બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:48 AM, 4 November 2025
Donald Trump Zohran Mamdani: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ન્યૂયોર્ક શહેરના મેયરની ચૂંટણીમાં ડેમોક્રેટિક ઉમેદવાર ઝોહરાન મમદાનીને નિશાન બનાવતા ચેતવણી આપી છે કે જો તેઓ જીતી ગયા, તો શહેર સંપૂર્ણ આર્થિક અને સામાજિક વિનાશનો શિકાર બની જશે. ટ્રમ્પે મમદાનીને 'કોમ્યુનિસ્ટ' ગણાવીને પૂર્વ ગવર્નર એન્ડ્રુ કુઓમોને સત્તાવાર રીતે સમર્થન આપ્યું છે. તેમણે કહ્યું કે મમદાનીના જીતવા પર તેઓ ન્યૂયોર્ક માટે ફેડરલ ફંડિંગને ન્યૂનતમ સ્તર પર મર્યાદિત કરી દેશે, કારણ કે શહેરનો બચાવ મુશ્કેલ થઈ જશે.
ADVERTISEMENT
ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટમાં લખ્યું કે, 'જો કોમ્યુનિસ્ટ ઉમેદવાર ઝોહરાન મમદાની ન્યૂયોર્ક શહેરના મેયરની ચૂંટણીમાં જીતી જાય છે, તો હું મારા પ્રેમથી પહેલા ઘર માટે ફેડરલ ફંડિંગને ખૂબ જ ઓછું કરી દઈશ, જે માત્ર ફક્ત ન્યૂનતમ જરૂરી રકમ હશે. કારણ કે કોમ્યુનિસ્ટ મમદાનીના નેતૃત્વમાં આ મહાન શહેર સફળ થવાની કે ટકી રહેવાની સંભાવના જ શૂન્ય છે! કોમ્યુનિસ્ટને જવાબદારી મળવાથી સ્થિતિ વધુ ખરાબ થશે અને રાષ્ટ્રપતિ તરીકે હું પૈસાનો બગાડ ઇચ્છતો નથી. દેશ ચલાવવાનું મારું કર્તવ્ય છે, અને મને સંપૂર્ણ ખાતરી છે કે મમદાનીની જીતથી ન્યૂયોર્ક શહેર પૂર્ણ આર્થિક અને સામાજિક આપત્તિમાં ડૂબી જશે.'
ADVERTISEMENT

ADVERTISEMENT
ટ્રમ્પે કુઓમોના સમર્થનમાં કહ્યું, 'તમને એન્ડ્રુ કુઓમો વ્યક્તિગત રીતે ગમે કે ન ગમે, તમારી પાસે કોઈ ચોઇસ નથી. તમારે તેમને જ મત આપવો પડશે અને આશા રાખવી પડશે કે તેઓ ઉત્તમ કામ કરશે. તેઓ તેના લાયક છે, મમદાની નહીં!" ટ્રમ્પે મમદાનીના સિદ્ધાંતો પર કટાક્ષ કરતા કહ્યું, 'તેમના સિદ્ધાંતોની પરીક્ષા હજારો વર્ષોથી થઈ રહી છે, પરંતુ તેઓ ક્યારેય સફળ થયા નથી. હું એક બિનઅનુભવી કોમ્યુનિસ્ટ કે જે સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યો હોય, એના બદલે એક એવા ડેમોક્રેટની જીતતા જોવાનું પસંદ કરીશ કે જેનો સફળતાનો રેકોર્ડ હોય. તે અભ્યાસમાં પણ સારો નહોતો અને તે વિશ્વના સૌથી મહાન શહેરને તેની જૂની શાન ક્યારેય પાછી અપાવી શકશે નહીં.'
ADVERTISEMENT
રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર કર્ટિસ સ્લિવા પર નિશાન સાધતા ટ્રમ્પે કહ્યું, 'આપણે એ પણ યાદ રાખવું જોઈએ કે કર્ટિસ સ્લિવાને મત આપવાનો અર્થ મમદાનીને મત આપવાનો છે." જણાવી દઈએ કે ટ્રમ્પ રિપબ્લિકન પાર્ટીના જ નેતા છે. યુગાન્ડામાં જન્મેલા 34 વર્ષીય મમદાની ન્યૂયોર્કમાં મોટા થયા છે અને ભારતીય મૂળના છે. તેઓ ન્યૂયોર્ક સ્ટેટ એસેમ્બલીના સભ્ય અને ડેમોક્રેટિક સોશિયાલિસ્ટ છે. મમદાની પ્રખ્યાત ભારતીય ફિલ્મ દિગ્દર્શક મીરા નાયર અને યુગાન્ડાના લેખક મહમૂદ મમદાનીના પુત્ર છે. તેમણે જૂનમાં ડેમોક્રેટિક પ્રાઇમરીમાં કુઓમોને હરાવીને જીત મેળવી હતી. તેઓ સ્વતંત્ર ઉમેદવાર કુઓમો અને રિપબ્લિકન સ્લિવા સામે ત્રિકોણીય સ્પર્ધામાં છે.

ADVERTISEMENT
મમદાની ચૂંટણીની દોડમાં સૌથી આગળ ચાલી છે. તેમણે વચન આપ્યું છે કે તેઓ મેયર બનશે, તો તેઓ શહેરમાં મોંઘવારી પર લગામ લગાવશે અને ઘરના ભાડા પણ સામાન્ય લોકોની પહોંચમાં લાવશે. તેમણે કહ્યું છે કે તેઓ ખર્ચ ઘટાડીને ન્યૂયોર્કના લોકો માટે જીવન સરળ બનાવશે. તાજેતરના પોલ્સમાં મમદાનીને 45.8 ટકા સમર્થન મળી રહ્યું છે, જ્યારે કુઓમોને 31.1 ટકા અને સ્લિવાને 17.3 ટકા સમર્થન મળ્યું છે. 4 નવેમ્બરના રોજ સમગ્ર અમેરિકામાં ચૂંટણી છે. ન્યૂયોર્કમાં મતદાન સવારે 6 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી થશે. વહેલું મતદાન 25 ઓક્ટોબરે શરૂ થઈને રવિવારે સમાપ્ત થયું. ચૂંટણી બોર્ડ અનુસાર, આ ચૂંટણીમાં 735,000થી વધુ લોકોએ વહેલા મતદાન કર્યું, જે 2021ની ચૂંટણીની સંખ્યા કરતાં ચાર ગણું છે.
ADVERTISEMENT

ટ્રમ્પે મમદાનીને 'સોશિયલિસ્ટ કરતાં પણ ખરાબ' ગણાવ્યા છે. રવિવારે એક ઇન્ટરવ્યુમાં ટ્રમ્પે કહ્યું, 'મમદાની પૂર્વ મેયર બિલ ડી બ્લાસિયો કરતાં પણ ખરાબ કામ કરશે. રાષ્ટ્રપતિ તરીકે, ન્યૂયોર્કને વધુ પૈસા આપવા મારા માટે મુશ્કેલ હશે. જો કોઈ કોમ્યુનિસ્ટ ન્યૂયોર્ક ચલાવશે તો જે પૈસા મોકલશો, તે બરબાદ જ થશે. મને ખબર નથી કે તે જીતશે કે નહીં, અને હું કુઓમોનો ચાહક પણ નથી, પરંતુ જો મારે ખરાબ ડેમોક્રેટ અને કોમ્યુનિસ્ટ વચ્ચે પસંદગી કરવી પડે, તો હું હંમેશા ખરાબ ડેમોક્રેટને પસંદ કરીશ." વર્તમાન મેયર એરિક એડમ્સ, જેમની સરકાર કૌભાંડોથી ઘેરાયેલી છે, તેમણે સપ્ટેમ્બરમાં રેસમાંથી ખસી જવાની જાહેરાત કરી હતી.
આ પણ વાંચો: VIDEO: અમેરિકામાં ભારતીય મહિલા ધ્રૂસકેને ધ્રૂસકે રડી પડી, લાગ્યો ગંભીર આરોપ
ટ્રમ્પના નિવેદનનો જવાબ આપતા, મમદાનીએ કહ્યું કે તેઓ પહેલાથી જ જાણતા હતા કે ટ્રમ્પ કુઓમોને સમર્થન આપશે. તેમના પ્રચાર દરમિયાન, તેમણે કહ્યું, 'છેલ્લા કેટલાક દિવસોમાં જે અફવાઓ સાંભળી હતી, જે ડર હતો, તે હવે ખૂલીને સામે આવી ગયો છે.' કુઓમોએ પણ મમદાની પર વંશીય અને ધાર્મિક હુમલાઓના આરોપોને નકારી કાઢ્યા છે. પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ મમદાનીને ફોન કરીને તેમના પ્રચારની પ્રશંસા કરી છે. ચૂંટણીમાં યુવાન અને પહેલી વારના મતદારોમાં ભારે મતદાન કરી રહ્યા છે, જે મમદાનીના પક્ષમાં દેખાઈ રહ્યું છે. જોકે, ઘણા લોકોનું માનવું છે કે છેલ્લી ઘડી સુધી મમદાનીની સંભાવનાઓને ઝટકો લાગી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.