બ્રેકિંગ ન્યુઝ
VTV / VTV વિશેષ / સેલિબ્રિટી ઇન્ટરવ્યુ / ગદર સુપરહિટ થઈ તો પણ ડિરેક્ટરને રહ્યો આ અફસોસ, નાના પાટેકરના ગુસ્સા અંગે કર્યો ખુલાસો, ફિલ્મ મેકર અનિલ શર્માએ ખોલ્યા રાઝ
Vikram Mehta
Last Updated: 01:04 PM, 14 December 2024
માતા-પિતાને સાચવવા એ સંતાનનો ધર્મ છે
બપોરના સાડા ત્રણ કલાકનો સમય. લગ્ન હોય એના ગીત ગવાય એ પ્રમાણે ‘વનવાસ’ ફિલ્મથી જ વાતના મંડાણ થાય છે. ફિલ્મની વાર્તા અંગે પૂછવામાં આવતા અનિલ શર્મા કહે છે, 'માતા-પિતાનું કર્મ છે બાળકોને સાચવવા-સંભાળવા-સારી રીતે ઉછેર કરવો. સંતાનોનો ધર્મ છે માતા-પિતાને સાચવવાનો. બાકી ટ્રેલર જોઇને તમને ઘણીખરી કહાનીનો ખ્યાલ આવી ગયો હશે'
ADVERTISEMENT
વનવાસ ફિલ્મની ટીમ
ADVERTISEMENT
‘વનવાસ’: દીકરાએ માને નોધારી હાલતમાં છોડી દીધી અને...
અનિલ શર્મા કહે છે, ‘ગદર-2’ના શૂટિંગ દરમિયાન ઘણા હદયદ્રાવક સમાચાર અખબારમાં વાચવા મળતા હતા. બનારસમાં માતા-પિતાને છોડીને આવી જનારા સંતાનો વિશે એક સમાચાર વાંચ્યા. એક સમાચાર મેં વાચ્યા કે જેમાં એક દીકરાએ એની માતાને વિદેશ જવાની વાત કરીને પ્રોપર્ટી વેચી નાખી અને એના પૈસા પોતાના અકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લીધા. માને એરપોર્ટ પર કોફી લઇને આવું છું, એમ કહીને નોધારી હાલતમાં છોડી દીધી અને દીકરો વિદેશ નીકળી ગયો. આજકાલ એવા સમાચારો પણ સાંભળવા મળે છે કે વિદેશમાં રહેતા સંતાનો પોતાના માબાપની અંતિમ વિધિમાં પણ હાજર રહેતા નથી. પંડિતોને પૈસા આપીને વિધિ કરાવી નાખે છે. કામની વ્યસ્તતાના નામે સંતાનો મા-બાપને સમય આપતા નથી, પણ કોઇ પણ રિઝન માતા-પિતાથી વધારે મોટુ નથી હોતું’
‘સમાજને કશુંક આપવું મારી નૈતિક જવાબદારી’
અનિલ શર્મા આગળ કહે છે,‘એકશન, રોમાન્સથી ભરપૂર ફિલ્મો આપું એ બરાબર છે, પણ એક ડિરેકટર તરીકે મારી નૈતિક જવાબદારી છે કે સમાજ માટે કશુંક સાર્થક કરવું. સમાજે મારી સુપરહિટ ફિલ્મ ગદર ફ્રેન્ચાઇઝીને હિટ કરી છે. આ સમાજને મારે કશીક રિટર્ન ગિફ્ટ પણ મારે આપવી જોઇએ. વનવાસ મારી સમાજને રિટર્ન ગિફ્ટ છે’
‘તમે તમારા માતા-પિતાને ફોન કરશો’
અનિલ શર્મા આત્મવિશ્વાસી સૂરમાં કહે છે,‘આ ફિલ્મ એટલી સંવેદનશીલ છે કે જ્યારે પૂરી થશે ત્યારે તમે પડદાને તાકતા રહેશો અને સૌથી પહેલા તમે તમારા માતા-પિતાને ફોન કરશો’
બાપ-દીકરાની ઓન સેટ કેમેસ્ટ્રી
દીકરા ઉત્કર્ષ સાથેના બોન્ડીંગ અંગે પુછવામાં આવતા અનિલ શર્મા કહે છે,'ઉત્કર્ષ સાથે તો હું હાલની તકે પણ રમતો રમું છું. મારી દીકરી, દીકરો, પત્ની અને હું..અમારી ચારેય વચ્ચે કમાલનું બોન્ડિંગ છે. અમે લોકો ખૂબ મજાકમસ્તી કરીએ છીએ. ઉત્કર્ષ સરસ ફિલ્મો બતાવે છે. સેટ પર સજેશન્સ આપે છે. હી ઇઝ વેરી ઇન્ટેલીજન્ટ બોય. મજા પડે છે એની સાથે.'
નાના પાટેકરનું કાસ્ટીંગ આવી રીતે થયું
નાના પાટેકરને આપણે સંતાન તરફથી ઉપેક્ષિત બાપના પાત્રમાં ફિલ્મ નટસમ્રાટમાં જોઇ ચૂક્યા છીએ. (એક આડવાત નટસમ્રાટ મૂળ તો દિગ્ગજ મરાઠી અભિનેતા શ્રીરામ લાગુની મુખ્ય ભૂમિકાવાળું બહું વખણાયેલું નાટક. જેના પરથી મરાઠી અને પછી એની ગુજરાતીમાં પણ રિમેક બની હતી. હા એ જ. સિદ્ધાર્થ રાંદેરીયા અને મનોજ જોશી વાળી)
ફિલ્મ ‘વનવાસ’નું ટ્રેલર જોઇએ ત્યારે એમાં નાના પાટેકરનું પાત્ર કંઇક અંશે નટસમ્રાટની પણ ઝાંખી કરાવે છે. નાના પાટેકરના કાસ્ટીંગ અંગે અનિલ શર્મા કહે છે,‘ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બહુ જૂજ નાના સાહેબ જેવા અદાકાર છે. નાના સર તો પૂણેમાં રહે છે. નાના સાહેબે કહાની સાંભળીને પંદર જ મિનિટમાં ફિલ્મ કરવા માટે હા પાડી દીધી હતી’
નાના પાટેકર કો ગુસ્સા ક્યોં આતા હૈ?
હવે, નાના પાટેકર જેવા પ્રતિભાવંત અદાકારને ડિરેકટ કરવા સહેલા નથી. બહું સાચવીને કામ લેવું પડે. માત્ર ઓનસ્ક્રીન નહીં પણ ઓફસ્ક્રીન પણ નાના પાટેકરનો ગુસ્સો કુખ્યાત છે. ફિલ્મમાં ન હોત તો અંડરવર્લ્ડમાં હોવાનું કહેતા નાના વિશે તો એવી પણ વાતો થાય છે કે ભાઇ, એ તો મગજ જાય તો હાથ પણ ઉપાડી લે. આવી જાતભાતની વાતો નાના પાટેકર વિશે સાંભળવા મળે ત્યારે નાના પાટેકર સાથે કામ કરવાનો અનુભવ કેવો રહ્યો? અનિલ શર્મા કહે છે, ‘મારો અનુભવ તો ખૂબ સારો રહ્યો છે. નાના પાટેકર ગુસ્સે એટલા માટે થાય છે કે તેઓ સમયના ચુસ્ત આગ્રહી અને પાબંદ છે. નાના સાહેબ બહુ પ્રોફેશનલ રીતે સીન કરે છે. એમનો સખત આગ્રહ હોય છે કે પોતાના જેવી મહેનત અને ધગશ અને પ્રોફેશનાલિઝમ સામેનામાં પણ આવે. જ્યારે આમ ન થાય ત્યારે નાના સાહેબ ગુસ્સે થાય છે’
આમ બનાય છે ‘નાના પાટેકર’
નાના પાટેકરની અભિનયક્ષમતાથી સૌ કોઇ વાકેફ છે. કોઇ પણ પાત્રને નાના પોતાનું બનાવી લે. તિરંગા કે ક્રાંતિવીર જેવી લાઉડ કોમર્શિયલ મસાલા ફિલ્મ હોય કે પછી સંજય ભણસાલીની ખૂબસૂરત ખામૌશી, દિક્ષા, યાત્રા, પ્રહાર જેવી નોખા પ્રકારની ફિલ્મો કે પછી વેલકમ ફ્રેન્ચાઇઝી કે ટેક્સી નંબર 9211 જેવી કોમેડી ફિલ્મો...મરાઠી થિયેટરનું પાણી પીને આવેલા નાના પાટેકર કોઇ પણ પાત્રને પોતાનું કરી લે. અનિલ શર્મા કહે છે,‘કોઇ પણ સીન નાના સાહેબ દસ, વીસ વાર, પચ્ચાસ વાર સુધી લખે છે. સીન લખતા લખતા તેઓ એ સીનને પોતાનામાં ઉતારી લે છે. તેઓ ઇમ્પ્રોવાઇઝ નથી કરતા પણ જે સંવાદો તમે આપ્યા એ સંવાદો નાના સાહેબની અંદર સમાઇ ગયા છે’
અચ્છા, નાના પાટેકર સાથે જોડાયેલો કોઇ યાદગાર કિસ્સો?
અનિલ શર્મા કહે છે,‘નાના સાહેબ તો સોના જેવા માણસ છે. તેઓ સેટ પર લોકો માટે જાતે જમવાનું બનાવે છે. નાના પાટેકરના ઘરે જશો તો તમને કિચનમાં શાકભાજી સમારતા જોવા મળી જાશે. શાકભાજી કાપતા કાપતા તેઓ તમારી સાથે સીનની ચર્ચા કરશે. જમવાનું બધાને થાળીમાં પીરસશે. તેઓ પોતે જમવા નહીં બેસે પણ વાતો કરતા કરતા બધાની થાળીમાંથી થોડું થોડું જમતા જશે. બિલકુલ અભિમાન વગર. ફિલ્મ યુનિટનો નાનામાં નાનો માણસ કેમ ન હોય?’
મથુરાના ‘ફેમિલી મેન’
અનિલ શર્માના સિનેમાની એક ઉડીને આંખે વળગે એવી ખાસ વાત એ છે કે એમનું સિનેમા એકશનથી ફાંટફાટ હોય અને ફેમિલી ઇમોશન્સથી ભરપૂર હોય. અનિલ શર્મા કહે છે,‘મને મારા પરિવાર પ્રત્યે ખૂબ લગાવ છે. હું પ્રેમ અને પરિવારમાં વિશ્વાસ ધરાવું છું. સામાન્ય ભારતીય છું. કૃષ્ણ કનૈયાની નગરી મથુરામાં મારા મૂળ જડાયેલા છે. મથુરાની માટી મારી અંદર છે. મારા પરિવારની વાત કરું તો જેની તસવીર તમે મારા બેકગ્રાઉન્ડમાં જોઇ રહ્યા છો એ પંડિત દાલચંદ જોશી મારા દાદા હતા. મારા પિતાએ ‘એલાન-એ-જંગ’, ‘હકૂમત’ જેવી ફિલ્મો પ્રોડ્યુસ કરી એ કૃષ્ણચંદ્ર શર્મા એક જાણીતા પ્રોડયુસર હતા. એક સામાન્ય ભારતીયની જેમ મારા માતાપિતા ધાર્મિક આસ્થાવાન હતા. પરંપરામાં વિશ્વાસ ધરાવતા હતા. બાળકોમાં સંસ્કાર સિંચન કરતા હતા. એમના સંસ્કારોને કારણે જ હું અહીં પહોંચ્યો છું’
ગદર-2 જ્યારે સુપરહિટ થઈ ત્યારે એક જ અફસોસ રહી ગયો કે...
'કાશ! આ સમયે મારી માતાની હાજરી હોત. ગદર-1ની સફળતા એમણે જોઇ હતી. કાશ, તેઓ ગદર-2ની સફળતા પણ જોઇ શક્યા હોત. તેઓ મારી સફળતા જોઇને ખૂબ ખુશી અનુભવત. મારી હાથમાં જે કંઇ પણ થોડા ઘણા પૈસા આવ્યા એ હું એમના હાથમાં મુકી શકત. ત્યારે હું એમની આંખોમાં જે ખુશી અને ચમક જોત એ મારા જીવનની સૌથી મોટી ખુશી હોત. પણ ભગવાન બધાને બધું જ નથી આપતું. એ ખુશી મેં મારા બાળકોમાં અને પત્નીમાં જોઇ છે' અનિલ શર્મા કહે છે.
આ ફિલ્મનું ટ્રેલર જોઇને તો સન્ની દેઓલ પણ ભાવુક થઇ ગયા હતા...
‘એક પત્રકારે સની દેઓલનો ભાવુક વીડિયો લીધો હતો. આ વીડિયો ખૂબ વાઇરલ થયો હતો. ટ્રેલર જોતા સની સરે મારો હાથ દબાવ્યો હતો અને મેં જોયુ તો એમની આંખ ભીની હતી. સની સર બહું ઇમોશનલ માણસ છે. તમે ટ્રેલર જોયું હશે ત્યારે તમારી આંખમાં પણ આંસુ આવી ગયા હશે. વનવાસ હસતા હસતા રડાવી દેતી ફિલ્મ છે’ અનિલ શર્મા કહે છે.
બનારસ: જીવન ભી તું હૈ, મરણ ભી તું હૈ!
ટ્રેલરમાં જોઇએ છીએ એ પ્રમાણે જોતા ફિલ્મની એક પૃષ્ઠભૂમિ બનારસ છે. ફિલ્મની ટાઇમલેસ થીમને આ લોકાલ સરસ બંધબેસે છે. બનારસના કલ્ચરલ માહોલમાં શૂટિંગના અનુભવો અંગે વાત કરતા અનિલ શર્મા કહે છે,‘બનારસ સૌથી જૂનું શહેર છે. બનારસ એક પ્રતીક છે. બનારસમાં આ પ્રકારની ઘટનાઓ ઘટે છે એટલે એક રીતે અમે વાતાવરણ તરીકે બનારસની પસંદગી કરી છે. બનારસ એક એવું શહેર છે કે જ્યાં એક તરફ ચિતાઓ પ્રગટી રહી છે અને બીજી તરફ મુંડન થઇ રહ્યું છે. હવન થઇ રહ્યો છે અને બીજી બાજુ એક યુગલ લગ્નના ફેરા ફરી રહ્યું છે. આનંદ ઉત્સવ પણ છે અને શોક પણ છે. ખુશી પણ છે અને માતમ પણ છે. આવા કલ્ચરલ શહેરને કચકડે કંડારવાનો આનંદ જ કંઇક જુદો છે. આ માટે બનારસ શહેરની પસંદગી કરી’
સાંજે ગંગા નદીની સૈર, કાશી વિશ્વનાથ મહાદેવના દર્શન
જોકે બનારસમાં શૂટિંગ દરમિયાન કેટલીક ચેલેન્જીસ પણ આવી. જનરેટરો જઇ નહોતા શકતા એટલે અમે બોટ્સ પર જનરેટર ગોઠવતા હતા. અમે બોટ દ્વારા એક ઘાટથી બીજા ઘાટ જતા હતા. રોજ ગંગામાના ખોળે આનંદ કરતા હતા. સાંજે ગંગા નદીની સૈર અને કાશી વિશ્વનાથ મહાદેવના દર્શનનો આનંદ જ અવર્ણનીય છે. ચાટ-પકોડી લસ્સીનો લુત્ફ માણવા મળ્યો. અલગ અલગ પ્રકારના ફક્કડ અને મજેદાર લોકો મળ્યા. ઘડીયાળના કાંટાની બિલકુલ ફિકર ન રાખતા આ મોજીલા લોકો માટે જીવન આનંદ છે, જીવન ઉત્સવ છે.
ફિલ્મ મેકર અનિલ શર્મા
વાર્તા પસંદ કરવાનો તમારો માપદંડ શું છે?
અનિલ શર્મા કહે છે,‘કશું નહીં. બસ દિલને જે સ્પર્શી જાય એ વાર્તા પર ફિલ્મ બનાવું છું. કોઇ ક્રાઇટેરીયા નથી. દિલને સ્પર્શી ગઇ તો પસંદ આવી ગઇ’
‘લોકોની અંતિમ મંજીલ તો સિનેમા જ છે’
ઓટીટીના વધતા દૌરમાં કન્ટેન્ટ જ કિંગ છે ત્યારે અનિલ શર્મા કહે છે, ‘ઓટીટી, સિનેમા અને ટીવીની ઓડિયન્સ પોતપોતાની ઓડિયન્સ છે. જોકે બધાને આવવું તો છે સિનેમામાં જ. સિનેમા જ લોકોની મુખ્ય મંઝિલ છે. કોઇ કહાની સિનેમના પડદે શક્ય ન બને તો ઓટીટી પર આવે, ઓટીટી પર શક્ય ન બને તો ટીવીના પડદે આવે. અલ્ટીમેટ ગોલ તો સિનેમા જ છે’
મુલાકાતને અંતે અનિલ શર્મા એક મેસેજ આપતા કહે છે,‘ગો એન્ડ હગ યોર પેરેન્ટ્સ!’
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
ઉત્તરાયણ સ્પેશ્યલ / ગુજરાતમાં આ સ્થળે ઉત્તરાયણ પર નથી ચગતા પતંગ, પણ દશેરાએ થાય છે ઉજવણી
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ADVERTISEMENT