Bhupendra Patel's name stamped as Gujarat Chief Minister
BIG BREAKING /
ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલના નામ પર મહોર: MLA મીટિંગમાં સત્તાવાર પ્રસ્તાવ પસાર
Team VTV12:46 PM, 10 Dec 22
| Updated: 12:56 PM, 10 Dec 22
આજે ગાંધીનગર ખાતે યોજાયેલી ધારાસભ્ય દળની બેઠકમાં મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલના નામનો પ્રસ્તાવ કનુ દેસાઈએ મૂક્યો હતો. આ પ્રસ્તાવને સર્વાનુમતે પસાર કરી દેવામાં આવ્યો છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલના નામ પર તમામ ધારાસભ્યો દ્વારા મહોલ મારી દેવામાં આવી છે.
ભૂપેન્દ્ર પટેલ ફરીવાર બન્યા ગુજરાતના મુખ્યમત્રી
કનુ દેસાઈએ ધારાસભ્ય દળની બેઠકમાં મૂક્યો હતો પ્રસ્તાવ
તમામ ધારાસભ્યોએ મુખ્યમંત્રીના નામ પર મારી મહોર
નિરીક્ષકોની હાજરીમાં ધારાસભ્ય દળના નેતા તરીકે ભૂપેન્દ્ર પટેલના નામ પર મહોર મારી દેવામાં આવી છે. આજે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે યોજાયેલી ધારાસભ્ય દળની બેઠકમાં કનુ દેસાઈએ મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. જેને તમામ ધારાસભ્યોએ સમર્થન આપ્યું હતું. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ ફરી શપથ લેશે. આગામી 12મી ડિસેમ્બરે ગાંધીનગરના હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે શપથવિધિ સમારોહ યોજાશે.
ભૂપેન્દ્ર પટેલની ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદગી કરાઈ
ભાજપ હાઇકમાન્ડે નિરીક્ષક તરીકે રાજનાથસિંહ, કર્ણાટકના પૂર્વ સીએમ બીએસ યેદિયુરપ્પા અને કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડાને મોકલ્યા છે. તેમની હાજરીમાં ગાંધીનગર ખાતે ધારાસભ્ય દળની બેઠક યોજાઈ હતી. જેમાં ભૂપેન્દ્ર પટેલના નામનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. જેને પૂર્ણેશ મોદી, શંકર ચૌધરી, મનીષાબેન વકીલ અને રમણ પાટકરે ટેકો આપ્યો હતો. તમામ ધારાસભ્યોના સમર્થન બાદ ભૂપેન્દ્ર પટેલની ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદગી કરાઈ છે.
મંત્રીમંડળની શપથવિધિ માટે માગશે સમય
શુક્રવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજભવનમાં તેમના કેબિનેટ મંત્રીઓ સાથે રાજ્યપાલને રાજીનામું આપ્યું હતું. હવે ભૂપેન્દ્ર પટેલ અને પાર્ટીના નેતાઓ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સમક્ષ ગુજરાતમાં સરકાર રચવાનો દાવો કરશે અને મંત્રીમંડળની શપથવિધિ માટે સમય માગશે. આપને જણાવી દઈએ કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના પ્રચંડ જીત બાદ નવી સરકાર બનાવવા માટેની તૈયારીઓ તેજ બની છે.
દિલ્હી જવા રવાના થશે ભૂપેન્દ્ર પટેલ અને સી.આર પાટીલ
આજે ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ દિલ્હી જવા રવાના થશે. દિલ્હીમાં બંને નેતાઓ ભાજપના શીર્ષ નેતૃત્વ સાથે મુલાકાત કરશે. આ દરમિયાન નવા મંત્રીમંડળની યાદી અંગે નિર્ણય લેવાઈ શકે છે. દિલ્હીમાં ભૂપેન્દ્ર પટેલ અને સી.આર પાટીલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે પણ મુલાકાત કરી શકે છે.