બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / દાહોદના ફતેપુરાના કરમેલ ગામમાં પુત્રે પિતાની હત્યા, કૌટુંબિક વિવાદ બન્યો જીવલેણ
Last Updated: 10:05 PM, 20 July 2026
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના કરમેલ ગામના નીશાળ ફળિયામાં કૌટુંબિક વિવાદે કરુણ વળાંક લીધો છે. પત્નીને ઘરેથી કાઢી મૂકવાના મુદ્દે થયેલી ઉગ્ર બોલાચાલીમાં પુત્રે પોતાના જ 70 વર્ષીય પિતાના માથામાં લાકડાનો જીવલેણ ફટકો મારતાં તેમનું મોત નીપજ્યું છે. ઘટનાની જાણ થતાં જ ફતેપુરા પોલીસે આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
ADVERTISEMENT

ફતેપુરા તાલુકાના કરમેલ ગામના નીશાળ ફળિયામાં રહેતા 70 વર્ષીય વાલાભાઈ રૂપાભાઈ પારગીની તેમના જ પુત્ર બાબુભાઈ વાલાભાઈ પારગી દ્વારા હત્યા કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પોલીસ ફરિયાદ મુજબ પત્નીને ઘરેથી કાઢી મૂકવાના મુદ્દે પિતા-પુત્ર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. બોલાચાલી ઉગ્ર બનતાં આરોપીએ ઘરમાંથી લાકડું લાવી પિતાના માથાના પાછળના ભાગે જોરદાર ફટકો માર્યો હતો, જેના કારણે તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.
ADVERTISEMENT

બુમાબુમ સાંભળી પરિવારજનો અને સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. લોહીલુહાણ હાલતમાં પડેલા વૃદ્ધને 108 એમ્બ્યુલન્સ મારફતે ફતેપુરા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે ફરજ પરના તબીબે તપાસ બાદ તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટનાના પગલે સમગ્ર નીશાળ ફળિયામાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.
ADVERTISEMENT

ઘટનાની જાણ થતાં જ ફતેપુરા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે સ્થળ પરથી જરૂરી પુરાવા એકત્રિત કર્યા, પંચનામાની કાર્યવાહી પૂર્ણ કરી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પ્રાથમિક તપાસમાં કૌટુંબિક વિવાદ જ હત્યાનું કારણ હોવાનું સામે આવ્યું છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ હવે વાહન માલિકીની તબદીલી માટે પરિવહન પોર્ટલ પર આધાર લિંક કરવું ફરજિયાત
ફતેપુરા પોલીસે મૃતકના મોટા પુત્રની ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધી આરોપી બાબુભાઈ વાલાભાઈ પારગીને ગણતરીના કલાકોમાં ઝડપી લીધો હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ ચલાવી રહી છે. એક સામાન્ય પારિવારિક વિવાદે હત્યા જેવા ગંભીર ગુનાનું સ્વરૂપ ધારણ કરતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.