બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ભાવનગર લઠ્ઠાકાંડ બાદ અમદાવાદની પોલીસમાં દોડધામ, બુટલેગરને ‘માહોલ ગરમ છે’ના ફોન રણક્યા
Last Updated: 03:41 PM, 20 August 2026
ભાવનગરના લઠ્ઠાકાંડમાં નકલી ઇંગ્લિશ દારૂ પીવાથી નવ લોકોનાં મોત અને ૨૧ લોકો સારવાર હેઠળ હોવાની ઘટનાએ સમગ્ર ગુજરાતને હચમચાવી દીધું છે. દારૂબંધી ધરાવતા ગુજરાતમાં નકલી દારૂના કારણે મોતની આ ઘટનાના પડઘા અમદાવાદ સુધી પહોંચ્યા છે. ગાંધીનગરથી સ્પેશિયલ ડ્રાઇવના આદેશ છૂટતાં જ અમદાવાદમાં વર્ષોથી ધમધમતા દારૂના ધંધા પર અચાનક બ્રેક લાગી ગઈ છે. શહેરના અનેક વિસ્તારોમાં ચાલતા દારૂના અડ્ડા ટપોટપ બંધ થઈ ગયા છે અને બુટલેગરો ભૂગર્ભમાં ઊતરી ગયા હોવાનું સામે આવ્યું છે.
ADVERTISEMENT
પોલીસનો આદેશ અને બુટલેગરમાં ફફડાટ
રાજ્ય પોલીસ વડા જી.એસ. મલિકે અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતના પોલીસ કમિશનરો તેમજ જિલ્લા પોલીસ વડાઓને દારૂ સામે સ્પેશિયલ ડ્રાઇવ યોજવાના આદેશ આપ્યા છે. આદેશ મળતાંની સાથે જ અમદાવાદ પોલીસ પણ એક્શનમાં આવી ગઈ છે. શહેરનાં ૫૪પોલીસ સ્ટેશનની હદમાં પોલીસની હિલચાલ વધી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે જે વિસ્તારોમાં નિયમિત રીતે દારૂની હેરાફેરી કે વેચાણ થતું હતું ત્યાં અચાનક ધંધો બંધ થઈ ગયો છે. કેટલાક બુટલેગરને પોલીસના વહીવટદારો દ્વારા ફોન કરી ‘માહોલ ગરમ છે, થોડા દિવસ ધંધો બંધ રાખજો’ તેવી સૂચના આપવામાં આવી હોવાની ચર્ચા છે. લઠ્ઠાકાંડ બાદ ફરી એક વખત સવાલ એ છે કે જો પોલીસની હિલચાલથી ગણતરીના કલાકોમાં દારૂના અડ્ડા બંધ થઈ શકે છે તો આ અડ્ડા અત્યાર સુધી કોની નજર સામે ચાલતા હતા.
ADVERTISEMENT
હર્ષ સંઘવીની એરપોર્ટ પર તાત્કાલિક બેઠક
ભાવનગરની ઘટનાને ગંભીરતાથી લેતાં નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીએ અમદાવાદ એરપોર્ટ પર તાત્કાલિક બેઠક યોજી હતી. બેઠકમાં સમગ્ર ઘટનાની ગંભીરતા અંગે ચર્ચા કરી દારૂના ગેરકાયદે વેચાણ, હેરાફેરી અને સપ્લાય સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. બેઠક બાદ પોલીસની વિવિધ ટીમોએ શહેરમાં દારૂના જથ્થા અને બુટલેગરો સામે કાર્યવાહી તેજ કરી છે. ખાસ કરીને અન્ય રાજ્યોમાંથી અમદાવાદમાં આવતા દારૂના જથ્થા પર પણ નજર રાખવામાં આવી રહી છે.
ADVERTISEMENT
ક્રાઈમ બ્રાંચે અમરાઈવાડીમાં દારૂનો જથ્થો ઝડપી પાડ્યો
સ્પેશિયલ ડ્રાઇવ વચ્ચે અમદાવાદ ક્રાઈમ બ્રાંચે અમરાઈવાડી વિસ્તારમાં કાર્યવાહી કરી છે. હાટકેશ્વર મદ્રાસી મંદિર પાસે આવેલી સૂર્યનગરની ચાલીમાંથી નરેશ ઉર્ફે કાલીસ ભીખાભાઈ ભરવાડને ઝડપી પાડવામાં આવ્યો હતો. તેની પાસેથી ભારતીય બનાવટના બિયરની ૯૩ નંગ બોટલ અને ૧૮૦ મિલિલિટરની ૨૮૬ બોટલ મળી આવી હતી. પોલીસે કુલ ૪૭,૮૧૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપી વિરુદ્ધ અગાઉ પણ અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે.
ADVERTISEMENT
રાજસ્થાનથી આવતો દારૂ પણ રસ્તામાં જ ઝડપાયો
બીજી તરફ એસઓજીની ટીમને બાતમી મળી હતી કે જીવરાજ ઉર્ફે જીવા નામનો બુટલેગર ઈકો કારમાં રાજસ્થાનથી દારૂનો જથ્થો લઈને નહેરુનગર સર્કલ તરફ આવી રહ્યો છે. પોલીસે કાર રોકી તપાસ કરતાં ચાર શખ્સો મળી આવ્યા હતા. કારમાં પંકજ પાંડોર, જીવરાજ ઉર્ફે જીવા, સુનિલ ઉર્ફે સુન્યા મીણા અને સોમેશ્વર પરમાર સવાર હતા. તપાસ દરમિયાન કારમાંથી વિદેશી દારૂની ૩૬૪ નંગ બોટલ મળી આવી હતી. પોલીસની તપાસમાં આ જથ્થો ધનજી અસારી, લાલશંકર અસારી, શાંતિલાલ અને સુભાષે મોકલ્યો હોવાનું સામે આવ્યું છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ આ દિવાળીએ પ્રવાસીઓને જલસા પડી જશે! નળસરોવરથી આવ્યા ગુડ ન્યૂઝ
દારૂના નેટવર્કનાં મૂળ સુધી તપાસ જરૂરી
ADVERTISEMENT
અમદાવાદમાં દારૂ પહોંચાડવા માટે રાજસ્થાન સહિતના અન્ય રાજ્યોનો ઉપયોગ થતો હોવાની અનેક વખત પોલીસ કાર્યવાહીથી પુષ્ટિ થઈ છે. બહારથી દારૂ આવે છે, શહેરમાં સંગ્રહ થાય છે અને ત્યારબાદ અલગ-અલગ વિસ્તારમાં સપ્લાય થાય છે. આ સમગ્ર નેટવર્કમાં સપ્લાયરથી લઈને સ્થાનિક બુટલેગર સુધીની કડી મહત્ત્વની છે. ભાવનગર લઠ્ઠાકાંડ બાદ માત્ર દારૂની બોટલો પકડીને કાર્યવાહી પૂર્ણ કરવાની જગ્યાએ દારૂ ક્યાંથી આવે છે, કોણ મગાવે છે, કોને પહોંચાડવામાં આવે છે અને આ ગેરકાયદે ધંધાને કોની મદદ મળે છે તેની તપાસ થાય તો જ દારૂબંધીનો સાચો અમલ થઈ શકે. હાલ પોલીસની સ્પેશિયલ ડ્રાઇવના કારણે અમદાવાદમાં દારૂના અડ્ડાઓ પર શટર પડી ગયા છે. સવાલ એ છે કે આ શટર કેટલા દિવસ બંધ રહેશે? અને પોલીસની તપાસ પૂરી થયા બાદ ફરી એ જ અડ્ડાઓ ધમધમતા જોવા મળશે કે નહીં?

ધોલેરાના પિંગલેશ્વર નજીકના મિંગળપુર ગામમાંથી દારૂ મળ્યો
ભાવનગરમાં થયેલા દારૂકાંડની તપાસ દરમિયાન હવે તેના તાર અમદાવાદ જિલ્લાના ધોલેરા સુધી પહોંચ્યા છે. પોલીસ તપાસમાં ધોલેરાના પિંગલેશ્વર નજીક આવેલા મિંગળપુર ગામમાં શૈલેષ મેર નામના શખ્સની વાડીમાંથી દારૂની બોટલો મળી આવી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે શૈલેષ મેરે આ દારૂ ભાવનગરના જયદીપ નામના શખ્સ પાસેથી લીધો હતો. મહત્વની વાત એ છે કે મિંગળપુરમાંથી ઝડપાયેલી દારૂની બોટલો અને નકલી દારૂકાંડમાં મળી આવેલી બોટલોનો બેચ નંબર એકસરખો હોવાનું સામે આવ્યું છે. પોલીસે તમામ બોટલો વધુ તપાસ માટે FSLમાં મોકલી આપી છે. હવે FSLના રિપોર્ટ બાદ દારૂના જથ્થા અને ભાવનગરના દારૂકાંડ વચ્ચેના કનેક્શન અંગે વધુ ખુલાસા થવાની શક્યતા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.