બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / VTV વિશેષ / રાજ્ય સરકારના કર્મચારીઓ રજાના દિવસે કામ કરશે! બીજી તરફ સરકારના ઘણા વિભાગો અપૂરતા સ્ટાફથી પરેશાન, ભરતીઓની જોવાતી રાહ

Inside Story / રાજ્ય સરકારના કર્મચારીઓ રજાના દિવસે કામ કરશે! બીજી તરફ સરકારના ઘણા વિભાગો અપૂરતા સ્ટાફથી પરેશાન, ભરતીઓની જોવાતી રાહ

Gautam Purohit

Last Updated: 11:37 AM, 30 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જનતા એકતરફ GST દરોમાં ઘટાડાનો ઉત્સવ ઉજવી રહી છે ત્યારે GIDCએ પ્લોટ ફાળવણી મોંઘી કરી, સરકારે ફોરેસ્ટ પોલિસી તો ન બનાવી પણ ફોરેસ્ટ હેલ્થ સોઇલ કાર્ડ તૈયાર કરી દીધાં, નિવૃત્ત અધિકારીને એક્સટેન્શનથી બમણું નુક્સાન

ઇમ્પેક્ટ ફી એ દરવાજા ખોલ્યા, ફાયર કાયદાએ બંધ કર્યા

ગુજરાતમાં અનધિકૃત બાંધકામોને નિયમિત કરવા માટે ઇમ્પેક્ટ ફીનો કાયદો લાવવામાં આવ્યો છે અને તેની મુદ્દત ચાર વખત વધારવામાં આવી છે તેવા સંજોગોમાં સરકારના બે કાયદાઓ વચ્ચે અરજદારો પિસાઇ રહ્યાં છે. ઇમ્પેક્ટ ફી માં રેસિડેન્સિયલ પ્રોપર્ટીમાં બહુ વાંધો આવતો નથી, પરંતુ કોમર્શિયલ પ્રોપર્ટીમાં ઇમ્પેક્ટ ફીનો કાયદાનો લાભ લીધો હોવા છતાં ફાયર NOC મળતી નથી. ફાયરની વ્યાખ્યામાં જે તે મિલકત અનફિટ જણાય છે, તેથી કોમર્શિયલ પ્રોપર્ટીના માલિકો દ્વિધામાં ફસાયા છે. ઇમ્પેક્ટ ફી માં નિયમિત થયું હોવાનું સર્ટિફિકેટ તો મળી જાય છે પરંતુ ફાયર NOC મળતું નથી. બાંધકામ નિયમિત કરવા આવેલી કુલ અરજીઓમાં માત્ર 15 ટકા કોમર્શિયલ ઇમારતને ફાયર NOC મળે છે. રાજકોટમાં ગેમ ઝોનના અગ્નિકાંડ બાદ ફાયર NOCના નિયમોનો ચૂસ્ત અમલ કરવામાં આવી રહ્યો હોવાથી રાજ્યના શહેરોમાં ઇમ્પેક્ટ ફી ભરીને ઇમારતને નિયમિત કરાવનારા માલિકો ફાયરના કાયદામાં ફસાયા છે. ગુજરાતમાં આવી એક વિચિત્ર ઘટનાએ આકાર લીધો છે.

અપૂરતા સ્ટાફથી પરેશાન સરકારની ધીમી ગતિએ ભરતી

રાજ્ય સરકારના ઘણાં વિભાગો અપૂરતા સ્ટાફથી પીડાઇ રહ્યાં છે, ત્યારે સરકારે એક પછી એક વિભાગમાં નવી ભરતીઓ શરૂ કરી છે. પહેલાં ગૃહ વિભાગ પછી હવે મહેસૂલ વિભાગમાં ભરતી જાહેર કરવામાં આવી છે. સામાન્ય રીતે વિભાગોમાં વર્ગ-3 અને વર્ગ-3ના અધિકારીઓની મોટી સંખ્યામાં તંગી પ્રવર્તી રહી છે. એક વર્ષ પહેલાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે ગૃહ વિભાગમાં 14,820 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. જો કે પ્રાપ્ત આંકડા પ્રમાણે અંદાજે એક લાખ જેટલા મહેકમ સામે 25 હજારથી વધુ જગ્યાઓ ખાલી પડી છે. રાજ્યમાં વધતી જતી વસતી સામે પોલીસ ફોર્સ ખૂબ ઓછી પડી રહી હોવાથી રાજ્ય સરકારે હાલ તો ખાલી જગ્યાઓ પૂરવા માટેના પ્રયાસ શરૂ કર્યા છે. મહેસૂલ વિભાગમાં પહેલાં તલાટીની ખાલી જગ્યાઓ ભરવામાં આવી છે અને હવે મામલતદાર વર્ગ-3ની 5500થી વધુ જગ્યાઓ ભરવાની મંજૂરી આપવામાં આવી છે. જો કે રાજ્યના મહત્વના વિભાગો જેવાં કે આરોગ્ય, શહેરી વિકાસ, પંચાયત, શિક્ષણ, માર્ગ-મકાન, શ્રમ, ઉદ્યોગ અને ઉર્જા વિભાગમાં વર્ગ-2 અને વર્ગ-3ના કર્મચારીઓની મોટી સંખ્યામાં તંગી વર્તાઇ રહી છે.

અઢી વર્ષ પછી ગુજરાતમાં GIDCના પ્લોટ મોંઘા બન્યાં

ગુજરાતની જનતા તહેવારોની મોસમ દરમ્યાન GSTના દરોમાં થયેલા ઘટાડાનો ભરપૂર લાભ લઇ રહી છે, ત્યારે રાજ્ય સરકારે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GIDC) દ્વારા ફાળવવામાં આવતા પ્લોટના ફાળવણી દરોમાં 10 થી 15 ટકા સુધીનો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. રાજ્યની 234 એસ્ટેટમાં આ દરો અમલમાં આવી ગયા છે. જો કે બહુમાળી શેડના ફાળવણી દર યથાવત્ રાખવામાં આવ્યા છે. નિગમના વાઇસ ચેરપર્સન અને મેનેજિંગ ડિરેક્ટર પ્રવિણા ડીકે એ જણાવ્યું હતું કે રાજ્યની જે ઔદ્યોગિક વસાહતોમાં હજી સુધી માળખાગત સુવિધાઓનું કામ પૂર્ણ થયું નથી ત્યાં નવો દર વધારો લાગુ કરવામાં આવ્યો નથી. રાજ્યમાં આવી સાત વસાહતો આવેલી છે, કે જ્યાં ફાળવણીના નવા દરો લાગુ કરવામાં આવ્યા નથી. સામાન્ય રીતે 1લી એપ્રિલથી અમલમાં આવે તે રીતે દર વધારો જાહેર થતો હોય છે, પરંતુ આ વખતે નાણાકીય વર્ષના મધ્યભાગમાં જાહેર થયો છે. ગુજરાતમાં હાલની સ્થિતિએ કુલ 239 ઔદ્યોગિક વસાહતો આવેલી છે જેમાં 70 હજાર કરતાં વધુ ઇન્વેસ્ટર્સ છે અને કુલ 41 હજાર હેક્ટર જમીનનો વપરાશ થયો છે.

app promo3

ફોરેસ્ટ પોલિસી ન બની પણ ફોરેસ્ટ સોઇલ હેલ્થ કાર્ડ તૈયાર

ગુજરાત સરકાર ભલે ફોરેસ્ટ પોલિસીની રચના કરવામાં નિષ્ફળ ગઇ હોય પરંતુ કેન્દ્ર સરકારની એક યોજના ફોરેસ્ટ સોઇલ હેલ્થ કાર્ડના પ્રોજેક્ટમાં સફળ રહી છે. સામાન્ય રીતે ગુજરાત ઉપરાંત રાજસ્થાન અને દાદરા નગર હવેલીમાં ફોરેસ્ટ સોઇલ હેલ્થ કાર્ડનો પ્રોજેક્ટ ત્રણ વર્ષ પહેલાં શરૂ કરવામાં આવ્યો હતો. રાજ્યના અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ધ ફોરેસ્ટ ફોર્સના ડો. એપી સિંઘે કહ્યું છે કે, “રાજ્યના જંગલ વિસ્તારોમાં 444 સ્થાન પરથી ત્રણ અલગ અલગ ઉંડાઇએ 1215 જેટલા માટીના નમૂના લઇને પૃથ્થકરણ પછી 28 ટેરિટરી ડિવિઝનમાં કાર્ડ તૈયાર કરવામાં આવ્યા છે, પરિણામે હવે જે વિસ્તારમાં જેવી જમીન હશે તેવું વૃક્ષારોપણ કરાશે કે જેથી વૃક્ષના રોપાઓ નિષ્ફળ થતાં અટકશે. કેન્દ્ર સરકારના કેમ્પા ફંડ હેઠળ આ શક્ય બન્યું છે.” ઉલ્લેખનીય છે કે ધોલેરામાં વન વિભાગે તાજેતરમાં મિયાવાકી વનનું નિર્માણ કર્યું છે જેમાં આ વિસ્તારની માટી લઇ કેવા પ્રકારના વૃક્ષો ઉછરી શકે તેમ છે તેનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ફોરેસ્ટ સોઇલ હેલ્થ કાર્ડ દહેરાદૂન સ્થિત ઇન્ડિયન કાઉન્સિલ ઓફ ફોરેસ્ટ રિસર્ચ એન્ડ એજ્યુકેશન સંસ્થા દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે.

નિવૃત્ત અધિકારીને એક્સટેન્શનથી બમણું નુકસાન

સરકારના સંખ્યાબંધ વિભાગો કે જ્યાં ઇજનેરી અધિકારીની આવશ્યકતા હોય છે છતાં મહત્વના પદ ખાલી પડી રહ્યાં છે પરંતુ તેમાં નિયમિત ભરતી થતી નહીં હોવાની ફરિયાદ રાજ્યના કર્મચારી મંડળો છેલ્લા કેટલાક વર્ષોથી કરી રહ્યાં છે. માર્ગ-મકાન, સિંચાઇ, જળસંપત્તિ અને પાણી પુરવઠા સહિત અનેક સરકારી વિભાગો એવાં છે કે જેમાં વિવિધ ફેકલ્ટીના એન્જિનિયરોની જરૂરિયાત રહેતી હોય છે. શૈક્ષણિક સંસ્થાઓમાંથી સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક-કોમ્યુનિકેશન, આઇટી, કેમિકલ, એરોસ્પેસ સહિતના એન્જિનિયરો ગ્રેજ્યુએશન બહાર પડે છે અને એન્જિનિયરોની એક મોટી ફોજ બેકાર છે અથવા તો પ્રાઇવેટ કંપનીઓમાં સસ્તા પગારે ગુજરાન ચલાવે છે. બીજી તરફ સરકારમાં ઇજનેરોની સંખ્યા મોટા પ્રમાણમાં ખાલી જોવા મળે છે. આ સંજોગોમાં સરકાર એક્સટેન્શન કે કોન્ટ્રાક્ટ પદ્ધતિનો સહારો લેતી હોય છે. તાજેતરમાં જ જળ સંપત્તિ વિભાગના સચિવ નિવૃત્ત થયા છે પરંતુ તેમને એક વર્ષનું એક્સટેન્શન આપી દેવામાં આવ્યું છે. જો આ જગ્યા પ્રમોશનથી ભરવામાં આવી હોત તો સરકારના કોઇ સિનિયર ઇજનેરને ફાયદો થવાનો હતો. એક સિનિયર ઇજનેર કહે છે કે “જ્યાં સુધી સરકારમાં એક્સટેન્શનની પ્રથા ચાલશે ત્યાં સુધી પ્રમોશન ઇચ્છુક અધિકારીને અન્યાય અને બેકારોને સરકારી નોકરી મેળવવામાં વિલંબ થતો રહેશે.”

સરકારી અધિકારીઓ, કર્મચારીઓ રજાના દિવસે કામ કરશે

બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ 2006 પ્રમાણે એક લાખનો દંડ અને બે વર્ષની જેલની સજાની જોગવાઇ હોવા છતાં ગુજરાતમાં બાળલગ્નો થઇ રહ્યાં છે. દેશમાં સૌથી વધુ બાળલગ્ન થતાં હોય તેવા રાજ્યો પશ્ચિમબંગાળ અને ઝારખંડ છે. છેલ્લા ત્રણ વર્ષમાં દેશના રાજ્યોમાં 3000 જેટલા બાળલગ્નો પકડાયા છે જે પૈકી ગુજરાતમાં 35 જેટલા છે. સ્વૈચ્છિક સંસ્થાઓના એક ડેટા પ્રમાણે દેશમાં એક વર્ષમાં 1.22 લાખથી વધુ બાળલગ્ન રોકવામાં આવ્યા છે. જો કે નહીં પકડાયેલા કેસોની સંખ્યા ખૂબ ઉંચી છે. આ દૂષણને અટકાવવા રાજ્યના ઘણાં જિલ્લાઓમાં હેલ્પલાઇન નંબર જાહેર કરવા પડ્યા છે અને ગ્રામસભાઓમાં આ મુદ્દાને અગ્રેસર માનવામાં આવી રહ્યો છે. રાજ્યના ગ્રામ વિકાસ વિભાગના બે IASના માર્ગદર્શનમાં 2જી ઓક્ટોબરે રાજ્યના તમામ ગામડાઓમાં ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બાળ વિવાહ મુક્ત ગુજરાત અભિયાન પર ભાર મૂકવામાં આવ્યો છે. આશ્ચર્ય એ બાબતનું છે કે 2જી ઓક્ટોબરે ગાંધી જ્યંતિ અને દશેરાની બેવડી રજા છે છતાં કર્મચારીઓને ગ્રામસભામાં હાજરી આપવા ફરમાન કરવામાં આવ્યું છે તેથી પંચાયત વિભાગના અધિકારી અને કર્મચારીઓમાં કચવાટ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો : 16 વર્ષે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના કમિશનર બદલાયા, હવે નવા વિજિલન્સ કમિશનર કોણ તેના પર પણ નજર

ઇલેક્ટ્રિક વાહનો ખરીદવામાં ગુજરાતના પારોઠનાં પગલાં

સમગ્ર દેશમાં અત્યારે ઇલેક્ટ્રિક વાહનોની બોલબાલા છે ત્યારે ગુજરાત પારોઠના પગલાં ભરી રહી છે. ઇવી પોલિસીના મર્યાદિત લાભને કારણે ગ્રાહકો પાછા પેટ્રોલ-ડીઝલ વાહનો તરફ વળ્યાં છે. કેન્દ્ર સરકારની વ્હિકલ સ્ક્રેપ પોલિસીમાં પણ ગુજરાત ઉણું ઉતરી રહ્યું છે. છેલ્લા આંકડા પ્રમાણે આખા દેશમાં અત્યાર સુધી 2.76 લાખ જૂના વાહનો સ્ક્રેપ થયાં છે તેમાં સૌથી વધુ 1.21 લાખ વાહનો સાથે ઉત્તરપ્રદેશ ટોચક્રમે છે, જ્યારે ગુજરાત 15400 સાથે પાંચમાક્મે આવે છે. ગુજરાત કરતાં હરિયાણાની સ્થિતિ વધારે મજૂબત છે, જ્યાં 39000 વાહનો સ્ક્રેપ થયાં છે. મહારાષ્ટ્રમાં પણ 19300નો આંકડો છે. ગુજરાતમાં જૂના અને ભંગાર વાહનો હજી પણ સરકારી કચેરીઓમાં ફરી રહ્યાં છે. સરકારે જ્યારે ઇવી પોલિસીની જાહેરાત કરી હતી ત્યારે પાંચ વર્ષમાં 35 ટકા સરકારી વાહનો ઇવીમાં પરિવર્તિત કરવાનું કહ્યું હતું પરંતુ પાંચ ટકા વાહનો પણ ઇવીમાં ફેરવાયા નથી. વ્હિકલ સ્ક્રેપિંગ અભિયાનમાં ગુજરાત દેશમાં પછાત કક્ષાએ જોવા મળે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

unauthorized construction Gujarat Impact Fee Fire NOC
Gautam Purohit

Gautam has over 33 years of experience in print and digital media journalism with passion and dedication. With extensive experience in political and administrative reporting at Gujarat’s Secretariat and Legislative Assembly, his interests include social media, wildlife, and agriculture

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ