બ્રેકિંગ ન્યુઝ
VTV / VTV વિશેષ / જ્યાં પાંડવોએ શિવના દર્શન માટે રચ્યું 'ષડયંત્ર', ત્યાં બન્યું જ્યોતિર્લિંગ, મંદિર બંધ હોય તો પણ નથી ઓલવાતો હજારો વર્ષથી પ્રગટેલો દીવો!
Kedarnath Jyotirling: આંખ ઉંચી કરીએ તો બરફથી છવાયેલા ઉંચા ઉંચા પહાડો દેખાય, જાણે આકાશને અડી જતા હોય. કિલોમીટરો સુધી વાહનો ન દેખાય, દેખાય ફક્ત ચાલતા આવતા જતા માણસો અને ખચ્ચર. દુર્ગમ રસ્તાઓ છતાંય હજારોની સંખ્યામાં લોકો અહીં ઓમનાદ કરતા કરતા આવે છે. વહેલી સવારે ઉઠીને તમે મંદિર નજીક પહોંચો તો વાતાવરણ એવું હોય કે જીવન જીવવું સફળ થઈ જાય. ક્યાંક કોઈ બાવજી ઓમ નમઃ શિવાયના જાપ કરતા હોય, ક્યાંક કોઈક બ્રાહ્ણણ સ્પષ્ટ સંસ્કૃતમાં પૂજા કરાવતા હોય, ક્યાંક કોઈ ભક્ત બેસીને શિવને નમન કરતા હોય. અને મંદિરમાં અંદર જવા માટે લાંબી લાઈન હોય છતાંય, બધા જ દેવાધિદેવ મહાદેવની એક ઝલક માટે રાહ જોઈને બેઠા હોય. એક એવું જ્યોતિર્લિંગ જે નદીઓના વિનાશક પૂરમાં પણ અડીખમ ઉભુ રહ્યું છે. સદીઓથી જાણે સ્વયં મહાદેવ જ બિરાજ્યા હોય એમ બરફથી ઢંકાઈ જાય તો પણ મંદિરને જરાકેય નુક્સાન થતું નથી. આ છે 12 જ્યોતિર્લિંગમાંનુ એક કેદારનાથ જ્યોતિર્લિંગ.
ADVERTISEMENT

મંદિર સુધી પહોંચવાનો રસ્તો ખુબ જ અઘરો છે. ગાઢ જંગલો, સાંકડા રસ્તાઓ, અને ટેકરીઓમાં ઉબડ-ખાબડ રસ્તાઓ પર ચાલીને પણ દર વર્ષે લાખો ભક્તો આ મુશ્કેલ યાત્રા કરે છે કારણ કે તેઓ માને છે કે અહીં પહોંચીને ફક્ત શિવ જ નહીં પરંતુ મોક્ષનો માર્ગ પણ શોધી શકશે. આ દ્વાદશ જ્યોતિર્લિંગમાં કેદારનાથ જ્યોતિર્લિંગ સૌથી અનોખું છે. અનોખું એટલાં માટે, કારણ કે તે ભારતમાં સૌથી વધુ ઊંચાઈ પર સ્થિત જ્યોતિર્લિંગ છે. સમુદ્રની સપાટીથી લગભગ 3,583 મીટરની ઊંચાઈ પર દેવાધિદેવ મહાદેવ કેદારનાથ જ્યોતિર્લિંગ સ્વરૂપે વિદ્યમાન થયા છે. કેદારક્ષેત્રમાં પંચકેદાર બિરાજમાન છે. જેમાં કેદારનાથ, મધ્યમહેશ્વર, તુંગનાથ, રુદ્રનાથ અને કલ્પેશ્વરનો સમાવેશ થાય છે. કહે છે કે આ પાંચેયના દર્શન બાદ કેદારનાથની યાત્રા સંપૂર્ણ બને છે.
ADVERTISEMENT
શિલા સ્વરુપે બિરાજમાન
ભારતના ઉત્તરાખંડ રાજ્યના રુદ્રપ્રયાગ જિલ્લામાં પાવની મંદાકિની નદીના કિનારે આવેલું આ સ્થાન ચાર ધામમાંથી પણ એક છે. કેદારનાથધામ ફક્ત એક મંદિર નથી. તે મનથી હૃદય સુધી, પાપથી પ્રાયશ્ચિત સુધી અને આત્માથી ભગવાન સુધીની યાત્રા છે. અહીં પહોંચતા જ જાણે જીવનનો થાક ઉતરી ગયો હોય તેવું લાગે છે. ભગવાન શિવના આ ધામનો ઇતિહાસ ભગવાન વિષ્ણુ, નર-નારાયણ, પાંડવો અને આદિગુરુ શંકરાચાર્યના અવતાર સાથે જોડાયેલો છે. સૌથી મહત્વની વાત એ કે ભગવાન શિવ અહીં શિવલિંગ સ્વરૂપે નહીં, પરંતુ, એક શિલા સ્વરૂપે બિરાજમાન થયા છે.
ADVERTISEMENT
શિવની હાજરીનો અનુભવ
કેદારનાથ જ્યાં ભગવાન શિવની હાજરીનો અનુભવ થાય છે. જ્યાં દુઃખી મનને શાંતિ મળે છે. શિવપુરાણનું વર્ણન કોટિ રુદ્ર સંહિતામાં અનુસાર, જો કોઈ વ્યક્તિ ભક્તિભાવથી કેદારનાથની યાત્રા પર જઈ રહ્યો હોય અને રસ્તામાં કોઈ કારણસર મૃત્યુ પામે તો તેને પણ મોક્ષ મળે છે. કેદારનાથનો મહિમા ફક્ત આટલો જ નથી, શિવપુરાણ અનુસાર, જે કોઈ વ્યક્તિ કેદારનાથની મુલાકાત લે છે અને ત્યાં હાજર તળાવનું પાણી પીવે છે તે જીવન અને મૃત્યુના ચક્રમાંથી પણ મુક્તિ મળે છે. ચાલો આપણે ભગવાન શિવના પરમ નિવાસસ્થાન કેદારનાથના તે વણકહ્યા રહસ્યો જાણીએ..
ADVERTISEMENT

કેદારનાથ જ્યોતિર્લિંગનો ઈતિહાસ
ADVERTISEMENT
કેદારનાથ જ્યોતિર્લિંગના ઈતિહાસની વાત કરવામાં આવે તો, શિવપુરાણના કોટિરુદ્ર સંહિતામાં લખેલું છે કે ભગવાન વિષ્ણુના અવતાર નર અને નારાયણ ઋષિએ એક કઠોર તપ કરીને ભગવાન શિવને પ્રસન્ન કર્યા હતા. આ તપના કારણે ભગવાન શિવ નર અને નારાયણ ઋષિ સમક્ષ પ્રગટ થયા હતા. નર અને નારાયણ ઋષિએ ભગવાન શિવ પાસે આ સ્થાન જ્યોતિર્લિંગના રુપમાં કાયમ રહેવા વરદાન માંગ્યું જેથી અન્ય ભક્તો પણ સરળતાથી ભગવાન શિવના દર્શન કરી શકે. આ સાંભળીને ભગવાન શિવે કહ્યું કે 'હવેથી તેઓ અહીં જ રહેશે અને આ વિસ્તાર કેદાર પ્રદેશ તરીકે પ્રખ્યાત થશે.'
ADVERTISEMENT
કેદારનાથ જ્યોતિર્લિંગનો દ્વાપર યુગ સાથે સંબંધ
કેદારનાથ જ્યોતિર્લિંગનો સંબંધ મહાભારતના સમયમાં એટલે કે દ્વાપર યુગ સાથે પણ જોડાયેલો છે. જેની કથા આપણે આગળ વાંચી. એવું કહેવાય છે કે પાંડવોએ દર્શન કર્યા ત્યારથી જ કેદારનાથમાં ભગવાન શિવની પૂજા ભેંસની પીઠના રૂપમાં થાય છે. એવું માનવામાં આવે છે કે આ ભેંસનો ચહેરો નેપાળમાં બહાર આવ્યો હતો, જ્યાં ભગવાન શિવને પશુપતિનાથના રૂપમાં પૂજવામાં આવે છે.
કેદારનાથ વિશે અન્ય માન્યતાઓ
કેદારનાથ જ્યોતિર્લિંગ વિશે બીજી એક માન્યતા એ છે કે જ્યારે રાક્ષસોએ દેવતાઓ પર હુમલો કર્યો ત્યારે દેવતાઓએ રાક્ષસોથી પોતાને બચાવવા માટે ભગવાન શિવની પૂજા કરી હતી. જે પછી શિવ વેલના રૂપમાં પ્રગટ થયા અને દેવતાઓને કહ્યું કે હું કોને ચીરી નાખું અને કોને ફાડી નાખું? આ પછી ભગવાન શિવે બળદના રૂપમાં પોતાના શિંગડા અને ખૂર (ઢોરના પગની ખરી)થી રાક્ષસોનો નાશ કર્યો હતો. ભગવાન શિવે આ રાક્ષસોને મંદાકિની નદીમાં ફેંકી દીધા હતા. એવું પણ કહેવાય છે કે, કેદારનાથનું નામ કોદારામ પરથી રાખવામાં આવ્યું છે. કેદારનાથમાં ભગવાન શિવની પીઠની પૂજા પણ થાય છે.
મંદિર કત્યૂરી સ્થાપત્ય શૈલીથી નિર્મિત
કેદારનાથનું હાલનું મંદિર આદિ ગુરુ શંકરાચાર્ય દ્વારા 8મી-9મી સદીમાં બનાવવામાં આવ્યું હતું. મંદિર કત્યૂરી સ્થાપત્ય શૈલીથી નિર્મિત છે. મંદિર એક છ ફૂટ ઊંચા પત્થરના ચોરસ ચબૂતરા ઉપર બનેલું છે. વિશાળ શિલાઓને જોડીને તેને બાંધવામાં આવ્યું છે. અને તે ભારતની પ્રાચીન વાસ્તુકલાની સમૃદ્ધતાની સાક્ષી પૂરે છે. શંકરાચાર્યએ કેદારનાથમાં જ દેહ ત્યાગ કર્યો હોવાનું કહેવાય છે. અહીં જ તેમની સમાધિ છે. કેટલાક વિદ્વાનો વર્તમાન મંદિરને ભોજકાલીન પણ માને છે જો કે, મંદિરનું નિર્માણ શૈલી સંકેત કરે છે કે, તે અયોધ્યાના સૂર્યવંશી કત્યૂરી રાજાઓએ બનાવ્યું હતું. કત્યૂરી રાજવંશ ઉત્તરાખંડ રાજ્યનો એક મધ્યયુગીન રાજવંશ હતો. કત્યૂરી રાજાઓએ ગિરિરાજ ચક્રચૂડામણિની ઉપાધિ ધારણ કરી હતી અને તેમની પહેલી રાજધાની જોશીમઠમાં હતી. મંદિરનું નિર્માણ તેમના જ નામવાળી કત્યૂરી શૈલીમાં થયું છે.
હજારો વર્ષોથી પ્રગટે છે દીવો
મંદિર મુખ્યત્વે ત્રણ ભાગમાં વહેંચાયેલું છે. પ્રથમ પ્રવેશદ્વાર, બીજું સભા મંડપ અને ત્રીજું ગર્ભગૃહ. સ્વયંભુ જ્યોતિર્લિંગ ગર્ભગૃહમાં આવેલું છે. જ્યોતિર્લિંગની આગળની બાજુએ ભગવાન ગણેશ સાથે દેવી પાર્વતીનું શ્રી યંત્ર પણ સ્થિત છે. જ્યારે આપણે જ્યોતિર્લિંગ જોઈએ છીએ, ત્યારે એવું લાગે છે કે કુદરતી રીતે ત્યાં યજ્ઞોપવીત (જનોઈ) અંકિત થઈલી જોઈ શકાય છે. વધુમાં, પાછળના ભાગમાં કુદરતી સ્ફટિકોની માળા જોઈ શકાય છે. હજારો વર્ષોથી અહીં એક દીવો પ્રગટી રહ્યો છે. છ મહિના સુધી મંદિર બંધ રહે ત્યારે પણ આ દીવો આપમેળે પ્રગટ્યા કરે છે. મંદિરની અંદર ચાર વિશાળ સ્તંભો પણ છે જે ચાર વેદોનું પ્રતીક માનવામાં આવે છે. એવું કહેવાય છે કે આ સ્તંભોની પાછળથી પરિક્રમા કરવી જોઈએ.
મંદિર સાથે જોડાયેલી અન્ય ખાસ બાબતો
કેદારનાથ મંદિરની આસપાસ રહેતા લોકોનું કહેવું છે કે મંદિરના દરવાજા બંધ થયા પછી પણ મંદિરની અંદરથી ઘંટડી વગાડવાનો અવાજ સંભળાય છે. પુરાણો અનુસાર આ છ મહિના દરમિયાન દેવતાઓ અહીં પૂજા કરે છે. એટલે કે મંદિર 6 મહિના મનુષ્યો માટે અને બાકીના છ મહિના દેવતાઓ માટે ખુલ્લું રહે છે. એવી માન્યતા છે કે, કેદારનાથ મંદિર પાસે રેતાસ નામનો એક કુંડ છે. આ કુંડ પાસે ઓમ નમઃ શિવાય બોલવા પર પાણીમાં પરપોટા થાય છે. તેમજ આ કુંડનું પાણી પીવાથી વ્યક્તિ મોક્ષ પ્રાપ્ત કરે છે. કેદારનાથમાં ભગવાન શિવની પૂજા પ્રાચીન કાળથી ચાલી આવતી પરંપરા અનુસાર કરવામાં આવે છે. જ્યાં વહેલી સવારે શિવલિંગને સ્નાન કરાવવામાં આવે છે. ઘી લગાવવામાં આવે છે. આ પછી, ધૂપ, દીવા વગેરે જેવી પૂજા સામગ્રીથી ભગવાનની આરતી કરવામાં આવે છે. સાંજે, ભગવાનનો ખાસ શણગાર કરવામાં આવે છે.

ભૈરવ કરે છે મંદિરની રક્ષા
સનાતન ધર્મમાં કેદારનાથને અદ્ભુત ઊર્જાનું કેન્દ્ર માનવામાં આવે છે. પહાડોથી ઘેરાયેલા કેદારનાથ મંદિરનો મહિમા ખૂબ જ અનોખો છે. અહીં પાંચ નદીઓ મંદાકિની, મધુગંગા, ક્ષીરગંગા, સરસ્વતી અને સ્વર્ણગૌરીનો સંગમ થાય છે. જેમાં કેટલીક નદીઓનું હવે અસ્તિત્વ જતુ રહ્યું છે. અહીં બાબાના દર્શન પહેલા કેદારનાથ રોડ પર આવતા ગૌરીકુંડમાં સ્નાન કરવાનો નિયમ છે. દર વર્ષે ભૈરવ બાબાની પૂજા પછી જ મંદિરના કપાટ બંધ અને ખોલવામાં આવે છે. એવું કહેવાય છે કે જ્યારે મંદિરના દરવાજા બંધ હોય છે ત્યારે ભગવાન ભૈરવ આ મંદિરની રક્ષા કરે છે. શાસ્ત્રો અનુસાર જે વ્યક્તિ કેદારનાથના દર્શન કર્યા વગર બદ્રીનાથની યાત્રા કરે છે. તેને યાત્રાનું ફળ મળતું નથી.
(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને પ્રચલિત માન્યતાઓ અને સર્વસામાન્યા જાણકારીને આધારિત છે. VTV Digital તેની પુષ્ટિ કરતું નથી.)
સંકળાયેલા મુદ્દાઓ
Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.