ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ઉત્તર ગુજરાતમાં રેડ એલર્ટ, અમદાવાદમાં 40 મિનિટમાં 2 ઈંચ વરસાદ, અડધા ગુજરાતમાં વરસાદની ધબધબાટી
8 ફોટો ગેલેરી
Last Updated: 10:05 AM, 18 September 2026
1/8
ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 32 જિલ્લાના 150 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. તેમાં મોરબી જિલ્લાના માળિયા તાલુકામાં સૌથી વધુ 5 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં 3.5 ઈંચ વરસાદ, પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકામાં 3 ઈંચથી વધુ વરસાદ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકામાં 2.5 ઈંચથી વધુ વરસાદ અને મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકામાં 2.5 ઈંચ વરસાદ નોંધાયો છે.
2/8
વડોદરા શહેર અને જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. શહેર અને જિલ્લામાં વરસાદી ઝાપટાં પડ્યા છે. સાવલી નગર સહિત સમગ્ર પંથકમાં બે દિવસના વિરામ બાદ ફરી વરસાદી માહોલ સર્જાયો છે. સાવલી શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ભવાનીપુરા, સામતપુર, ગોઠડા સહિતના ગામોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. વરસાદના આગમનથી ખેડૂતોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે અને ખેતીના પાક માટે આ વરસાદ ફાયદાકારક રહેવાની ખેડૂતોને આશા છે.
ADVERTISEMENT
3/8
અમદાવાદમાં પણ શુક્રવારે સવારે સાત વાગ્યા બાદ ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. માત્ર 40 મિનિટના સમયગાળામાં શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ગોતા, ઓગણજ અને જગતપુરમાં લગભગ 2 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. સાયન્સ સિટી અને ચાંદલોડિયા વિસ્તારમાં દોઢ ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. બોડકદેવ, થલતેજ, બોપલ, ઘુમા, સરખેજ અને મકરબા સહિતના વિસ્તારોમાં એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે જોધપુર, સેટેલાઈટ, પ્રહલાદનગર, શિવરંજની, નવરંગપુરા, રાણીપ અને ચાંદખેડા સહિતના વિસ્તારોમાં પોણો ઈંચ જેટલો વરસાદ પડ્યો છે.
4/8
મહીસાગર જિલ્લામાં પણ વહેલી સવારથી વરસાદી માહોલ છવાયો છે. જિલ્લાના અનેક તાલુકાઓમાં મેઘરાજાએ હાજરી નોંધાવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. લાંબા વિરામ બાદ વરસાદ થતાં ખેડૂતોમાં પણ આશા જાગી છે. બીજી તરફ આણંદ જિલ્લામાં પણ વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. આણંદ શહેર સહિત વલ્લભ વિદ્યાનગર, કરમસદ, બાકરોલ, સંદેશર, મોજરી, લાભવેલ અને ચીખોદરા સહિતના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ અને વરસાદી ઝાપટા શરૂ થયા છે. બોરસદ, આંકલાવ અને પેટલાદ તાલુકામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. વહેલી સવારથી વરસેલા વરસાદના કારણે ગરમી અને બફારાથી લોકોને રાહત મળી છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વરસાદને પગલે ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે.
ADVERTISEMENT
5/8
બનાસકાંઠા જિલ્લા મથક પાલનપુરમાં સામાન્ય વરસાદમાં જ જૂના બસ સ્ટેન્ડ વિસ્તાર પાણી પાણી થઈ ગયો હતો. જૂના બસ સ્ટેન્ડના જાહેર રસ્તાઓ પર વરસાદી પાણી ભરાઈ જતાં વાહનચાલકો અને રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ખાસ કરીને બસ સ્ટેન્ડમાં પ્રવેશવાના મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં મુસાફરોને મુશ્કેલી પડી હતી. બસની રાહ જોતા મુસાફરોને પાણીમાંથી પસાર થવાની ફરજ પડી હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી સામાન્ય વરસાદમાં પણ અહીં પાણી ભરાઈ જાય છે. જેના કારણે મુસાફરો અને વેપારીઓ પરેશાન થાય છે. સ્થાનિકોએ તંત્ર દ્વારા પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરી છે.
6/8
વિસનગર શહેરમાં પણ આજે વહેલી સવારથી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. સવારથી સતત વરસી રહેલા વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. વરસાદના કારણે શાળાએ જતા વિદ્યાર્થીઓ તેમજ નોકરી-ધંધે જતા લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
ADVERTISEMENT
7/8
હવામાન વિભાગની આગાહીના પગલે શુક્રવારે વહેલી સવારથી જ નવસારી શહેરમાં વરસાદી વાતાવરણ છવાયું હતું. જેના કારણે લાંબા સમય બાદ નગરજનોએ ફરી ઠંડકનો અનુભવ કર્યો હતો. વાવ-થરાદ જિલ્લામાં પણ લાંબા વિરામ બાદ મેઘરાજાએ ફરી મહેર કરી છે. રાત્રિના સમયે વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ વરસ્યા બાદ વહેલી સવારથી પણ અનેક વિસ્તારોમાં ઝરમર વરસાદ ચાલુ રહ્યો હતો. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. બીજી તરફ મગફળી, બાજરી અને જુવાર સહિતના પાકને રાહત મળવાની આશાએ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જોકે, જિલ્લામાં હજુ પણ સારા વરસાદની અછત હોવાથી ખેડૂતો વધુ વરસાદની રાહ જોઈ રહ્યા છે.
8/8
હવામાન વિભાગે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને અરવલ્લી જિલ્લામાં રેડ વોર્નિંગ આપી છે. આ જિલ્લાઓમાં ભારે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે સવાર સુધીમાં આ વિસ્તારોમાં સામાન્ય વાવાઝોડા અને ગાજવીજ સાથે વરસાદની આગાહી આપવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે 11 જિલ્લામાં સવાર માટે ઓરેન્જ વોર્નિંગ પણ આપવામાં આવી છે. જેમાં અમદાવાદ, આણંદ, અરવલ્લી, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહેસાણા, મહીસાગર, પંચમહાલ, સાબરકાંઠા અને વડોદરાનો સમાવેશ થાય છે. આ જિલ્લાઓમાં વાવાઝોડાં અને તેજ પવન સાથે વીજળી પડવાની શક્યતા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ