બ્રેકિંગ ન્યુઝ
VTV / VTV વિશેષ / 16 વર્ષે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના કમિશનર બદલાયા, હવે નવા વિજિલન્સ કમિશનર કોણ તેના પર પણ નજર
Last Updated: 11:27 AM, 22 September 2025
UPSC જેવો AI પ્રયોગ GPSCએ કરવો જોઇએ: યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) એ તાજેતરમાં યોજાયેલી NDA અને NA II અને CDS II પરીક્ષા દરમિયાન ઝડપી અને સુરક્ષિત ઉમેદવાર ચકાસણી માટે AI-આધારિત ફેશિયલ રેકગ્નિશન ટેકનોલોજીનું પરીક્ષણ કરવા માટે એક પાયલોટ પ્રોગ્રામ સફળતાપૂર્વક હાથ ધર્યો છે. નેશનલ ઈ-ગવર્નન્સ ડિવિઝન (NeGD) ના સહયોગથી હાથ ધરવામાં આવેલી આ પહેલ પરીક્ષા પ્રક્રિયાની અખંડિતતાને મજબૂત બનાવવા અને પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારો માટે પ્રવેશની સરળતા વધારવાનો પ્રયાસ કરે છે. પાયલોટ કાર્યક્રમ ગુરુગ્રામના પસંદગીના કેન્દ્રો પર હાથ ધરવામાં આવ્યો હતો, જ્યાં ઉમેદવારોના ચહેરાના ફોટા તેમના નોંધણી ફોર્મમાં સબમિટ કરેલા ફોટોગ્રાફ્સ સાથે ડિજિટલી મેચ કરવામાં આવ્યા હતા. નવી સિસ્ટમે ચકાસણીનો સમય પ્રતિ ઉમેદવાર સરેરાશ માત્ર 8-10 સેકન્ડ સુધી ઘટાડ્યો છે. પાયલોટ સ્થળોએ વિવિધ સત્રોમાં 1129 ઉમેદવારો માટે 2700 સફળ ક્રેન પૂર્ણ કરવામાં આવ્યા હતા. જો આવો પ્રયોગ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (જીપીએસસી) સહિત તમામ રાજ્યોના સર્વિસ કમિશનોમાં કરવામાં આવે તો ઉમેદવારો તેમજ પરીક્ષા પદ્ધતિને લાભ થઇ શકે તેમ છે.
ADVERTISEMENT
સચિવાલયના બ્લોક્સ અને તેના વિભાગો કોર્પોરેટ સ્ટાઇલથી સજાવવામાં આવી રહ્યાં છે પરંતુ તેના જ એક ભાગ એવા ઉદ્યોગ ભવનની હાલત મરામતના અભાવે દયામણી બની છે. ગાંધીનગરમાં 35 વર્ષ પહેલાં બનાવેલું આ ભવન અત્યારે ભંગાર હાલતમાં જોવા મળી રહ્યું છે. જીઆઇડીસીના એક ફ્લોરમાં વર્ષો પહેલાં લાગેલી આગની ઠરેલી રાખ હજીપણ યથાવત જોવા મળે છે. કોઇ કોર્પોરેટ હાઇસના પ્રતિનિધિ ઉદ્યોગ ભવનની મુલાકાત લીધા પછી બીજીવાર આવવાનું નામ લેતા નથી. ઉદ્યોગ કમિશનરેટ, જીઆઇડીસી, ઇન્ડેક્ષ્ટ-બી અને બીજી આઠ થી દસ કચેરીઓને બાદ કરતાં તમામ બ્લોક્સ અને ફ્લોર જોખમી બની રહ્યાં છે. એમડી કક્ષાના એક ઉચ્ચ અધિકારીએ તો કહ્યું હતું કે
ADVERTISEMENT
“સરકારને સચિવાલયની મરામત કરવાની જરૂર પડે છે પરંતુ 400 મીટર દૂર આવેલા આ ભૂતિયા ભવનને તોડીને નવું બનાવવાનો ખ્યાલ આવતો નથી. રાજ્યના મંત્રીઓ અને અધિકારીઓ જિલ્લા કચેરીઓની ઓચિંતી મુલાકાત લેતા હોય છે પણ વિભાગના મંત્રી કે સેક્રેટરીને તેમના તાબામાં આવેલા બોર્ડ-કોર્પોરેશનની કચેરીઓની મુલાકાત લેવાની ફુરસદ મળતી નથી.”
ADVERTISEMENT
ગુજરાતમાં ટ્રાફિક સબંધિત ગુનાઓની વ્યાખ્યામાં આવતા મોટરકારના દરવાજા ઉપર લાગેલી ડાર્ક ફિલ્મનો એક મુદ્દો હમણાં સચિવાલયમાં બહું ચગ્યો છે. RTOની માન્યતા ન હોય તેવી ડાર્ક ફિલ્મ લગાવીને કેટલાક હિત ધરાવતા તત્વો ગેરકાયદે પ્રવૃત્તિઓ આચરતા હોવાથી રાજ્યની ટ્રાફિક પોલીસે આવી ડાર્ક ફિલ્મ ઉતરાવવાની ઝૂંબેશ શરૂ કરી છે, જેની અસર રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પણ જોવા મળે છે. લોકોની સુરક્ષાના પગલાંને ધ્યાને રાખી નવરાત્રીના તહેવાર દરમ્યાન કાર ડોરના ગ્લાસમાંથી બ્લેક ફિલ્મ ઉતરાવવા માટે ગુજરાત હાઇકોર્ટેના આદેશનું પાલન કરવામાં આવી રહ્યું છે ત્યારે પોલીસની કડક કાર્યવાહીનો ભોગ કેટલાક ધારાસભ્યો અને પાર્ટીના નેતાઓ બની રહ્યાં છે પરંતુ કેબિનેટ મંત્રીઓ અને બ્યુરોક્રેસી સાથે જોડાયેલા ઉચ્ચ અધિકારીઓ આ કાર્યવાહીમાંથી એટલા માટે બાકાત રહ્યાં છે કે તેમની સરકારી ગાડીઓમાં ડાર્ક ફિલ્મ નહીં પણ કપડાંના પડદા જોવા મળે છે. એટલે કે તેઓ ટ્રાફિકના કાયદામાં ફસાતાં નથી. એક અધિકારીએ તેમના બચાવમાં કહ્યું હતું કે
“અમે અમારી સરકારી ગાડીના ડોર ગ્લાસમાં બ્લેક ફિલ્મ નહીં પણ કાપડના પડદા લગાવ્યા છે તેથી પોલીસ અમારી ગાડી રોકી શકતી નથી.”
ADVERTISEMENT
ગુજરાત સરકારે બોર્ડ-નિગમના કાયમી ધોરણે સમાવિષ્ટ થયેલા કર્મચારીઓ પૈકી સાતમા પગારપંચના અનુસંધાને લધુત્તમ પેન્શન કરતાં ઓછું પેન્શન મેળવતા એબ્સોર્બ પેન્શનરોને માસિક 9000 લધુત્તમ પેન્શન 1લી ઓક્ટોબર 2025ની અસરથી આપવાનો નિર્ણય કર્યો છે પરંતુ બોર્ડ-નિગમ કર્મચારી મંડળના પ્રમુખ પ્રવિણ સુતરિયા કહે છે કે નાણા વિભાગના આદેશમાં વિસંગતતા જોવા મળી રહી છે, કેમ કે નિવૃત્ત થયેલા અંદાજે 20 હજારથી વધુ કર્મચારીઓ પૈકી પાંચ થી સાત હજારને આ સ્કીમનો લાભ મળશે નહીં, કેમ કે તેઓ પ્રોવિડન્ડ ફંડ કમિશનર કચેરીમાં રજીસ્ટર્ડ થયેલા નથી. સરકારે બોર્ડ-નિગમના તમામ કર્મચારીઓને લધુત્તમ પેન્શનનો લાભ આપવો જોઇએ. ઉલ્લેખનીય છે કે બોર્ડ-નિગમમાંથી જે કર્મચારી નિવૃત્ત થયા હોય તેમને જો લધુત્તમ કરતાં ઓછું પેન્શન મળતું હશે તો તેઓ સુધારેલા પેન્શનના લાભાર્થી બનશે. નાણા વિભાગ કહે છે કે કેન્દ્ર સરકારે પ્રસિદ્ધ કરેલી સૂચના અનુસાર અને કર્મચારી મંડળોની મળેલી વિવિધ રજૂઆતોને અંતે લધુત્તમ પેન્શનનો આદેશ કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
ગુજરાત વિઝિલન્સ કમિશનર અને પૂર્વ આઇએએસ અધિકારી સંગીતા સિંઘ ઓક્ટોબરમાં નિવૃત્ત થઇ રહ્યાં હોવાથી રાજ્ય સરકારને તેમના અનુગામીની શોધ શરૂ કરી છે. તાજેતરમાં નિવૃત્ત થયેલા 1990ની બેચના જીએડીના પૂર્વ એડિશનલ ચીફ સેક્રેટરી કમલ દાયાણી, રાજ્યના પૂર્વ ચીફ સેક્રેટરી અને 1987 બેચના રાજકુમાર અને ટ્રાયબલ ડેવલપમેન્ટ વિભાગના 1991ની બેચના આઇએએસ અધિકારી જગદીશ પ્રસાદ ગુપ્તા ઉપર પણ નજર દોડાવવામાં આવી રહી છે. સંગીતા સિંઘ ગૃહ વિભાગમાં એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે ફરજ બજાવતા હતા પરંતુ સરકારની ગુડબુકમાં હોવાથી નિવૃત્તિના દિવસે જ 31મી ઓક્ટોબર 2020માં તેમની નિયુક્તિ વિઝિલન્સ કમિશનર તરીકે કરવામાં આવી હતી. તેઓ 1986ની બેચના આઇએએસ અધિકારી છે. મહત્વનું છે કે તેમના પતિ અને આઇએએસ અધિકારી સંજયપ્રસાદ પણ સરકારની ગુડબુકમાં હોવાથી તેઓ જ્યારે નિવૃત્ત થયા હતા ત્યારે જ સ્ટેટ ઇલેક્શન કમિશનર તરીકે તેમને નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમની નિવૃત્તિ પછી ડો. મુરલી ક્રિશ્ના આ પદ પર નિયુક્ત થયેલા છે. Sangeeta Singh 31મી ઓક્ટોબર 2025માં વિઝિલન્સ કમિશનરપદે તેમના કાર્યકાળના પાંચ વર્ષ પૂરાં કરશે
ADVERTISEMENT
ગુજરાત સરકાર ફુડ એન્ડ ડ્રગ્સના નવા કમિશનરની શોધમાં છે. હાલ તો કમિશનર ઓફ હેલ્થ (રૂરલ) ડો. રતનકંવર એચ. ગઢવીચારણને એડિશનલ ચાર્જ આપી દેવામાં આવ્યો છે પરંતુ ટૂંકસમયમાં આ મહત્વના વિભાગમાં પૂર્ણસમયના કમિશનર મૂકવાની ફરજ પડશે, કારણકે ફુડ એડલ્ટ્રેશન અને બનાવટી ડ્રગ્સના વધતા જતા કેસો વચ્ચે આ કમિસનરેટને ખૂબ સંવેદનશીલ માનવામાં આવે છે. તાજેતરમાં જ આરોગ્ય વિભાગની આ મહત્વની શાખામાં છ વખત એક્સટેન્શન મેળવી ચૂકેલા અને એક દસકાથી ફરજ બજાવતા ડો. હેમંત કોશિયાને વિદાય આપી દેવામાં આવી છે. હેમંત કોશિયા 2001 થી 2009 સુધી ફુડ એન્ડ ડ્રગ્સમાં જોઇન્ટ કમિશનર તરીકે ફરજ બજાવતા હતા. જાન્યુઆરી 2009માં તેમને કમિશનરનું પ્રમોશન આપવામાં આવ્યું હતું. એટલે કે એક જ જગ્યાએ આ અધિકારીએ 16 વર્ષ સુધી ફરજ બજાવી છે. મહત્વનું છે કે તેમના પુરોગામી કમિશનર એસપી આદેસરા 1990 થી 2007 સુધી ફરજ બજાવી હતી પરંતુ તેમના વિવાદાસ્પદ કાર્યકાળને જોતાં સરકારે તેમને બદલી નાંખ્યા હતા. આ બે અધિકારીઓએ ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં કુલ 33 વર્ષ સુધી એટલે કે સતત ત્રણ દસકા સુધી એકચક્રી શાસન ચલાવ્યું છે.
રાજયના શહેરોમાં ફેલાઇ રહેલા પ્લાસ્ટીકના પ્રદૂષણને દૂર કરવા સરકાર તમામ શહેરોમાં મટીરીયલ રિકવરી ફેસેલિટી (એમઆરએફ) સિસ્ટમ શરૂ કરવા જઇ રહી છે. રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે આ સિસ્ટમના માધ્યમથી એકત્રિત કરાયેલા સૂકા કચરાને વર્ગીકૃત કરી પ્લાસ્ટિક, કાગળ, ધાતુઓ અને કાચ જેવી રિસાયકલ કરી શકાય તેવી સામગ્રીને અલગ કરી તેને ઉત્પાદકોને વેચવા માટે તૈયાર કરવામાં આવે છે. રાજ્યના પ્રત્યેક મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે આ સુવિધા છે પરંતુ 150 નગરપાલિકા પૈકી માત્ર 32માં આ ફેસેલિટી હોવાથી તમામ શહેરી સંસ્થાઓને આ સુવિધા આપવામાં આવશે, કે જેથી પ્લાસ્ટિક સહિતના મટીરીયલ્સને રિસાયકલ કરી ઉદ્યોગોને જરૂરિયાત પ્રમાણેનો કાચો માલ આપી શકાશે. રાજ્યના તમામ શહેરોમાં એમઆરએફ સુવિધા માટે સ્ટેટ મોનિટરીંગ કમિટીની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે જીપીસીબી દ્વારા શહેરોમાં વેન્ડીંગ મશીન સ્થાપિત કરવામાં આવ્યા છે જેમાં પ્લાસ્ટિકની બોટલ નાંખવાથી કપડાંની થેલી મળે છે. આ બોટલને ક્રશ કરી તેનો પ્લાક્ટીક રોડ બનાવવામાં આવે છે.
“સફળતા માત્ર પગાર કે પુરસ્કારમાં જ નહીં પરંતુ વ્યક્તિ જે હેતુથી યોગદાન આપે છે તેનાથી મપાય છે.”
– આ વાક્ય મહેસૂલ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી ડો. જ્યંતિ રવિનું છે. ગાંધીનગર નિફ્ટ ખાતે તાજેતરમાં યોજાયેલા પદવીદાન સમારંભમાં તેમણે કહ્યું હતું કે “ડિઝાઇન ફક્ત જીવનને શણગારવા જ નહીં પણ જીવનમાં પરિવર્તન લાવવા ઉપયોગી બને છે, જે માત્ર બાહ્ય નહીં, આંતરિક ચમક ફેલાવે છે.” – તેમના મનનીય પ્રવચનમાં આ મહિલા આઇએએસ અધિકારીએ ગુરબાની, ગુરૂ ગોવિંદસિંહ તેમજ ઉપનિષદોનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે --- પ્રત્યેક સત્ય, ધર્મ, જીજ્ઞાસા અને જીવનભર કંઇક શીખવા તત્પર રહેવું જોઇએ. વાસ્તિવિક સંપત્તિ એ ભૌગિક સફળતા, સર્વાંગી વિકાસ, સહાનુભૂતિ અને કૃતજ્ઞતામાં રહેલી છે. તેમના આ પ્રવચનથી વિદ્યાર્થીઓ ઓળગોળ થઇ ગયા હતા. જ્યંતિ રવિ કહે છે કે જિજ્ઞાસા અને શ્રેષ્ઠતા ક્યારેય ગુમાવવી જોઇએ નહીં. પ્રામાણિકતા પણ એટલી જ મહત્વપૂર્ણ હોય છે. ઉલ્લેખનીય છે કે પુંડુચેરી સ્થિત Auroville Foundationમાં જ્યંતિ રવિ ત્રણ વર્ષ માટે સેક્રેટરી પદે એપોઇન્ટ થયા હતા. આ જગ્યાએ તેમણે તેમના આધ્યાત્મિક જ્ઞાનનું વિસ્તરણ કર્યું હતું. જો કે આજેપણ તેઓ આ જગ્યાનો એડિશનલ ચાર્જ સંભાળી રહ્યાં છે.
ભારતના કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (કેગ) ના છેલ્લા રજૂ થયેલા રિપોર્ટમાં સરકારની નાણાકીય અશિસ્ત અને મિસમેનેજમેન્ટ અંગે રજૂ કરવામાં આવેલી ટિપ્પણી પછી ચોંકી ઉઠેલી સરકારે વિભાગો અને ખાસ કરીને નાણા વિભાગને ચેતવણી આપવાની તૈયારી શરૂ કરી હોવાનું જાણવા મળે છે. કેટલીક ગ્રાન્ટમાં જરૂર કરતાં વધુ ખર્ચ, એકાઉન્ટીંગની પ્રવૃત્તિમાં બેજવાબદારી, બજેટની જોગવાઇ સામે અપૂરતો ખર્ચ અને લોનના વ્યાજની ચૂકવણીમાં નિષ્ફળતા સહિતના મુદ્દે અધિકારીઓના પાઠ લેવાય તેવી સંભાવના છે. રાજ્યની આર્થિક સ્થિતિ ફુલગુલાબી હોવાનું ચિત્ર ઉપસાવતા અધિકારીઓ સામે કડક હાથે કામ લેવાય અથવા તો કેટલાક અધિકારીઓના વિભાગો બદલવામાં આવે તેવી શક્યતા જોવાઇ રહી છે. નાણા વિભાગના ટોચના અધિકારીએ કહ્યું હતું કે
“સીએજીનો રિપોર્ટ વિધાનસભામાં તો ચર્ચાતો નથી પરંતુ તે જાહેર થયા પછી તેનો સમયાંતરે અભ્યાસ કરી સુધારા સૂચવતી હોય છે. ઓડિટ સંસ્થા તરફથી થયેલી ટીકાનો ખુલાસો કરવામાં આવે છે અને ભલામણો સ્વિકારીને તેનો અમલ પણ કરવામાં આવતો હોય છે.”
સંકળાયેલા મુદ્દાઓ
Gautam has over 33 years of experience in print and digital media journalism with passion and dedication. With extensive experience in political and administrative reporting at Gujarat’s Secretariat and Legislative Assembly, his interests include social media, wildlife, and agriculture
વધુ વાંચો
ઉત્તરાયણ સ્પેશ્યલ / ભલે આજે ઉત્તરાયણ છે, પરંતુ ગુજરાતના આ નગરમાં પતંગ નહીં ચગે, ઉજવાશે આ દિવસે
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.