બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / ઝલ્લેશ્વર શ્રીરાજ રાજોધરજીએ કરી હતી આ મંદિરની સ્થાપના, ઝાલા કુળના જન્મદાત્રી છે મા શક્તિ
Last Updated: 06:04 AM, 14 July 2025
હળવદ શહેરમાં શ્રી શક્તિ માતાજીનું મંદિર આવેલું છે. શક્તિ મંદિરમાં મા શક્તિ, બે દેવી મા ચામુંડા અને મા બ્રહ્માણી સાથે બિરાજમાન છે. જયારે બાજુમાં હળ આકારના નગરના સ્વામી સદાશિવ હલાદીનાથ બિરાજમાન છે. આ ઉપરાંત ગણપતિજી, ભૈરવજી, મંગળાદેવી, અમરેશ્વર હનુમાનજી, બરબરિક જેવા દેવોની કલાત્મક મૂર્તિઓ પણ બિરાજમાન કરવામાં આવેલી છે. હળવદ ગામનો જે હળથી પાયો ખોદવામાં આવ્યો હતો તે હળ પણ શક્તિ મંદિરમાં હાલ મોજૂદ છે. જે હળનું દર વર્ષે ક્ષત્રિય સમાજ દ્વારા વિજયા દશમીના દિવસે અને હળવદના સ્થાપના દિને એટલે કે મહાશિવરાત્રીના દિવસે પૂજન અર્ચન કરવામાં આવે છે.
ADVERTISEMENT

હળવદ શહેર મધ્યમાં આવેલા શ્રી શક્તિ માતાજી મંદિરના ઇતિહાસની વાત કરીએ તો આ પૌરાણિક મંદિરની સ્થાપના ઝલ્લેશ્વર શ્રીરાજ રાજોધરજીએ કરી હતી, ત્યાર બાદ પરંપરાગત એક પછી એક ઝલ્લેશ્વરો માના ચરણોમાં સેવા આપતા રહ્યા છે. ઝલ્લેશ્વર શ્રીરાજ ઘનશ્યામસિંહજી અને અજીતસિંહજીએ આ મંદિરના બંધારણની રચના કરી હતી જેમાં પરંપરાગત રીતે માના પૂજારી, છડીદાર, ચોકદાર, કર્મકાંડીની નિયુક્તિ કરીને વ્યવસ્થા કરી હતી. અને ઘનશ્યામસિંહજીના ભક્તિ ભાવથી પ્રભાવિત થઈ તેમના જ દીવાન માનસિંહજીએ મંદિરના ચાંદીના કમાડ કરાવ્યા હતા.
ADVERTISEMENT

આ મંદિર ક્ષત્રિય સમાજ માટે આસ્થાનું મોટું કેન્દ્ર છે કારણ કે મા શક્તિ ઝાલા કુળના જન્મદાત્રી છે અને શક્તિ મા અન્ય ઘણા વર્ણના પણ કુળદેવી છે. હળવદ શહેર અને આસપાસના વિસ્તારમાં વસતા ક્ષત્રિય સમાજના લોકો અને અઢારે વર્ણના શ્રદ્ધાળુઓ નિત્ય માતાજીના દર્શન કરવા આવી, માતાજી સમક્ષ પોતાની મનોકામના વ્યક્ત કરે છે, જે માતાજીના આશીર્વાદથી અવશ્ય પુર્ણ થાય છે.
ADVERTISEMENT
હળવદ ધ્રાંગધ્રા સ્ટેટના ભાયાતના કર વિધિ અહીં થાય છે. જેમાં દીકરીના કર માના ચરણે થાય છે, જયારે ભાણેજના પણ કર અહીં કરવામાં આવે છે. દશેરાના દિવસે કોળી સમાજના લોકો મા ના મંદિરે શિખર પર ધજા ચડાવવા આવે છે. મા શક્તિનો પ્રાગટ્ય દિવસ એટલે કારતક સુદ અગિયારસના દિવસે શક્તિ એકાદશીની ખુબ ધામ ધૂમપુર્વકથી ઉજવણી કરવામાં આવે છે. ત્યારે મંદિરનું પ્રાંગણ અસંખ્ય દીવડાના પ્રકાશથી દીપી ઉઠે છે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ અડાલજમાં ટહુકાની ચેહર માતાજીનું સુવર્ણ મંદિર, માના પ્રાગટ્યની છે ચમત્કારિક લોકવાયકા
દરરોજ માતાજીને ફુલહાર, શ્રીંગાર અને વાઘાનો શણગાર કરી સવારે મંગળા આરતી, સાંજે સંધ્યા આરતી અને નિત્ય પાઠાત્મક ચંડિપાઠનું પઠન કરવામાં આવે છે. નવરાત્રિના નવ દિવસ દરમિયાન અહીંયા ક્ષત્રિય સમાજની માતાઓ, બહેનો ગરબે ઘૂમી માની આરાધના કરે છે. અને આઠમે હવન તેમજ દશેરાના દિવસે શસ્ત્ર પૂજન, હળનું પૂજન અને મહાશિવરાત્રીના દિવસે હળ, ગાય અને અશ્વનું પૂજન કરવામાં આવે છે.
ADVERTISEMENT

કુદરતી રમણીય વાતાવરણની વચ્ચે આવેલું હળવદ સામંતસર તળાવ કિનારે સ્થિત શ્રીશક્તિ માતાજીનું મંદિર ભાવિકોની શ્રધ્ધા, આસ્થાનું કેન્દ્ર છે. જ્યાં પગ મુક્તાની સાથે જ શાંતિ, આનંદ અને આધ્યાત્મિકતાની અલૌકિક અનુભૂતિનો અનુભવ થાય છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.