ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / 15 હજાર કરોડ ટ્રાન્ઝેક્શન અને 60 કરોડ નવા યુઝર્સનું લક્ષ્ય? UPI પર ચાર્જ ન લગાવવાની પાછળ સરકારની શું છે રણનીતિ?
Last Updated: 10:16 AM, 17 September 2026
ADVERTISEMENT
ભારતમાં UPI હવે ડિજિટલ પેમેન્ટનું સૌથી મોટું માધ્યમ બની ગયું છે. લોકો ચા-નાસ્તાથી લઈને મોટી ખરીદી સુધીની ચુકવણી UPIથી કરી રહ્યા છે. છેલ્લા ઘણા વર્ષોથી UPI પેમેન્ટ માટે ગ્રાહકો પાસેથી કોઈ ચાર્જ લેવામાં આવતો નહોતો. પરંતુ હવે વધતા વ્યવહારો વચ્ચે UPIના સંચાલન, ટેક્નોલોજી, સુરક્ષા અને છેતરપિંડી રોકવા પાછળ થતા ખર્ચને ધ્યાનમાં રાખીને નવી MDR વ્યવસ્થા લાગુ કરવામાં આવી છે.
ADVERTISEMENT

નવા નિયમ મુજબ 15 ઓક્ટોબર 2026થી ₹2,000થી વધુના પસંદગીના Person-to-Merchant UPI વ્યવહારો પર 0.4% MDR લાગશે. ₹75,000 કે તેથી વધુના વ્યવહારમાં MDRની મહત્તમ મર્યાદા ₹300 રહેશે. મહત્વની વાત એ છે કે આ ચાર્જ ગ્રાહક પાસેથી સીધો લેવામાં આવવાનો નથી, પરંતુ વેપારી પેમેન્ટ ઇકોસિસ્ટમમાં લાગુ થશે.
ADVERTISEMENT
સાથે જ સામાન્ય લોકો વચ્ચે થતા Person-to-Person એટલે કે એક વ્યક્તિથી બીજી વ્યક્તિને થતા UPI વ્યવહારો સંપૂર્ણપણે મફત રહેશે. ₹2,000 સુધીના વેપારી પેમેન્ટ પણ MDRથી બહાર રહેશે. નાના વેપારીઓને પણ રાહત આપવામાં આવી છે. સરકારના જણાવ્યા પ્રમાણે નાના વેપારીઓ અને સ્ટ્રીટ વેન્ડર્સ માટેની કેટલીક કેટેગરીમાં શૂન્ય MDR ચાલુ રહેશે.
ADVERTISEMENT
UPIનો ઉપયોગ જેટલો ઝડપથી વધી રહ્યો છે, તેટલી જ ઝડપથી તેની પાછળના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ખર્ચ પણ વધી રહ્યો છે. બેંકો અને પેમેન્ટ કંપનીઓને સર્વર, ટેક્નિકલ સિસ્ટમ, સાયબર સિક્યુરિટી, છેતરપિંડી રોકવા માટેની વ્યવસ્થા અને સતત ટેક્નોલોજી અપગ્રેડ પાછળ મોટું રોકાણ કરવું પડે છે. આ જ મુદ્દાને સંસદની નાણાં પરની સ્થાયી સમિતિના 32મા અહેવાલમાં પણ મહત્વ આપવામાં આવ્યું હતું. સમિતિએ કહ્યું હતું કે લાંબા ગાળે UPIને સતત સરકારી સહાય પર આધારિત રાખવાને બદલે તેના માટે યોગ્ય અને સ્વ-ટકાઉ આવક મોડેલ બનાવવાની જરૂર છે. સમિતિએ ચેતવણી આપી હતી કે શૂન્ય-MDR વ્યવસ્થાના કારણે સરકારની નાણાકીય વ્યવસ્થા પર દબાણ આવે છે અને UPIના લાંબા ગાળાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોકાણને અસર થઈ શકે છે.
ADVERTISEMENT
સમિતિના અહેવાલમાં UPIના ભવિષ્યના કદ અંગે પણ મોટો અંદાજ રજૂ કરવામાં આવ્યો છે. ભવિષ્યમાં દર મહિને આશરે 15 હજાર કરોડ એટલે કે 150 અબજ UPI વ્યવહારો થઈ શકે છે. આ સાથે લગભગ 600 મિલિયન એટલે કે 60 કરોડ નવા વપરાશકર્તાઓ UPI નેટવર્ક સાથે જોડાઈ શકે છે. આટલા મોટા પ્રમાણમાં વ્યવહારો વધશે ત્યારે સર્વર ક્ષમતા, સુરક્ષા વ્યવસ્થા, છેતરપિંડી રોકવાની ટેક્નોલોજી અને પેમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સતત રોકાણ કરવું પડશે. એટલે UPI મફત રહે તે લોકો માટે સારી વાત છે, પરંતુ તેને ચલાવવા પાછળનો ખર્ચ સતત વધતો રહે છે. આ જ કારણસર UPI માટે લાંબા ગાળાનું આવક મોડેલ જરૂરી બની રહ્યું છે. સમિતિએ પોતાના અહેવાલમાં એ પણ ભાર મૂક્યો હતો કે આગામી ત્રણ વર્ષમાં ડિજિટલ પેમેન્ટને નાના શહેરો અને મધ્યમ કદના શહેરોમાં વધુ પ્રોત્સાહન આપવા માટે કેશબેક અને અન્ય પ્રોત્સાહન યોજનાઓ જરૂરી રહેશે. ખાસ કરીને જ્યાં હજુ ડિજિટલ પેમેન્ટનો વ્યાપ સંપૂર્ણ રીતે પહોંચ્યો નથી, ત્યાં આ પ્રકારની યોજનાઓ મહત્વની બની શકે છે.
ADVERTISEMENT
સરકારની નવી વ્યવસ્થાનો એક મહત્વનો ભાગ એ છે કે સામાન્ય લોકો અને નાના વ્યવહારોને શક્ય તેટલા ચાર્જથી દૂર રાખવામાં આવે. એટલે વ્યક્તિથી વ્યક્તિને થતા પેમેન્ટ અને ₹2,000 સુધીના નાના વેપારી પેમેન્ટ મફત રાખવામાં આવ્યા છે. બીજી તરફ, મોટા વેપારી વ્યવહારો પર નજીવો MDR લગાવીને સમગ્ર પેમેન્ટ ઇકોસિસ્ટમ માટે આવકનો રસ્તો બનાવવામાં આવ્યો છે. સરકારી વ્યવસ્થા મુજબ MDR સરકાર દ્વારા વસૂલવામાં આવતો ટેક્સ નથી. તે પેમેન્ટ ઇકોસિસ્ટમમાં બેંકો, પેમેન્ટ એપ્સ અને અન્ય ભાગીદારો વચ્ચે વહેંચાય છે, જેથી UPIના સંચાલન અને વિસ્તરણ માટે નાણાકીય આધાર મળી શકે.
ADVERTISEMENT
UPIનું કદ હવે એટલું મોટું થઈ ગયું છે કે તે સામાન્ય માણસના રોજિંદા જીવનનો ભાગ બની ગયું છે. ઓગસ્ટ 2026માં UPI દ્વારા લગભગ 24.5 અબજ વ્યવહારો થયા હતા અને તેનું કુલ મૂલ્ય આશરે ₹29.82 લાખ કરોડ રહ્યું હતું. ડિજિટલ પેમેન્ટના વોલ્યુમમાં UPIનો હિસ્સો આશરે 84% સુધી પહોંચી ગયો છે. આ આંકડા બતાવે છે કે UPI હવે માત્ર એક પેમેન્ટ વિકલ્પ નથી, પરંતુ દેશના ડિજિટલ પેમેન્ટ માળખાનો મુખ્ય આધાર બની ગયું છે. તેથી તેની સુરક્ષા, ક્ષમતા અને ટેક્નોલોજી જાળવવા માટે સતત રોકાણ જરૂરી છે.
આ પણ વાંચો : પેટ્રોલ પર પર UPIથી પેમેન્ટ કરવાથી ચાર્જ લાગશે? ગાડીની ટાંકી ફુલ કરાવતા પહેલાં જાણી લો
એકંદરે જોવામાં આવે તો ₹2,000થી વધુના વેપારી UPI પેમેન્ટ પર 0.4% MDR લગાવવાનો નિર્ણય સામાન્ય ગ્રાહકો પર સીધો ચાર્જ લાદવાનો પ્રયાસ નથી, પરંતુ UPIના વધતા ખર્ચને પહોંચી વળવા માટેનું આવક મોડેલ ઊભું કરવાનો પ્રયાસ છે. આગામી સમયમાં UPIનો ઉપયોગ વધુ ઝડપથી વધવાનો છે ત્યારે તેની ડિજિટલ ક્રાંતિની ગતિ જળવાઈ રહે અને સિસ્ટમ લાંબા ગાળે આત્મનિર્ભર બને, તે સરકારની આ નવી વ્યૂહરચનાનો મુખ્ય હેતુ દેખાય છે
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.
વધુ વાંચો