બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:17 AM, 15 July 2025
બોટાદ શહેર નજીક સમઢીયાળા, તાજપર અને ભાંભણ ગામના સીમાડે ૨૦૦ વર્ષ પુરાણુ વાંકિયા ધરાના કાંઠે કુદરતી વાતાવરણમાં પ્રકૃતિના ખોળે સોળે કળાએ ખીલતુ ખોડિયાર માતાજીનું અને શિવાનંદેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. અહિં મા ખોડિયાર વાંકિયા ધરામાંથી સ્વયંભૂ પ્રગટ થયેલા છે, આ મંદિર સાથે અનેરો ઈતિહાસ જોડાયેલો છે. ખોડિયાર માતાજીનું મંદિર બોટાદ, તાજપર, ભાંભણ, સમઢીયાળા, લાઠીદડ, જનડા, સહિત આસપાસના વીસેક ગામોના લોકોની આસ્થાનું કેન્દ્ર છે.
ADVERTISEMENT

બોટાદ જિલ્લાના ત્રણ ગામના સીમાડે આવેલા વાંકિયા ધરા ખોડિયાર માતાજીના મંદિરનો ઈતિહાસ અનેરો છે. આશરે દોઢસોથી બસ્સો વર્ષ પહેલાની વાત છે, બોટાદ નજીક જંગલ વિસ્તારમાં વાંકિયા ધરા નામનું વોકળુ આવેલું છે જ્યાં મા ખોડિયાર રહેતા હતા ત્યારે અનેક લોકો અને ભાવનગરના મહારાજાને ખોડિયાર માતાજીનો સાક્ષાત્કાર થયો હતો. વાંકિયા ધરાના કાંઠે ખોડિયાર માતાજી ખાંભી સ્વરૂપે પ્રગટ થયા હતા. ત્યારબાદ આસપાસના ગામના લોકોએ નાનકડી દેરી બનાવીને ખોડીયાર માતાજીની ખાંભીની સ્થાપના કરી હતી.
ADVERTISEMENT

ભાવનગરના મહારાજાએ અહિં દેરીમાંથી નાનું મંદિર બનાવી માતાજીની સ્થાપના કરી હતી. સમઢીયાળા, તાજપર, ભાંભણ ત્રણ ગામોનો સીમાડો હોવાથી ત્રણેય ગામોના લોકો વારે તહેવારે માતાજીના મંદિરે ધાર્મિક ઉજવણી કરતા હતા અને માતાજી ભક્તોની મનોકામના પૂર્ણ કરતા જેથી દિવસો જતા વધુને વધુ લોકો માતાજીના દર્શને આવવા લાગ્યા હતા.
ADVERTISEMENT
વર્ષો પહેલા મુળ સમઢીયાળા ગામના વતની અને હાલ બોટાદમાં રહેતા જૈન પરીવારની ખોડિયાર માતાજી પર અતૂટ શ્રદ્ધા હતી. તેઓ માતાજીની નિયમિત પૂજાઅર્ચના કરતા હતા. જ્યારે જૈન પરીવાર પર આફત આવી ત્યારે ખોડિયાર માતાજીએ આ પરીવારને આફતમાંથી બચાવી લીધો હતો અને તે જૈન પરીવારે માતાજીની દેરીનું નવનિર્માણ કર્યુ હતુ. તે પછી સમઢીયાળા અને આસપાસના ગામના લોકોએ વિશાળ મંદિરનું નિર્માણ કર્યુ હતું જે આજે ભવ્ય મંદિરના સ્વરુપે દર્શનીય છે.

ADVERTISEMENT
વાંકિયા ધરા ખોડિયાર માતાજી મંદિરના નિર્માણ પછી અહીં શિવાનંદબાપુ નામના સંત રહેતા હતા અને માતાજીની સેવા પૂજા કરતા હતા, બાપુ દરરોજ સવારે સાંજે મહાઆરતી કરતા હતા. શિવાનંદબાપુને વૃક્ષો પ્રત્યે બહુ જ લગાવ હતો એટલે તેમણે મંદિર પરીસરમાં વૃક્ષો વાવી બાજુમાંથી પાણી લાવી વૃક્ષોનું જતન કર્યુ હતું અને આજે બાપુની મહેનતનો રંગ નંદનવન સ્વરુપે દ્રશ્યમાન થાય છે.

ADVERTISEMENT
શિવાનંદબાપુ દેવ થયા ત્યારે ગામના લોકોએ માતાજીના મંદિરની બાજુમાં બાપુની સમાધી બનાવી અને સમાધી ઉપર શિવલિંગની સ્થાપના કરીને ખોડિયાર માતાજીના મંદિરની બાજુમાં જ ભવ્ય શિવ મંદિર બનાવી મંદિરનું નામ શિવાનંદેશ્વર આપી બાપુની યાદને કાયમ રાખી છે. ઘટાદાર વૃક્ષોના ખોળે કુદરતી સૌંદર્ય પાથરતુ વાંકિયા ધરાનું ખોડિયાર મંદિર હજ્જારો ભક્તોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે. વાંકિયા ધરાના ખોડિયાર મંદિરે દર વર્ષે અષાઢી બીજના દિવસે આસપાસના ગામોના લોકો એકાવન મણ લાપસીની પ્રસાદીનું આયોજન કરે છે અને આ દિવસે માનવ મેળો યોજાય છે તેમજ ભજન, ભોજન અને બટુક ભોજન કરાવવામાં આવે છે.
આ પણ વાંચોઃ ઝલ્લેશ્વર શ્રીરાજ રાજોધરજીએ કરી હતી આ મંદિરની સ્થાપના, ઝાલા કુળના જન્મદાત્રી છે મા શક્તિ
ADVERTISEMENT
ત્રણ ગામના સીમાડે પ્રકૃતિના ખોળે, કુદરતી સૌંદર્યમાં પૌરાણિક વાંકિયા ધરા ખોડિયાર માતાજીના મંદિરે નવરાત્રી, સાતમ, આઠમ, દિવાળી અને શ્રાવણ માસમાં ધાર્મિક ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. શિવરાત્રીના દિવસે મહાપ્રસાદ અને રાત્રે સંતવાણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. દર મહિનાની છઠના દિવસે પણ ભવ્ય ઉજવણી કરવામાં આવે છે, રવિવારે અને મંગળવારે મોટી સંખ્યામાં ભક્તો મંદિરે દર્શન કરવા આવતા હોય છે, ત્યારે લોક મેળાનો માહોલ સર્જાય છે. મંદિરે દર્શન કરવા આવતા શ્રધ્ધાળુઓ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી નવા સંચાર સાથે ઘરે જાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.