બ્રેકિંગ ન્યુઝ
VTV / VTV વિશેષ / કેસ એક, પુરાવા અનેક, છતાંય 25 વર્ષે આરોપીને પકડવામાં પોલીસ નાકામ, મગજના તાર હલાવી દેશે આ મર્ડર મિસ્ટ્રી
Last Updated: 09:00 AM, 6 July 2025
કડકડતી ઠંડી, છેલ્લો મહિનો અને તારીખ 30 ડિસેમ્બર. જ્યારે લોકો નવા વર્ષની ઉજવણીમાં જોતરાયેલા. ત્યારે એવાં સમયે એક એવી ઘટના ઘટી, જેને આખા દેશમાં મચાવી દીધો હાહાકાર. ઘટના છે એક એવાં દેશની જે આજે ટેક્નોલોજીમાં ગણાય છે નંબર વન.
ADVERTISEMENT
એક હસતો-ખીલતો પરિવાર
પતિ મિકિયો મિયાજાવા (ઉં. 44 વર્ષ), પત્ની યાસુકો (ઉં. 41 વર્ષ), દીકરી નીના (ઉં. 8 વર્ષ) અને દીકરો રેઇ (ઉં. 6 વર્ષ)
ADVERTISEMENT
મિકિયો એક માર્કેટિંગ કંપનીમાં કામ કરતો, અને પત્ની યાસુકો હતી સામાન્ય ગૃહિણી. એ દિવસ પણ બાકીના દિવસોની જેમ જ સામાન્ય દિવસ હતો. અને રોજની જેમ મિકિયો પોતાના કોમ્પ્યુટરમાં વ્યસ્ત હતો. જ્યારે યાસુકો અને નીના પોતાના બેડ પર આરામ ફરમાવી રહેલા, જ્યારે રેઇ પોતાના સપનાની દુનિયામાં ખોવાઇ ગયેલો. એ જ રાતે એક પડછાયો અંદર પ્રવેશ્યો, જાણે યમરાજાનું તેડું લઇને ના આવ્યો હોય એ રીતે. ખબર નહીં કોણ હતું અને ક્યાંથી આવ્યો? પરંતુ જોતજોતામાં જ તેને એક હસતા-ખેલતા ઘરને સ્મશાન બનાવી દીધું. જોકે હત્યાકાંડને સરળતાથી અંજામ આપતા એવું લાગી રહ્યું છે કે, જાણે ઘરની પરિસ્થિતિ વિશે તે પહેલેથી જ જાણતો ના હોય.
ADVERTISEMENT
એક-એક કરતા ચારનો જીવ લઇ લીધો
જાણે કાળ બનીને જીવ લેવા ના આવ્યો હોય એ રીતે પડછાયાએ અંદર એન્ટ્રી મારી, અને મિકિયોને ચાકુ ગોપી, ગળું દબાવીને એટલી ક્રૂરતાથી પતાવ્યો કે ચારે તરફ લોહીની ધારો ઉડવા લાગી. પરંતુ હરામ જો મોમાંથી અવાજ કાઢી શકે તો. બીજી તરફ મિકિયોને પતાવતાની સાથે જ હત્યારો સીધો ઉપર ગયો, જ્યાં હતા નીના અને યાસુકો. જેને જોતા જ હત્યારો ચાકુ લઇને મા-દીકરી પર હેવાન બનીને તૂટી પડ્યો. આજુબાજુ તો જાણે લોહીનું ખાબોચિયું, એવું ભયંકર દ્રશ્ય સર્જાઇ ગયું, કદાચ નજરોનજર જોનારો તો બેભાન જ થઇ જાય. બાદમાં માસૂમ રેઇનો વારો લીધો, જે પોતાના સપનાની દુનિયામાં મસ્ત થઇને પોઢેલો, પરંતુ તે માસૂમને ક્યાં ખબર હતી, કે સપનાની આ દુનિયા હવે ખરેખર કાયમ માટે માત્ર એક સપનું બનીને જ રહી જશે. અને જોતજોતામાં જ રેઇને પણ હત્યારાએ દુનિયામાંથી વિદાય કરી દીધો. જાણે એક જ રાતમાં કાળ ચારેયને ભરખી જવા ના આવ્યો હોય.
ADVERTISEMENT
...તોય કલાકો સુધી હત્યારો ઘટનાસ્થળેથી ન હટ્યો!
ADVERTISEMENT
હત્યારાએ એક જ રાતમાં ચાર-ચાર જણને પતાવી તો દીધા, પરંતુ ખબર નહીં, હત્યારાને કોણ જાણે શું થયું કે ત્યાંથી તે હટ્યો જ નહીં. કલાકો સુધી ઘરમાં જ પૂરાયેલો રહ્યો. હવે તમને અહીં વિચાર આવતો હશે કે હત્યારો એવા તે કયા મૂડમાં હતો, કે તે ત્યાંથી ભાગવાના બદલે કલાકો સુધી ત્યાંને ત્યાં જ પૂરાયેલો રહ્યો. પરંતુ અસલી રહસ્ય તો હવે શરૂ થાય છે.
ચારેયનો ખેલ ખતમ કર્યા બાદ હત્યારાએ મિકિયોનું કોમ્પ્યુટર ઑન કર્યું, બાદમાં કેટલીક ટિકિટ્સ બુક કરાવી, ફ્રીજ ખોલ્યું, આઇસ્ક્રીમ નીકાળ્યો અને શાંતિથી લાંબા પગ કરીને ખાઇ લીધો. અરે એટલે સુધી કે જતા-જતા બાથરૂમ પણ વાપરતો ગયો. જાણે પોતે જ માલિક ના હોય એ રીતે. પરંતુ જતા-જતા તે પોતાની સાથે અનેક પુરાવા પણ છોડતો ગયો જેની તેને કલ્પના પણ નહોતી કરી. જેમ કે સ્વેટર, ટોપી, મોજાં વગેરે. સાથે આઇસ્ક્રીમના પેકેજિંગ પર લાગેલા આંગળીઓના નિશાન. એમાંય સૌથી ચોંકાવનારી બાબત તો એ છે કે DNA સુધી મેચ થઇ ગયા. પોલીસને એટલા પુરાવા હાથ લાગ્યા કે જાણે આખેઆખું એક સરકારી ફોલ્ડર બની જાય. કેસ ઉકેલવામાં કોઇ વસ્તુની કમી નહોતી, છતાંય આરોપી એટલે શાતિર હતો કે આખો પોલીસ ડિપાર્ટમેન્ટ ગોથે ચડેલો.
ADVERTISEMENT
કેસમાં એક નહીં, અનેક પુરાવા
હવે કેસમાં ખરો વળાંક ત્યારે આવ્યો કે જ્યારે હત્યારો કપડાં ભૂલી ગયો, પરંતુ કપડાં મહત્વના નહોતા, કપડાંમાં રહેલું સ્વેટર મહત્વનું હતું, કારણ કે જે સ્વેટર હત્યારો ભૂલી ગયેલો તે સ્વેટર કોરિયાનું હતું, કારણ કે તે કોરિયામાં બનેલું. એટલે પોલીસ સીધી પહોંચી કોરિયા. જ્યાં તપાસ કરતા વધુ એક નવો વળાંક આવ્યો. કારણ કે તે સ્વેટર સમગ્ર કોરિયામાં નહીં, માત્ર ગણીગાંઠી દુકાનોમાં જ વેચવામાં આવતું. એમાંય ચોંકાવનારી વાત તો એ છે કે સ્વેટરને ખરીદનારા પણ માત્ર ગણ્યાગાંઠ્યા જ હતા.
આ પણ વાંચો: ઘરથી 2400 કિલોમીટર દૂર મળી યુવતીની લાશ, કાચના ઝીણા ટુકડાઓથી પોલીસે ખોલ્યું મોતનું રહસ્ય
DNAએ તો કેસને વધારે ગોથે ચડાવ્યો
કેસમાં તપાસ ધીરે-ધીરે આગળ વધતી ગઇ, વધતી ગઇ, પરંતુ પાછી પોલીસ ગોથે ચડી, કારણ કે સ્વેટર કોરિયાનું હોવાથી પોલીસ તો એવું સમજી બેઠી કે કદાચ આરોપી કોરિયાથી હશે. પણ ઊંડાણપૂર્વક તપાસ કરતા જે રહસ્ય ખૂલ્યું તેને જોતા જ પોલીસ અવાક થઇ ગઇ. કારણ કે DNAમાં તો એશિયાઇ-યુરોપીયન જીન મિક્ષ હતા. નહીં કે કોરિયન. હવે હત્યાકાંડ જાપાનમાં થયો, સ્વેટર કોરિયાનું નીકળ્યું જ્યારે DNA અલગ જ દેશના નીકળ્યાં. હવે પોલીસ કરે તોય શું કરે, હત્યારાને શોધે તો કંઇ રીતે શોધે, કારણ કે જે પરિવારનું મર્ડર થયું તેની અને હત્યારા વચ્ચે પણ કોઇ જ પ્રકારના તાર નહોતા જોડાતા. અંતે પોલીસે વિલા મોંએ પરત ફરવું પડતું. વળી રહી જતું હતું તો મિયાજાવા પરિવાર એટલો સામાન્ય પરિવાર હતો કે તેઓને કોઇની પણ સાથે દુશ્મની સુદ્ધાં નહોતી. પાછું ઘર પણ એવી જગ્યાએ આવેલું કે ત્યાં કોઇ ગમે તેટલાં આંટાફેરા કરે તોય દેખાય નહીં. જોકે મૂળ મુદ્દાની વાત તો એ છે કે, આખરે હત્યારાએ કેમ આવું કર્યું? શા માટે એક પરિવારને એકઝાટકે વેરવિખેર કરી નાખ્યું? શું હત્યાકાંડ પાછળના અસલી રહસ્યનો થશે પર્દાફાશ?
ના કોઇ દુશ્મની, ના કોઇ લૂંટફાંટ, તો પછી હત્યા કેમ?
ના તો કંઇ ઘરમાંથી ગાયબ થયેલું, ના તિજોરીનું તાળું તૂટેલું, ના તો હત્યારાને મિકિયોના પરિવાર સાથે હતી કોઇ દુશ્મની. તો પછી ચારેય જણા સવારનો સૂરજ દેખે એ પહેલા જ હત્યારાએ કેમ ચારેયનો ખેલ પાડી દીધો. પરંતુ એવું કહેવાય છે કે, જ્યાં આ પરિવાર રહેતો ત્યાં આસપાસના એરિયામાં ના તો કોઇ રહેતું, ના તો કોઇ જોવા મળતું. ઘર એવું એકાંતમાં આવેલું કે ગમે તેવો કાંડ થઇ જાય તોય તેની અસલી સચ્ચાઇ સુધી પહોંચવું પોલીસને મુશ્કેલ થઇ જાય, અને આ કેસમાં પણ એવું જ થયું. ભલે પુરાવાઓનો તો કોઇ ટોટો નહોતો છતાંય પોલીસ માત્ર મૂક પ્રેક્ષક બનીને રહી ગઇ.
કેસ એવો ગોથે ચડ્યો, એવો ગોથે ચડ્યો કે તપાસમાં માત્ર ત્રણ-ચાર અધિકારીઓ નહીં, પરંતુ 2 લાખ 80 હજારથી વધુ અધિકારીઓ જોડાયેલા. કદાચ ભાગ્યે જ સાંભળવા મળ્યું હશે કોઇ કેસની તપાસમાં એકસાથે આટલા બધા અધિકારીઓ લાગ્યા હોય. તોય પોલીસને હાથ લાગતી તો માત્ર નિરાશા. કેસ એવો ગૂંચવાયો, એવો ગૂંચવાયો કે કેટલાંક તજજ્ઞો તો એવું તારણ કાઢવા લાગ્યા કે કદાચ હત્યારો સાઇકો હતો. એટલે કે માનસિક રીતે અસ્વસ્થ હતો, કદાચ એટલે જ તેનો ઉદ્દેશ્ય ના તો ચોરી કરવાનો હતો, કે ના તો અન્ય કોઇ ઘટનાને અંજામ આપવાનો હતો. માત્ર ને માત્ર હત્યા કરીને આનંદ મેળવવો એવું જ કદાચ લાગી રહેલું. જોકે અન્યનું એવું માનવું હતું કે, તે કોઈ ષડયંત્રનો શિકાર હતો. તો કેટલાક કહેતા કે ખબર નહીં કોણ હતું ને ક્યાંથી આવ્યો, બસ પડછાયાની જેમ આવ્યો અને હસતા-ખેલતા પરિવારને તબાહ કરીને ચાલ્યો ગયો. જાણે કોઇ કાળ.
આ પણ વાંચો: 67 વર્ષ પહેલા ભારતમાં થઈ હતી 'ભૂતની હત્યા'! છતાંય, આરોપી સાવ નિર્દોષ છૂટ્યો, ફિલ્મી ટ્વિસ્ટ જેવો ક્રાઈમ કેસ
જ્યારે-જ્યારે 31 ડિસેમ્બર આવે ત્યારે-ત્યારે જાપાનના મીડિયામાં આ સમાચારને અવશ્ય યાદ કરાય, કે આજે 10 વર્ષ થયા, હવે 15 થયા, 20 થયા તોય પરિણામ શૂન્ય. એમ કરતા-કરતા આજે 25 વર્ષ થઇ ગયા તોય આરોપી સુધી પહોંચવામાં પોલીસ ઊણી ઉતરી. એમાંય તાજેતરના ડેટા મુજબ રહસ્યની વાત તો એ છે કે, 31 ડિસેમ્બર 2000થી લઇને 31 ડિસેમ્બર 2024 સુધીમાં આ કેસ પર 2,80,000 પોલીસવાળાઓએ ઝીણવટથી તપાસ કરી, લાખોનો ખર્ચ થયો, કેટલુંય ભેજું દોડાવ્યું તોય ગુનેગાર કોણ છે, ક્યાંથી આવ્યો અને હત્યા કેમ કરી અને હાલમાં ક્યાં છે? જેવા અનેક સવાલો માત્ર એક રહસ્ય બનીને રહી ગયા. અરે પોલીસે તો એટલે સુધી કહી દીધું કે ગુનેગારને કોઇ દબોચી લાવે તો તેને યોગ્ય ઇનામ પણ અપાશે. પરંતુ 25 વર્ષના અંતે પરિણામ શૂન્ય મળતા આજે જાપાનના ઇતિહાસમાં આ ફેમિલીનો કેસ 'મોસ્ટ મિસ્ટીરિયસ કેસ'માંનો એક કેસ ગણાય છે. બસ, હવે જોવાનું એ રહ્યું કે ભલે આજે આ પરિવાર જીવિત નથી, પરંતુ શું આ પરિવારને ન્યાય મળશે ખરો? તમને જણાવી દઇએ કે, આ કોઇ ફિલ્મી સ્ક્રિપ્ટ નથી, પરંતુ જાપાનના ચર્ચિત 'સેતાગયા પરિવાર હત્યાકાંડ'ની એક ખૌફનાક કહાની છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.