ન્યૂઝ અપડેટ્સ
VTV / બિઝનેસ / ગુજરાત / VTV વિશેષ / અમદાવાદના સમાચાર / માત્ર 25 ડબ્બાથી શરૂ કરેલો ધંધો, આજે 3000 કરોડને પાર! માંગરોળના આ ગુજરાતી પરિવારે દુનિયાભરમાં વગાડ્યો ડંકો
Last Updated: 07:50 PM, 17 June 2026
ADVERTISEMENT
આપણી ગુજરાતી ભાષામાં એક સુંદર કહેવત છે. જેનો વૅલેન્ટાઇન સિવાય ક્યાંય ઉપયોગ નથી થતો. હવે તો વૅલેન્ટાઇન મનાવનારા પણ ક્યાં એવી વાત કરી શકે છે? કહેવત એવી છે કે, ‘સ્ત્રીને ગુલાબથી પણ ન મરાય!’ અર્થઘટન એવું થાય છે કે તો એ રિસાય જાય અને પ્રેમના વેપારમાં કંકાસનો જન્મ થાય. છોડો આ રોમેન્ટીસિઝમની વાતો. ગુલાબને લઈ વાત તો માંડવાની છે, પણ એ ધંધાની માંડવાની છે.
ADVERTISEMENT
ગુલાબ પ્રેમ, સુંદરતા અને લાગણીનું પ્રતીક માનવામાં આવે છે. આમ તો ગુલાબ એટલે પ્રેમનું જ એક સંકેતાત્મક પ્રતીક. એ જ ગુલાબને વેપાર સાથે સાંકળવું એ થોડું વિચિત્ર ને વિસ્મય પમાડતું લાગે. આમ તો વેપારની દૃષ્ટિએ જોવું હોય તો ગુલાબની ખેતી થાય અને ગુલાબ માર્કેટમાં વેચાય. એથી વિશેષ તો કોઈએ કશું વિચાર્યું જ નહીં હોય. ઈ.સ 1992 પહેલા તો કોઈએ નહીં વિચાર્યું હોય! પરંતુ 1992 માં એક ભાઈ જૂનાગઢના માંગરોળથી અમદાવાદમાં આવ્યા. એમના કેટલાક સ્વપ્નો હતા. અને એમણે કાલુપુરમાં ડૅપો નાખ્યો. કાલુપુરનો એ ડૅપો આજે દુનિયાભરમાં જાણીતો થઈ ગયો છે. અને એનું નામ છે ગુલાબ. યાદ આવ્યું ? ગુલાબ તેલ. જે તમે દુકાને દુકાને જોયું હશે. ખરીદ્યું હશે. ભોજનમાં તેનો ઉપયોગ કર્યો હશે.

ADVERTISEMENT
1984ની આ વાત છે. મુકેશભાઈ પ્રાગજીભાઈ નથવાણી નામનો એક કૉલેજિયન છોકરો. ભણવામાં ભારે હોશિયાર. એવો હોશિયાર કે જ્યારે કોઈ ભણતું નહોતું, આર્ટ્સ સિવાય કોઈ લાઇન લેતું નહોતું ત્યારે એ NITમાંથી કૅમિકલ એન્જિનિયરિંગ કરી ચૂક્યો હતો. ખાલી કરવા ખાતર એન્જિનિયરિંગ નહોતું કર્યું. ભણવામાં એવો અવ્વલ કે એ એના ફિલ્ડમાં ગોલ્ડ મેડાલિસ્ટ હતો. વળી એનું વતન કંઈ મોટું નહીં. જૂનાગઢ જિલ્લાને અડીને આવેલું દરિયાકાંઠાનું માંગરોળ. આજે પણ જૂનાગઢમાં વ્યવસાયના વિકલ્પ ઓછા છે. જો હાલના જૂનાગઢમાં જ કંઈ ન હોય તો 1984માં જૂનાગઢના માંગરોળમાં તો શું હોવાનું? છતાં માંગરોળમાં એક વસ્તુ હતી. એક એવી વસ્તુ હતી જેને એ સમયે જોતાં તો બધાં હશે, પણ કોઈએ વિચાર્યું નહીં હોય કે આ નાની એવી કરિયાણાની દુકાન, આ નાની અમથી મિલ એવું કાઠું કાઢશે કે 3000 કરોડનો ધંધો થઈ જશે.
અભ્યાસ પૂર્ણ થયો અને મુકેશભાઈ વતન માંગરોળ પાછા આવી ગયા. સંયુક્ત કુંટુંબ હતું. સિગતેલનો વ્યવસાય હતો. પિતાની નાની એવી મિલ હતી. અને એક કરિયાણાની દુકાન હતી. મિલમાં મગફળી ક્રશ કરી સિંગતેલ બનાવતા હતા.
ADVERTISEMENT

ભણીને આવ્યા પછી પરિવારને એવું હતું કે મુકેશભાઈ હવે અમદાવાદ કે પરપ્રાંતની વાટ પકડશે, પણ એની જગ્યાએ એમણે અગમબુદ્ધિનો પ્રયોગ કર્યો અને પરંપરાગત વ્યવસાયમાં જ જોડાઈ ગયા. મુકેશભાઈના પિતા અને બે કાકા ત્યારે કામ કરતા હતા. વચ્ચે 1988-89 માં મગફળી નહોતી થઈ. કટોકટીનો પણ સમય આવ્યો હતો. એ દુ:ખદ સમય અને બીજી બાજુ મુકેશભાઈ પિતા પાસેથી એ ટુ ઝેડ બધું શીખતા જતા હતા. મુકેશભાઈના પિતાને પણ અંતરમનથી તો થતું જ હશે કે આટલી મોટી ડિગ્રી અને અહીં કામ? પણ એમને ક્યાં ખબર હતી કે આ જ કામ અને નામ એક વખત દુનિયાભરમાં ગાજવાનું છે.
ADVERTISEMENT
એક દિવસ મુકેશભાઈને લાગ્યું કે આ વિસ્તાર ટૂંકો પડે છે. એમના સ્વપ્નો આકાશ જેટલા ઊંચા હતા. 1992 માં તેઓ માંગરોળમાંથી વિદાય લઈ અમદાવાદ આવ્યા. સિંગતેલના ડબ્બાને લઈ ધંધો શરૂ કર્યો અને નામ રાખ્યું ગુલાબ! એટલે કે ગુલાબ નામની શરૂઆત 1992માં થઈ અને મુકેશભાઈ પ્રાગજીભાઈ નથવાણી ગુલાબની શરૂઆત કરનારા ઉદ્યોગપતિ.
એ સમયે કામનું ભારણ રહેતું હતું. માંગરોળથી સિંગતેલના ડબ્બા મંગાવતા અને અમદાવાદમાં બિઝનેસ કરતા હતા. પણ અમદાવાદમાં કઈ જગ્યાએ? અમદાવાદના કાલુપુરમાં એમની દુકાન હતી. આજે પણ છે. કાલુપુરના મુખ્ય રોડ પર આવેલી એ દુકાન પરિવારે હજુ પણ સાચવીને રાખી છે. એ જ દુકાન જેણે નવી પેઢી માટે લાલ જાજમ પાથરી અને આજે નવી પેઢી બિઝનેસને વિસ્તારી રહી છે.
ADVERTISEMENT
1992 માં આ ઉદ્યોગ 25 ડબ્બાથી શરૂ કરેલો ત્યારે કોઈને ખબર નહોતી કે આ ઉદ્યોગ એકાએક એવો ભાગશે કે આજે ભવિષ્યમાં તેનું ટર્ન ઓવર 3 હજાર કરોડ રૂપિયાનું થઈ જવાનું છે.
ADVERTISEMENT
એ પછી તો ધંધો રમરમાટ ઉપડ્યો. ધંધાને અંગ્રેજી નામ મળ્યું બિઝનેસ અને મુકેશભાઈ ધંધાર્થીમાંથી બની ગયા બિઝનેસમેન. તે સમયે સિંગતેલનું મજબૂત બજાર હતું અને ધીમે ધીમે ગુલાબ બ્રાન્ડે પણ ગ્રાહકોમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી. વ્યવસાયના વિસ્તરણના ભાગરૂપે વર્ષ 2001 માં રાજકોટ ખાતે નવા પ્લાન્ટની સ્થાપના કરવામાં આવી. ત્યારબાદ 2006 માં કંપનીએ કોટનસીડ ઓઇલ બજારમાં રજૂ કર્યું, જેને ગ્રાહકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો. વર્ષ 2011 માં સનફ્લાવર ઓઇલનું લોન્ચિંગ કરવામાં આવ્યું અને ત્યારબાદ કંપનીએ વિવિધ પ્રકારના ખાદ્ય તેલોના વ્યવસાયમાં પ્રવેશ કરીને પોતાની પ્રોડક્ટ રેન્જ વધુ વિસ્તૃત કરી. 2012 માં મુંબઈ ખાતે પણ પ્લાન્ટ યુનિટ શરૂ કરવામાં આવ્યો, જેના કારણે કંપનીનું કાર્યક્ષેત્ર વધુ વ્યાપક બન્યું. આ ઉપરાંત કડી ખાતે કંપનીએ પોતાની પ્રથમ કોટન રિફાઇનરી સ્થાપી હતી, જે ઉત્પાદન ક્ષમતા અને ગુણવત્તા સુધારવાની દિશામાં એક મહત્વપૂર્ણ સોપાન બની. આ રીતે સતત વિકાસ અને નવી પહેલોના કારણે ગુલાબ તેલ ખાદ્ય તેલ ઉદ્યોગમાં શક્તિશાળી બની ગયું.
હવે વિચારો કે મુકેશભાઈ તો કૅમિકલ એન્જિનિયરીંગ છોડીને આ ધંધામાં આવેલા, પણ બાપ એવા બેટા કહેવતને એમના દીકરા દીશીત નથવાણીએ પણ સાબિત કરી નાખી. દિશીતનો એક અર્થ થાય દિશા બતાવનારું અને દિશીતભાઈ ખરા અર્થમાં ગુલાબને દિશા આપનારા સાબિત થયા. વળી આશ્ચર્યની વાત તો એ છે કે જે રીતે દાદાના સમયે આ વ્યવસાય કૌટુંબિક હતો એમ ત્રીજી પેઢી સુધી કૌટુંબિક જ રહ્યો.
દિશીતભાઈ ગુજરાત યુનિવર્સિટીમાં ટેનિસ પ્લેયર હતા. નેશનલ સુધી રમી આવેલા. પિતાએ અભ્યાસમાં મેડલ મેળવેલો તો પુત્રએ રમતગમતમાં સિલ્વર અને બ્રોન્ઝ મેળવ્યો. એકાએક એમને શું થયું કે જૂના કાલુપુર... જ્યાંથી અમદાવાદમાં ગુલાબની શરૂઆત થઈ ત્યાં એમણે આવવા જવાનું શરૂ કરી દીધું. અને પછી એક દિવસ નક્કી કર્યું કે હવે તો આ જ ધંધો. 2014માં ઓફિશ્યલી તેઓ ગુલાબ કંપની સાથે જોડાઈ ગયા. એમનું સ્વપ્ન ટેનિસ પ્લેયર બનવાનું હતું, પણ એ સ્વપ્નને પણ એમણે તિલાંજલી આપી દીધી.
એ સમયે ગુલાબ કંપનીએ ઓઇલની 8 પ્રોડક્ટ લોન્ચ કરી દીધી હતી. કાઠિયાવાડ અને અમદાવાદમાં ગુલાબ ધમધોકાર ખીલેલું હતું. અમદાવાદની સાપેક્ષે કાઠિયાવાડ મજબૂત હતું. હવે કંઈ કવર કરવાનું બચતું હતું તો એ નોર્થ અને સાઉથ ગુજરાત. દિશીતભાઈએ બાંયો ચડાવી. મહેનત કરી અને મહેનત સાર્થક થઈ. એવી સાર્થક થઈ કે ગુલાબના વેચાણમાં અમદાવાદ પછી બીજું શહેર સુરત થઈ ગયું. હાલ દિશીતભાઈ આ કંપનીમાં ડિરેક્ટર એન્ડ સીઇઓના પદ પર છે. એમના પિતા પર્ચેઝ હેન્ડલિંગ કરે છે અને તેમની પોસ્ટ સીએમડી તરીકેની છે. બીજા પાંચ યુનિટમાં પણ એમના પરિવારના લોકો જ બેસે છે. જેમ કે મુકેશભાઈના છ નાના ભાઈઓ છે. અનુક્રમે, મુંબઈમાં બે, રાજકોટમાં બે અને માંગરોળમાં બે ભાઈઓએ સંભાળી લીધું છે.
ગુજરાતનું પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર હોવાના કારણે અને મુંબઈમાં અઢળક ગુજરાતીઓ રહેતા હોવાના પરિણામે ગુલાબે મુંબઈમાં અંગદના પગની જેમ વેપારને અડીખમ ઊભો રાખી દીધો છે. એ પછી રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં શરૂ કર્યું. ત્યાં પણ ગુલાબ ચાલી ગયું છે. દિશીતભાઈના આવ્યા પછી તો નવી સેલ્સ ટીમ બનાવી. ટેક્નોલોજી ડેવલપ કરી. હાલ કંપની ચાર રાજ્યોમાં છે. એમાં ગુજરાત બાદ રાજસ્થાન વેચાણ અને વેચાણના વિક્રમની દૃષ્ટિએ નંબર બે પર છે.
પણ દિશીતભાઈ જ્યારે આ બિઝનેસમાં આવ્યા ત્યારે એમના પર કોઈ જાતનું ભારણ નહોતું. તેઓ કહે છે કે, ‘પપ્પાએ અને કુંટુંબે બ્રાન્ડ બનાવી નાખી હતી. ટીમ બિલ્ડીંગ અને ઇન્ફાસ્ટ્રક્ચર કરવાના હતા એ બધું કર્યું.’
શરૂઆતમાં આશરે 50 કર્મચારીઓ સાથે કાર્યરત રહેલી કંપની આજે 500થી વધુ કર્મચારીઓનો વિશાળ પરિવાર બની ચૂકી છે. આમ કુલ જુઓ તો ગુલાબ કંપની પાસે 800 કર્મચારીઓ છે. કંપનીની પ્રોડક્ટ રેન્જમાં પણ સતત વધારો થયો છે. એક સમયે માત્ર 10 જેટલી પ્રોડક્ટ્સ ધરાવતી કંપની આજે 100થી વધુ પ્રોડક્ટ્સ સાથે બજારમાં પોતાની મજબૂત હાજરી ધરાવે છે. ગ્રાહકોની બદલાતી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વિવિધ કેટેગરીમાં નવા ઉત્પાદનો રજૂ કરવામાં આવ્યા છે. વ્યવસાયના વિસ્તરણ માટે બેંગ્લોર અને નાગપુર ખાતે ડેપોની સ્થાપના કરવામાં આવી, જેના કારણે દેશના વિવિધ વિસ્તારોમાં ઝડપી અને સુવ્યવસ્થિત વિતરણ શક્ય બન્યું. આજે કંપનીનું નેટવર્ક એટલું વિસ્તર્યું છે કે જૂનાગઢ જિલ્લાના માંગરોળથી લઈને કલકત્તા સુધી તેના ઉત્પાદનો સરળતાથી ઉપલબ્ધ છે. એટલું જ નહીં, કંપનીએ આંતરરાષ્ટ્રીય બજારમાં પણ પોતાની ઓળખ બનાવી છે અને તેના ઉત્પાદનો ઓસ્ટ્રેલિયા સુધી પહોંચ્યા છે.
પરંતુ જો આપણે ગુલાબ કંપનીની સફળતાને માત્ર તેલની ધાર પર જોઈએ તો ખોટું કહેવાશે. ગુલાબે બીજી અઢળક પ્રોડક્ટ પણ લૉન્ચ કરી છે.
સૌરાષ્ટ્રનું રાજકોટ તો કૉમોડિટી હબ કહેવાય. એટલે પહેલાથી જ ઘણું નાનુંમોટું ટ્રેડિંગ આ પરિવાર કરતો હતો. પણ કોઈ દિવસ મોટું નહોતું વિચાર્યું. પછી નવી પેઢી આવી. નવી પેઢીને તબક્કાવાર પ્રગતિનો વિચાર આવ્યો. કે માત્ર તેલ ઉપર જ નિર્ભર ન રહી શકાય. ગુજરાત બહાર સફળતા મેળવવા માટે કંઈક બીજું પણ જોઈએ. ગુલાબના બેઝ પર નવુંનવું કરતાં ગયા. માની લો કે ગુલાબને બૅંગ્લોરમાં સેટઅપ કરી છે તો પહેલાથી ત્યાંના લોકો અન્ય કંપનીનું તેલ વાપરવા માટે ટેવાયેલા છે. એવામાં કદાચ ગુલાબના તેલને ફટકો પડે. પરંતુ ગુલાબ સિવાયની અવેજીની જે વસ્તુઓ હોય એ ત્યાં વેચાવા લાગે. જેમ કે ગોળનો પાવડર, રાગીનો પાવડર, પિન્ક સોલ્ટ સહિતની પ્રોડ્કટ વેચાય. અને એ રીતે કંપનીએ રાજ્યવાર બધું નક્કી કર્યુ કે આ રાજ્યમાં ગુલાબ કંપનીની કઈ વસ્તુ હોવી જોઈએ? આ માટે એમણે વૈજ્ઞાનિક રીતે બધું કૉમ્બો કર્યું છે કે ક્યાંક ને ક્યાંક, કોઈ ને કોઈ જગ્યાએ ગુલાબની પ્રોડક્ટ ચાલતી રહે.
પણ આટલું બધું સંભાળે છે કઈ રીતે? કોઈ બહારની વ્યક્તિ સંભાળતી નથી. એમના એક કાકા આર્થિક મેનેજમેન્ટ કરી લે છે. બીજા અંકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડૅવલપમેન્ટ જોઈ લે છે. પિતરાઈ છે તો એક્સપાન્સન જોઈ લે છે. બહેનો પણ બિઝનેસ સંભાળે છે. એટલે કે કુટુંબ છે તો ઘણું બધું ચલાવી શકાય છે. ગુલાબ કંપનીને કૌટુંબિક તાકાતનો ઘણો ફાયદો છે.
સૌથી મહત્ત્વનો પ્રશ્ન તો એ છે કે કસ્ટમર સાથે કેવી રીતે કનેક્ટ થાય છે? ગુલાબ ઓઇલ હંમેશાંથી તેની ગુણવત્તાના કારણે ઓળખાય છે. કંપનીને પાયો તૈયાર હોવાથી માત્ર લોકો સુધી પહોંચવાનું હતું. જેથી દિશીતભાઈ જ્યારે પહેલી વખત આ ધંધા સાથે સંકળાયા ત્યારે તેમણે બ્રાન્ડ અને માર્કેટિંગના ખાનામાં બેસવાનું નક્કી કર્યું. જેથી ગુલાબને વધારે ને વધારે લોકો સુધી પહોંચાડી શકાય. આજે તો આખેઆખી રિચ જ ડિઝિટલ થઈ ચૂકી છે.
કોઈ કંપનીની વાત હોય અને મહામારી કોરોના ન આવે તો જ નવાઈ. કૉરોના આવ્યો ત્યારથી ગુલાબ કંપનીએ પોતાની ઇનહાઉસ ટીમ બનાવી નાખી હતી. વળી જે પણ નવું માધ્યમ આવે તેની સાથે કામ પાર પાડવાનું. ગુલાબની વચ્ચે ક્યાંય વચેટિયા હોતા નથી, કેમ કે કંપની જ ડાયરેક્ટ કરિયાણાવાળાને માલ સામાન આપે છે. સપ્લાઈ ચેઇનની ઇકોસિસ્ટમ બનાવી નાખી છે. બે ડબ્બા હોય કે દસ ડબ્બા દિશીતભાઈ કે પરિવારનું અન્ય કોઈ પોતે જ ધંધાને ગતિ આપે છે. જેથી વચ્ચે કોઈ ભાવ વધારાનો સવાલ જ પેદા નથી થતો. જે ભાવ હોય એ ભાવમાં જ વેચાય છે. અને એ રીતે કંપનીએ પોતાની અલગ ઓળખ ઊભી કરી છે.
દિશીતભાઈ ત્રણ વસ્તુમાં માને છે. કન્સિસ્ટન્સી, ક્વૉલિટી અને ઓવરએક્સપાન્સ નહીં. એ જ મંત્રને કંપનીએ ફોલો કર્યો છે. માર્કેટ કરતાં વધારે ગુણવત્તાવાળું મળશે જ. ઓર્ગેનિક તો ઓર્ગેનિક જ આપે. વિશ્વાસના કારણે આ ધંધો ચાલે છે. નવી રિફાઇનરીનો ચાલુ કરી તો એમાં પણ ખૂબ જ સ્ટેટ ઓફ આર્ટ રિફાઇનરી બનાવી છે. આટલી સરસ ફેસિલીટી તમને ભાગ્યે જ બીજી કોઈ કંપનીમાં દેખાશે. આ સુવિધા ઘણા ગ્રુપ્સને પણ બતાવતા હોય છે. ઘણું પારદર્શક કામ કરે છે.
દિશીતભાઈ નવા ઉદ્યમીઓને સફળતા માટે ત્રણ મંત્ર આપે છે.
1) પ્રોડક્ટ માર્કેટમાં સૌથી સારી હોવી જોઈએ.
2) સ્ટે રેલેવન્ટ. બધાંને મેક ઇન ઇન્ડિયા પ્રોડક્ટ જોઈએ. જે પોતાની હોય.
3) માર્કેટમાં નવુંનવું ઇન્ટ્રોડ્યુસ કરતાં રહેવું પડે.
માની લો કે તમારે ગુલાબ કંપનીમાં દિશીતભાઈ સાથે નોકરી કરવી છે. તો શું જોઈએ? દિશીતભાઈ ખૂદ એનો જવાબ આપે છે,
‘People Should Buying Vision. આપણે બધાં વિઝન માટે કામ કરીએ છીએ. આપણે ગુલાબને અહીંથી અહીં લઈ જવું છે. તો એ વિઝન સાથે કામ કરવું પડે. બધાંએ ભેગા થઈ કામ કરવાનું છે. એકાઉન્ટિબિલિટી એટલે કે એક જવાબદારી હાથમાં લઈને કામ કરવાનું છે. એ 18 વર્ષનો હોય કે નિવૃત્ત હોય તો પણ વાંધો નથી. પણ એ રોલ માટે માણસ પરફેક્ટ હોવો જોઈએ. ટીમને સો ટકા સ્વતંત્રતા આપવી જોઈએ. એને સમજાવવું કે તારી બાઉન્ડ્રી આટલી છે. ટીમમાં પણ લીડર્સ હોવા જોઈએ. ઉપર હોય એ એક જ લીડરથી ન ચાલે. એજ્યુકેશન શું છે ? એ બધું હવે પતી ગયું. એ ભાઈનું ઇન્ટેન્ટ અને ધગશ કેટલી છે એ જોઈએ. તેની સ્ટાઇલ પસંદ આવે તો એના સિવાય કંઈ ન હોઈ શકે.’
પરંતુ સફળતા અને નિષ્ફળતા શું છે? છેલ્લે તો જિંદગીનો સવાલ અહીં જ આવીને ઊભો રહી જાય છે! દિશીતભાઈ ખૂબ જ સરસ જવાબ આપે છે,
‘99 વસ્તુ સાચી કરો તો 100મી વખત સફળતા મળે છે. સફળતાનો રેશિયો ઓછો છે. આપણને ગમે એ કરીએ તો બર્ડન નથી લાગતું. આપણે સવારમાં ઉઠી કામ કરીએ છીએ. એ કરવું જેમાં મજા આવે. સફળતા માટે કામ કરીશું તો સફળતા મળવાની જ નથી. રાઇટ ડિરેક્શનમાં કામ કરો તો સફળતા મળે.’ એટલે કે દિશીતભાઈ સાચી દિશાની વાત કરી સફળતાની એક દિશા બતાવતા જાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
8th Pay Commission / 8માં પગારપંચમાં DAમાં થશે સેકન્ડ ટાઈમ વધારો, જાણો કેન્દ્રીય કર્મીઓ પર શું અસર થશે?
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / 8માં પગારપંચમાં DAમાં થશે સેકન્ડ ટાઈમ વધારો, જાણો કેન્દ્રીય કર્મીઓ પર શું અસર થશે?
ADVERTISEMENT