બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / VTV વિશેષ / અન્ય જિલ્લા / દશેરાના દિવસે ગુજરાતના આ નગરમાં ઉજવાય છે ઉત્તરાયણ, કારણ છે વર્ષો જૂની પરંપરા અને રાજાનું નિધન
Last Updated: 06:43 AM, 2 October 2025
Dussehra 2025 : દેશભરમાં દશેરાની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. આખા ગુજરાતમાં લોકો ફાફડા-જલેબીની જ્યાફત ઉડાવી રહ્યા છે, અને ઉત્તર ભારતમાં સાંજે રાવણ દહનથી દશેરાની ઉજવણી થશે. પરંતુ ગુજરાતના એક શહેરનું આકાશ પતંગોથી ભરાઈ ચૂક્યુ છે. એક તરફ આખી દુનિયા ઉત્તરાયણમાં પતંગ ચગાવે છે, ત્યારે ગુજરાતના એક ગામમાં ઉત્તરાયણ નહીં પરંતુ દશેરાએ પતંગ ઉડાવવામાં આવે છે. આ શહેર છે પાટણનું સિદ્ધપુર.
ADVERTISEMENT
ઉત્તરાયણ પર કેમ નથી ચગતા પતંગ?
સરસ્વતી નદીના ડાબા કાંઠે વસેલું સિદ્ધપુર ગુજરાતના સૌથી પવિત્ર સ્થળોમાંથી એક માનવામાં આવે છે. અહીં ભવ્ય રુદ્રમહાલય મંદિર, બિંદુ સરોવર, કપિલ મુનિ આશ્રમ જેવી ધાર્મિક અને ઐતિહાસિક જગ્યાઓ છે. ઋગ્વેદમાં પણ સિદ્ધપુરનો ઉલ્લેખ 'શ્રીસ્થળ' તરીકે થયો છે. અહીં 'માતૃ શ્રાદ્ધ' માટે દેશભરથી લોકો આવે છે તેથી તે માર્તૃ ગયા તીર્થ તરીકે પણ ઓળખાય છે. ઈસવીસન 12મી સદીમાં સોલંકી વંશના વિખ્યાત શાસક રાજા સિદ્ધરાજ જયસિંહએ સિદ્ધપુરને પોતાની રાજધાની બનાવી. તેમણે અહીં ભવ્ય રુદ્રમહાલયનું નિર્માણ કરાવ્યું અને કાશીથી 1023 બ્રાહ્મણોને અહીં પ્રાણ પ્રતિષ્ઠા માટે બોલાવ્યા. પરંતુ દંતકથા અનુસાર મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના થોડા સમય પછી, 14 જાન્યુઆરીના દિવસે રાજાનું અવસાન થયું. પોતાના રાજાને ગુમાવવાથી આખા રાજ્યએ ઉત્તરાયણ ન ઉજવવાનો નિર્ણય લીધો, જે પરંપરા આજે પણ ચાલે છે.
ADVERTISEMENT
સિદ્ધપુરમાં 14 જાન્યુઆરીએ ઉત્તરાયણ કેમ નથી ઉજવાતી તે અંગે અમે જ્યારે અગાઉ ઉત્તરાયણ દરમિયાન ગામ ધણી ગોવિંદ માધવ મંદિરના પૂર્વ પૂજારી વામન હરેશભાઈ શુક્લા સાથે વાતચીત કરી ત્યારે તેમણે આ અંગેનો ઇતિહાસ જણાવ્યો હતો. હરેશભાઈ શુક્લાએ જણાવ્યું કે, 'રાજા સિદ્ધરાજ જયસિંહે જ્યારે રુદ્ર મહાલય બનાવ્યો ત્યારે બ્રાહ્મણોને ઉત્તર દિશામાંથી એટલે કે ઔદિચ્ય બ્રાહ્મણોને તેની પ્રતિષ્ઠા કરવા બોલાવ્યા હતા. આ બ્રાહ્મણોને સિદ્ધપુરમાં રહેવા માટે જમીન સહિતની વ્યવસ્થા કરી આપી હતી. આ બ્રાહ્મણો સરસ્વતી નદીના કિનારે સહસ્ત્રકળા માતાનું મંદિર છે ત્યાં પૂજા-અર્ચના કરતાં હતા. પરંતુ રાજાના નિધન બાદ બ્રાહ્મણો સહિતના લોકોએ સિદ્ધરાજ જયસિંહના નિધનના શોક તરીકે ઉત્તરાયણ નહિ ઉજવવાનું નક્કી કર્યું હતું.'
જાણો ઉત્તરાયણને લઈ અગાઉ શું કહ્યું હતું ગોવિંદ માધવ મંદિરના પૂર્વ પૂજારી વામન શુક્લાએ ? અહીં ક્લિક કરો
ADVERTISEMENT

દશેરાએ ઉત્તરાયણ કેમ?
ADVERTISEMENT
જોકે આ મામલે જ્યારે ગોવિંદ માધવ મંદિરના પૂર્વ પૂજારી વામન શુક્લા પૂછ્યું કે, '14 જાન્યુઆરીએ તો સિદ્ધરાજ જયસિંહના નિધનના શોકના કારણે ઉત્તરાયણ નથી ઊજવતાં તો પછી શા માટે દિવાળી કે કોઈ અન્ય તહેવાર નહીં પણ દશેરાએ જ ઉત્તરાયણ ઉજવવામાં આવે છે ? જેના જવાબમાં તેમણે કહ્યું કે, દશેરાનો દિવસ એટલે વિજય દિવસ કહેવામાં આવે છે. ભગવાન શ્રી રામે પણ દશેરાના દિવસે જ લંકાપતિ રાવણને માર્યો હતો. જેને કારણે જ સિદ્ધપુરમાં 14 જાન્યુઆરીની જગ્યાએ લોકોએ દશેરાના દિવસે ઉત્તરાયણ એટલે કે પતંગ ચગાવવાનું નક્કી કર્યું હતું. નોંધનીય છે કે, રાજા સિદ્ધરાજ જયસિંહે સિદ્ધપુરને પોતાના રાજ્યનું પાટનગર બનાવ્યું હતું ત્યારે અહીંના સ્થાનિકો આજે પણ તેમને આદરપૂર્વક યાદ કરે છે.

ADVERTISEMENT
સિદ્ધપુરનો ભવ્ય ઈતિહાસ
સિદ્ધપુર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના પાટણ જિલ્લામાં આવેલા કુલ 8 (આઠ) તાલુકાઓ પૈકી સિદ્ધપુર તાલુકામાં આવેલું નગર છે જે તાલુકાનું મુખ્ય મથક પણ છે. સિદ્ધપુર શ્રીસ્થળ તરીકે જાણીતું હતું. તેનો ઉલ્લેખ ઋગ્વેદમાં દાશુ ગામ તરીકે કરાયો છે. દંતકથા મુજબ ઋષિ દધિચિએ તેમનાં હાડકાં ઇન્દ્રને વજ્ર બનાવવા માટે અહીં અર્પણ કર્યા હતા. સિદ્ધપુર ગંગા અને સરસ્વતી નદીઓના સંગમ પર વસેલું હોવાનું મનાતું હતું. મહાભારત કાળ દરમિયાન પાંડવો અજ્ઞાતવાસમાં અહીં રહ્યા હોવાનું પણ મનાય છે. 4 થી-5મી સદી દરમિયાન આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં ઇરાનથી આવેલા ગુર્જરો સ્થાયી થયા હતા. 10મી સદીની આસપાસ સોલંકી વંશના શાસન દરમિયાન શહેરની ખ્યાતિ ટોચ પર પહોંચી હતી. સિદ્ધરાજ જયસિંહે તેની રાજધાની અહીં વસાવી હતી એટલે શહેરનું નામ સિદ્ધપુર પડ્યું. તેણે શિવ મંદિર, રમણીય મહેલો અને 80 મીટર ઉંચો મિનારો બંધાવ્યો હતો. તેણે મથુરાથી બ્રાહ્મણોને અહીં બોલાવ્યા અને વસાવ્યા હતા. 14મી સદીમાં ભવાઇના રચયિતા અસૈત ઠાકરનો જન્મ અહીં થયો હતો. સાંખ્ય દર્શનના રચિયતા કપિલ મુનીની જન્મભૂમી પણ સિદ્ધપુર છે.
ADVERTISEMENT
આમ જોવા જઈએ તો પાટણ શહેર જે સિદ્ધપુરથી 24 કિ.મી. દૂર છે ત્યાં પણ થોડા સમય પહેલા સુધી 14 જાન્યુઆરીએ પતંગ ચગાવતા નહોતા. પાટણવાસીઓ પણ આ શોકપ્રદ ઇતિહાસને યાદ કરીને ઉત્તરાયણ ન ઊજવતા. પરંતુ આજે સમય બદલાતા પાટણવાસીઓ પતંગ ચગાવવાની પરંપરાને ફરીથી અપનાવી ચૂક્યાં છે. જો કે, તોય દશેરાએ પતંગ ચગાવવાની પરંપરા હજીય યથાવત્ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.