ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / અમદાવાદ સહિત 10 જિલ્લામાં વરસાદ, રાજકોટ-મહીસાગરના ખેડૂતોને રાહત, બહુચરાજીમાં 84 MM વરસાદથી અંડરપાસ પાણીમાં
11 ફોટો ગેલેરી
Last Updated: 10:44 AM, 14 September 2026
1/11
ગુજરાતના અનેક વિસ્તારોમાં ફરી મેઘમહેર જોવા મળી રહી છે. અમદાવાદ શહેરથી લઈને રાજકોટ, મહીસાગર, જૂનાગઢ, પાટણ, અરવલ્લી, વડોદરા, ગીર સોમનાથ અને મહેસાણા જિલ્લામાં વરસાદ વરસ્યો છે. ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. મગફળી, કપાસ, સોયાબીન, મકાઈ, એરંડા, બાજરી અને કઠોળ સહિતના પાકને વરસાદથી ફાયદો થવાની આશા છે. બીજી તરફ ભારે વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે અને મહેસાણાના બહુચરાજીમાં વર્ષો જૂની પાણી ભરાવાની સમસ્યા ફરી સામે આવી છે.
2/11
અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ વરસાદની શરૂઆત થઈ છે. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. સેટેલાઈટ, મેઘાણીનગર અને મણીનગરમાં વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત શાહીબાગ, આંબાવાડી અને આંબલીમાં પણ વરસાદ વરસ્યો છે. પાલડી, વિરાટનગર અને સીટીએમ વિસ્તારમાં વરસાદ પડ્યો છે. થલતેજ, ગોતા અને ચાંદલોડિયા સહિતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. ઘાટલોડિયા, પ્રહલાદનગર અને શિવરંજની વિસ્તારમાં પણ વરસાદ શરૂ થતાં શહેરનું વાતાવરણ બદલાઈ ગયું છે.
ADVERTISEMENT
3/11
રાજકોટમાં પણ વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો છે. શહેરમાં સતત ત્રીજા દિવસે ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. લાંબા સમય બાદ રાજકોટ શહેર અને જિલ્લામાં વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં રાહત જોવા મળી છે. વરસાદ પાછો ખેંચાતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી હતી, પરંતુ હવે ફરી વરસાદ થતાં મગફળી, કપાસ સહિતના પાકોને જીવનદાન મળશે તેવી આશા ખેડૂતોમાં જાગી છે.
4/11
મહીસાગર જિલ્લામાં પણ વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. લુણાવાડા તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી વરસાદી મેઘમહેર થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. ઉભો પાક સુકાવાની તૈયારીમાં હતો ત્યારે વરસાદ પડતાં પાકને જાણે જીવતદાન મળ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. વરસાદથી ખેડૂતોને હવે પાક બચવાની આશા બંધાઈ છે.
ADVERTISEMENT
5/11
જૂનાગઢ જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. વહેલી સવારે જ વરસાદ શરૂ થયો હતો. ખાસ કરીને માળીયા હાટીના પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે. માળીયા હાટીના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડતાં રોડ-રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા છે. લાંબા સમય બાદ વરસાદનું આગમન થતાં સ્થાનિકોમાં પણ રાહત જોવા મળી રહી છે.
6/11
પાટણ શહેરમાં વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો છે. આકાશમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે મેઘાનું આગમન થયું છે. પાટણ, રૂની, હાજીપુર, ગોલાપુર અને અનાવાડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસ્યો છે. કાગડોળે મેઘરાજાની રાહ જોઈ રહેલા ધરતીપુત્રો માટે આ વરસાદ કાચા સોના સમાન બન્યો છે. વરસાદ વગર સુકાઈ રહેલા ખેડૂતોના કપાસ, એરંડા, બાજરી તેમજ કઠોળના પાકને હવે જીવતદાન મળશે તેવી આશા છે.
ADVERTISEMENT
7/11
અરવલ્લી જિલ્લામાં રાત્રિના સમયે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. સાઠંબામાં દોઢ ઇંચ જ્યારે મોડાસા શહેરમાં એક ઇંચ વરસાદ નોંધાયો છે. વરસાદ વરસતા ખેતીના પાકને ફાયદો થશે, જેને લઈને ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. મેઘરજ, બાયડ, ભિલોડા, શામળાજી, ધનસુરા અને માલપુર સહિતના તાલુકાઓમાં પણ વરસાદ વરસ્યો છે. લાંબા સમય બાદ વરસાદ થતાં ખેડૂતોને પાક બચવાની આશા જાગી છે.
8/11
વડોદરા શહેરમાં પણ વરસાદની શરૂઆત થઈ છે. લાંબા વિરામ બાદ શહેરમાં વરસાદનું આગમન થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. અલકાપુરી, છાણી, સયાજીગંજ અને રાવપુરામાં વરસાદ પડ્યો છે. ફતેગંજ, નિઝામપુરા અને આજવા રોડ વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો છે. આકાશ વાદળોથી ઘેરાતા શહેરમાં અંધારપટ છવાઈ ગયો હતો. વરસાદ આવતા વાતાવરણ ઠંડુગાર બન્યું છે અને લોકોને ગરમીમાંથી રાહત મળી છે.
ADVERTISEMENT
9/11
અરવલ્લીના મેઘરજ નગરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. બેડજ, બાંઠીવાડા અને વાસણા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘમહેર જોવા મળી છે. ધોધમાર વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. મગફળી, સોયાબીન અને મકાઈ સહિતના ખેતીના પાકને વરસાદથી ફાયદો થશે. પાક માટે વરસાદ જરૂરી હોવાથી મેઘરજ પંથકના ખેડૂતોમાં રાહત જોવા મળી છે.
10/11
ગીર સોમનાથ જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. વેરાવળ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. વહેલી સવારથી જ વરસાદ શરૂ થતાં અનેક વિસ્તારોમાં વાતાવરણ ખુશનુમા બન્યું છે. લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. વરસાદથી ખેતીના પાકને ફાયદો થવાની આશા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.
ADVERTISEMENT
11/11
મહેસાણા જિલ્લામાં રાત્રિ દરમિયાન સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. જિલ્લામાં સૌથી વધુ 84 એમએમ વરસાદ બહુચરાજીમાં નોંધાયો છે. જોકે, વરસાદ સાથે બહુચરાજીમાં વર્ષો જૂની પાણી ભરાવાની સમસ્યા ફરી સામે આવી છે. બહુચરાજીમાં શંખલપુર અંડરપાસમાં પાણી ભરાઈ જતાં વાહનચાલકો અને સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ વાત એ છે કે બહુચરાજીની આ સમસ્યા વર્ષોથી યથાવત છે. પાણીના નિકાલ માટે યોગ્ય ડ્રેનેજ સિસ્ટમ જ ન હોવાથી વરસાદ પડતાં અંડરપાસ સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે. એક તરફ વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે, તો બીજી તરફ શહેરમાં પાણીના નિકાલની વ્યવસ્થા સામે સવાલો ઉભા થયા છે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ