બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / બંદૂકની અણીએ વાતચીત નહીં, ટ્રમ્પની વિનાશકારી ધમકી વચ્ચે ઈરાનનું ઈસ્લામાબાદ મંત્રણા પર સસ્પેન્સ
Last Updated: 03:15 AM, 20 April 2026
ઈસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચે યોજાનારી બીજા રાઉન્ડની શાંતિ વાર્તા પૂર્વે તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. ઈરાને સ્પષ્ટ કર્યું છે કે અમેરિકી નાકેબંધી વચ્ચે તે નમશે નહીં અને હજુ સુધી મંત્રણા માટે પોતાનું પ્રતિનિધિમંડળ મોકલવાની પુષ્ટિ કરી નથી. બીજી તરફ, ડોનાલ્ડ ટ્રમ્પે આ મંત્રણાને ઈરાન માટે 'છેલ્લી તક' ગણાવી પાવર પ્લાન્ટ્સ અને પુલ તોડી પાડવાની ધમકી આપી છે. આ મંત્રણામાં અમેરિકા તરફથી સ્ટીવ વિટકોફ અને જેરેડ કુશનર ભાગ લેશે.
ADVERTISEMENT

ઈરાની સમાચાર એજન્સીના અહેવાલ મુજબ, તેહરાને હજુ સુધી ઈસ્લામાબાદ વાર્તા માટે પોતાના પ્રતિનિધિઓના નામ પર અંતિમ મહોર મારી નથી. ઈરાની સંસદના સ્પીકર મહોમ્મદ બાઘેર ગાલિબફે રવિવારે આક્રમક તેવર બતાવતા કહ્યું કે અમેરિકા એક તરફ વાટાઘાટોની વાત કરે છે અને બીજી તરફ ઈરાની બંદરો પર આર્થિક ઘેરાબંધી કરી રહ્યું છે. તેમણે બેટૂક શબ્દોમાં સંભળાવ્યું હતું કે, "બંદૂકની અણીએ વાતચીત શક્ય નથી." ઈરાનનું આ વલણ ટ્રમ્પની તે ચેતવણી બાદ આવ્યું છે જેમાં તેમણે કહ્યું હતું કે જો ઈરાન અમેરિકાની શરતો મુજબની ડીલ નહીં સ્વીકારે તો તેના દરેક પાવર પ્લાન્ટ અને બ્રિજને જમીનદોસ્ત કરી દેવામાં આવશે.
ADVERTISEMENT

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર પુષ્ટિ કરી છે કે શાંતિ વાર્તાનો બીજો રાઉન્ડ પાકિસ્તાનમાં યોજાશે. જોકે, આ વખતે અમેરિકી પ્રતિનિધિમંડળમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. આ મહત્વની બેઠકમાં ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ સામેલ નહીં થાય. તેમની જગ્યાએ ટ્રમ્પના અત્યંત ભરોસાપાત્ર વિશેષ દૂત સ્ટીવ વિટકોફ અને તેમના જમાઈ જેરેડ કુશનર મંગળવારે ઈરાની અધિકારીઓ સાથે ટેબલ પર બેસશે. આ બંને દિગ્ગજો સોમવાર સાંજ સુધીમાં ઈસ્લામાબાદ પહોંચે તેવી શક્યતા છે. અગાઉની મંત્રણા નિષ્ફળ રહ્યા બાદ ટ્રમ્પ આ વખતે કોઈ પણ ભોગે ઈરાન પાસે પોતાની શરતો મનાવવા માંગે છે.
ADVERTISEMENT
આ સંકટ વધુ ઘેરી બનવા પાછળનું મુખ્ય કારણ હોર્મુઝની સામુદ્રધુની પરની નાકેબંધી છે. શુક્રવારે લેબનોનમાં હિઝબુલ્લાહ અને ઈઝરાયેલ વચ્ચે 10 દિવસના યુદ્ધવિરામ બાદ એવી આશા જાગી હતી કે ઈરાન હોર્મુઝનો માર્ગ ખોલી દેશે. પરંતુ જ્યારે ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે ઈરાની બંદરો પર અમેરિકી નૌસેનાની નાકેબંધી ચાલુ રહેશે, ત્યારે ઈરાને તરત જ પોતાના પ્રતિબંધો ફરી લાગુ કરી દીધા હતા. ઈરાનનું કહેવું છે કે જ્યાં સુધી અમેરિકા તેની આર્થિક ઘેરાબંધી હટાવશે નહીં, ત્યાં સુધી તે કોઈ પણ જહાજને ત્યાંથી સુરક્ષિત પસાર થવા દેશે નહીં.
ADVERTISEMENT
ગાલિબફે વધુમાં ઉમેર્યું હતું કે ઈરાન શાંતિ ઈચ્છે છે પરંતુ અમેરિકાના વલણને જોતા તેમના પર ભરોસો કરવો મુશ્કેલ છે. તેમણે સ્પષ્ટ કર્યું કે ઈરાન મુત્સદ્દીગીરીના મોરચે પાછળ નહીં હટે, પરંતુ જો ઈરાનના રસ્તાઓ બંધ કરવામાં આવશે તો તે બીજા કોઈને પણ ત્યાંથી પસાર થવા દેશે નહીં. અત્યારે સમગ્ર વિશ્વની નજર મંગળવારની આ બેઠક પર છે, કારણ કે જો ઈસ્લામાબાદ વાર્તા નિષ્ફળ જશે તો ખાડી દેશોમાં મોટો સૈન્ય સંઘર્ષ ફાટી નીકળવાની પૂરેપૂરી સંભાવના છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.