બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ચોમાસુ સત્ર પછી ગુજરાત કેબિનેટમાં ઉથલપાથલના એંધાણ, 12 મંત્રીઓનું કપાશે પત્તુ, આ નવા ચહેરાની શક્યતા
Last Updated: 11:44 AM, 7 September 2025
Gujarat's new cabinet : ગુજરાત વિધાનસભાના આવતીકાલથી મળી રહેલા 3 દિવસીય ચોમાસું સત્ર બાદ સરકારમાં મોટી ઉથલપાથલની શક્યતા છે. ગ્રહણ બાદ અનેક મોટા ચહેરાઓની કારકિર્દીમાં મોટું ગ્રહણ લાગી શકે છે. સુત્રો અનુસાર ભાજપ હાઇકમાન્ડે 2021માં જે પ્રકારનો નિર્ણય લીધો હતો તેવો જ નિર્ણય ફરી એકવાર લે તેવી શક્યતા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, 2021 માં સમગ્ર મંત્રીમંડળ મુખ્યમંત્રી સહિત ફેરવી નાખવામાં આવ્યું હતું. જો કે આ વખતે મુખ્યમંત્રી અને ટોપ પર્ફોમર તેવા 4 મંત્રીઓ નહી બદલાય બાકીનું તમામ મંત્રીમંડળ બદલી જાય તેવી શક્યતા છે.
ADVERTISEMENT
2022 થી સરકાર સ્થિર
2022ની ચૂંટણી બાદ ભૂપેન્દ્ર પટેલને ફરી મુખ્યમંત્રી બનાવાયા હતા. આ ઉપરાંત તેમની સાથે કુલ 16 મંત્રીઓને પણ મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું હતું. જેમાં CM ઉપરાંત કેબિનેટ કક્ષાના 8 અને રાજ્યકક્ષાના 8 મંત્રીઓને તક આપવામાં આવી હતી. ત્રણેક વર્ષથી મંત્રીમંડળ યથાવત્ત છે કોઇ પ્રકારનું પરિવર્તન આવ્યું નથી. હંમેશા ચૂંટણીના મોડમાં જ રહેતા ભાજપે 2027 ની ચૂંટણીની તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી દીધી છે. જેથી ભાજપે અત્યારથી જ જાતિના તાણાવાણા અને નેતાઓનો દબદબો જોતા અનેક નવામંત્રીઓને સ્થાન આપવા માટેની તૈયારી કરી લીધી હતી. જેના પગલે હાઇકમાન્ડે પણ હવે મંત્રીમંડળના વિસ્તરણની તૈયારીઓ શરૂ કરી દીધી છે. સચિવાલય તથા ભાજપનાં ટોપના સુત્રોમાં થઇ રહેલી ચર્ચા અનુસાર 8થી 10 સપ્ટેમ્બરે 3 દિવસ સુધી યોજાનારા વિધાનસભાના ચોમાસું સત્ર પછીના દિવસોમાં મંત્રીમંડળનુ વિસ્તરણ લગભગ નક્કી છે.
ADVERTISEMENT
ફરી એકવાર 2021 વાળી કરવાના મુડમાં હાઇકમાન્ડ
જો તે સૌથી ચોંકાવનારી બાબત છે કે, હાઇકમાન્ડ ફરી એકવાર 2021 વાળી કરવાના મુડમાં છે. જો કે આ વખતે રાહતની બાબત છે કે, મુખ્યમંત્રી અને ટોપ પર્ફોમર હોય તેવા 4-5 મંત્રીઓને યથાવત્ત રાખવામાં આવી શકે છે. પરંતુ બાકીના મંત્રીઓને પડતા મુકાઇ શકે છે. જેમાં કેબિનેટ કક્ષાના ચારથી પાંચ અને રાજ્યકક્ષાના પાંચથી છ મંત્રીઓનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT
ચાર નેતા છોડી તમામને ઘરભેગા કરાશે
રાજકીય તજજ્ઞોના અનુસાર, ભાજપ હાઇકમાન્ડની અપેક્ષા પર ખરા ઉતરવામાં જે મંત્રીઓ ઉણાઉતર્યા છે તે તમામની હકાલપટ્ટી નક્કી છે. આ ઉપરાંત કોઇ પણ રીતે કૌભાંડ કે અન્ય રીતે સંડોવાયેલા નેતાઓ કે જેના કારણે પક્ષની છબી ખરડાય હોય તેવા તથા પર્ફોમન્સ બાબતે નિષ્ફળ રહેલા મંત્રીઓને પડતા મુકવામાં આવી શકે છે. આ ઉપરાંત વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીની અસર પણ મંત્રીમંડળ પર જોવા મળશે.
ADVERTISEMENT
કયા મંત્રીઓની લીલી પેન લઇ લેવાય તેવી શક્યતા?
હાલના મંત્રીમંડળમાં મુખ્યમંત્રી સહિત કુલ 17 મંત્રીઓ છે. નિયમાનુસાર કુલ 26 મંત્રીઓનો સમાવેશ થઇ શકે છે. જો કે સુત્રો અનુસાર હાલના મંત્રીમંડળમાંથી 5 કેબિનેટ કક્ષાનાં જ્યારે 6 થી વધારે રાજ્યકક્ષાના મંત્રીઓની લીલી પેન છીનવી લેવામાં આવી શકે છે. હાલમાં રાજકીય નિષ્ણાંતો માની રહ્યા છે કે, જેમની હકાલપટ્ટી થાય તેવા મંત્રીઓમાં નાણામંત્રી કનુભાઇ દેસાઇ, કૃષિમંત્રી રાઘવજી પટેલ, પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા, શિક્ષણ મંત્રી કુબર ડિંડોર અને સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ભાનુબેન બાબરિયાનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : દિલ્હી ફરી પૂરનાં સંકટમાં ફસાઈ, ઘરો પાણીમાં ગરકાવ અને યમુના નદીનું રૌદ્ર સ્વરૂપ
આ મંત્રીઓને પણ ભારે પગે વિદાય આપી દેવાશે
ADVERTISEMENT
આ ઉપરાંત રાજ્યકક્ષાના જે મંત્રીઓને પડતા મુકાવામાં આવે તેવા મંત્રીઓમાં મત્સ્ય અને પશુપાલન મંત્રી પરસોત્તમ સોલંકી, પંચાયત મંત્રી બચુભાઇ ખાબડ, વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ, અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર તથા આદિજાતિ વિકાસ મંત્રી કુંવરજી હળપતિને પાણીચુ પકડાવી દેવાય તેવી શક્યતાઓ નિષ્ણાંતો સેવી રહ્યા છે. જો કે બચુ ખાબડની હકાલપટ્ટી લગભગ નિશ્ચિત માનવામાં આવી રહી છે. અત્યારથી જ તેઓને સરકારી કાર્યક્રમોથી દુર કરી દેવાયા છે. જો કે તેમની હકાલપટ્ટી પર મહોર વિધાનસભા સત્ર દરમિયાન લાગી શકે છે. જો તેઓ સત્રમાં હાજર ન રહે અને તેમના વતી અન્ય મંત્રીઓ જવાબ આપે તો તે બાબત નિશ્ચિત થઇ શકે છે.
કયા નવા ચહેરાઓને સરકાર આપી શકે છે તક?
ભાજપના જ સુત્રો અનુસાર કયા નેતાઓને સ્થાન મળશે તે કળવું ખુબ જ મુશ્કેલ છે, કારણ કે મંત્રીમંડળ અંગેના તમામ નિર્ણયો પીએમ મોદી અને અમિત શાહ જ કરે છે. તેમ છતા અંદાજ લગાવીએ તો 2027ની વિધાનસભા ચૂંટણીને ધ્યાને રાખી જ્ઞાતિ-જાતિ અને પ્રદેશના સમીકરણો સેટ થતા હોય તે પ્રકારના ધારાસભ્યોને મંત્રી બનાવવામાં આવી શકે છે. આ ઉપરાંત ગુજરાતમાં યુવા મતદારો વધારે હોવા ઉપરાંત તેઓ હવે ધર્મ અને જાતિથી ઉપર ઉઠીને વિચારતા થયા છે તેવામાં યુવા અને સક્રિય નેતાઓને પણ સ્થાન મળી શકે છે.
યુવા, મજબુત અને સ્વચ્છ છબીના નેતાઓને મળશે સ્થાન
આવા યુવા અને સ્વચ્છ છબી ઉપરાંત પોતાના વિસ્તારમાં મજબુત પકડ ધરાવતા હોય તેવા નેતાઓમાં જયેશ રાદડિયા, હીરા સોલંકી, મહેશ કસવાલા, કૌશિક વેકરિયા, સંદીપ દેસાઇ, સંગીતા પાટીલ અને અર્જુન મોઢવાડિયાનો સમાવેશ થાય છે. જેથી તેઓને મંત્રીમંડળમાં સ્થાન મળે તો નવાઇ નહી. હાલના સ્પીકર શંકર ચૌધરીને પણ સ્પીકરપદેથી રાજીનામું અપાવીને કેબિનેટમાં સ્થાન અપાય તેવી શક્યતા છે. કારણ કે તેઓ બનાસ ડેરી થકી ઉત્તર ગુજરાતનાં એક મોટા વિસ્તારમાં પ્રભુત્વ ધરાવે છે. હાલમાં કોંગ્રેસ જિજ્ઞેશ મેવાણી અને ગેનીબેન ઠાકોર થકી ઉત્તર ગુજરાતમાં ખુબ જ મજબુત થઇ રહી છે. આ ઉપરાંત કોંગ્રેસમાંથી વંડી ઠેકીને આવેલા અલ્પેશ ઠાકોર, હાર્દિક પટેલ અને સી.જે.ચાવડાને મંત્રીમંડળમાં સ્થાન મળે તેની શક્યતાઓ ફીફ્ટી ફીફ્ટી જેવી છે. જો કે ગત્ત સરકારમાં દક્ષિણ ગુજરાતના મંત્રીઓનો દબદબો રહ્યો હતો તેવામાં આ વખતે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના નવા ચહેરાઓને વધુ તક મળે તેવી શક્યતા મહત્તમ છે.
પોતાનુ પદ ટકાવી રાખવામાં કયા નેતાઓ સફળ રહેશે?
મંત્રીમંડળમાં જે સુનામી આવવાનું છે તેમાં કયા મંત્રીઓ પોતાનું પદ સંભાળી રાખશે તે અંગે સુત્રો જણાવી રહ્યા છે કે, કુલ 4 મંત્રીઓ છે જેઓ હજી પણ પોતાની ઇમેજ બચાવવવામાં સફળ રહ્યા છે. જેમાં મુખ્યમંત્રી પોતે, જગદીશ વિશ્વકર્મા, હર્ષ સંઘવી, ઋષિકેશ પટેલના નામો મુખ્ય છે. આ મંત્રીઓની કામગીરી તો પારદર્શક રહી છે સાથે સાથે તેઓ કોઇ મોટા વિવાદમાં પણ સપડાયા નથી. આ ઉપરાંત પ્રફુલ પાનસેરિયાની પણ શક્યતા છે, તેમનો વિભાગ કેટલાક મામલે ચર્ચામાં આવ્યો પરંતુ મંત્રી પોતાની સ્વચ્છ ઇમેજ જાળવવામાં સફળ રહ્યા છે.
સરકારના બે મુખ્ય જાણીતા ચહેરા હર્ષ સંઘવી અને જગદીશ પંચાલનું પ્રમોશન નિશ્ચિત
સરકારના મંત્રીઓમાં સૌથી વધારે માધ્યમોમાં ચમકતા રહેતા અને એક્ટિવ તેવા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ રાજ્ય કક્ષાના ઉદ્યોગ મંત્રી જગદીશ પંચાલનું પ્રમોશન તો લગભગ તમામ સુત્રો એક સુરમાં પાક્કું હોવાનું સ્વિકારી રહ્યા છે. આ બંન્ને મંત્રીઓ પાસે રાજ્યકક્ષાના ખાતા હોવા છતાં બન્નેએ ખૂબ જ મહત્વની કામગીરી નિભાવી રહ્યા છે. ગુજરાત સરકારનાં ખુબ જ ઓછા મંત્રીઓને લોકો ઓળખે છે તે પૈકીના મંત્રીઓમાં હર્ષ સંઘવી અને વિશ્વકર્માનો સમાવેશ થાય છે. આ નેતાઓ કોઇ પ્રકારનો વાદ-વિવાદ થયો નથી. જેના પરિણામ સ્વરૂપે રાજ્યકક્ષામાંથી બંન્ને નેતાઓને કેબિનેટમાં લઇ જવાય તેવી પ્રબળ શક્યતા છે.
વિસાવદર પેટા ચૂંટણીની અસર જોવાશે
વિસાવદરની પેટા ચૂંટણી ભાજપના કેટલાય ધારાસભ્યો અને મંત્રીઓના રાજકીય ભવિષ્ય માટે ખૂબ જ મહત્વની સાબિત થશે. આ ચૂંટણી માટે ભાજપે પોતાની તમામ શક્તિ કામે લગાડી દીધી હોવા છતા પણ ભાજપે હારનો સામનો કરવો પડ્યો હતો. મુખ્યમંત્રી અને ભાજપના ચાણક્ય સી.આર પાટીલ પણ આ સીટ બચાવી શક્યા નહોતા. જેથી હવે તેની અસર પણ મંત્રીમંડળ પર પડી શકે છે. જો કે કોને કેટલી અસર થાય તે તો વિસ્તરણ બાદ જ ખ્યાલ આવશે.
જુના જોગીઓને પાછા ડ્રાઇવર સીટ પર બેસાડાશે
રાજકીય ચર્ચા અનુસાર 2021 માં અનેક અનુભવી ચહેરાઓને હટાવીને નવા ચહેરાઓને સ્થાન આપીને પ્રયોગ કરાયો હતો. જો કે આ પ્રયોગમાં સરકારને મોટે ભાગે નિરાશા સાપડી હોવાનું લાગી રહ્યું છે. જેનાં કારણે ફરી એકવાર જુના જોગીઓને પરત લાવીને મહત્વની જવાબદારી સોંપવામાં આવી શકે છે. જે પ્રકારે આમ આદમી પાર્ટી આક્રામક રીતે આગળ વધી રહી છે તેને જોતા હવે ગુજરાતમાં ઘરડા જ ગાડા વાળે તેવી શક્યતાને જોતા જુના જોગીઓને પરત લવાશે. ભાજપ પણ હવે કોઇ રિસ્ક લેવાના મુડમાં નથી. જેના કારણે ભાજપમાં શક્તિશાળી પરંતુ કોઇ કારણોથી સાઇડલાઇન છે તેવા નેતાઓને હવે મોટા પદ આપીને નવી જવાબદારી સોંપાઇ શકે છે.
સચિવાલયમાં અધિકારીઓ હાજર પણ કામગીરી ઠપ્પ
ગુજરાત સરકારમાં મોટી નવાજુનીના એંધાણ સૌથી પહેલા સચિવાલયને મળી જાય છે. જેના કારણે અધિકારીઓ સૌથી પહેલા પોતાની કામગીરી અટકાવી દેતા હોય છે. જેથી કોઇ વિવાદિત ફાઇલ કે નિર્ણયના કારણે નવા મંત્રીના રોષનું ભોગ ન બનવું પડે. જેથી હાલમાં સચિવાલયના અધિકારીઓ હાજરી પુરાવા આવે છે રૂટીન કામગીરી કરીને જતા રહે છે. કોઇ નવો પ્રોજેક્ટ કે નવી ફાઇલને હાથ પણ નથી લગાવતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.