બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:06 AM, 13 July 2026
થાઇલેન્ડની રાજધાની બેંગકોકમાં સોમવારે વહેલી સવારે એક પબમાં ભીષણ આગ લાગતાં ઓછામાં ઓછા 27 લોકોના મોત થયા છે જ્યારે 63 લોકો ઘાયલ થયા છે. બેંગકોકના ગવર્નરે જણાવ્યું હતું કે ઘાયલ થયેલા 63 લોકોમાંથી 22 લોકોની હાલત ગંભીર છે અને તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અધિકારીઓના જણાવ્યા મુજબ શહેરના ઉત્તર ભાગમાં આવેલા એક મનોરંજન સ્થળમાં મધ્યરાત્રિની આસપાસ આગ લાગી હતી. આગ એટલી ઝડપથી ફેલાઈ કે થોડી જ ક્ષણોમાં સમગ્ર ઇમારત આગની લપેટમાં આવી ગઈ હતી, જેના કારણે ઘટનાસ્થળે ભારે ગભરાટ ફેલાયો હતો.
ADVERTISEMENT

ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને બચાવ ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. થાઈલેન્ડના વડા પ્રધાન અનુતિન ચાર્નવિરાકુલે ઘટનાસ્થળની મુલાકાત લઈને મૃત્યુઆંકની પુષ્ટિ કરી હતી. તેમણે જણાવ્યું કે અત્યાર સુધીમાં 27 લોકોના મોત થયા છે અને અનેક ઘાયલોને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું કે આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે.
ADVERTISEMENT
સાક્ષીઓ અને બચાવ કાર્યકરોના જણાવ્યા અનુસાર મધ્યરાત્રિના થોડા સમય પહેલા આગ લાગી હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં પબના મુખ્ય પ્રવેશદ્વારમાંથી આગની જ્વાળાઓ બહાર નીકળતી જોવા મળી હતી, જ્યારે અંદર હાજર લોકો જીવ બચાવવા માટે બહાર નીકળવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા. અચાનક લાગેલી આગના કારણે અનેક લોકો ગભરાઈ ગયા હતા અને સુરક્ષિત સ્થળ શોધવા માટે દોડધામ મચી ગઈ હતી.
ADVERTISEMENT
અહેવાલો અનુસાર ચતુચક જિલ્લામાં આવેલો રોંગ બીયર ના લાત ફ્રાઓ નામનો પબ થોડા જ સમયમાં સંપૂર્ણ આગની લપેટમાં આવી ગયો હતો. શરૂઆતમાં બચાવ ટીમોએ એક વ્યક્તિને ગંભીર રીતે દાઝેલી હાલતમાં બહાર કાઢ્યો હતો, પરંતુ ત્યારબાદ જાણવા મળ્યું કે અનેક લોકો હજુ પણ ઇમારતની અંદર ફસાયેલા હતા. અહેવાલો મુજબ આગથી બચવા માટે ઘણા લોકો પબના શૌચાલયમાં છુપાઈ ગયા હતા. જોકે, ધુમાડો અને આગ ઝડપથી ફેલાતા તેઓ બહાર આવી શક્યા નહોતા. મૃતકોમાં મોટાભાગના લોકોના મૃતદેહ શૌચાલયની અંદરથી મળી આવ્યા હોવાનું જણાવવામાં આવ્યું છે.
ADVERTISEMENT
ફાયર વિભાગની અનેક ટીમોએ લગભગ 30 મિનિટ સુધી સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. આગ ઓલવાયા બાદ જાહેર કરાયેલા ફોટોગ્રાફ્સમાં પબનો આંતરિક ભાગ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો હોવાનું જોવા મળ્યું હતું. અંદર રાખમાં ફેરવાયેલા ટેબલ, ખુરશીઓ અને અન્ય સામાન વચ્ચે બચાવ ટીમોએ લાંબા સમય સુધી શોધખોળ ચલાવી હતી જેથી કોઈ વ્યક્તિ અંદર ફસાયેલો ન રહે.
ADVERTISEMENT
23.57 น. รับแจ้งจากสายด่วน 199 เหตุเพลิงไหม้ภายในร้านอาหาร ใกล้เคียงซอยลาดพร้าว 1 ถนนลาดพร้าว แขวงจอมพล เขตจตุจักร เจ้าหน้าที่สถานีดับเพลิงและกู้ภัยสุทธิสาร กำลังไปที่เกิดเหตุ สถานที่เกิดเหตุ pic.twitter.com/Tw6EPb7fhS
— JS100Radio (@js100radio) July 12, 2026
હાલ પોલીસ અને ફોરેન્સિક ટીમો આગ લાગવાના કારણોની તપાસ કરી રહી છે. અધિકારીઓ એ જાણવા પ્રયાસ કરી રહ્યા છે કે આગ આટલી ઝડપથી કેવી રીતે ફેલાઈ અને પબમાં અગ્નિ સલામતીના પૂરતા સાધનો અને નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું કે નહીં. આ ઘટનાએ થાઇલેન્ડમાં મનોરંજન સ્થળોની અગ્નિ સલામતી વ્યવસ્થા અંગે ફરી એકવાર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે થાઇલેન્ડમાં અગાઉ પણ આવી અનેક દુર્ઘટનાઓ બની ચૂકી છે. વર્ષ 2022માં પૂર્વી થાઇલેન્ડમાં આવેલા એક મ્યુઝિક પબમાં લાગેલી આગમાં 14 લોકોના મોત થયા હતા. જ્યારે વર્ષ 2009માં બેંગકોકના સાંતિકા નાઈટક્લબમાં નવા વર્ષની ઉજવણી દરમિયાન ઇન્ડોર ફટાકડાના કારણે લાગેલી ભીષણ આગમાં 66 લોકોના મોત થયા હતા અને 200થી વધુ લોકો ઘાયલ થયા હતા. બેંગકોકની આ નવી દુર્ઘટનાએ ફરી એકવાર જાહેર સ્થળોએ અગ્નિ સલામતીના કડક નિયમોની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.