બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રેસ્ટોરન્ટ્સના રસોડામાં શુ ચાલે છે? હવે ગ્રાહકો લાઇવ જોશે, AMC નો CCTV પ્રસારણનો કડક આદેશ
Last Updated: 07:46 PM, 19 August 2026
અમદાવાદ શહેરમાં હોટેલ, રેસ્ટોરન્ટ કે કેફેમાં જમવાના શોખીન નાગરિકો માટે એક મોટા અને રાહતરૂપ સમાચાર સામે આવ્યા છે. ગ્રાહકોને પીરસાતા ખોરાકની ગુણવત્તા, રસોડાની સ્વચ્છતા અને ખાદ્ય સુરક્ષામાં પૂર્ણ પારદર્શિતા લાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે એક ઐતિહાસિક અને આકરો નિર્ણય લીધો છે. AMC ના સત્તાવાર આદેશ મુજબ, હવે શહેરની તમામ રેસ્ટોરન્ટ્સ અને ફૂડ બિઝનેસ ઓપરેટર્સે પોતાના રસોડામાં CCTV કેમેરા લગાવવાના રહેશે અને તેનું લાઈવ ટેલિકાસ્ટ ગ્રાહકો જોઈ શકે તે રીતે રિસેપ્શન અથવા ડાઇનિંગ એરિયા પાસે મોટી સ્ક્રીન પર દર્શાવવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. આ અંગે શહેરના આશરે 11,123 જેટલા નોંધાયેલા ફૂડ ઓપરેટર્સને ઈ-મેઈલ મારફતે આકરા નિર્દેશો જારી કરી દેવાયા છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગના મુખ્ય અધિકારી ડો. તેજસ શાહે આ નિર્ણય અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, Food Safety and Standards Act, 2006 (ફૂડ સેફ્ટી એન્ડ સ્ટેન્ડર્ડઝ એક્ટ) તથા FSSAI (ફૂડ સેફ્ટી એન્ડ સ્ટેન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા) ની માર્ગદર્શિકાનું અક્ષરશઃ પાલન કરાવવું એ તંત્રની પ્રાથમિકતા છે. નવા નિયમ અનુસાર, દરેક ખાણીપીણીના એકમે રસોડાની આંતરિક સફાઈ, રસોઈ બનાવતા કારીગરો (ફૂડ હેન્ડલર્સ) ની વ્યક્તિગત હાઈજીન (જેમ કે માસ્ક, ગ્લોવ્ઝ, હેરકેપ), કાચા અને રાંધેલા ખોરાકનું અલગ સ્ટોરેજ, રસોઈ તેમજ પીવા માટે વાપરવામાં આવતું સલામત પાણી, સમયાંતરે પેસ્ટ કંટ્રોલ અને કચરાના યોગ્ય નિકાલની વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની રહેશે.
આ ઉપરાંત ખાદ્ય પદાર્થોને ધૂળ, માખી-મચ્છર અને જીવાતોથી મુક્ત રાખવા, માત્ર સરકાર માન્ય ફૂડ કલર્સનો મર્યાદિત ઉપયોગ કરવો અને રી-યુઝ્ડ તેલનો યોગ્ય નિકાલ કરવા પર પણ ભાર મુકાયો છે. જો કોઈ એકમમાં બેદરકારી કે નિયમોનો ભંગ જણાશે તો પ્રાથમિક દંડથી લઈને લાયસન્સ રદ કરવા અને એકમને કાયમી સીલ મારવા સુધીની આકરી કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
ADVERTISEMENT

ADVERTISEMENT
નિયમોનું પાલન કરાવવા માટે AMC ની ટીમ માત્ર કાગળ પર આદેશ આપીને અટકી નથી, પરંતુ ૧૯ ઓગસ્ટના રોજ શહેરના વિવિધ વિસ્તારોમાં સરપ્રાઈઝ ચેકિંગ (દરોડા) પાડીને FSSAI ના નિયમોનો અનાદર કરતા એકમો સામે લાલ આંખ કરી હતી. ચેકિંગ દરમિયાન અનેક જાણીતા આઉટલેટ્સમાંથી અસ્વચ્છતા, જીવાત અને ભેળસેળયુક્ત ખોરાક મળી આવતા તંત્ર દ્વારા આકરા પગલાં ભરીને એકમોને સીલ કરી દેવામાં આવ્યા છે:

ADVERTISEMENT
RKR કેટરર્સ (સૈજપુર બોઘા)
મહાત્મા ગાંધી ફિઝિયોથેરાપી કોલેજમાં ચાલતી આ કેન્ટીનમાં FSSAI લાયસન્સનો જ અભાવ હતો. આ ઉપરાંત ભારે ગંદકી અને વિદ્યાર્થીઓને પીરસાતા અનાજ/ખાદ્ય પદાર્થોમાંથી કીડી તથા ધનેરા જેવી જીવાતો મળી આવતા કેન્ટીન તાત્કાલિક અસરથી સીલ કરી દેવાઈ છે.
ADVERTISEMENT
MAD OVER GRILLS (મણિનગર)
આ પ્રખ્યાત રેસ્ટોરન્ટના સ્ટોર રૂમમાં રાખેલા પીપમાંથી લોટ (મેંદા) માંથી જીવતી જીવાતો અને અળસિયા જેવો કચરો મળી આવતા તેને સીલ કરવામાં આવ્યું છે.
રાજેશ દૂધ ઘર (કુબેરનગર) અને ભૈરવનાથ ભોજનાલય (પ્રખ્યાત રોડ)
અહીંથી લેવાયેલા મીડિયમ અને લો-ફેટ પનીરના સેમ્પલ સબ-સ્ટેન્ડર્ડ (અપ્રમાણિત અને ભેળસેળયુક્ત) જણાતાં આઉટલેટ્સ સીલ કરી દેવાયા છે.
સંતોષ ઘી ભંડાર (દિલ્હી દરવાજા)
વનસ્પતિ તેલમાં ભેળસેળ કરીને બનાવટી/નકલી ઘી બનાવવાનું કૌભાંડ પકડાતાં ફૂડ વિભાગે જથ્થાના નમૂના લઈ સીલ મારી દીધું છે.
સમ્રાટ બેકરી (બહેરામપુર) અને સબરુ ચાઈનીઝ મોકલાઈ (સરખેજ)
FSSAI લાયસન્સ વગર ગેરકાયદેસર ચાલતા, અતિશય ગંદકી ધરાવતા અને કારીગરોના મેડિકલ ફિટનેસ કે પાણીના લેબ ટેસ્ટિંગ રિપોર્ટ ન ધરાવતા આ બંને આઉટલેટ્સને બંધ કરાવાયા છે.
વધુ વાંચો : બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને રાહત, ગુજરાત સરકારે વિદેશી ભણતર લોનની આવક મર્યાદા વધારી
AMC ફૂડ વિભાગના આ આકરા વલણથી સમગ્ર અમદાવાદના હોટેલ અને રેસ્ટોરન્ટ આલમમાં ફફડાટ વ્યાપી ગયો છે. તંત્રએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર કોઈપણ નાના કે મોટા વેપારીને બક્ષવામાં આવશે નહીં.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.