બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / VTV વિશેષ / અન્ય જિલ્લા / ગુજરાતમાં આ સ્થળે ઉત્તરાયણ પર નથી ચગતા પતંગ, પણ દશેરાએ થાય છે ઉજવણી
Priyakant
Last Updated: 07:54 AM, 14 January 2025
પ્રિયકાન્ત શ્રીમાળી : આજે ઉત્તરાયણના દિવસે ગુજરાત સહિત દેશના અનેક વિસ્તારોમાં આકાશ રંગબેરંગી પતંગોથી ભરાઈ ચૂક્યુ છે. લોકો વહેલી સવારથી જ ધાબા ઉપર પહોંચી જાય છે અને છેક મોડી સાંજે નીચે ઉતરે છે. હવે તમને કોઈ એમ કહે કે, ભાઈ અમારા ગામમાં તો ઉત્તરાયણના દિવસે પતંગ જ નથી ચગાવતા. તો તમને તો નવાઈ લાગે જ ને કે, આપણે આખું વર્ષ ઉત્તરાયણની રાહ જોઈએ છીએ અને આવું કેવું ગામ કે જ્યાં ઉત્તરાયણના દિવસે પતંગ જ ના ઊડે. આપણે વાત કરી રહ્યા છીએ ઐતિહાસિક માતૃગયા તીર્થ સિદ્ધપુરની. આ પ્રકારનો સવાલ અમારા મનમાં પણ થયો અને તેથી જ અમે સિદ્ધપુરના સ્થાનિક અને ગોવિંદ માધવ મંદિરના પૂર્વ પૂજારી પાસેથી ઇતિહાસ જાણવાનો પ્રયાસ કર્યો.
ADVERTISEMENT
ઐતિહાસિક નગરી સિદ્ધપુર આમ તો માતૃ ગયા તીર્થ તરીકે ઓળખાય છે પણ આ શહેરની અનેક પ્રકારની ઓળખાણો છે. જેમ કે, રુદ્ર મહાલય અને વહોરા મુસ્લિમ સમાજના મકાનો. પણ આજના દિવસે સિદ્ધપુર વિશે ખાસ જાણવા જેવી વાત એ છે કે, આખું ગુજરાત જ્યારે પતંગ ચગાવે છે, ત્યારે સિદ્ધપુરનું આકાશ સાવ ખાલીખમ હોય છે.
ADVERTISEMENT
સરસ્વતી નદીના ડાબા કાંઠે આવેલ સિદ્ધપુર એક પવિત્ર નગર છે. ગુજરાતની જૂની રાજધાની અણહિલવાડ પાટણથી લગભગ 24 કિમી જેટલું દૂર મંદિરો, કુંડો, આશ્રમો અને અન્ય પવિત્ર સંરચનાથી ઘેરાયેલું આ શહેર એક આદરણીય સ્થળ છે. 10મી સદીની આસપાસ સોલંકી શાસકો હેઠળ આ નગર અગ્રણીતા અને કીર્તિના શિખરે હતું. આ શહેરનું નામ પણ સોલંકી વંશના ગુજરાતના મહાન શાસક સિદ્ધરાજ જયસિંહ પરથી પડ્યું છે. વાત કરીએ તો ઉત્તરાયણના તહેવારને લઈ લોકમુખે અલગ-અલગ વાતો ચર્ચાતી હોય છે. જોકે મોટા ભાગે અને મુખ્ય વાત તો એ જ ચર્ચાય છે કે, રાજા સિદ્ધરાજ જયસિંહના નિધનના શોકને પગલે અહીં ઉત્તરાયણની ઉજવણી થતી નથી.
જાણો શું કહી રહ્યા છે ગોવિંદ માધવ મંદિરના પૂર્વ પૂજારી ?
સિદ્ધપુરમાં 14 જાન્યુઆરીએ ઉત્તરાયણ કેમ નથી ઉજવાતી તે અંગે અમે જ્યારે ગામ ધણી ગોવિંદ માધવ મંદિરના પૂર્વ પૂજારી વામન હરેશભાઈ શુક્લા સાથે ટેલિફોનિક વાતચીત કરી ત્યારે તેમણે આ અંગેનો ઇતિહાસ જણાવ્યો હતો. હરેશભાઈ શુક્લાએ જણાવ્યું કે, 'રાજા સિદ્ધરાજ જયસિંહે જ્યારે રુદ્ર મહાલય બનાવ્યો ત્યારે બ્રાહ્મણોને ઉત્તર દિશામાંથી એટલે કે ઔદિચ્ય બ્રાહ્મણોને તેની પ્રતિષ્ઠા કરવા બોલાવ્યા હતા. સરસ્વતી નદીના કિનારે 11 માળના રુદ્ર મહાલય માટે વારાણસી-કાશીથી 1023 જેટલા બ્રાહ્મણોને બોલાવ્યા હતા. આ બ્રાહ્મણોને સિદ્ધપુરમાં રહેવા માટે જમીન સહિતની વ્યવસ્થા કરી આપી હતી. આ બ્રાહ્મણો સરસ્વતી નદીના કિનારે સહસ્ત્રકળા માતાનું મંદિર છે ત્યાં પૂજા-અર્ચના કરતાં હતા. આ તરફ પ્રાણ પ્રતિષ્ઠા બાદ 14 જાન્યુઆરીએ રાજા સિદ્ધરાજ જયસિંહનું અવસાન થયું. રાજાના નિધન બાદ બ્રાહ્મણો સહિતના લોકોએ સિદ્ધરાજ જયસિંહના નિધનના શોક તરીકે ઉત્તરાયણ નહિ ઉજવવાનું નક્કી કર્યું હતું.'
તો કેમ દશેરાએ જ ઉજવાય છે ઉત્તરાયણ ?
આ તરફ બ્રાહ્મણોએ જે રાજાએ તેમને રહેવાની વ્યવસ્થા કરી આપી તેવા પ્રજા વત્સલ રાજા સિદ્ધરાજ જયસિંહના નિધનને પગલે શોક પાળ્યો અને 14 જાન્યુઆરીની જગ્યાએ દશેરાના દિવસે ઉત્તરાયણ ઉજવવાનું નક્કી કર્યું. જોકે આ મામલે જ્યારે ગોવિંદ માધવ મંદિરના પૂર્વ પૂજારી વામન શુક્લા પૂછ્યું કે, 14 જાન્યુઆરીએ તો સિદ્ધરાજ જયસિંહના નિધનના શોકના કારણે ઉત્તરાયણ નથી ઊજવતાં તો પછી શા માટે દિવાળી કે કોઈ અન્ય તહેવાર નહીં પણ દશેરાએ જ ઉત્તરાયણ ઉજવવામાં આવે છે ? જેના જવાબમાં તેમણે કહ્યું કે, દશેરાનો દિવસ એટલે વિજય દિવસ કહેવામાં આવે છે. ભગવાન શ્રી રામે પણ દશેરાના દિવસે જ લંકાપતિ રાવણને માર્યો હતો. જેને કારણે જ સિદ્ધપુરમાં 14 જાન્યુઆરીની જગ્યાએ લોકોએ દશેરાના દિવસે ઉત્તરાયણ એટલે કે પતંગ ચગાવવાનું નક્કી કર્યું હતું. નોંધનીય છે કે, રાજા સિદ્ધરાજ જયસિંહે સિદ્ધપુરને પોતાના રાજ્યનું પાટનગર બનાવ્યું હતું ત્યારે અહીંના સ્થાનિકો આજે પણ તેમને આદરપૂર્વક યાદ કરે છે.
કઇંક આવો છે સિદ્ધપુરનો ઇતિહાસ
રાજા સિદ્ધરાજે 12મી સદીમાં 'રુદ્ર મહાલય' તરીકે ઓળખાતા ભગવાન શિવને સમર્પિત એક ભવ્ય મંદિર બનાવ્યું હતું. મંદિર ત્રણ માળનું 'શિખરા', 1600 સ્તંભો, 12 પ્રવેશદ્વાર, મધ્ય 'મંડપ' અને પૂર્વ, ઉત્તર અને દક્ષિણમાં મંડપ અને પશ્ચિમમાં ગર્ભગૃહ સાથેનું એક સ્થાપત્ય અજાયબી હતું. મંદિરની આસપાસ રૂદ્રના 11 મંદિરો હતા. સરસ્વતી નદી તરફ જતા પગથિયાંની ઉડાન સાથે પૂર્વી દરવાજો સુંદર કોતરણીવાળા 'તોરણ'થી સુશોભિત હતો. સ્તંભોની વિસ્તૃત અને વિગતવાર કોતરણી અને સુંદર તોરણ, જે આજે મંદિરના એકમાત્ર અવશેષો છે, દ્વારા દર્શાવ્યા મુજબ મંદિરની સુશોભન ખૂબ જ આકર્ષક હતી.
વેદોમાં આ આધુનિક સિધ્ધપુરનો ઉલ્લેખ 'શ્રીસ્થલ' અથવા 'પવિત્ર સ્થાન' તરીકે કરવામાં આવ્યો છે. ભારતના પાંચ સૌથી પવિત્ર અને પ્રાચીન તળાવો પૈકી બિંદુ સરોવર છે, જે અહીં સિદ્ધપુરમાં આવેલું છે. હિંદુ ધર્મ અનુસાર એવું કહેવામાં આવે છે કે જેમ પિતૃ પિતૃઓને અર્પણ કરવામાં આવે છે, તે જ રીતે ગયામાં પિતૃઓને અનુરૂપ અર્પણો સિદ્ધપુરમાં કરવા જોઈએ. આમ સિદ્ધપુરમાં 'માર્તુ ગયા' અથવા 'માતૃ શ્રાદ્ધ'નું મહત્વ છે, એક એવી જગ્યા જ્યાં લોકો દર વર્ષે સ્વર્ગમાં રહેતી તેમની માતાઓ માટે ધાર્મિક વિધિ કરવા આવે છે. આ સમારોહની અધ્યક્ષતા બ્રાહ્મણો દ્વારા કરવામાં આવે છે, જેમની સાથે ખૂબ જ સન્માન કરવામાં આવે છે. તેઓ કપિલમુનિ આશ્રમ ખાતે કરવામાં આવે છે, જ્યાં 3 પવિત્ર પાણીના કુંડ છે: જ્ઞાન વાપિકા, અલ્પા સરોવર અને બિંદુ સરોવર. એવું પણ કહેવાય છે કે ભગવાન પરશુરામે બિંદુ સરોવરમાં 'શ્રાદ્ધ' કર્યું હતું અને તેમનું મંદિર પણ અહીં દર્શન (પૂજા) માટે બનાવવામાં આવ્યું છે.
ગુજરાતની નવરાત્રિની જેમ ગુજરાતની ઉત્તરાયણની ચર્ચા ભલે વિશ્વભરમાં થતી હોય પરંતુ ગુજરાતમાં એવાં કેટલાંક મહત્વપૂર્ણ શહેરો પણ છે જ્યાં ઉત્તરાયણેનું આકાશ સૂનું હોય છે. ઐતિહાસિક શહેર સિદ્ધપુરમાં ઉત્તરાયણના દિવસે પતંગ ન ઉડવા પાઠળ ઐતિહાસિક કારણ રહેલું છે. દંતકથાઓ પ્રમાણે ગુજરાતના પ્રસિદ્ધ રાજવી સિદ્ધરાજ જયસિંહનું અવસાન ઉત્તરાયણના દિવસે થયું હોવાથી અહીં ઉત્તરાયણના દિવસે પતંગ નથી ઉડાવવામાં આવતી. આવી જ રીતે ગુજરાતના ઘણાં નાના શહેરો અને તાલુકા સ્થળોમાં ઉત્તરાયણની ઉજવણીમાં પતંગને નહીંવત્ સ્થાન મળે છે.
સિદ્ધરાજ જયસિંહે રાજધાની અહીં વસાવી એટલે નામ પડ્યું સિદ્ધપુર
સિદ્ધપુર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના પાટણ જિલ્લામાં આવેલા કુલ 8 (આઠ) તાલુકાઓ પૈકી સિદ્ધપુર તાલુકામાં આવેલું નગર છે જે તાલુકાનું મુખ્ય મથક પણ છે. સિદ્ધપુર શ્રીસ્થળ તરીકે જાણીતું હતું. તેનો ઉલ્લેખ ઋગ્વેદમાં દાશુ ગામ તરીકે કરાયો છે. દંતકથા મુજબ ઋષિ દધિચિએ તેમનાં હાડકાં ઇન્દ્રને વજ્ર બનાવવા માટે અહીં અર્પણ કર્યા હતા. સિદ્ધપુર ગંગા અને સરસ્વતી નદીઓના સંગમ પર વસેલું હોવાનું મનાતું હતું. મહાભારત કાળ દરમિયાન પાંડવો અજ્ઞાતવાસમાં અહીં રહ્યા હોવાનું પણ મનાય છે. 4 થી-5મી સદી દરમિયાન આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં ઇરાનથી આવેલા ગુર્જરો સ્થાયી થયા હતા. 10મી સદીની આસપાસ સોલંકી વંશના શાસન દરમિયાન શહેરની ખ્યાતિ ટોચ પર પહોંચી હતી. સિદ્ધરાજ જયસિંહે તેની રાજધાની અહીં વસાવી હતી એટલે શહેરનું નામ સિદ્ધપુર પડ્યું. તેણે શિવ મંદિર, રમણીય મહેલો અને 80 મીટર ઉંચો મિનારો બંધાવ્યો હતો. તેણે મથુરાથી બ્રાહ્મણોને અહીં બોલાવ્યા અને વસાવ્યા હતા. 14મી સદીમાં ભવાઇના રચયિતા અસૈત ઠાકરનો જન્મ અહીં થયો હતો. સાંખ્ય દર્શનના રચિયતા કપિલ મુનીની જન્મભૂમી પણ સિદ્ધપુર છે.
શિવ મંદિરોથી ઘેરાયેલું સિદ્ધપુર
સરસ્વતી નદીને કિનારે વસેલું સિદ્ધપુર સ્વયંભુ શિવ મંદિરો થી ઘેરાયેલું છે. ઉત્તર પૂર્વ છેડે ચમ્પ્કેશ્વર મહાદેવ, પૂર્વમાં અરવડેશ્વર મહાદેવ, બ્રહ્માંડેશ્વર મહાદેવ, વાલકેશ્વર મહાદેવ, પશ્ચિમમાં વટેશ્વર મહાદેવ આવેલા છે. મુક્તિધામ, બિંદુ સરોવર, રુદ્રમાળ અને અરુડેશ્વર સિદ્ધપુરના મહત્વના જોવાલાયક સ્થળો છે. ઇ.સ.2027માં બિંદુ સરોવર નજીક સિદ્ધપુર પ્રદેશની સંસ્કૃતિની ઝાંખી દર્શાવતા શ્રીસ્થળ સંગ્રહાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે.
વધુ વાંચો : ઉત્તરાયણ પહેલા પોલીસ એક્શન મોડમાં, 2.64 લાખની ચાઈનીઝ દોરી સાથે આરોપીની ધરપકડ
પાટણમાં પણ નહોતી ઉજવાતી ઉત્તરાયણ
આ તો વાત થઈ સિદ્ધપુરની પણ પાટણમાં પણ થોડાક સમય પહેલા સુધી લોકો રાજા સિધ્ધરાજ જયસિંહના નિધનનો શોક મનાવતા હતા અને ઉત્તરાયણના દિવસે પતંગ નહોતા ચગાવતા. જોકે હવે તમને જાણીને નવાઈ લાગશે કે, પાટણવાસીઓ હવે આ પરંપરાને ભૂલીને ઉતરાયણના દિવસે પતંગ ચગાવતા થયા છે. જોકે સિધ્ધપુરમાં ઉતરાયણના દિવસે પતંગ ન ચગાવવાની પરંપરા આજે પણ અકબંધ છે. જેના બદલે સિદ્ધપુરવાસીઓ હર્ષોઉલ્લાસ સાથે દશેરાના દિવશે પતંગ ચગાવીને ઉતરાયણની મઝા માણે છે. સાથે આજના દિવસે દશેરા અને ઉતરાયણ એમ બે દિવસની લોકો મજા માણે છે અને ધાબા પર ફાફડા,જલેબી ખાઈ ઉજવણી કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.