બ્રેકિંગ ન્યુઝ
VTV / VTV વિશેષ / વિષ્ણુ-બ્રહ્મા વચ્ચેનો ઝઘડો, પાર્વતીજી રિસાયા કે પછી સ્વયં પ્રગટ થયા મહાદેવ, જ્યોતિર્લિંગની સાચી કથા કઈ?
Kashi Vishwanath Jyotirling: શિવ આદિ અને અંત છે, શરૂઆત પણ શિવ છે અને છેલ્લો છેડો પણ શિવ છે, આમ તો શિવ અનંત છે. આવું આપણે શાસ્ત્રોમાં વાંચ્યુ છે, ધર્મગુરુઓ પાસેથી સાંભળ્યું છે. પરંતુ શિવ અનંત છે, એવો આપણને ખ્યાલ ક્યાંથી આવ્યો? આ વાત ખુદ ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજીના ઝઘડા સાથે જોડાયેલી છે, એવું શાસ્ત્રો કહે છે. વિષ્ણુ અને બ્રહ્માજીના આ ઝઘડાને કારણે જ આપણને એક જ્યોતિર્લિંગ મળ્યું.
ADVERTISEMENT
સમય એવો હતો, જ્યારે આ પૃથ્વી પર કોઈ જ સભ્યતા નહોતી. ન તો હડપ્પન સંસ્કૃતિ હતી, ન તો મોહેં જો દડોની. પરંતુ શાસ્ત્રોક્ત માન્યતાઓ પ્રમાણે એક શહેર હતું. કહેવાય છે કે આ શહેર શિવના ત્રિશુળના ટેકે ઉભું છું. ખુદ શિવની નગરી છે, શિવ આ શહેરના રાજા છે. જીવંત ઈતિહાસ ધરાવતા આ શહેરની રચનાની કથા પણ ખૂબ રસપ્રદ છે. આ એજ ભૂમિ છે જ્યાં ભોળેનાથે માતા પાર્વતી સાથે લગ્ન કર્યા હતા અને અહીંથી જ ગંગાનું અવતરણ થયું હતું.

ADVERTISEMENT
અહીં આવેલું છે સાતમું જ્યોતિર્લિંગ કાશી વિશ્વનાથ. જેની રચના પાછળ વિષ્ણુ અને બ્રહ્માનો ઝઘડો કારણભૂત છે. પૌરાણિક કથા મુજબ એક વખત ભગવાન વિષ્ણુ અને બ્રહ્મા વચ્ચે કોણ વધારે શક્તિશાળી છે તે અંગે વિવાદ છેડાયો. આ વિવાદમાં મધ્યસ્થી કરવા માટે, ભગવાન શિવે એક વિશાળ જ્યોતિર્લિંગનું રૂપ ધારણ કર્યું. શિવજીએ ભગવાન વિષ્ણુ અને બ્રહ્માને વિશાળ જ્યોતિર્લિંગનો સ્ત્રોત અને ઊંચાઈ શોધવા કહ્યું. બ્રહ્માજી ઊંચાઈ જાણવા માટે તેમના હંસ પર આકાશ તરફ ગયા અને વિષ્ણુજી શૂકર (ભૂંડ)નું રૂપ ધારણ કરીને પૃથ્વીમાં ખોદવાનું શરૂ કર્યું, જેથી તેની ઊંડાઈ જાણી શકે. દિવસો વીત્યા, મહિનાઓ વીત્યા, વર્ષો વીત્યા એટલે સુધી કે યુગો વીત્યા, પણ બંને ભગવાન તેની ઊંડાણ અને ઊંચાઈ શોધી શક્યા નહીં. આખરે હારીને, ભગવાન વિષ્ણુએ શિવ સમક્ષ પ્રણામ કર્યા, પરંતુ બ્રહ્માજીએ ખોટું કહ્યું કે, તેમણે તેની ઊંચાઈ શોધી કાઢી છે. આ જૂઠાણાથી ભગવાન શિવ ગુસ્સે થયા અને તેમને શ્રાપ આપ્યો અને કહ્યું કે, તમારી ક્યાંય પણ પૂજા કરવામાં આવશે નહીં, આ જ કારણ છે કે, બ્રહ્માજીના મંદિરો કોઈ જગ્યાએ જોવા મળતા નથી.
ADVERTISEMENT
ફરી કથા પર પાછા આવીએ તો શિવ જે જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રગટ થયા, આ રીતે કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ સ્થપાયું. આ અંગે બીજી પણ એક પૌરાણિક કથા કાશી નગરીમાં ચર્ચાય છે. જેમાં કલ્પભેદ અનુસાર, જ્યારે ભગવાન શંકર પાર્વતી સાથે લગ્ન કર્યા પછી કૈલાશ પર્વત પર રહેવા લાગ્યા, ત્યારે પાર્વતીજી આ વાતથી ખુબ જ ગુસ્સે થયા. તેમણે ભગવાન શિવને પોતાની ઇચ્છા વ્યક્ત કરી. માતા પાર્વતી પાસેની વાત સાંભળીને ભગવાન શિવ કૈલાશ પર્વત છોડીને કાશી નગરીમાં રહેવા લાગ્યા. આ રીતે, કાશી નગરીમાં આવ્યા પછી, ભગવાન શિવ અહીં જ્યોતિર્લિંગના રૂપમાં સ્થાપિત થયા. ત્યારથી વિશ્વનાથ જ્યોતિર્લિંગ કાશી નગરીમાં ભગવાન શિવનું નિવાસસ્થાન બન્યું.
ADVERTISEMENT
શિવપુરાણની બીજી એક કથા અનુસાર, એવું પણ માનવામાં આવે છે કે કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ કોઈ મનુષ્યની પૂજા કે તપસ્યાને કારણે પ્રગટ થયું ન હતું, પરંતુ નિરાકાર ભગવાન પોતે શિવ બનીને વિશ્વનાથના રૂપમાં સ્વયં અહીં પ્રગટ થયા હતા. શિવે પોતાના ડાબા હાથેથી સત્ગુણ વિષ્ણુનું સર્જન કર્યું અને મુક્તિદાયીની પંચક્રોશીને પોતાના તપસ્યા માટે આ લોકમાં છોડી દીધી.
કાશીના વિશ્વનાથ એ ફક્ત પથ્થરનું શિવલિંગ નથી, પણ તે એક જીવંત ઇતિહાસ છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર, શ્રી કાશી વિશ્વનાથ બે ભાગમાં વહેંચાયેલું છે. જેમાં જમણી બાજુ, માતા પાર્વતી શક્તિના રૂપમાં જ્યારે ડાબી બાજુએ ભગવાન શિવ બિરાજમાન છે. એવું પણ માનવામાં આવે છે કે કાશી શહેર શિવના ત્રિશૂળ પર બિરાજમાન છે અને જે જગ્યાએ જ્યોતિર્લિંગ સ્થાપિત છે. શિવ અહીંના દરેક કણમાં હાજર છે. જીવન અહીંથી શરૂ થાય છે અને અહીં જ સમાપ્ત થાય છે. કાશી વિશે કહેવાય છે કે સુરતનું જમણ અને કાશીનું મરણ જો કોઇનું મૃત્યુ કાશીમાં થાય તો તે મોક્ષગતિને પ્રાપ્ત કરે છે. તેથી શિવભક્તો અહીં મોક્ષની ઇચ્છા સાથે આવે છે.
ADVERTISEMENT
આ રીતે શિવે કાશીને બનાવ્યું નિવાસ્થાન
કાશી નગરીને લઈને પણ લોકોમાં જાતભાતની વાતો છે. તે વિશ્વના સૌથી જૂના વસાહતી શહેરોમાંનું એક છે. જે સમયના પ્રવાહમાં જ નહીં, પણ સનાતનના પ્રવાહમાં પણ વસેલું છે. કાશી, જેને ઋષિઓ મુનિઓ "મુક્તિનું શહેર" કહે છે, તે વૈદિક યુગથી ભગવાન શિવની પૂજાનું કેન્દ્ર રહ્યું છે. હિન્દુ ધર્મમાં કાશીને દેવભૂમિ માનવામાં આવે છે. વરુણા અને અસી નદીઓ વચ્ચે સ્થિત હોવાથી તેનું નામ વારાણસી રાખવામાં આવ્યું છે. તેને પવિત્ર સ્થળોમાંનું એક માનવામાં આવે છે.શિવ અને પાર્વતીએ પ્રલયકાળ દરમિયાન પણ પાંચ કોસ (પંચક્રોશી)ના કાશી ક્ષેત્રનો ત્યાગ કર્યો ન હતો. આ જ કારણ છે કે આ ક્ષેત્રને 'અવિમુક્ત' ક્ષેત્ર કહેવામાં આવે છે. સ્કંદ (કાર્તિકેય)એ અગસ્ત્યજીને કહ્યું હતું કે, આ ક્ષેત્ર ભગવાન શિવના આનંદને કારણે છે, તેથી તેને આનંદવન પણ કહેવામાં આવે છે.
ADVERTISEMENT
તપસ્યાથી પ્રસન્ન થઈને, શિવ-પાર્વતીએ વિષ્ણુને વરદાન માંગવા કહ્યું. વિશ્વના કલ્યાણ માટે, વિષ્ણુએ ભગવાન શિવને પૂછ્યું - બ્રહ્માંડમાં કર્મના બંધનમાં બંધાયેલા જીવો કેવી રીતે મુક્તિ પ્રાપ્ત કરી શકશે. વિષ્ણુની વિનંતી પર, કૈલાશપતિ, જે અંદરથી સત્વગુણી અને બહારથી તમોગુણી કહેવાય છે, શિવ સત્વગુણી રૂપમાં પ્રગટ થયા અને નિર્ગુણ શિવને પ્રાર્થના કરી અને કહ્યું કે, 'મહેશ્વર! હું તમારો મહાદેવ છું! મારા પર દયા કરો જગતપતિ! જન કલ્યાણની ઇચ્છાથી, તમે અહીં કાયમ નિવાસ કરો, કાશીપુરીને તમારા શહેર તરીકે સ્વીકારો, તમે હંમેશા ઉમા સાથે અહીં નિવાસ કરો' અને આ રીતે ભગવાન શંકર તેમના અનુયાયીઓ સાથે વિશ્વેશ્વર જ્યોતિર્લિંગના રૂપમાં કાશીમાં કાયમ નિવાસ કર્યો.
મંદિર પર મુસ્લિમ શાસકોનું આક્રમણ
મહાદેવનું આ મંદિર મુસ્લિમ શાસકોની નજરમાં કાંટા જેવું હતું. આ 11મી સદીની વાત છે, જ્યારે સમ્રાટ વિક્રમાદિત્યે રાજા હરિશ્ચંદ્ર દ્વારા બંધાયેલા વિશ્વનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો હતો. પૌરાણિક કથાઓમાં આનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 1194માં, આ ભવ્ય મંદિરને મહંમદ ઘોરી દ્વારા લૂંટી લેવામાં આવ્યું હતું અને પછી તેને તોડી પાડવામાં આવ્યું હતું. ત્યારબાદ સ્થાનિક લોકોએ મળીને ફરી નિર્માણ કરાયું હતું. આ પછી જૌનપુરના સુલતાન મહમૂદ શાહે 1447માં તેને ફરીથી તોડી પાડ્યું. જે પછી 1585માં રાજા ટોડરમલની મદદથી ફરીથી ર્નિર્માણ કરવામાં આવ્યું હતું. 1632માં ફરી એકવાર શાહજહાંએ આ ભવ્ય મંદિરને તોડી પાડવાનો આદેશ આપ્યો હતો. આ પછી 18 એપ્રિલ 1669ના રોજ ઔરંગઝેબે વિશ્વનાથ મંદિર તોડી પાડવાનો આદેશ આપ્યો અને 2 સપ્ટેમ્બર 1669ના રોજ મંદિર તોડી પાડવાની પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. વિશ્વનાથ મંદિર તોડી પાડ્યા પછી અહીં જ્ઞાનવાપી મસ્જિદ બનાવવામાં આવી હતી. વિચિત્ર વાત એ હતી કે મસ્જિદના નિર્માણમાં મંદિરની કલાકૃતિઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
મંદિરમાં અન્ય શિવલિંગ પણ છે
મંદિરના ગર્ભગૃહના ચાર દ્વાર તંત્રની દ્રષ્ટિએ પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પહેલું શાંતિ દ્વાર, બીજું કલા દ્વાર, ત્રીજું પ્રતિષ્ઠા દ્વાર અને ચોથું નિવૃત્ત દ્વાર. આ ચાર દ્વાર સાથે ગર્ભગૃહની પાંચ પરિક્રમા કરવાથી ભક્તોને અલૌકિક અવરોધોથી મુક્તિ મળે છે. સમગ્ર વિશ્વમાં બીજું કોઈ સ્થાન નથી જ્યાં શિવ-શક્તિ એકસાથે બેઠેલા હોય અને એક તંત્ર દ્વાર પણ હોય. ભોલેનાથનું જ્યોતિર્લિંગ ઉત્તર-પૂર્વ ખૂણામાં છે. આનો અર્થ એ છે કે આ પરિસર જ્ઞાન, ગુણ અને દરેક કલાથી પરિપૂર્ણ છે. ગણેશ, માતા પાર્વતી અને મા અન્નપૂર્ણાની મૂર્તિઓની સાથે, મંદિરમાં અન્ય શિવલિંગ પણ છે. અહીં બધી મૂર્તિઓને એવી રીતે શણગારવામાં આવી છે કે મૂર્તિઓ પશ્ચિમ તરફ મુખ રહે છે.

જ્યોતિર્લિંગને સ્પર્શ કરવાથી મળે છે રાજસૂય યજ્ઞનું ફળ
આ જ્યોતિર્લિંગને સ્પર્શ કરવાથી જ રાજસૂય યજ્ઞનું ફળ મળે છે અને તેના દર્શન કરવાથી જ જ્ઞાનનો પ્રકાશ મળે છે તેવો કાશીખંડમાં ઉલ્લેખ છે. કાશીમાં એક ઇંચ પણ જમીન લિંગથી મુક્ત નથી. એવું પણ માનવામાં આવે છે કે બાબા વિશ્વનાથ મંદિરમાં એકવાર દર્શન કરીને પવિત્ર ગંગામાં સ્નાન કરવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે. આદિ શંકરાચાર્ય, સંત એકનાથ, રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ, મહર્ષિ દયાનંદ, ગોસ્વામી તુલસીદાસ જેવા મહાન વ્યક્તિઓએ બાબાના ધામમાં આવીને શીશ ઝુકાવ્યું છે.
કાશીના બાર નામનો પુરાણોમાં ઉલ્લેખ
એવી માન્યતા છે કે, આ શહેરનું રક્ષણ ખુદ ભગવાન શિવ દ્વારા કરવામાં આવે છે. કળિયુગના અંતમાં પ્રલયકાળ આવશે ત્યારે પણ કાશી વિશ્વનાથને કોઈ પણ પ્રકારનું નુકસાન થશે નહીં. 18 પુરાણોમાંના એક સ્કંદ પુરાણમાં કાશીખંડ નામનો આખો અધ્યાય છે. કાશીના બાર પ્રખ્યાત નામ છે જેમાં કાશી, વારાણસી, અવિમુક્ત ક્ષેત્ર, આનંદકાનન, મહાશ્મશાન, રુદ્રવાસ, કાશિકા, તપસ્થલી, મુક્તિભૂમિ, શિવપુરી, ત્રિપુરારી રાજ નગરી અને વિશ્વનાથ નગરીનો સમાવેશ થાય છે.
મહારાજા રણજીત સિંહજીએ મંદિરને સોનાથી મઢ્યું
દર વર્ષે શ્રાવણ મહિનામાં દેશ-વિદેશથી લાખો ભક્તો ભગવાન શિવના દર્શન કરવા માટે અહીં પહોંચે છે. આ મંદિરનું નિર્માણ ક્યારે થયું હતું તેનો કોઈ ચોક્ક્સ ઉલ્લેખ નથી પરંતુ 3500 વર્ષનો લેખિત ઇતિહાસ છે. હાલનું જે મંદિર છે તેનું નિર્માણ 1780માં ઇન્દોરના મહારાણી અહિલ્યાબાઈ હોલકર દ્વારા કરવામાં આવ્યું હતું અને મહારાજા રણજીત સિંહજીએ મંદિરને સોનાથી મઢ્યું હતું. કાશી વિશ્વનાથ મંદિર સનાતન ધર્મના આત્મા, શ્રદ્ધા અને રહસ્યનો એક અનોખો સંગમ છે. વારાણસીમાં સ્થિત આ મંદિર ભગવાન શિવનું આ જ્યોતિર્લિંગ યુગોથી ભક્તો, સાધુઓ, ઋષિઓ અને રાજાઓની શ્રદ્ધાનું કેન્દ્ર રહ્યું છે.
(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને પ્રચલિત માન્યતાઓ અને સર્વસામાન્યા જાણકારીને આધારિત છે. VTV Digital તેની પુષ્ટિ કરતું નથી.)
સંકળાયેલા મુદ્દાઓ
Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.