બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદ એરપોર્ટ પર 600 ગ્રામ સોનાની લૂંટમાં મોટો ખુલાસો, અંદરથી માહિતી લીક થઈ? દાણચોરીના નેટવર્ક અને સુરક્ષા પર ગંભીર સવાલો
Last Updated: 03:16 PM, 17 July 2026
અમદાવાદ એરપોર્ટ પર 27 જૂને બનેલી ૬૦૦ ગ્રામ સોનાની લૂંટ હવે માત્ર લૂંટનો કેસ રહ્યો નથી. તપાસ જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ એક પછી એક એવા સવાલો સામે આવી રહ્યા છે, જે માત્ર પોલીસ જ નહીં, પરંતુ કસ્ટમ, ડીઆરઆઈ અને એરપોર્ટની સુરક્ષા વ્યવસ્થા સામે પણ ગંભીર સવાલો ઊભા કરી રહ્યા છે. સૌથી મોટો સવાલ એક જ છે કે આખરે એરપોર્ટની અંદરનો ‘ભેદી’ કોણ છે?
ADVERTISEMENT
દુબઈથી અમદાવાદ એરપોર્ટ સુધી પહોંચેલું અંદાજે 600 ગ્રામ સોનું એરપોર્ટની સુરક્ષા વ્યવસ્થા પાર કરીને બહાર આવી જાય અને બહાર નીકળતાંની સાથે જ પોલીસની ઓળખ આપીને કેટલાક શખ્સો તેને લૂંટી લે. પ્રથમ નજરે આ માત્ર લૂંટનો બનાવ લાગે, પરંતુ તપાસ જેમ આગળ વધી રહી છે તેમ કેસની અંદર એક પછી એક રહસ્યમય કડીઓ ખૂલતી જઈ રહી છે. હવે તપાસનું મુખ્ય કેન્દ્રબિંદુ માત્ર લૂંટ નહીં, પરંતુ દાણચોરીના નેટવર્ક સુધી માહિતી પહોંચાડનાર કોણ હતું તે બની ગયું છે.
ADVERTISEMENT
ક્રાઇમ બ્રાંચની તપાસમાં મહિલા આરોપીની ધરપકડ બાદ બે પોલીસકર્મીઓનાં નામ સામે આવ્યાં છે. આ ઘટનાએ અનેક સવાલો ઊભા કર્યા છે. પોલીસને આટલી ચોક્કસ માહિતી કેવી રીતે મળી કે કયો કેરિયર, કઈ ફ્લાઇટમાં, કેટલું સોનું લઈને બહાર આવશે? તપાસકર્તાઓ હવે આ માહિતીનો સ્રોત શોધવામાં લાગ્યા છે.
ADVERTISEMENT
તપાસ સાથે જોડાયેલાં સૂત્રોનું માનવું છે કે જો કોઈ સંગઠિત દાણચોરીનું નેટવર્ક સક્રિય હોય તો તેમાં વિદેશમાં બેઠેલા સંચાલક, સોનું લાવતો કેરિયર, સ્થાનિક રિસીવર અને માહિતી આપતો ઇન્ફોર્મર જેવી અલગ અલગ કડીઓ હોઈ શકે. આ કેસમાં પણ એવી સંભાવનાઓની તપાસ થઈ રહી છે કે એરપોર્ટની અંદરથી મળેલી કોઈ માહિતી બહારના નેટવર્ક સુધી પહોંચી હતી કે કેમ?
ADVERTISEMENT
આ કેસનો સૌથી સંવેદનશીલ મુદ્દો એ પણ છે કે જો દાણચોરીનું સોનું એરપોર્ટની બહાર આવ્યું હોય તો તે દરમિયાન સુરક્ષા અને તપાસ વ્યવસ્થામાં ક્યાંક કોઈ ચૂક રહી હતી કે કેમ? તપાસ એ દિશામાં પણ આગળ વધી રહી છે કે શું કોઈ અધિકારી, કર્મચારી અથવા અન્ય વ્યક્તિએ જાણતાં કે અજાણતાં એવી માહિતી લીક કરી હતી, જેના આધારે બહાર રાહ જોતી ટીમ સક્રિય થઈ. જો તપાસમાં માહિતી લીક થવાની કડી પુરવાર થશે તો આ કેસ માત્ર લૂંટનો નહીં રહે, પરંતુ દાણચોરીના સમગ્ર નેટવર્ક, તેના ઇન્ફોર્મર અને આંતરિક માહિતીના દુરુપયોગ સુધી પહોંચી શકે છે, બીજી તરફ જો બહારની ટીમે સ્વતંત્ર રીતે માહિતી મેળવી હોય તો તે કેવી રીતે શક્ય બન્યું તે પણ તપાસનો મહત્ત્વનો મુદ્દો છે.
ADVERTISEMENT
હાલ પોલીસે કસ્ટમ વિભાગને તપાસ અહેવાલ મોકલી સોનું એરપોર્ટની બહાર કેવી રીતે આવ્યું તેની વિગતો માગી છે, બીજી તરફ ફરાર પોલીસકર્મીઓ સુધી પહોંચવાનો પ્રયાસ ચાલુ છે. તપાસકર્તાઓ માને છે કે આ બંને કડીઓ જોડાશે તો સમગ્ર કેસનું ચિત્ર સ્પષ્ટ થઈ શકે છે. પોલીસે તપાસનો અહેવાલ કસ્ટમ વિભાગને મોકલી આપ્યો છે અને મુસાફર સોનું લઈને બહાર કેવી રીતે આવ્યો તેની વિગત પણ માગવામાં આવી છે. કસ્ટમનો જવાબ હવે સમગ્ર કેસમાં મહત્ત્વનો પુરાવો બની શકે છે.
ADVERTISEMENT
આ પણ વાંચો- 3 વર્ષથી બોમ્બ બનાવવાની તાલીમ લેતા હતા, 8 વખત ટેસ્ટિંગ માટે બ્લાસ્ટ કર્યા, આતંકીઓની ધરપકડ બાદ ખુલાસા
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.