ભારત અને કેનેડા વચ્ચે તણાવ ચરમસીમા પર છે એવામાં અમેરિકાએ કહ્યું કે કેનેડામાં એક 'શીખ કાર્યકર્તા'ની હત્યાને લઈને કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના ભારત પરના આરોપોથી 'અત્યંત ચિંતિત' છે.
હરદીપ સિંહની હત્યાને લઈને ભારત અને કેનેડા વચ્ચે તણાવ ચરમસીમા પર
ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા તણાવ પર ચિંતા વ્યક્ત કરી છે
હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારત સરકારની સંડોવણી હોય શકે - જસ્ટિન ટ્રૂડો
ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહની હત્યાને લઈને ભારત અને કેનેડા વચ્ચે તણાવ ચરમસીમા પર છે. કેનેડાએ સોમવારે ખાલિસ્તાની આતંકવાદીની હત્યામાં ભારતની સંડોવણીનો આરોપ લગાવતા ટોચના ભારતીય રાજદ્વારીને નિષ્કાષિત કર્યા હતા, ત્યારબાદ ભારતે પણ ટોચના કેનેડિયન રાજદ્વારીને પાંચ દિવસમાં દેશ છોડવાનો આદેશ આપ્યો છે. અમેરિકાએ હવે ખાલિસ્તાની આતંકવાદીની હત્યાને લઈને ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા તણાવ પર ચિંતા વ્યક્ત કરી છે.
ભારત પરના આરોપોથી અમેરિકા 'અત્યંત ચિંતિત' છે
અમેરિકાએ કહ્યું છે કે કેનેડાના Surrey શહેરમાં એક 'શીખ કાર્યકર્તા'ની હત્યાને લઈને કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના ભારત પરના આરોપોથી તે 'અત્યંત ચિંતિત' છે. એક રિપોર્ટ અનુસાર, વ્હાઇટ હાઉસ નેશનલ સિક્યોરિટી કાઉન્સિલના પ્રવક્તા એડ્રિન વોટસને કહ્યું, 'અમે વડા પ્રધાન ટ્રુડો દ્વારા લગાવવામાં આવેલા આરોપોને લઈને ખૂબ જ ચિંતિત છીએ. અમે અમારા કેનેડિયન સાથીદારો સાથે નિયમિત સંપર્કમાં રહીએ છીએ. કેનેડા તપાસ કરે અને ગુનેગારોને પકડે તે જરૂરી છે.'
હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારત સરકારની સંડોવણી છે
ખાલિસ્તાન ટાઈગર ફોર્સના પ્રમુખ હરદીપ સિંહ નિજ્જરની કેનેડામાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. આ મોતના મહિનાઓ બાદ કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડોએ ગોળીમારવા પાછળ ભારત સરકાર પર આરોપ લગાવ્યો છે. એક રિપોર્ટ અનુસાર જસ્ટિન ટ્રૂડોએ કહ્યું કે દેશની સુરક્ષા એજન્સિઓ ભારત સરકાર અને ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાની વચ્ચે સંબંધની તપાસ કરી રહી છે.
શું કહ્યું જસ્ટિન ટ્રૂડોએ?
કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ સોમવારે કેનેડિયન સંસદમાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારત સરકારની સંડોવણી પર સવાલ ઉઠાવતા કહ્યું કે, "કેનેડિયન સુરક્ષા એજન્સીઓ ભારત સરકાર અને કેનેડિયન નાગરિક હરદીપ સિંહ નિજ્જરની હત્યા વચ્ચેના સંબંધના આરોપોની સક્રિયપણે તપાસ કરી રહી છે.કેનેડાની ધરતી પર કેનેડિયન નાગરિકની હત્યામાં અન્ય કોઈ દેશ અથવા વિદેશી સરકારની સંડોવણી સહન કરવામાં આવશે નહીં. આ અમારા કાયદાનું ઉલ્લંઘન છે. તે સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે."
કેનેડાએ ગંભીર આક્ષેપ સાથે ભારતના રાજદૂતને કર્યા નિષ્કાષિત
જસ્ટિન ટ્રુડોના ભારત પર આરોપો બાદ કેનેડાના વિદેશ મંત્રી મેલાની જોલીએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું કે ભારતના એક ટોચના રાજદ્વારીને હાંકી કાઢવામાં આવ્યા છે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે કહ્યું કે, "આજે અમે ભારતના એક અગ્રણી રાજદ્વારીને કાર્યવાહી તરીકે હાંકી કાઢી રહ્યા છીએ, પરંતુ અમે આના તળિયે જઈશું. જો આ બધું સાચું સાબિત થશે તો આ અમારા કાયદાનું ઉલ્લંઘન છે. તે સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે."
ભારતે પણ કેનેડાના એક સિનિયર ડિપ્લોમેટને દેશમાંથી હાંકી કાઢ્યા
વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે ભારતમાં કેનેડાના હાઈ કમિશનરને આજે બોલાવવામાં આવ્યા હતા અને ભારતમાં સ્થિત એક વરિષ્ઠ કેનેડિયન રાજદ્વારીને હાંકી કાઢવાના ભારત સરકારના નિર્ણય વિશે જાણ કરવામાં આવી હતી. તે રાજદ્વારીને આગામી પાંચ દિવસમાં ભારત છોડી દેવા માટે કહેવામાં આવ્યું છે. સાથે જ વિદેશ મંત્રાલયે કહ્યું કે આ નિર્ણય કેનેડિયન રાજદ્વારીઓની આપણા આંતરિક બાબતોમાં દખલગીરી અને ભારત વિરોધી પ્રવૃત્તિઓમાં તેમની સંડોવણીને લઈને ભારત સરકારની વધતી ચિંતા દર્શાવે છે.