બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / VTV વિશેષ / એક પરિવાર, પાંચ મર્ડર..., કંઇક આ રીતે 27 વર્ષ બાદ IT પ્રોફેશનલે આપ્યો વારાણસી હત્યાકાંડને અંજામ

ક્રાઈમ સિક્રેટ્સ / એક પરિવાર, પાંચ મર્ડર..., કંઇક આ રીતે 27 વર્ષ બાદ IT પ્રોફેશનલે આપ્યો વારાણસી હત્યાકાંડને અંજામ

Published By: Dhruv

Last Updated: 08:00 AM, 9 March 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક ઘર, ચાર લાશ અને મંગળવારનો દિવસ, જે એક પરિવાર માટે અ'મંગળ' બની ગયો. વાત છે એ સામૂહિક હત્યાકાંડની કે જેને પવિત્ર નગરી કાશી (વારાણસી)ને હચમચાવી મૂકી. 27 વર્ષ પહેલાં કરાયેલી હત્યાનો બદલો આરોપીએ એ રીતે લીધો કે જેને 'ખૂન કા બદલા ખૂન' કહેવતને પુરવાર કરી દીધી.

હજી દિવાળીનો તહેવાર પૂરો જ થયો હતો, પરંતુ ઉજવણી ચાલુ હતી. આકાશમાં રંગેબરંગી રોકેટનો પ્રકાશ હતો, વાતાવરણમાં ધૂમધડાકા સાથે ફૂટતા ફટાકડાની ગૂંજ હતી. ફટાકડા ફૂટે છે કે ફાયરિંગ બંનેનો અવાજ કોઈ જુદો પાડી શકે તેમ નહોતું. આ જ તકનો લાભ ઉઠાવ્યો, આપણી ઘટનાના આરોપીએ. બહાર ફૂટતા ફટાકડાની વચ્ચે તેણે પોતાના હાથમાં રહેલી રિવોલ્વરના ધડાકા કરીને એક મહિલા, બે બાળકો અને એક નિર્દોષ બાળકીની હત્યા કરી નાખી. તમામને માથા અને છાતીના ભાગે ગોળી મારવામાં આવી હતી. ફિલ્મ ગેંગ્સ ઓફ વાસેપુર જો તમે જોઈ હોય, તો અહીં પણ એવા જ કંઈક દ્રશ્યો સર્જાયા હતા. જલાઈટોથી ઝગમગતું ઘર અચાનક લોહીના રંગે રંગાઈ ગયું. ફટાકડાના અવાજની વચ્ચે પોલીસ જીપની સાઈરન ગૂંજવા લાગી. એક પછી એક પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા. હત્યારો કોણ છે, તેના વિશે તો કોઈને અંદાજ પણ નહોતો. પરંતુ જેની હત્યા થઈ તે પરિવાર હતો ભદૈનીના નામચીન વ્યક્તિ અને દારૂના વેપારી રાજેન્દ્ર ગુપ્તાનો... પણ આ સામૂહિક હત્યાકાંડ કેવી રીતે થયો? કોણ હતું જેણે રાજેન્દ્ર ગુપ્તા જેવા બાહુબલીના પરિવાર પર હુમલો કરવાનું જોખમ ઉઠાવ્યું? આ તમામ સવાલોના મૂળ 27 વર્ષ પહેલા થયેલી હત્યામાં પડેલા છે.

brother enemy

27 વર્ષ પહેલા...

લક્ષ્મીનારાયણ ગુપ્તા વારાણસીના મોટા ગજાના દારૂના અને પ્રોપર્ટીના બિઝનેસમેન હતા. આખા વારાણસીમાં તેમનો પડ્યો બોલ ઝીલાતો, સમાજમાં મોટું માથુ ગણાતા લક્ષ્મીનારાયણની સલાહ માગવા, તેમની નજરમાં આવવા શહેરના લોકોની લાઈન લાગતી. પણ દીવા તળે અંધારું હોય, તેમ લક્ષ્મીનારાયણના ઘરમાં જ કપૂત પાક્યો. લક્ષ્મીનારાયણને રાજેન્દ્ર અને કૃષ્ણા નામના બે બાળકો હતા. આમાંથી રાજેન્દ્રની હરકતો બાળપણથી જ વિચિત્ર હતી. યુવાનીમાં તો તેની આદતો વધુ બગડી. મહેનતથી બિઝનેસ ઉભો કરનાર લક્ષ્મીનારાયણે રાજેન્દ્રની આદતોથી કંટાળી પોતાના વારસદાર તરીકે નાના દીકરા કૃષ્ણને પસંદ કર્યો અને બધો વેપાર તેને સોંપી દીધો. હવે આ તો આપણે મહાભારત કાળથી જોયું છે કે સત્તા અને સંપત્તિ માટે ભાઈ ભાઈના દુશ્મન બન્યા છે.અહીં પણ રાજેન્દ્રના મનમાં વેરના બીજ રોપાઈ ચૂક્યા હતા.

crime story 2 gfx-1

દુશ્મન ન કરે, તે કામ ભાઈએ કર્યું

મનમાં બદલો લેવાનો કુવિચાર લઈને ફરતા રાજેન્દ્ર ગુપ્તાએ એક દિવસ પોતાના વિચારને ઘટનામાં ફેરવી જ નાખ્યો. 1997ની 5મી નવેમ્બરે જ્યારે કૃષ્ણા ગુપ્તા અને તેમની પત્ની મંજુ બપોરની નિંદર માણી રહ્યા હતા, ત્યારે જ રાજેન્દ્ર ઘરમાં ઘૂસી ગયો અને બંનેની ગોળી મારીને હત્યા કરી નાખી. પૈસો પામવાના મોહમાં અંધ બનેલો રાજેન્દ્ર તો પોતાના ભત્રીજા અને ભત્રીજીને પણ મોતને ઘાટ ઉતારવા ઈચ્છતો હતો. પરંતુ રામ રાખે તેને કોણ ચાખે. પાંચ વર્ષની ડોલી અને અઢી વર્ષનો વિશાલ પોતાના છ મહિનાના ભાઈ પ્રશાંત ઉર્ફે જુગનુને લઈને તિજોરીની પાછળ સંતાઈ ગયા અને તેમનો જીવ બચી ગયો. બાળકો ન મળવાથી કંટાળેલો રાજેન્દ્ર જાણે યુદ્ધ જીત્યો હોય તેમ ઉજવણી કરવા જતો રહ્યો. આખી ઘટનાથી પિતા લક્ષ્મીનારાયણનું હ્રદય દ્રવી ઉઠ્યુ, સાથે જ તેમનો ગુસ્સો પણ સાતમા આસમાને હતો. પિતા લક્ષ્મીનારાયણે જ સગા પુત્ર વિરુદ્ધ પોતાના જ પુત્રની હત્યાની ફરિયાદ નોંધાવી. પોલીસે રાજેન્દ્રને દબોચી તો લીધો, પરંતુ આ તો હજી આવનારા તોફાન પહેલાનો નાનકડો વંટોળ હતો.

crime story 2 gfx-2

સાવ કુમળી વયે નજર સામે જ માતા-પિતાની હત્યા જોનારા વિશાલ ઉર્ફે વિકીના માનસપટ પર ઘેરી અસર પડી હતી. દાદાની નિશ્રામાં ઉછરતો વિકી અડધી રાત્રે આઘાતથી જાગી જતો. ક્યારેક ગુમસુમ બેસી રહેતો. બાળકો સમજણા થયા, કોલેજ જતા થયા એટલે દાદા લક્ષ્મીનારાયણે તેમને કામ શીખવવાનું શરૂ કરી દીધું. આ દરમિયાન રાજેન્દ્ર પણ જેલમાંથી બહાર આવી ગયો હતો. પરંતુ તેને પોતે કરેલા કૃત્યનો કોઈ પસ્તાવો નહોતો. પ્રોપર્ટી મેળવવા માટે ભાઈની હત્યા તો કરી, પણ હજી તો બાપ જીવતો હતો એટલે પ્રોપર્ટી મળી નહીં.

જેલમાં પણ ન સુધર્યો રાજેન્દ્ર

કંટાળેલો રાજેન્દ્ર જેલમાં રહીને સ્હેજેય બદલાયો નહોતો. જેલમાંથી છૂટતાની સાથે જ રાજેન્દ્ર ગુપ્તાએ એક મોટી ઘટનાને અંજામ આપવાનું મન બનાવી લીધું. કારણ કે મામલો હતો મિલકતનો. આરોપી રાજેન્દ્રને જોઇતી હતી મિલકત. પરંતુ પોતાના જ નાના દીકરા અને વહુની હત્યાને અંજામ આપ્યા બાદ પિતા લક્ષ્મીનારાયણનો ગુસ્સો નાક પર જ રહેતો. આથી પિતા લક્ષ્મીનારાયણે મિલકતને લઇ કોઇ પણ પ્રકારનો રાજીપો ન દેખાડતા પુત્ર રાજેન્દ્રએ પોતાના જ પિતા લક્ષ્મીનારાયણ અને તેમની સુરક્ષામાં રહેલા સુરક્ષાકર્મીની ગોળી મારીને હત્યા કરી દીધી. જેમાં અન્ય એક વ્યક્તિનું પણ મોત થઇ ગયેલું. આ ઘટનાએ આખા પોલીસ પ્રશાસનને દોડતું કરી દીધું. અને તાત્કાલિક ધોરણે આ કેસમાં રાજેન્દ્ર અને તેના સાથી મિત્ર અનિલની ધરપકડ કરી લેવાઇ. જો કે, પુરાવાના અભાવે રાજેન્દ્રને આ કેસમાં સજા ન થઈ. આખરે રાજેન્દ્ર ખરા અર્થમાં પ્રોપર્ટી અને બાપ-દાદાના બિઝનેસનો રાજકર્તા બન્યો. બીજી તરફ ફરી એકવાર વિકી, જુગ્નુ અને ડોલી અનાથ થઈ ગયા.

Revenge for murder

આ તરફ રાજેન્દ્રએ બીજા લગ્ન પણ કર્યા. 1995માં થયેલા લગ્ન બાદ તેની પત્ની અલગ થઈ ગઈ હતી. 2003માં તેણે નીતુ નામની મહિલા સાથે લગ્ન કર્યા. નીતુથી રાજેન્દ્રને નવનેંદ્ર, સુબેંદ્ર અને ગૌરાંગી એમ ત્રણ બાળકો થયા. રાજેન્દ્રએ લોકલાજે ભાઈના બાળકો વિકી, જુગ્નુ અને ડોલીને પણ પોતાના ઘરે રાખ્યા, જો કે નોકરની જેમ. તે ત્રણેય સાથે રોજ અમાનવીય કૃત્ય કરતો. રોજ મારતો. ખરા ઉનાળે તે બાળકોને તડકામાં બાંધી દેતો અને નાની-નાની ભૂલ માટે રોજ મારતો. બાળકો પોતાના બર્થડેની ઉજવણી જેવી નાની-નાની ખુશીઓ માટે ઝંખતા.

ફરી એક હત્યાકાંડ

દુઃખનું ઓસડ દહાડા એમ સમય વીતતો ગયો. ડોલીના લગ્ન આવ્યા. વિકી અને જુગનુએ બહેનને સાસરે વળાવી. સામાજિક દબાણના કારણે તે લગ્નમાં હાજર રહ્યો, આ સિવાય કોઈ પણ જાતની મદદ તેને નહોતી કરી. બહેનના લગ્ન બાદ ભાઇઓ દિલ્હી જતા રહ્યાં. બંને IT કંપનીમાં નોકરી કરવા લાગ્યા. પરંતુ વિકીના મન પર માતા-પિતાની હત્યાની અસર હજીય હતી. આખરે એક દિવસ વારાસણીની ગલીઓ ફરીએકવાર પોલીસ સાઈરનથી ગૂંજી ઉઠી.

27 વર્ષ બાદ રાજેન્દ્રના ઘરમાં ઘૂસીને તેની પત્ની અને બાળકોની હત્યા કરી દેવામાં આવી. જાણે કર્મ સજા આપતું હોય તેમ રાજેન્દ્ર ગુપ્તાનો પરિવાર પણ વિખેરાઈ ગયો. પોલીસે તપાસ શરૂ કરી તો ન રાજેન્દ્ર મળ્યો ન તેનો મૃતદેહ. હિસ્ટ્રી શીટર હોવાને કારણે પોલીસને પહેલી શંકા તો તેના પર જ ગઈ. પરંતુ તપાસ દરમિયાન જે ખુલાસા થયા, તે સાંભળીને પોલીસ તો ઠીક આખું બનારસ ચોંકી ગયું. પોલીસે રાજેન્દ્રનો મોબાઈલ ટ્રેસ કર્યો, જ્યાં લોકેશન મીરાપુર-રામપુર નામના ગામનું મળ્યું. અહીં એક અંડર કંસ્ટ્રક્શન મકાન પર પોલીસ પહોંચી. દરવાજો ખોલતા જ પોલીસને અહીં પણ રાજેન્દ્રની લાશ મળી એ પણ નગ્ન હાલતમાં. તેની હત્યા પણ માથા અને છાતીના ભાગે ગોળી મારીને જ કરવામાં આવી હતી.

ત્રીજા લગ્નની ઘેલછા

તપાસમાં પોલીસને એવું જાણવા મળ્યું કે પોલીસ પણ બે ઘડી વિચારતી રહી ગઇ. પોલીસે જ્યારે પરિવારના સૌથી વૃદ્ધ મહિલા શારદા દેવીની પૂછપરછ કરી ત્યારે શારદા દેવી (રાજેન્દ્ર ગુપ્તાના માતા) એ જે હકીકત વર્ણવી તેને જાણતા જ પોલીસ ચોંકી ઉઠી. કારણ કે શારદા દેવીના નિવેદને આ હત્યાકાંડને નવો જ વળાંક આપી દીધો. શારદા દેવીના કહેવા મુજબ, આ ઘટના પાછળ તેમના પૌત્ર અને રાજેન્દ્રના ભત્રીજા વિશાલ ઉર્ફે વિકી ગુપ્તાનો હાથ હોઈ શકે છે. તપાસમાં પોલીસના હાથે રાજેન્દ્રની ડાયરી આવી ચડી. જેમાં રાજેન્દ્ર કોઈકને પોતાની દીકરીના લગ્ન પોતાની સાથે કરાવવાની ઈચ્છા વ્યક્ત કરે છે. જેના પરથી એ સાબિત થાય છે કે રાજેન્દ્ર હજુય ત્રીજા લગ્ન કરવાની ઘેલછા રાખતો હતો.

આ પણ વાંચો: તોરલના રૂપ પાછળ કામાંધ બનેલા સધીર શેઠે રાતે ઘેર બોલાવ્યાં, જાણો મહાસતીએ કેવી રીતે તાર્યાં 3 નર? ભવ્ય ગાથા

રાજેન્દ્રના પરિવારની સામૂહિક હત્યાને 16 દિવસ વીત્યા. પોલીસ પાસે શકમંદનું નામ હતું, પરંતુ પુરાવા નહોતા, ન તો આરોપીના સગડ હતા. વિશાલ ઉર્ફે વિકી ક્યાંયથી હાથ આવતો નહોતો. અશ્વિની ભટ્ટ લખે છે કે ક્રાઈમ નેવર પેઝ. વિકી ભલે લોકેશન બદલતો રહ્યો પરંતુ તે Instagram અને મેઇલ થકી પોતાના ભાઇ જુગનુના સંપર્કમાં રહેતો, અને પૈસાની મદદ કરતો. બસ આ જ ભૂલ તેને ભારે પડી. અંતે પોલીસને હાથ લાગી મોટી સફળતા. અને 2024ના વારાણસી હત્યાકાંડમાં ખુલ્યું 27 વર્ષ જૂની હત્યા સાથેનું કનેક્શન. મળતી માહિતી મુજબ, 5 નવેમ્બર, 1997ના રોજ શરૂ થયેલી હત્યાની એ કહાની છેલ્લે 5 નવેમ્બર 2024ના રોજ એક હત્યાકાંડ બનીને પૂર્ણ થઇ. જોકે આ હત્યાકાંડમાં વિશાલ ઉર્ફે વિકીને પોતે કરેલા ક્રાઇમ પર કોઇ જ પસ્તાવો નહોતો. એમાંય એની લાઇફનો એ પહેલો ક્રાઇમ હતો. છતાંય, જોકે તે પહેલેથી કોઇ ક્રિમિનલ કે કિલર નહોતો. પરંતુ તેના ચહેરા પર તેનો અફસોસ પણ ન હોતો, ઉલ્ટાનું તેના ચહેરા પર પોલીસને એક શાંતિ જોવા મળેલી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Varanasi News Rajendra Gupta Case Gupta Family Mass Murder Case

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ