ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરતમાં 38 વર્ષીય મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો, 14 વર્ષ નાના પ્રેમીએ જ મોતને ઘાટ ઉતારી, આરોપી ફરાર
Last Updated: 06:24 PM, 29 November 2026
ADVERTISEMENT
સુરતના ઇચ્છાપોર વિસ્તારમાં ખુલ્લી ગટરલાઇન પાસે એક મહિલાની અર્ધનગ્ન હાલતમાં લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. મહિલાની ઓળખથી લઈને તેની હત્યા પાછળનું કારણ શોધવા પોલીસ તપાસ કરી રહી હતી. આખરે ગણતરીના કલાકોમાં પોલીસે આ હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે. તપાસમાં સામે આવ્યું કે જે વ્યક્તિ સાથે મહિલાને પ્રેમસંબંધ હતો, તે જ તેનો હત્યારો બન્યો હતો. પ્રેમસંબંધમાં અણબનાવ થતાં 24 વર્ષીય પ્રેમીએ મહિલા પર દુષ્કર્મ આચર્યું અને ત્યારબાદ ગળું દબાવી તેની હત્યા કરી નાખી હતી. પોલીસે વતન ભાગી ગયેલા આરોપીને ઉત્તરપ્રદેશના ગાજીપુરમાંથી ઝડપી પાડ્યો છે.
ADVERTISEMENT

મળતી માહિતી મુજબ, મૂળ ઉત્તરપ્રદેશના દેવરીયા જિલ્લાના ધરમપુરની વતની રંજનાદેવી (ઉં.વ. 38) હાલ સુરતના ઇચ્છાપોર વિસ્તારમાં આવેલી વિશ્વાસનગર સોસાયટીમાં રહેતી હતી. તેના પતિ દિનેશ યાદવનું આશરે આઠ વર્ષ પહેલાં દુબઈમાં અકસ્માત થતાં અવસાન થયું હતું. પતિનું અવસાન થયા બાદ રંજનાદેવી ત્રણ સંતાનોની જવાબદારી એકલા હાથે સંભાળતી હતી. પરિવારનું ગુજરાન ચલાવવા માટે તે સુરતની હીરાબુર્સમાં આવેલી એલબી ડાયમંડ કંપનીમાં મજૂરીકામ કરતી હતી.
ADVERTISEMENT
આ દરમિયાન રંજનાદેવીને તેની સાથે જ મજૂરીકામ કરતા મૂળ ઉત્તરપ્રદેશના ગાજીપુર જિલ્લાના અમેદા ગામના વતની બબલુ રામલાલ રાજભર (ઉં.વ. 24, હાલ રહે. જયરાજ સોસાયટી, ઇચ્છાપોર) સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. છેલ્લા સાતથી આઠ મહિનાથી બંને વચ્ચે સંબંધ હતો. રંજનાદેવી બબલુ માટે જમવાનું પણ લઈ જતી હતી. જોકે, છેલ્લા ત્રણેક મહિનાથી કોઈ કારણસર બંને વચ્ચે અણબનાવ થયો હતો અને બંનેએ એકબીજા સાથે વાતચીત કરવાનું બંધ કરી દીધું હતું.
ADVERTISEMENT
આ બાબતથી બબલુ નારાજ હતો. જેથી 22મી તારીખે સાંજે આશરે સાત વાગ્યે તેણે રંજનાદેવીને ફોન કર્યો હતો અને મળવા માટે બોલાવી હતી. રંજનાદેવીએ પોતાના બાળકોને બબલુનો ફોન આવ્યો હોવાનું જણાવીને કહ્યું હતું કે, હું તેને મળીને આવું છું. ત્યારબાદ તે ઘરેથી નીકળી હતી. જોકે, મોડી રાત સુધી તે ઘરે પરત ફરી નહોતી.
ADVERTISEMENT
પોલીસ તપાસમાં સામે આવ્યું કે, બબલુ રંજનાદેવીને ઇચ્છાપોર બસ સ્ટેન્ડ નંબર-3 પાસે આવેલી એસ.આર. હોટલની પાછળ નહેર પાસે આવેલી ખુલ્લી ગટરલાઇન નજીકની અવાવરું જગ્યાએ લઈ ગયો હતો. ત્યાં તેણે રંજનાદેવી સાથે જબરદસ્તી શારીરિક સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ બંને વચ્ચે ફરીથી બોલાચાલી થઈ હતી. આ દરમિયાન ઉશ્કેરાયેલા બબલુએ રંજનાદેવીનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી. હત્યા કર્યા બાદ તે મહિલાની લાશ ત્યાં જ છોડીને ફરાર થઈ ગયો હતો.
ADVERTISEMENT
બીજી તરફ, રંજનાદેવી ઘરે પરત ન ફરતાં પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી અને ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ 24મી તારીખે સવારે ઇચ્છાપોર બસ સ્ટેન્ડ નંબર-3 પાસેથી નહેરની ખુલ્લી ગટરલાઇન પાસે તેની અર્ધનગ્ન હાલતમાં લાશ મળી આવી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી.
ADVERTISEMENT

ઘટનાસ્થળેથી પોલીસને મૃતકનાં કપડાં અને મોબાઈલ ફોન ઉપરાંત આરોપી બબલુના સફેદ ચંપલ પણ મળી આવ્યા હતા. આ ચંપલને કારણે પોલીસની શંકા વધુ ઘેરી બની હતી. મહિલાના શરીર પર ઈજાનાં નિશાન હતાં અને તેના કાનમાંથી પણ લોહી નીકળતું હતું. જેથી મોતનું સાચું કારણ જાણવા નવી સિવિલ હોસ્પિટલમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું. પોસ્ટમોર્ટમમાં મહિલા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું અને ગળું દબાવવાના કારણે તેનું મોત થયું હોવાનું સ્પષ્ટ થયું હતું.
મૃતકના સંબંધીની ફરિયાદના આધારે ઇચ્છાપોર પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 64(1), 66 અને 103(1) હેઠળ દુષ્કર્મ અને હત્યાનો ગુનો નોંધ્યો હતો. આ કેસની તપાસ એસીપી શ્વેતા ડેનિયલના માર્ગદર્શન હેઠળ ઇચ્છાપોર પોલીસ સ્ટેશનના પીઆઈ એસ.એ. શાહ, સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ બી.જે. ગોહિલ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી.
પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપીની શોધખોળ શરૂ કરી હતી. હત્યા કર્યા બાદ પોલીસથી બચવા માટે આરોપી બબલુ પોતાના વતન ઉત્તરપ્રદેશ ભાગી ગયો હતો. જોકે, પોલીસની ટીમે ટેકનિકલ સર્વેલન્સના આધારે ઉત્તરપ્રદેશના ગાજીપુર ખાતેથી તેને ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ આરોપીને સુરત લાવી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો : ભાવનગર જિલ્લા જેલમાં પથુભા ગોહિલના મોત મામલે ક્ષત્રિય સમાજના આંદોલનનો સુખદ અંત
આ અંગે એસીપી શ્વેતા ડેનિયલે જણાવ્યું હતું કે, મહિલાની આ હત્યાનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે. હાલ આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ કરવામાં આવી રહી છે. અત્યાર સુધીની તપાસમાં આરોપી વિરુદ્ધ સુરતમાં અન્ય કોઈ ગુનો નોંધાયો હોવાનું સામે આવ્યું નથી. આ સમગ્ર ઘટનામાં સૌથી દુઃખદ બાબત એ છે કે, રંજનાદેવીનાં ત્રણ માસૂમ બાળકોએ પોતાની માતાની છત્રછાયા ગુમાવી છે. પરિવારનું ગુજરાન ચલાવવા માટે મજૂરી કરતી માતાની આ રીતે હત્યા થતાં ત્રણેય બાળકો માતા વિના નોંધારા બન્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.