ભારત સતત કહેતું આવ્યું છે કે દુનિયાની વસ્તીના એક નાના સમુદાયનું પ્રતિનિધિત્વ કરનારી અને સમય સાથે ન બદલાનારી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની પ્રાસંગિકતા હવે ખતમ થઈ ચૂકી છે.
આ વૈશ્વિક સંસ્થા આતંકવાદ અને યુદ્ધને રોકવા તથા શાંતિ સ્થાપવા માટે વર્તમાન પડકારોનો સામનો કરવામાં સાવ વિકલાંગ સાબિત થઈ છે. આપણા તમામ વતી નિર્ણય લેનારી સુરક્ષા પરિષદે સમયની સાથે-સાથે વાસ્તવિકતાનું પ્રતિબિંબ ઝીલીને પરિવર્તન અપનાવવું જ જોઈએ. આતંકવાદ અંગે બયાનબાજી કરનારી સંસ્થાનો ફેંસલો આપણા બધા માટે બહુ ચોંકાવનારો છે.
કટ્ટરવાદીઓને આર્થિક મદદ કરવાની પાકિસ્તાનની અપીલ સ્વીકારી લીધી
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની પ્રતિબંધ સમિતિએ મુંબઈમાં ૨૬-૧૧નો આતંકી હુમલો કરવાનું ષડ્યંત્ર રચનારા કટ્ટરપંથી સંગઠન લશ્કર-એ-તોઈબાના ઓપરેશન ચીફ ઝકી-ઉર-રહેમાન લખવીને દર મહિને ૧.૫૦ લાખ પાકિસ્તાની રૂપિયા આપવાની મંજૂરી આપી દીધી છે. સમિતિએ પ્રતિબંધિત પરમાણુ વૈજ્ઞાનિક સુલતાન બશીરુદ્દીન મહેમૂદને પણ દર મહિને પૈસા મોકલવાની પાકિસ્તાનની અપીલ સ્વીકારી લીધી છે. બશીરુદ્દીન કટ્ટરવાદી સંગઠન ઉમ્માહ તામીર-એ-નૌનો સંસ્થાપક રહી ચૂક્યો છે.
બશીરુદ્દીન અફઘાનિસ્તાનમાં ઓસામા બિન-લાદેનને પણ મળ્યો હતો
પાકિસ્તાનના પરમાણુ ઊર્જા આયોગ માટે કામ કરનાર બશીરુદ્દીન અફઘાનિસ્તાનમાં ઓસામા બિન-લાદેનને પણ મળ્યો હતો. પાકિસ્તાનની નવાઝ શરીફ સરકારે તેને સિતારા-એ-ઈમ્તિયાઝ સર્વોચ્ચ નાગરિક સન્માનથી નવાજ્યો પણ હતો. સંયુક્ત રાષ્ટ્ર સમિતિએ આ મંજૂરી માનવ અધિકારોની ચિંતાના નામ પર આપી છે. સૌથી મોટું આશ્ચર્ય એ છે કે સુરક્ષા પરિષદ સમિતિને આતંકીઓના માનવ અધિકારોની ચિંતા છે પણ જે નિર્દોષ લોકો તેમના ષડ્યંત્રનો શિકાર બન્યા છે તેમના માનવ અધિકારોની ચિંતા કોઈને નથી. મુંબઈના આતંકી હુમલા બાદ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની પ્રતિબંધ સમિતિએ જ લખવીને ચરમપંથીઓની યાદીમાં સામેલ કર્યો હતો.
નિર્દોષ લોકોની હત્યા કરનારા લખવીને જો સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની પ્રતિબંધ સમિતિ દર મહિને ભોજન માટે ૫૦ હજાર, દવાઓ માટે ૪૫ હજાર, પબ્લિક યુટિલિટી ચાિર્જસ માટે ૨૦ હજાર, વકીલની ફી માટે ૨૦ હજાર અને આવવા-જવા માટે ૧૫ હજાર રૂપિયા આપવાની મંજૂરી આપે છે તો તેનો સીધો અર્થ આતંકવાદને સંરક્ષણ આપવું જ ગણાશે.
સંયુક્ત રાષ્ટ્ર સંઘ ફક્ત બિગ ફાઈવ દેશો ચલાવે છે
એ વાત સાચી છે કે સંયુક્ત રાષ્ટ્ર સંઘના સભ્યો પરિષદનો એક પ્રજાતાંત્રિક સંસ્થા તરીકે સ્વીકાર કરે છે, પરંતુ હકીકત એ પણ છે કે તેના પાંચ સ્થાયી સભ્ય એટલે કે ‘બિગ ફાઈવ’નું વલણ સંપૂર્ણપણે અધિનાયકવાદી છે. સુરક્ષા પરિષદ તો તેમના હાથની કઠપૂતળી બની ગઈ છે. અમેરિકાને ખબર છે કે ભારતને જો સુરક્ષા પરિષદમાં વીટો પાવર મળી ગયો તો તે ન તો વિધ્વંસનો ખેલ ખેલી શકશે, જેવો તેણે અફઘાનિસ્તાન, ઈરાક અને લિબિયામાં ખેલ્યો હતો અને ન પાકિસ્તાન જેવા દેશ સાથે દોસ્તીનો સંબંધ રાખી શકશે.
શું સુરક્ષા પરિષદને જાણ નથી કે પાકિસ્તાન જેહાદી ફંડામેન્ટલિઝમના નામ પર શું કામ કરી રહ્યું છે? ઈરાકને તબાહ કરી સદ્દામ હુસેન શાસનને ઉખાડી ફેંકાયું ત્યારે પરિષદ મૌન કેમ રહી, જ્યારે ત્યાંથી એક પણ કેમિકલ વેપન મળ્યું નહોતું, જેનો દાવો અમેરિકા વારંવાર કરતું હતું.
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ વિખરાય જાય તો પણ દુનિયાને કોઈ ફરક નહીં પડે
શું સુરક્ષા પરિષદને ખતરનાક આતંકી લાદેન સાથે ઘનિષ્ઠ સંબંધ રાખનારા પરમાણુ વૈજ્ઞાનિક બશીરુદ્દીનના અસલી ઈરાદાની પણ જાણ નથી? હવે જ્યારે આખી દુનિયામાં આતંકવાદીઓના ફન્ડિંગ અને મની લોન્ડરિંગ પર રોક લગાવવા માટે કડક પગલાં ભરવામાં આવી રહ્યાં છે ત્યારે સુરક્ષા પરિષદ દ્વારા આતંકવાદીઓને ફંડ આપવાની સ્વીકૃતિ એક રીતે આતંકવાદને પ્રોત્સાહન આપવા સમાન જ છે. પાકિસ્તાનને ક્યારેક ગ્રે લિસ્ટમાં મૂકવાની કે બ્લેક લિસ્ટ કરવાની ચેતવણી આપવાનો પણ શું મતલબ રહે છે જ્યારે આતંકવાદીઓના ભરણપોષણને જ કાયદેસર બનાવી દેવામાં આવે છે. સાવ ખોખલી સાબિત થયેલી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ વિખરાય જાય તો પણ દુનિયાને એવું કોઈ મોટું નુકસાન થઈ જવાનું નથી, ઊલટાનું ભારત જેવા દેશ માટે એ ફાયદો કરનારો નિર્ણય હશે તેમાં કોઈ શંકા નથી.