠાસરા, મહેમદાબાદ અને કપડવંજ પંથકમાં વરસાદી માહોલ છવાયો છે, જ્યારે કઠલાલ સહિતના તાલુકાઓમાં પણ વરસાદના ઝાપટાં પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. સારા વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદના કારણે ખેતરોમાં ઉભેલા વિવિધ પાકને પૂરતું પાણી મળતાં પાકને નવજીવન મળવાની આશા ખેડૂતોમાં જાગી છે. સમયસર વરસાદથી ખેતીને મોટો ફાયદો થવાની સાથે આગામી દિવસોમાં પાકનું ઉત્પાદન પણ સારું રહે તેવી ખેડૂતો આશા વ્યક્ત કરી રહ્યા છે.
ADVERTISEMENT
3/7
બનાસકાંઠાના ડીસા શહેરમાં વહેલી સવારે પડેલા ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારો અને ખાડિયા વિસ્તારમાં રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. શહેરના વિવિધ સ્થળોએ ઠેર-ઠેર પાણી ભરાતા સ્થાનિકોની અવરજવર પણ પ્રભાવિત થઈ હતી. વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા સામે પણ સવાલો ઊભા થયા છે, ત્યારે સ્થાનિકોમાં તંત્ર દ્વારા ઝડપી કામગીરી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
4/7
અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી ગાજવીજ સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. બાવળા, ધોળકા અને સાણંદ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો હતો. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે નીચાણવાળા સ્થળોએ પાણી ભરાઈ ગયા હતા, જ્યારે મુખ્ય માર્ગો પર પણ પાણી ભરાતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અચાનક વરસેલા વરસાદના કારણે સ્થાનિક જનજીવન પર પણ અસર જોવા મળી હતી.
ADVERTISEMENT
5/7
અરવલ્લી જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી વરસી રહેલા અનરાધાર વરસાદને પગલે નદી-નાળામાં નવા નીર આવ્યા છે. ભારે વરસાદના કારણે શામળાજીની મેશ્વો નદીમાં પાણીની આવક વધતાં નદી સીઝનમાં પ્રથમવાર બેકાંઠે વહેતી થઈ છે. મેશ્વો નદીમાં ધસમસતા પાણીના પ્રવાહને કારણે આસપાસના વિસ્તારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. નદીમાં પાણીની આવક થતાં ખેડૂતોમાં પણ આનંદની લહેર ફરી વળી છે અને આગામી ખેતી માટે પાણીની ઉપલબ્ધતાને લઈને આશા જાગી છે.
6/7
અમદાવાદમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતાં શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને પૂર્વ અમદાવાદમાં પડેલા ભારે વરસાદને પગલે જનજીવન ખોરવાયું છે. મણિનગર અને હાટકેશ્વર વિસ્તારમાં રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હાટકેશ્વરની અનેક સોસાયટીઓમાં પણ વરસાદી પાણી ઘૂસી જતાં રહિશોની મુશ્કેલીમાં વધારો થયો છે. ખોખરાથી હાટકેશ્વર તરફ જતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થતાં વાહનવ્યવહારને પણ અસર પહોંચી છે.
ADVERTISEMENT
7/7
મહીસાગર જિલ્લામાં વહેલી સવારથી જ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરતાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સંતરામપુર અને કડાણા તાલુકામાં 1-1 ઈંચ વરસાદ નોંધાયો છે, જ્યારે વીરપુરમાં અડધો ઈંચ અને લુણાવાડામાં 10 મિલીમીટર વરસાદ નોંધાયો છે. સતત વરસાદને કારણે રસ્તાઓ પર પણ પાણી ભરાતા વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ