બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / રાજકોટના સમાચાર / અન્ય જિલ્લા / વડોદરાના સમાચાર / ભરૂચથી સોમનાથ મંદિર સુધી, 'હર-હર મહાદેવ'ના નાદથી ગૂંજી ઉઠ્યા શિવાલયો
7 ફોટો ગેલેરી
Last Updated: 11:20 AM, 17 August 2026
1/7
શ્રાવણ માસના પ્રથમ સોમવારે સમગ્ર રાજ્યમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ શિવાલયોમાં ભગવાન શિવના દર્શન માટે ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન માટે પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. સોમનાથ મંદિરમાં વહેલી સવારથી જ ભક્તોની ભીડ જોવા મળતાં સમગ્ર મંદિર પરિસર ‘હર હર મહાદેવ’ અને ‘બમ બમ ભોલે’ના નાદથી ગુંજી ઉઠ્યું હતું. શ્રાવણના પ્રથમ સોમવારે મહાદેવની પાલખી યાત્રા પણ યોજાઈ હતી, જેમાં ભક્તોએ શ્રદ્ધાભેર ભાગ લીધો હતો. ભગવાન શિવના જયઘોષ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું.
2/7
આજે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર હોવાથી શિવાલયોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી રહ્યું છે. ત્યારે પ્રકૃતિના અનોખા સંગમનું પ્રતિક ગણાતા ભરૂચના કાવી-કંબોઈમાં આવેલા સ્તંભેશ્વર મહાદેવ મંદિરમાં ભક્તોની ભીડ જામી છે. સમુદ્રકિનારે આવેલા આ મંદિરમાં દરિયાની ભરતી વધતાં મંદિરનું શિવલિંગ થોડા સમય માટે દરિયાના પાણીમાં સમાઈ જાય છે. અને પછી દરિયાનું પાણી ઓસરતા શિવલિંગ ફરીથી ભક્તોને દર્શન આપે છે. જેથી ભગવાન શિવના આ સ્વયંભૂ સ્વરૂપને ભક્તો શ્રદ્ધાપૂર્વક સ્તંભેશ્વર મહાદેવ તરીકે પૂજે છે. ખાસ કરીને મહાશિવરાત્રી અને શ્રાવણ માસ દરમિયાન અહીં મોટી સંખ્યામાં ભક્તો અહીં દર્શન માટે આવે છે. આસ્થા, પ્રકૃતિ અને ભક્તિનો અનોખો સંગમ ધરાવતું સ્તંભેશ્વર મહાદેવ મંદિર આજે પણ ભક્તોની આસ્થાનું મહત્વનું કેન્દ્ર બની રહ્યું છે.
3/7
પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે જૂનાગઢના ભવનાથ તળેટીમાં વહેલી સવારથી જ ભક્તોની ભીડ ઉમટી રહી છે. ભગવાન ભોળાનાથના દર્શન માટે વહેલી સવારથી ભક્તોની લાંબી લાઈન લાગી છે.માત્ર ભવનાથ તળેટી જ નહીં પરંતુ વિવિધ શિવ મંદિરોમાં ભક્તો ભગવાન શિવની વિશેષ પૂજા-અર્ચના કરવામાં માટે પહોંચી રહ્યાં છે. દૂર-દૂરથી આવેલા ભક્તોએ ભગવાન શિવના દર્શન કરીને જળાભિષેક અને પૂજા-અર્ચના કરી. તો વધતી ભક્તોની સંખ્યાને ધ્યાને રાખીને તંત્ર અને પોલીસે પણ ખાસ અને જરૂરી વ્યવસ્થા કરી છે.
4/7
અમદાવાદના શિવાલયો પણ 'હર હર મહાદેવ' અને 'ૐ નમઃ શિવાય' ના નાદથી ગુંજી ઉઠ્યા છે. ખાસ કરીને આજે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર હોવાથી નાના-મોટા તમામ શિવાલયોમાં ભક્તોની ભીડ ઉમટી છે. ત્યારે બોડકદેવ વિસ્તારમાં આવેલા પરમેશ્વર મહાદેવ મંદિરમાં શિવભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...આજે મહાદેવનો ફૂલો અને વિશેષ વસ્તુઓથી શણગાર કરવામાં આવ્યો છે. ભક્તોએ મહાદેવની પૂજા-અર્ચના અને દર્શન કરીને ધન્યતા અનુભવી.
5/7
શ્રાવણના પ્રથમ સોમવારે શીલજના નીલકંઠ મહાદેવ મંદિરમાં અનોખા રુદ્રાક્ષના શિવલિંગના દર્શન માટે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી. મંદિર પરિસરમાં 11 ફૂટ ઊંચું અને 51 હજાર રુદ્રાક્ષથી તૈયાર કરાયેલું ભવ્ય શિવલિંગ ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે પહોંચ્યા હતા. ‘હર હર મહાદેવ’ના જયઘોષથી સમગ્ર શિવાલય ગુંજી ઉઠ્યું હતું. ભક્તોએ શ્રદ્ધાપૂર્વક રુદ્રાક્ષના શિવલિંગના દર્શન કરી ભગવાન મહાદેવના આશીર્વાદ મેળવ્યા હતા.
6/7
શ્રાવણ માસના પ્રથમ સોમવારે જામનગરમાં ભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. ‘છોટી કાશી’ તરીકે જાણીતા જામનગરના વિવિધ શિવાલયોમાં વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા. ખાસ કરીને કાશી વિશ્વનાથ મંદિરમાં ભક્તોની લાંબી લાઈનો જોવા મળી હતી. ભક્તોએ ભગવાન શિવને દૂધ, જળ અને બીલીપત્ર અર્પણ કરી અભિષેક કર્યો હતો અને શિવજીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. શ્રાવણના પ્રથમ સોમવારે મંદિરોમાં હર હર મહાદેવના નાદ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.
7/7
વડોદરા: આજે શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે શહેરના વિવિધ શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. નવનાથની નગરી વડોદરામાં અનેક મંદિરોમાં પાંચ પ્રહરની વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વામિત્રી નદીના કિનારે આવેલા યવતેશ્વર મહાદેવ મંદિરમાં વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો દર્શન અને પૂજા માટે ઉમટી પડ્યા હતા. ભક્તો દ્વારા ભગવાન શિવને દૂધ, જળ, શેરડીનો રસ અને મધથી અભિષેક કરવામાં આવ્યો હતો, જ્યારે બિલીપત્ર અર્પણ કરી શ્રદ્ધાપૂર્વક પૂજા-અર્ચના કરવામાં આવી હતી. શ્રાવણ મહિનાના સોમવારે ભગવાન શિવની આરાધના કરવાથી મનોકામનાઓ પૂર્ણ થતી હોવાની ભક્તોમાં માન્યતા હોવાથી મંદિર પરિસરમાં સમગ્ર દિવસ દરમિયાન ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ