બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ધોધમાર વરસાદથી સુરેન્દ્રનગર જળબંબાકાર, પાણીના પ્રવાહમાં ફસાયા હતા 3 લોકો, 2 શ્રમિકો અને 1 બાળકનું બોટથી કરાયું રેસ્ક્યૂ
Last Updated: 05:49 PM, 1 August 2026
સુરેન્દ્રનગરમાં પાણી વચ્ચે ફસાયેલા 3 લોકોનું રેસ્ક્યૂ
ADVERTISEMENT
સુરેન્દ્રનગરના નાના કેરાળા ગામના સીમ વિસ્તારમાં પાણી ભરાતા ફસાયેલા ત્રણ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં વઢવાણ પોલીસ, પ્રાંત અધિકારી અને મહાનગરપાલિકાની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. પાણી વચ્ચે ફસાયેલા લોકોમાં એક વર્ષનું બાળક અને બે શ્રમિકોનો સમાવેશ થતો હતો. ટીમ દ્વારા બોટની મદદથી ત્રણેયને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. રેસ્ક્યૂ બાદ તમામને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
ત્રિવેણી ઠાંગા ડેમમાં પાણીની પુષ્કળ આવક નોંધાઈ
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પંથકમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે જાંબુરી નદી પર આવેલો ત્રિવેણી ઠાંગા ડેમ ઓવરફ્લો થયો છે. ડેમમાં પાણીની પુષ્કળ આવક નોંધાઈ રહી છે અને હાલ 756 ક્યુસેકથી વધુ પાણીની આવક ચાલુ હોવાનું જાણવા મળ્યું છે. ડેમમાં સતત પાણીની આવકને પગલે તંત્ર દ્વારા આસપાસના ડાકવડલા, રાજપરા, ખાટડી, શેખલીયા, મેવાસા અને લામાંકોટડી સહિતના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા તેમજ પશુઓને નદીમાં ન લઈ જવા સૂચના આપવામાં આવી છે. તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને ગ્રામજનોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.
ADVERTISEMENT

લીંબડીમાં પાંચથી વધારે સોસાયટીમાં ઘૂસ્યા વરસાદી પાણી
ADVERTISEMENT
સુરેન્દ્રનગરના લીંબડી શહેરમાં ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. શહેરની પાંચથી વધુ સોસાયટીઓમાં વરસાદી પાણી ઘૂસી જતાં સ્થાનિકોની મુશ્કેલીમાં વધારો થયો છે. ગાયત્રી સોસાયટી, પારસનગર સહિતના વિસ્તારોમાં મકાનોમાં પાણી ભરાઈ જતા રહીશો પરેશાન બન્યા છે. વરસાદી પાણીથી ઘરનો સામાન બચાવવા માટે લોકો દોડધામ કરતા જોવા મળ્યા હતા. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા જનજીવન પ્રભાવિત થયું છે. ભારે વરસાદની આગાહી વચ્ચે હવામાન વિભાગ દ્વારા સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેના પગલે તંત્રને પણ સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.

ADVERTISEMENT
લીંબડી ગ્રામ્ય કચેરીના મુખ્ય ગેટ સુધી વરસાદી પાણી પહોંચ્યું
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી પંથકમાં ભારે વરસાદને કારણે સ્થિતિ વિકટ બની છે. લીંબડી ગ્રામ્ય કચેરીના મુખ્ય ગેટ સુધી વરસાદી પાણી ભરાઈ જતાં તંત્રમાં ચિંતા જોવા મળી રહી છે. ભારે વરસાદના કારણે સબ સ્ટેશનમાં પણ પાણી ઘૂસી જતા 21 જેટલા ગ્રામ્ય વિસ્તારોના વીજ પુરવઠા પર સંકટ ઉભું થયું છે. જો પાણીનો ભરાવો વધુ વધશે તો સુરક્ષાના કારણોસર સબ સ્ટેશન બંધ કરવાની ફરજ પડી શકે તેવી શક્યતા છે. હાલ પાણીનો ઝડપથી નિકાલ થાય તે માટે તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. મામલતદાર સહિતના અધિકારીઓ JCBની મદદથી સબ સ્ટેશન સુધી પહોંચ્યા હતા અને પરિસ્થિતિનું નિરીક્ષણ કરી જરૂરી કાર્યવાહી શરૂ કરી છે.
ADVERTISEMENT

સુરેન્દ્રનગરના વઢવાણમાં જળબંબાકારની સ્થિતિ
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકામાં ભારે વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. તાલુકાના કટુડા ગામમાં સતત વરસેલા વરસાદના કારણે ગામ બેટમાં ફેરવાયું છે અને અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. વઢવાણ તાલુકામાં અંદાજે 6 ઈંચ જેટલો વરસાદ નોંધાતા ખેતરો અને મુખ્ય રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે. પાણી ભરાવાના કારણે વાહનચાલકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, જ્યારે ખેડૂતોના પાકને પણ નુકસાનની ભીતિ સર્જાઈ છે. સ્થાનિકો દ્વારા તંત્ર પાસે પાણીના નિકાલ અને જરૂરી મદદ માટે માંગ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ, હજી 6 જિલ્લામાં રેડ એલર્ટ, 11 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
ભારે વરસાદને લઈ શહેરના વિવિધ વિસ્તારમાં ભરાયા પાણી
સુરેન્દ્રનગરમાં માત્ર 4 ઈંચ વરસાદે જ શહેરની પાણી નિકાલ વ્યવસ્થાની પોલ ખોલી નાખી છે. ભારે વરસાદ બાદ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં આવેલી સોસાયટીઓમાં વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જતાં ઘરવખરીને નુકસાન પહોંચ્યું છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, ઘરમાં પાણી ભરાઈ જવા છતાં તંત્ર તરફથી સમયસર કોઈ મદદ મળી નથી. રહેવાસીઓએ આક્ષેપ કર્યો છે કે મુશ્કેલીના સમયે સ્થાનિક કોર્પોરેટર પણ સ્થળ પર ફરક્યા નથી. પાણી ભરાવાની સમસ્યાને લઈ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને તેઓ તાત્કાલિક યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ કરી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.