ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / અમદાવાદમાં એર ઈન્ડિયા એક્સપ્રેસની ઈમર્જન્સી લેન્ડિંગ કેસમાં મોટો ખુલાસો, ધમકીભરી ચિઠ્ઠીને લઈ મોટો ખુલાસો
Last Updated: 02:00 PM, 17 September 2026
ADVERTISEMENT
દમામ (સાઉદી અરેબિયા)થી નવી દિલ્હી જતી એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટને બોમ્બની ધમકી મળતાં ૩૧ ઓગસ્ટે અમદાવાદમાં ઈમર્જન્સી લેન્ડિંગ કરાવવાની ફરજ પડી હતી. આ બોમ્બની અફવાની તપાસમાં હવે ફ્લાઈટના ફર્સ્ટ ઓફિસર શંકાના ઘેરામાં આવ્યા છે. અમદાવાદ શહેર પોલીસ સૂત્રોનાંં જણાવ્યા મુજબ, તપાસ દરમિયાન મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સહિત ફર્સ્ટ ઓફિસરના હસ્તલિખિત નમૂના લેવામાં આવ્યા હતા. ધમકીભરી ચિઠ્ઠી પર ‘RED: BOMB’ લખાણ હતું. આ લખાણ ફર્સ્ટ ઓફિસરના હસ્તાક્ષર સાથે ૬૫ ટકા મેળ ખાતું હોવાનું તપાસમાં સામે આવ્યું હતું.
ADVERTISEMENT

તપાસકર્તાઓએ નોંધ્યું હતું કે ફર્સ્ટ ઓફિસર અગાઉ પણ એક એવી ફ્લાઈટના ક્રૂ મેમ્બર હતા, જેમાં બોમ્બની અફવા સંબંધિત ઘટના સર્જાઈ હતી. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું છે કે બંને કેસમાંથી મળેલા હસ્તલિખિત નમૂનાઓ એકબીજા સાથે મેળ ખાતા હોવાનું સામે આવ્યું છે. એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટ IX170માં ટોઈલેટમાંથી ધમકીભરી ચિઠ્ઠી મળી આવ્યા બાદ પાઈલટે એર ટ્રાફિક કંટ્રોલને જાણ કરી હતી. ત્યાર બાદ ફ્લાઈટનું અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ૩૧ ઓગસ્ટે સાંજે ૪.૨૭ વાગ્યે ઈમર્જન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. ફ્લાઈટમાં ૩૨ મુસાફરો, ચાર કોકપિટ ક્રૂ મેમ્બર અને ચાર કેબિન ક્રૂ મેમ્બર હતાં.
ADVERTISEMENT
પોલીસ સૂત્રોનાં જણાવ્યા મુજબ, ફર્સ્ટ ઓફિસરની લાઈ ડિટેક્ટર ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન તેમને છ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. સૂત્રોના દાવા મુજબ, તેઓ આ ટેસ્ટમાં નિષ્ફળ રહ્યા હતા. આ કેસની શરૂઆતમાં શહેર પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી, પરંતુ હવે તપાસ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)ને સોંપવામાં આવી છે. ગૃહ વિભાગના એક અધિકારીએ જણાવ્યું છે કે તપાસમાં હજુ એ બાબત સ્પષ્ટ થવાની બાકી છે કે આ કૃત્ય પાછળનો હેતુ શું હતો અને તેમાં કોઈ ગેરરીતિ કે નુકસાન પહોંચાડવાનો ઈરાદો હતો કે કેમ.
ADVERTISEMENT
એર ઈન્ડિયા એક્સપ્રેસના પ્રવક્તાએ જણાવ્યું છે કે ૩૧ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ દમામથી દિલ્હી જતી તેમની ફ્લાઈટ સાથે સંકળાયેલી સુરક્ષા સંબંધિત ઘટનાની તપાસ કાયદા અમલીકરણ એજન્સીઓ કરી રહી છે અને આ અંગે એરલાઈને ફરિયાદ નોંધાવી હતી. એરલાઈને તપાસમાં સંબંધિત એજન્સીઓને સંપૂર્ણ સહકાર આપવાની વાત કરી છે. પ્રવક્તાએ વધુમાં જણાવ્યું હતું કે, મુસાફરો, ક્રૂ અને ફ્લાઈટ ઓપરેશનની સુરક્ષા સાથે ચેડાં કરનારા કોઈ પણ કૃત્યની એરલાઈન સખત ટીકા કરે છે. તપાસના તારણોના આધારે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.