ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ચોરીની 100 ઘટનામાંથી ફક્ત બે-ત્રણમાં જ ઘરઘાટીની સંડોવણી
Last Updated: 01:00 PM, 19 November 2026
ADVERTISEMENT
ઘરમાં ચોરી થાય એટલે શંકાની સોય ઘણી વખત સૌથી પહેલાં ઘરકામ કરનાર તરફ જ અટકે છે. ઘરના સભ્યોની દિનચર્યાથી લઈને કીમતી સામાન ક્યાં રાખ્યો છે તેની જાણકારી ધરાવતા ઘરકામદારો સામે શંકા ઊભી થવી સ્વાભાવિક છે, પરંતુ શું દરેક ચોરી પાછળ ઘરમાં કામ કરનાર જ જવાબદાર હોય છે? અમદાવાદમાં ઘરઘાટી સાથે સંકળાયેલા ચોરીના ચકચારી બનાવો સામે આવી રહ્યા છે ત્યારે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતનું કહેવું છે કે શહેરમાં ચોરીના કુલ બનાવોમાં ઘરકામદારોની સંડોવણી બહુ જ ઓછી હોય છે. તેમના અંદાજ મુજબ, ચોરીના ૧૦૦ કેસમાંથી માત્ર બે કે ત્રણ કેસમાં જ ઘરના નોકરની સંડોવણી હોય છે. એટલે કે, ચોરીના બનાવોના પગલે તમામ ઘરઘાટીને શંકાની નજરે જોવાને બદલે સાવચેતી અને યોગ્ય ચકાસણી વધુ જરૂરી છે.
ADVERTISEMENT
છેલ્લા એક વર્ષમાં ઘરઘાટી સાથે સંકળાયેલા ચોરીના બનાવોમાં આશરે રૂ. ૧.૨૭ કરોડની મતા ચોરાઈ હોવાના કિસ્સા સામે આવ્યા છે. પાલડી, શાહીબાગ, વાડજ, બોપલ અને સેટેલાઇટ જેવા વિસ્તારોમાં લાખો રૂપિયાના દાગીના અને રોકડની ચોરીના બનાવોએ રહેવાસીઓની ચિંતા વધારી છે. બીજી તરફ, ઘરઘાટીની પોલીસ નોંધણી કરાવવી ફરજિયાત છે. નોંધણી ન કરાવવાના કિસ્સામાં માલિક સામે જાહેરનામાના ભંગની ફરિયાદ પણ થઈ શકે છે. આથી ઘરમાં કામ માટે કોઈ વ્યક્તિ રાખતાં પહેલાં તેની ઓળખ, સરનામું અને પોલીસ ચકાસણી કરાવવી માત્ર સુરક્ષાનો નહીં, કાયદાકીય જવાબદારીનો પણ ભાગ છે.
એક વર્ષમાં ઘરઘાટીઓ સાથે સંકળાયેલા ચકચારી ચોરીકાંડ
ADVERTISEMENT
■ પાલડી–રૂ. ૪૯.૬ર લાખ: ગૌતમબાગ સોસાયટીમાં વેપારીના ઘરમાંથી દાગીના અને રોકડની ચોરી કરી ઘરઘાટી રાજસ્થાન ભાગી ગયો.
■ શાહીબાગ–રૂ. ૩પ.૦૬ લાખ: કમલેશ નામ ધારણ કરીને નોકરી મેળવનારા શખ્સે કાપડના વેપારીના ઘરમાંથી ચોરી કરી. ક્રાઈમ બ્રાંચે મુદ્દામાલ રિકવર કર્યો.
ADVERTISEMENT
■ વાડજ–રૂ. ર૧ લાખ: એનઆરઆઈ દંપતીના ઘરમાંથી સોનાના દાગીનાની ચોરીના કેસમાં ઘરઘાટીની ધરપકડ થઈ.
■ બોપલ–રૂ. ૧પ.પપ લાખ: હરિઓમ વિલા બંગલામાંથી સોના-ચાંદીના દાગીના ચોરાયા. ઘરકામ કરતી મહિલા શંકાના દાયરામાં આવી.
ADVERTISEMENT
■ સેટેલાઈટ–રૂ. છ લાખ: આશાવરી ટાવરમાં ઘરઘાટી અને તેની બહેનપણી રૂ. પાંચ લાખના દાગીના અને રૂ. એક લાખ રોકડા લઈને ફરાર થયાની ફરિયાદ.
■ ગોતા: ઘરકામ કરતો શખ્સ રોકડ અને દાગીના ચોરી જતો સીસીટીવીમાં કેદ થયો.
ADVERTISEMENT
ઘરની સુરક્ષા માટે પોલીસની ૧૦ મહત્ત્વની સૂચનાઓ
■ ઘરઘાટી રાખતાં પહેલાં તેનું પોલીસ વેરિફિકેશન કરાવો.
ADVERTISEMENT
■ ઘરઘાટીનો ફોટોગ્રાફ, ઓળખપત્ર, પૂરું સરનામું અને મોબાઈલ નંબર રાખો.
■ અગાઉ ક્યાં કામ કર્યું છે અને કોના રેફરન્સથી આવ્યા છે તેની વિગતો મેળવો.
■ સોસાયટીમાં આવતા ફેરિયાઓ અને અજાણ્યા મુલાકાતીઓની ઓળખ ચકાસો.
■ રિપેરિંગ માટે જાણીતા કારીગરો અને એજન્સીની જ મદદ લો.
■ મુલાકાતીઓ માટે વિઝિટર્સ બુક રાખો અને વાહન નંબર નોંધો.
■ મુખ્ય દરવાજા, પાછળના દરવાજા અને બારીઓ મજબૂત રાખો.
■ ડોરચેઇન, આઇગ્લાસ અને વીડિયો ડોર ફોન જેવી સુરક્ષા વ્યવસ્થા રાખો.
■ કીમતી દાગીના અને રોકડ બેન્ક લોકરમાં રાખો, ઘરની ચાવી બહાર છુપાવશો નહીં.
■ બહારગામ જતાં પહેલાં પાડોશીઓને જાણ કરો અને શંકાસ્પદ વ્યક્તિ દેખાય તો પોલીસની મદદ લો.
ઘરઘાટીની નોંધણી કેવી રીતે કરાવશો?
ઘરમાં ઘરકામ માટે કોઈ વ્યક્તિ રાખતાં પહેલાં તેની ઓળખ ચકાસી પોલીસમાં નોંધણી કરાવવી જરૂરી છે. હવે આ પ્રક્રિયા ઓનલાઈન પણ કરી શકાય છે.
■ ઓનલાઈન નોંધણી: અમદાવાદ જિલ્લા પોલીસની વેબસાઈટ પર જઈ ઘરઘાટી નોંધણી ફોર્મ ભરો.
■ વેબસાઈટ: spahmedabad.gujarat.gov.in પર ‘ભાડુઆત/ઘરઘાટી નોંધણી’ વિભાગ પસંદ કરો.
■ મોબાઈલથી નોંધણી: ગુજરાત પોલીસની ‘Citizen First’ એપ દ્વારા પણ નોંધણી કરાવી
શકાય છે.
■ ઘરઘાટીની વિગતો તૈયાર રાખો: પૂરું નામ, મોબાઈલ નંબર, સરનામું, ફોટો અને ઓળખપત્રની વિગતો.
■ માલિકની વિગતો: મકાનમાલિક અથવા નોકરી આપનારનું નામ, સરનામું અને સંપર્ક નંબર પણ આપવો પડશે.
■ ઓળખ અને સરનામાની ચકાસણી: ઘરઘાટીની ઓળખ, કાયમી સરનામું અને અગાઉના કામ અંગેની વિગતો મેળવી રાખો.
ઘરઘાટીની નોંધણી કરાવવાથી તેની ઓળખની વિગતો પોલીસ સુધી પહોંચે છે અને સુરક્ષા માટે જરૂરી ચકાસણીમાં મદદ મળે છે.
આ પણ વાંચોઃ હવે યુવા વર્ગમાં પક્કડ મજબૂત કરવા ભાજપે ખોલ્યું 'Gen Z' કાર્ડ, કાઉન્ટર પ્લાન તૈયાર
પોલીસની એડવાઈઝરીમાં માત્ર ઘરઘાટી જ નહીં, ફેરિયાઓ પર પણ નજર
ગુજરાત પોલીસની હાઉસ સેફ્ટી એન્ડ સિક્યોરિટી માર્ગદર્શિકામાં ઘરની સુરક્ષાને લઈને અનેક સૂચનાઓ આપવામાં આવી છે, જેમાં ઘરઘાટીનું પોલીસ વેરિફિકેશન કરાવવા ઉપરાંત સોસાયટીમાં આવતા ફેરિયાઓ, સફાઈ કામદારો, ધોબી અને અન્ય મુલાકાતીઓની ઓળખ કાસવા જણાવાયું છે. કેબલ, ઇન્ટરનેટ, મોબાઈલ સર્વિસ, ઇલેક્ટ્રિક અને પ્લમ્બિંગના કામ સામેલ છે.
બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો