બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / VTV વિશેષ / અન્ય જિલ્લા / મંત્રીમંડળ વિસ્તરણની ચર્ચાઓ વચ્ચે સચિવાલયમાં નવો ગણગણાટ, મોટા પદ અંગે નિર્ણયની શક્યતા

ઇનસાઇડ સ્ટોરી / મંત્રીમંડળ વિસ્તરણની ચર્ચાઓ વચ્ચે સચિવાલયમાં નવો ગણગણાટ, મોટા પદ અંગે નિર્ણયની શક્યતા

Gautam Purohit

Last Updated: 11:39 AM, 14 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્ર સરકાર 8મા પગાર પંચને અમલમાં મૂકવાની તૈયારી કરી રહી છે ત્યારે ગુજરાતમાં ફિક્સ પગાર નીતિનું ઓનલાઇન આંદોલન ગમે તે સમયે ઓફલાઇન થઇ જશે. આ ઉપરાંત સરકારી વિભાગોના હવે પછીના આદેશો એક જ પ્લેટફોર્મ પર આપવાની તૈયારીઓ શરૂ કરી રહ્યા છે.

રાજ્યમાં મહત્વપૂર્ણ ઘટનાઓ ઝડપથી વિકસતી જોવા મળી રહી છે જેમાં પંકજ જોષીનો કાર્યકાળ એક્સટેન્શન સાથે આગળ વધારાશે તેની ચર્ચા સાથે તેમના સંભવિત સક્સેસરના નામોની ચર્ચાઓ પણ જોર પકડતી થઈ છે. બીજી તરફ, સરકારી વિભાગોના તમામ આગામી આદેશો હવે એકજ ડિજિટલ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કરાવવાના પ્રયાસો શરૂ થઈ ગયા છે. સાથે સાથે, 2026-27નું બજેટ અગાઉના તમામ પ્રયાસોની તુલનાએ સંપૂર્ણપણે અલગ અને નવી દિશામાં ઘડાશે એવું સંકેત મળ્યો છે. તેમજ, વાયબ્રન્ટ સમજૂતી કરારના સંબંધમાં હવે માત્ર આંકડાઓ પર નહી, પરંતુ નક્કર હકીકતોના આધારે પગલાં લેવાશે તો રાજ્યનો વાસ્તવિક વિકાસ શક્ય બની શકશે.

ઓનલાઇન વિરોધ ગમે ત્યારે ઓફલાઇન બની શકે તેમ છે

કેન્દ્ર સરકાર 8મા પગાર પંચને અમલમાં મૂકવાની તૈયારી કરી રહી છે ત્યારે ગુજરાતમાં ફિક્સ પગાર નીતિ સામે આંદોલન ફરી તેજ થવા લાગ્યું છે. ફિક્સ પગાર પર કામ કરતા કર્મચારીઓ તથા વિવિધ સરકારી કર્મચારી સંઘો રાજ્યમાં ફિક્સ પગાર પ્રથા રદ્દ કરવાની વર્ષોથી ચાલી રહેલી માંગને ફરીથી મજબૂતી આપી રહ્યાં છે. આ સંઘોનો દાવો છે કે સરકાર નિયમિત પગારના કાનૂની ધોરણો મુજબ ચૂકવણી ન કરીને તેમને શોષિત કરી રહી છે. ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં હાલ અંદાજે 3 લાખ જેટલા કર્મચારીઓ ફિક્સ પગાર અથવા કોન્ટ્રાક્ટ આધારિત પદ્ધતિ હેઠળ કામ કરી રહ્યાં છે. આ કર્મચારીઓનું કહેવું છે કે સરકાર પાસે પૂરતા નાણાં છે છતાંયે કર્મચારીઓને કાયમી કરવા માટે કોઈ ઇરાદો નથી. તેઓ માંગે છે કે ફિક્સ પગાર નીતિને તાત્કાલિક બંધ કરવામાં આવે અને કાયદેસર રીતે કાયમી ભરતીની પ્રક્રિયા હાથ ધરવામાં આવે. "સમાન કામ માટે સમાન પગાર" માત્ર નીતિનો મુદ્દો નહીં, પણ તેમના મત મુજબ આ તો રાજ્યઘટનામાં આપેલું સંવૈધાનિક અધિકાર છે. હાલ આ આંદોલન મુખ્યત્વે સોશિયલ મીડિયામાં સક્રિય છે, પરંતુ નજીકના ભવિષ્યમાં જાહેર માહોલમાં આ પ્રશ્ન વધુ ઉગ્ર સ્વરૂપે ઉપસી શકે તે નક્કી છે.

સરકારી આદેશો હવે એક જ પ્લેટફોર્મ પર જોવા મળશે

ભારત સરકારનું ડીઓપીટી તેમજ મહારાષ્ટ્ર અને કર્ણાટકની સરકારે જે પહેલ કરી છે તેવી સુવિધા ગુજરાત સરકાર ઉભી કરવા જઇ રહી છે. રાજ્યના સામાન્ય વહીવટ વિભાગના ટોચના અધિકારીના જણાવ્યા પ્રમાણે સરકારના 28 વિભાગો અને અન્ય સરકારી કચેરીઓ, બોર્ડ-નિગમના સરકારી ઠરાવોને એક છત્ર નીચે લાવીને સરકારે લોકોની સમસ્યાને આસાન બનાવવાની પ્રક્રિયા શરૂ કરી છે. જીઆર એકત્રિકરણને સક્ષમ બનાવવા માટે વિશિષ્ટ ટાસ્કફોર્સની રચના કરવામાં આવી રહી છે. આ કામગીરી છ મહિનામાં પૂર્ણ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ટાસ્કફોર્સના પ્રત્યેક સભ્યને પ્રતિ દિવસ 3000 થી 5000 રૂપિયા સુધીનું મહેનતાણું આપવામાં આવનાર છે. જો કે ટેકનોલોજીમાં નિપૂણતા ધરાવતા નિષ્ણાંત વ્યક્તિઓને જ આ કામગીરી સોંપવામાં આવશે. સંકલિત જીઆર તે વિષય પરના અગાઉના જીઆરને સુપરસીડ કરશે.

ગુજરાતનું બજેટ અલગ હશે, કેન્દ્રની સૂચના પ્રમાણે ફેરફાર

ગુજરાતના નાણા વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી ટી. નટરાજન અને તેમની ટીમે ગુજરાત સરકારના 2026-27ના સામાન્ય અંદાજપત્રની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આ વખતે કેન્દ્ર સરકારની ગાઇડલાઇન પ્રમાણે એમટીઇએફ સ્ટેટમેન્ટ રજૂ કરવું ફરજિયાત છે અને છેલ્લા ત્રણ વર્ષથી ખર્ચ ન થયો હોય તેવી યોજનાઓને નવી કોઇ સહાયની ફાળવણી કરવાની રહેશે નહીં તેવી સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. રાજ્ય સરકારના વિભાગોના વડાઓએ સ્થાયી ખર્ચ, ચાલુ યોજનાઓ, નવી બાબતો અને સુધારેલા અંદાજ અલગ દર્શાવવાના રહેશે. વિભાગના આદેશ પ્રમાણે પગાર-ભથ્થાં, આઉટસોર્સિંગ સ્ટાફ, લોન વસૂલાત સહિતની વિગતવાર માહિતી ફરજિયાત આપવી પડશે. સરકારના તમામ વિભાગોને 15મી ઓક્ટોબર થી 16મી ડિસેમ્બર સુધીમાં તમામ અંદાજ અપલોડ કરવાના રહેશે. એવી પણ ખાસ સૂચના આપવામાં આવી છે કે વિભાગના નવા કામો માટે પાંચ કરોડ થી 10 કરોડ સુધીના પ્રોજેક્ટ્સમાં તબક્કાવાર ફાળવણી કરવી પડશે. એટલું જ નહીં, કેન્દ્ર પુરસ્કૃત યોજનાઓ હેઠળ મળતા ફાળામાં SNA/SPARSH મોડેલની માગદર્શિકાનું પાલન કરવું પડશે.

એક્સટેન્શન વચ્ચે ચીફ સેક્રેટરીના નામોની ચર્ચા તેજ બની

ગુજરાત સરકારના ચીફ સેક્રેટરી પંકજ જોષી ઓક્ટોબરના અંતે વયનિવૃત્ત થઇ રહ્યાં હોવાથી નવા ચીફ સેક્રેટરી કોણ બનશે તેની ચર્ચા તો સચિવાલયમાં સપાટી પર આવી છે પરંતુ તેની સાથોસાથ નિવૃત્તિના દિવસો નજીક આવતા જાય છે તેમ તેમ હવે તેમના એક્સટેન્શનની અટકળો પણ વહેતી થઇ રહી છે. આંતરિક વર્તુળો કહી રહ્યાં છે કે આવતા વર્ષે જાન્યુઆરી કે ફેબ્રુઆરીમાં સ્થાનિક ચૂંટણીઓ આવી રહી હોવાથી પંકજ જોષીને છ મહિનાનું એક્સટેન્શન મળી શકે છે. બીજી તરફ એવી દલીલ થાય છે કે સ્થાનિક ચૂંટણી પછી બજેટ સત્ર પણ આવી રહ્યું છે ત્યારે ગુજરાતને નવા ચીફ સેક્રેટરી મળશે. જો કે એક્સટેન્શન આપવું કે નહીં તેનો નિર્ણય હાઇકમાન્ડ પર છોડાયેલો છે. ભૂતકાળમાં પણ જેએન સિંઘ, પંકજકુમાર, અનિલ મુકિમને એક્સટેન્શન આપેલાં છે તેથી આ વખતે જો પંકજ જોષીને એક્સટેન્શન મળે તો નવાઇ પામવા જેવું નથી. અલબત્ત, ચીફ સેક્રેટરીની રેસમાં સિનિયોરિટી જોતાં 1989ની બેચના આઇએએસ કે. શ્રીનિવાસનું નામ પહેલું આવે છે પરંતુ તેઓ હાલ સેન્ટ્રલ ડેપ્યુટેશન પર ફરજ બજાવી રહ્યાં છે. બીજાક્રમે આ જ બેચના સુનયના તોમર નવેમ્બરમાં નિવૃત્ત થઇ રહ્યાં છે. તેમના પછી 1990ની બેચના અને મુખ્યમંત્રીના એડિશનલ ચીફ સેક્રેટરી મનોજ કુમાર દાસનું નામ આગળ છે.

MoUsમાં આંકડા મોટા નહીં નક્કર કમિટમેન્ટ જોઇએ

ગુજરાત જ્યારે પણ વાયબ્રન્ટ ઇન્વેસ્ટર્સ સમિટ યોજે છે ત્યારે મોટા આંકડા દર્શાવવાની લાલચમાં કેટલીકવાર ખોટા ઇન્વેસ્ટમેન્ટ પણ આવી જતા હોય છે, કે જેમાં મૂડીરોકાણને કોઇ અવકાશ હોતો નથી. ભૂતકાળમાં 30 થી 35 ટકા એવા એમઓયુ સાઇન થયાં છે કે જે પ્રોજેક્ટ્સ આજદિન સુધી શરૂ થઇ શક્યા નથી. આ વખતે રિજનલ કોન્ફરન્સમાં ઉદ્યોગ અને તેને સંલગ્ન વિભાગોને વધુને વધુ એમઓયુ સાઇન કરવાના ટારગેટ આપવામાં આવ્યા છે ત્યારે અધિકારીઓએ સરકારી યોજનાઓના ઓનગોઇંગ પ્રોજેક્ટ પણ જોડી દીધાં છે. ગુજરાતમાં રેલવેની યોજનાઓ ચાલુ છે છતાં રેલવે સાથે તે જ યોજનાના પ્રોજેક્ટ નોંધાયા છે. એવી જ રીતે જીએમડીસી અંબાજીમાં કોપરની ખાણનું ઉત્થનન કરવાનું છે અને તેના માટે જે પ્રોજેક્ટ બનાવ્યો છે તેને પણ રિજલન કોન્ફરન્સ સાથે જોડી એમઓયુ સાઇન કરાયા છે. ઉદ્યોગ વિભાગના એક અધિકારીએ કહ્યું હતું કે એમઓયુ અને ઇન્વેસ્ટમેન્ટનો આંકડો ભલે નાનો હોય પણ નક્કર કમિટમેન્ટ હશે તો જ ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ થશે. અન્યથા કોઇપણ લેભાગુ કંપનીઓ સરકાર સાથે ફોટા પડાવવા સમજૂતી કરાર કરી જશે, કારણ કે એમઓયુ કરવાના કોઇ દામ ચૂકવવાના હોતા નથી. અલબત્ત, સરકારે દાવો કર્યો છે કે મહેસાણાની પ્રથમ રિજનલ સમિટમાં 3.24 લાખ કરોડના 1212 એમઓયુ થયાં છે.

ચૂંટણી ઓબ્ઝર્વરમાંથી અધિકારીઓ પીછો છોડાવી રહ્યાં છે

બિહાર વિધાનસભાની હાઇપ્રોફાઇલ ચૂંટણી 6 અને 11 નવેમ્બરે યોજાઇ રહી છે ત્યારે ગુજરાતની બ્યુરોક્રેસીમાં ફફડાટ જોવા મળી રહ્યો છે, કારણ કે આ ચૂંટણીના ઓબ્ઝર્વર માટે આ વખતે ગુજરાતમાંથી 15 થી 18 આઇએએસ અધિકારીઓને મોકલવાનું નક્કી કરવામાં આવ્યું છે. કેટલાક અધિકારીઓએ એકઝામ્શન માટે વિનંતી કરવાની શરૂ કરી દીધી છે. ઓક્ટોબરના ત્રીજા સપ્તાહમાં દિવાળીની રજાઓનો માહોલ છે અને ગુજરાત સરકારે આ વખતે સરકારી કચેરીઓમાં બે વધારાની રજાઓ મંજૂર કરતાં આઠ દિવસના વેકેશનનો માહોલ છે ત્યારે તહેવારોની મજા બગડતી હોવાથી કેટલાક અધિકારી ચૂંટણીની જવાબદારીમાંથી દૂર ભાગી રહ્યાં છે. કેટલાક સિનિયર અધિકારીઓએ પણ સરકારને રિક્વેસ્ટ કરી છે કે પર્સનલ કારણો જોઇને તેમને ચૂંટણી ઓબ્ઝર્વર તરીકે મોકલવામાં ન આવે. ઉલ્લેખનીય છે કે ગુજરાત કેડરમાં મૂળ બિહારના વતની એવા ઘણાં આઇએએસ અને આઇપીએસ ઓફિસરો ફરજ બજાવી રહ્યાં છે.

આ પણ વાંચોઃ કનુ દેસાઈ, ભાનુ બાબરીયા સહિતના આ મંત્રીઓને મૂકાશે પડતાં, ગુજરાત કેબિનેટ વિસ્તરણ પર મોટું અપડેટ!

ગુજરાતમાં રોડ સેફ્ટિના નિયમોમાં મોટા બદલાવની શક્યતા

માર્ગો અને હાઇવે અસુરક્ષિત હોવાના કારણે સામાન્ય જનતા અને વાહનચાલકો પરેશાન થઇ રહ્યાં છે ત્યારે નામદાર સુપ્રીમ કોર્ટના એક આદેશથી માત્ર ગુજરાતના જ નહીં, પણ દેશના બઘાં રાજ્યોના રોડ સેફ્ટિના નવા નિયમો છ મહિના પછી લાગુ થવાની સંભાવના છે. રાજ્ય સરકારે ચૂકાદાનો અભ્યાસ શરૂ કર્યો છે. સચિવાલયના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે રોડ સેફ્ટિના નિયમોમાં સ્પીડ લિમિટ, હેલ્મેટ અને સીટબેલ્ટ તેમજ ટ્રાફિક લાઇટ અને સિગ્નલનું મહત્વ વધારે હોય છે. ગુજરાતના શહેરી વિસ્તારમાં આ નિયમો બન્યા છે પરંતુ અદાલતના નિર્દેશ પ્રમાણે તેમાં વધુ સખ્તાઇથી નિયમો ઘડવાની તેમજ તેનો અમલ કરવાની તૈયારી અમે શરૂ કરી છે. ખાસ કરીને ઓવરટેકિંગ અને લેફ્ટ-રાઇટ નિયમ, ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ, મોબાઇલ અને ડિવાઇસ, પેડેસ્ટ્રિયન અને ઝોન જેવી બાબતોનો ખ્યાલ રાખને તેમાં સુધારો કરાશે. વાહન વ્યવહાર વિભાગના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે ટેકનોલોજી આધારિત નિયમો, ટ્રાફિક વ્યવસ્થા સુધારણા તેમજ ઇકો ફ્રેન્ડલી અને એડવાન્સ્ડ નિયમો ઉપરાંત જનજાગૃતિ આધારિત કાર્યક્રમો ઘડવાની આવશ્યકતા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Budget 2026-27 Vibrant Gujarat MoUs 8th Pay Commission
Gautam Purohit

Gautam has over 33 years of experience in print and digital media journalism with passion and dedication. With extensive experience in political and administrative reporting at Gujarat’s Secretariat and Legislative Assembly, his interests include social media, wildlife, and agriculture

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ