બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / અમદાવાદના સમાચાર / ધારાસભ્યો સીવડાવી રહ્યા છે નવા ઝભ્ભા, મંત્રીપદના શપથ લેવાની તૈયારી શરૂ!

સંજય દ્રષ્ટિ / ધારાસભ્યો સીવડાવી રહ્યા છે નવા ઝભ્ભા, મંત્રીપદના શપથ લેવાની તૈયારી શરૂ!

Published By: Sanjay Vibhakar

Last Updated: 10:14 AM, 18 March 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Politics : કોંગ્રેસ છોડી ભાજપનો ખેસ ધારણ કરનાર ધારાસભ્યોને આવી મંત્રી બનવાની ઉતાવળ, તો ફરી એકવાર પ્રદેશ ભાજપ પ્રમુખના નામને લઈને ચર્ચાઓ શરૂ. ભાજપના ધારાસભ્યને એય ખબર નથી કે સરકારી યોજનાના ફોર્મ ક્યાંથી મળશે!

ભેંસ ભાગોળે, છાશ છાગોળેની જેમ...

છેલ્લા ઘણા સમયથી ગુજરાતના મંત્રીમંડળના વિસ્તરણની વાતો ચાલી રહી છે. તાજતેરમાં જ અન્ય રાજ્યોની ચૂંટણી, પેટા ચૂંટણી, ગુજરાતમાં પાલિકા-પંચાયતોની ચૂંટણી. વડાપ્રધાનનો વિદેશ પ્રવાસ વગેરે સહિતની મહત્વની તમામ ઈવેન્ટ્સ પૂરી થઈ ગયા છે. અત્યારે હવે વિધાનસભાનુ બજેટ સત્ર ચાલી રહ્યુ છે. જે પણ 28મી માર્ચે પૂર્ણ થવાનુ છે. ત્યાર બાદ રાજ્યમાં કે અન્ય કોઈ રાજ્યોમાં કોઈ ખાસ મહત્વની ઈવેન્ટ થવાની નથી. જેને લઈને હવે મંત્રીમંડળનું વિસ્તરણ ટૂંક સમયમાં જ થશે એવી ચર્ચા શરૂ થઈ છે. જો કે, આ વખતની ચર્ચામાં તથ્ય હોવાનુ દેખાઈ રહ્યુ છે. કેમકે ગુજરાત સરકારને બે વર્ષ પૂરા થઈ ગયા છે. હાલમાં ખુદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પાસે જ શહેરી વિકાસ, મહેસુલ સહિતના ખુબજ મહત્વના ખાતાઓ સહિત એક ડઝન જેટલા ડિપાર્ટમેન્ટો છે. આ જ રીતે અન્ય કેટલાક મંત્રીઓ પાસે પણ બેથી વધુ ખાતાઓ છે. જેને લઈને વિકાસના કામોમાં ઝડપ આવી શકતી નથી. ઉપરાંત મંત્રીપદ અપાશે એવું વચન આપીને કોંગ્રેસમાંથી અમુક ધારાસભ્યોને ભાજપમાં લવાયા હતા. હવે તેઓની ધીરજ પણ ખટી છે. તેઓના દિલ્હીના આંટાફેરા પણ વધી ગયા છે. આ બધી સ્થિતિ જોતા હવે મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા મજબુત બની છે. બજેટ સત્ર પૂર્ણ થયા બાદ એટલે કે એપ્રિલ મહિનાના બીજા અઠવાડિયા સુધીમાં જ મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે. આવી વાત બહાર આવ્યા બાદ જે ધારાસભ્યોને મંત્રીપદ મળશે એવી આશા છે તેઓએ મંત્રીપદના શપથ લેવાની તૈયારી પણ શરુ કરી દીધી છે. તેઓએ પોતાના વિશ્વાસુઓને પણ આ વાત કહી દીધી છે. કેટલાકે કે નવા ઝભ્ભા પણ સીવડાવવા નાખી દીધા છે.

ઉ.ગુજરાત કે સૌરાષ્ટ્રથી OBC ધારસભ્ય, સાંસદ બની શકે નવા પ્રદેશ પ્રમુખ

ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખની નિયુક્તિનો તખ્તો તૈયાર થઈ ગયો છે. આ અગાઉ શહેર અને જીલ્લા તથા તાલુકામાં પ્રમુખોના નામોની જાહેરાત કરી દેવાઈ હતી. અમદાવાદ સહિતના અમુક શહેરમાં હજુ શહેર પ્રમુખની નિમણૂક બાકી છે. હોળાષ્ટક પૂર્ણ થઈ ગયું છે. આથી હવે ગમે તે ક્ષણે ગુજરાત ભાજપને તેના નવા પ્રમુખ મળી જશે. આ નવા પ્રમુખ કોણ હોઈ શકે છે તે અંગે પણ અનેક નામો ચર્ચામાં આવ્યા છે. છેલ્લું નામ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું આવ્યુ છે. કેમ કે તેઓએ ભૂતકાળમાં આ જવાબદારી સંભાળી હતી. ઉપરાંત તેમને સરકારના કામકાજનો પણ ખાસ્સો અનુભવ છે. પરંતુ ભૂતકાળમાં અનેક વખત એવું બન્યુ છે કે, મંત્રી અથવા તો કોઈ હોદ્દેદાર માટે જે નામો ચર્ચામાં હોય તે નામોમાંથી કોઈ નામ પર મંજૂરીની મહોર લાગતી નથી પણ તદન જુદું જ નામ આવતુ હોય છે. જેથી આ વખતે પણ પ્રમુખની પસંદગીમાં છેલ્લા છ મહિનાથી જે પણ નામો ચર્ચામાં છે તેની બાદબાકી કરી દેવામાં આવે એવી પૂરી શક્યતાઓ છે. બીજી બાજુ વાસ્તવિકતા એ પણ છે કે, પ્રમુખની નિયક્તિમાં જ્ઞાતિ-જાતિ અને વિસ્તારને આ વખતે પણ ધ્યાનમાં લેવાશે. જેને આધારે એવું અનુમાન કરી શકાય છે કે, સૌરાષ્ટ્ર અથવા તો ઉત્તર ગુજરાતમાંથી કોઈ ઓબીસી નેતાને પ્રમુખની જવાબદારી સોંપી શકાય છે. મુખ્યમંત્રી પાટીદાર હોવાથી કોઈ પાટીદારને બીજુ મહત્વનું પદ નહી મળે. ભુતકાળમાં જીતુ વાઘાણી, રૂપાણી અને પાટીલને આ જવાબદારી સોંપાઈ હતી. તેઓ ધારાસભ્ય અથવા તો સાંસદ છે રાષ્ટ્રીય પ્રમુખમાં પણ સાંસદ અમિત શાહને અને બાદમાં જે. પી. નડ્ડાને પ્રમુખ બનાવાયા હતા તેઓ પણ સાંસદ છે. આમ, ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ પણ કોઈ ધારાસભ્ય અને સાંસદ જ હોઈ શકે છે.

સરકારી યોજનાના ફોર્મ ક્યાં મળશે? ધારાસભ્યે છેક વિધાનસભામાં કર્યો આવો સવાલ

હાલમાં ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યુ છે. જેમાં પ્રશ્નોતરીકાળ દરમિયાન ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યોને પોતાના વિસ્તારની સમસ્યાઓ કે પ્રશ્નોની રજૂઆત કરવાની છૂટ મળતી હોય છે. વિધાનસભાની સમગ્ર કાર્યવાહીમાં પ્રશ્નોતરી સૌથી મહત્વની ગણવામાં આવે છે. કેમ કે આ એક એવું પ્લેટફોર્મ છે કે જ્યાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ પ્રજાના પ્રશ્નોને વાચા આપી સરકારનું ધ્યાન દોરી શકે છે. પરંતુ ભાજપના ધારાસભ્યો જે રીતે પ્રશ્નો પૂછી રહ્યા છે તે જોતા તો તેઓ પોતાના મતદારોનુ ઘોર અપમાન કરતા હોય તેવુ લાગી રહ્યુ છે. મોટાભાગના ધારાસભ્યો સરકારી યોજનાના સંદર્ભમાં પ્રશ્નો પૂછે છે. જેમે કે કોઈ સરાકારી યોજના કે સ્કીમ હોય તો તેના ફોર્મ ક્યાંથી મળશે, તેનો લાભ લેવા માટે શું કરવું, યોજાની વિગતો શું છે.. વગેરે જેવા સામ સામાન્ય પ્રશ્નો પૂછીને ગૃહનો કિંમતી સમય બગાડી રહ્યા છે. વાસ્તવમાં તો તમામ સરકારી સ્કીમો,યોજનાઓની માહિતી ઈન્ટરનેટ ઉપર છે જ. ઉપરાંત ધારાસભ્યો પાસે તો આવી બધી માહિતી મોઢે જ હોવી જોઈએ. આમ છત્તા તેઓ આવા પ્રશ્નો કેમ પૂછે છે તે સંદર્ભમાં વિધાનસભામાં કોંગ્રેસના અને ખુબ ભાજપના જ ધારાસભ્યો એવી ચર્ચા કરી રહ્યા છે કે, આ ધારસભ્યોનુ જ્ઞાન તમે ધારો છો એટલુ ખરાબ નથી પરંતુ તેમની મજબુરી છે. તેઓને મંત્રી તરફથી જે ચીઠ્ઠીમાં પ્રશ્નો લખીને મોકલવામાં આવે છે તે ચીઠ્ઠીજ જ ગૃહમાં વાંચવાની હોય છે. જો તેઓ પણ કોંગ્રેસની જેમ સરકાર મુશીબતમાં આવી જાય તેવા પ્રશ્નો પૂછે તો ભવિષ્યમાં કોઈ જ હોદ્દો ન મળે. બીજી વખત ટિકિટ પણ ન મળે. બીજી બાજુ સામાન્ય લોકોને આવુ કંઈ ખબર હોતુ નથી. તેથી તેઓ ભાજપના ધારાસભ્યોના નબળા સામાન્ય જ્ઞાનની ચર્ચા કરી રહ્યા છે.

કયારે આવશે મહેસૂલ સુધારાનું બિલ?

વિધાનસભાના બજેટ સત્રમાં અત્યાર સુધીમાં હેલ્થ સહિતના પાંચ ડિપાર્ટમેન્ટમાં નાના મોટા સુધારા વધારા કરવા માટેના એમેન્ડમેન્ટ બિલ મુકાઈ ગયા છે. પરંતુ જેની તમામ લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે મહેસુલમાં કેટલાક સુધારા વધારા કરવા સંદર્ભનુ બિલ હજુ સુધી ટેબલ થયુ નથી. જેથી આ સત્રમાં હવે મહેસૂલનું સુધારા બિલ આવવાની શક્યાતાઓ ખુબ જ ઓછી છે. દોઢેક વર્ષ પહેલ ગણોતધારાના કાયદામાં કેટલાક મહત્વની ફેરફારો કરવા માટે સરકારે એક કમિટી બનાવી હતી. જેનો રિપોર્ટ પણ આવી ગયો છે. સમિતિની ભલામણ બાદ સરકારે ફરીથી રેવન્યુના કાયદા સુધારવા માટે વિવિધ તજજ્ઞો પાસેથી માર્ગદર્શન લીધુ હતું. ચર્ચા છે કે, કયા પ્રકારના સુધારા વધારા કરવા તે માટે સરકારના મંત્રીઓ અને ટોચના અધિકારીઓએ જૂદા જૂદા એસોસિયશનોના આગેવાનો સાથે મીટીંગો કરી તેનો મત લીધો હતો. કહેવાય છે કે, આ મીંટીંગમાં સરકારે ખાતરી આપી હતી કે બજેટ સત્રમાં રેવન્યુના કાયદા માટેનું સુધારા બિલ મુકાઈ જશે. જો કે, સત્ર પૂર્ણ થવાને બે અઠવાડિયા જ બાકી રહ્યા છે. હજુ સુધી આવુ બિલ મુકાશે એ પ્રકારની કોઈ જ હિલચાલ દેખાતી નથી. રેવન્યુના કાયદામાં સુધારા વધારાની અસર બિલ્ડરો, બિલ્ડિંગ રો મટિરીયલ્સનો કારોબાર કરનારા તેમજ અન્ય ઈન્ડસ્ટ્રીઝના લોકો પર પડવાની છે. એવી ચર્ચા છે કે, સરકારની સૂચના છતા અધિકારીઓ પોતાની આળસ અને અણઆવડતને કારણે રેવન્યુનુ સુધારા બિલ વિધાનસભામાં મુકતા નથી.

બે IASના ઝઘડામાં અટક્યું મહત્વનું ટેન્ડર

કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ દરેક રાજ્યએ HMIS એટલે કે હોસ્પિટલ મેનેજમેન્ટ ઈન્ફર્મેશન સિસ્ટમ પ્રોજેક્ટનો અમલ કરવાનો હોય છે. ગુજરાત સિવાયના અનેક રાજ્યોમાં તેનો અમલ થઈ ગયો છે. આ પ્રોજેક્ટ હેઠળ સરકારી હોસ્પિટલો, બ્લડબેન્કોનો તમામ રેકર્ડ ઓનલાઈન કરાશે. જેમાં ખાસ કરીને દર્દીઓને એક આઈકાર્ડ અપાશે. જેમાં તેના તમામ રિપોર્ટ સહિતની ડીટેઈલ્સ રખાશે. જેથી ભવિષ્યમાં આ દર્દી કોઈપણ હોસ્પિટલમાં જાય તો ભુતકાળમાં કયા ડોક્ટરે તેની કેવી સારવાર કરી હતી, કઈ દવા આપી હતી તેની માહિતી મળી રહે. અગાઉના તેના રિપોર્ટ પણ મળી જાય ગુજરાતના હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્રારા છેલ્લા આઠેક મહિનાથી HMISનુ કામ શરૂ કરવા માટે ટેન્ડર બનાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. આ પ્રોજેક્ટનુ ટેન્ડર કોણ નક્કી કરશે તે માટેનો ઝઘડો ચાલી રહ્યો છે. અગાઉ આરોગ્ય મંત્રીએ પોતાના જ ડિપાર્ટમેન્ટ હેલ્થ કમિશનરને આ કામ સોંપ્યુ હતુ. કમિશનરે ટેન્ડર બનાવવાનુ કામ વિદેશની એક કંપનીને આપવાની ભલામણ કરી હતી. જેની સામે હેલ્થના અન્ય એક સિનિયર IAS અધિકારીએ વાંધો લીધો હતો. તેમજ સરકારી એજન્સી ગુજરાત ઈન્ફર્મેટીક્સ લિમિટેડ પાસે આ ટેન્ડર તૈયાર કરાવવાની ભલામણ કરી હતી. જો કે, આરોગ્ય મંત્રીની દલીલ હતી કે GILને કામ સોંપાયા બાદ સમય વધુ લાગે છે. આ ટેન્ડરની વેલ્યુ લગભગ 100 કરોડથી વધુની છે. જેથી સ્વાભાવિક રીતે જ ચોક્કસ અધિકારી કે રાજકીય નેતાને આ ટેન્ડર પોતાની માનીતી એજન્સીને અપાવવામાં રસ હોય. સચિવાલયમાં એવી ચર્ચા છે કે, આ ઝઘડાની જાણકારી સીએમઓને આપી દેવાઈ છે. સીએમઓ દ્રારા આરોગ્ય મંત્રી પાસે આ સંદર્ભમાં કેટલીક સ્પષ્ટતા માગી હોવાની પણ ચર્ચા છે. માત્ર ટેન્ડર નક્કી કરવા માટેની એજન્સી શોધવા માટે આઠ મહીનાનો સમય લાગતો હોય તો પછી પ્રોજેક્ટ ક્યારે શરુ થશે તે પ્રશ્ન પણ મોટો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

, as Sanjay Drishti

Published by

Sanjay Vibhakar

Sanjay Vibhakar is a journalist with VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ