બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:18 PM, 16 June 2026
જો તમે હોમ લોન અથવા પર્સનલ લોન લેવા દરમિયાન તમારી ઇચ્છા વિરુદ્ધ મોંઘી વીમા પોલિસી ખરીદવા માટે દબાણનો અનુભવ કર્યો હોય અથવા બેંકની એપમાં લોનની આકર્ષક ઓફરોના કારણે અનિચ્છનીય પ્રોડક્ટ સ્વીકારવી પડી હોય, તો હવે ગ્રાહકોને મોટી રાહત મળવાની છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)એ બેંકો દ્વારા થતી મિસ-સેલિંગ અને ડિજિટલ પ્લેટફોર્મ પર અપનાવવામાં આવતી ભ્રામક યુક્તિઓ સામે કડક નિયમો જાહેર કર્યા છે.
ADVERTISEMENT
1 જાન્યુઆરી 2027થી લાગુ થશે નવી માર્ગદર્શિકા
RBIએ 15 જૂન 2026ના રોજ "રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (કોમર્શિયલ બેંક્સ – રિસ્પોન્સિબલ બિઝનેસ કંડક્ટ) સેકન્ડ એમેન્ડમેન્ટ ડિરેક્શન્સ, 2026" બહાર પાડ્યા છે. આ નિયમો દેશની તમામ કોમર્શિયલ બેંકો માટે 1 જાન્યુઆરી 2027થી અમલમાં આવશે. સ્મોલ ફાઇનાન્સ બેંકો, પેમેન્ટ્સ બેંકો, પ્રાદેશિક ગ્રામીણ બેંકો અને લોકલ એરિયા બેંકો માટે અલગ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવશે.
ADVERTISEMENT
મિસ-સેલિંગને પ્રથમ વખત મળી સ્પષ્ટ વ્યાખ્યા
RBIએ પ્રથમ વખત "મિસ-સેલિંગ"ને સત્તાવાર રીતે વ્યાખ્યાયિત કર્યું છે. ગ્રાહકની જરૂરિયાત અથવા પ્રોફાઇલને અનુરૂપ ન હોય તેવી પ્રોડક્ટ વેચવી, ખોટી કે અધૂરી માહિતી આપવી, સ્પષ્ટ મંજૂરી વગર કોઈ પ્રોડક્ટ આપવી અથવા એક પ્રોડક્ટ માટે બીજી પ્રોડક્ટ ખરીદવાની ફરજ પાડવી જેવા કૃત્યોને હવે મિસ-સેલિંગ ગણવામાં આવશે.
ADVERTISEMENT
ગેરરીતિ સાબિત થશે તો ગ્રાહકને મળશે રિફંડ
જો કોઈ બેંક દ્વારા મિસ-સેલિંગ થયાનું સાબિત થશે તો ગ્રાહક પાસેથી વસૂલવામાં આવેલી સંપૂર્ણ રકમ પરત આપવાની રહેશે. સાથે જ ગ્રાહકને થયેલા નુકસાન માટે યોગ્ય વળતર પણ ચૂકવવું પડશે. કરારની સહી કરેલી નકલ મળ્યા બાદ ગ્રાહક 30 દિવસની અંદર ફરિયાદ નોંધાવી શકશે.
ADVERTISEMENT
લોન સાથે વીમો ફરજીયાત નહીં રહે
હોમ લોન અથવા પર્સનલ લોન મંજૂર કરતી વખતે ગ્રાહકોને બેંકની ભાગીદાર કંપનીનો વીમો ખરીદવા માટે દબાણ કરાતું હોવાની ફરિયાદો લાંબા સમયથી સામે આવતી હતી. હવે RBIએ આ પ્રકારની ફરજિયાત બંડલિંગ પર સત્તાવાર પ્રતિબંધ મૂક્યો છે.
ADVERTISEMENT
જો લોનની સુરક્ષા માટે વીમો જરૂરી ગણાય તો પણ ગ્રાહકને પોતાની પસંદગીની કોઈપણ વીમા કંપની પાસેથી પોલિસી ખરીદવાની સંપૂર્ણ છૂટ રહેશે. બેંક પોતાની પસંદગીની કંપનીનો વીમો લેવા માટે દબાણ કરી શકશે નહીં.
દરેક પ્રોડક્ટ માટે અલગ મંજૂરી ફરજિયાત
ADVERTISEMENT
હવે માત્ર એક સામાન્ય સંમતિના આધારે વધારાની પ્રોડક્ટ વેચી શકાશે નહીં. દરેક નાણાકીય પ્રોડક્ટ માટે ગ્રાહકની સ્પષ્ટ અને રેકોર્ડેડ સંમતિ લેવી ફરજિયાત રહેશે. પર્સનલ લોન માટે આપવામાં આવેલી મંજૂરીનો અર્થ આપમેળે વીમા અથવા અન્ય સેવા માટેની મંજૂરી નહીં ગણાય.
ડિજિટલ પ્લેટફોર્મ ડિફોલ્ટ વિકલ્પ રહેશે 'No'
મોબાઇલ અને ઇન્ટરનેટ બેન્કિંગમાં સંમતિ સંબંધિત સ્ક્રીન પર ડિફોલ્ટ વિકલ્પ તરીકે "ના" અથવા "હું સહમત નથી" રાખવું પડશે. ગ્રાહકની મરજી વિના કોઈપણ પ્રકારે વધારાની સેવા લાગુ કરી શકાશે નહીં.
તમામ ચાર્જ અને શરતો સ્પષ્ટ રીતે દર્શાવવી પડશે
અગાઉ ગ્રાહકો પાસેથી હિડન ચાર્જિસ લેવામાં આવતા હતા પરંતુ આ નવી માર્ગદર્શિકા પછી બેંકોએ હવે વ્યાજ દર, પ્રોસેસિંગ ફી, છુપાયેલા ચાર્જ, લોક-ઇન પિરિયડ અને એક્ઝિટ પેનલ્ટી સહિતની તમામ માહિતી સરળ અને સ્પષ્ટ ભાષામાં ગ્રાહકો સમક્ષ રજૂ કરવાની રહેશે.
આ પણ વાંચો- અચાનક કેમ આવ્યો સોના-ચાંદીમાં ઘટાડો? આટલું સસ્તું થયું સોનું, જાણો લેટેસ્ટ ભાવ
એક વર્ષ સુધી સંમતિના રેકોર્ડ સાચવવા પડશે
માત્ર ફોર્માલિટી માટે બેંકોએ રેકોર્ડ નહી રાખવા પડે પરંતુ હવે બેંકોએ આ રેકોર્ડ ગ્રાહક સાથેનો કરાર પૂર્ણ થયાના ઓછામાં ઓછા એક વર્ષ સુધી જાળવી રાખવા ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. ઉપરાંત, પ્રાદેશિક અને અર્ધ-શહેરી વિસ્તારોના ગ્રાહકોને સ્થાનિક ભાષામાં દસ્તાવેજ ઉપલબ્ધ કરાવવાની પણ વ્યવસ્થા કરવી પડશે.
લોન એજન્ટો પણ આવશે RBIની કડક દેખરેખ હેઠળ
ડાયરેક્ટ સેલિંગ એજન્ટ્સ (DSAs) અને ડાયરેક્ટ માર્કેટિંગ એજન્ટ્સની કામગીરી પર પણ હવે બેંકોને વધુ જવાબદારી આપવામાં આવી છે. તમામ અધિકૃત એજન્ટોની યાદી બેંકોને પોતાની વેબસાઇટ પર જાહેર રાખવી પડશે અને તેમાં થતા ફેરફારો સાત દિવસની અંદર અપડેટ કરવા પડશે.
બ્રાન્ચની અંદર કાર્યરત થર્ડ પાર્ટી એજન્ટોની ઓળખ બેંકના કર્મચારીઓથી અલગ હોવી જરૂરી રહેશે, જેથી ગ્રાહકોને કોઈ ગેરસમજ ન થાય.
સાંજે 7 વાગ્યા બાદ લોન સંબંધિત ફોન નહીં કરી શકાય
નવી જોગવાઈઓ અનુસાર લોન એજન્ટો ગ્રાહકોનો સંપર્ક માત્ર સવારે 9 વાગ્યાથી સાંજે 7 વાગ્યા દરમિયાન જ કરી શકશે. ગ્રાહકની પૂર્વ મંજૂરી વિના તેમના ઘર અથવા ઓફિસની મુલાકાત પણ લઈ શકાશે નહીં. પોતાની ઓળખ અંગે ખોટી માહિતી આપનાર એજન્ટો સામે બેંકોએ શિસ્તભંગના પગલાં લેવા પડશે.
બેંકોની 11 પ્રકારની ‘ડાર્ક પેટર્ન’ યુક્તિઓ પર પ્રતિબંધ
RBIએ બેંકો અને તેમની ડિજિટલ એપ્લિકેશનોમાં ઉપયોગમાં લેવાતી 11 પ્રકારની ભ્રામક પદ્ધતિઓ પર પણ પ્રતિબંધ મૂક્યો છે. તેમાં ખોટી ઉતાવળ ઉભી કરવી, ગ્રાહકની જાણ વગર વધારાના વિકલ્પ ઉમેરવા, ગૂંચવણભરી ભાષા દ્વારા સંમતિ મેળવવી, છુપાયેલા ચાર્જ વસૂલવા, ભ્રામક જાહેરાતો મોકલવી અને વારંવાર અનિચ્છનીય સૂચનાઓ આપવી જેવી પદ્ધતિઓનો સમાવેશ થાય છે.
અગાઉ નાણામંત્રીએ પણ વ્યક્ત કરી હતી ચિંતા
કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારમણે અગાઉ જાહેર મંચ પરથી બેંકો દ્વારા થતી બળજબરીય વીમા વેચાણની પ્રથાને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે બેંકોને ગ્રાહકો પર બિનજરૂરી પ્રોડક્ટ લાદવાને બદલે પોતાની મૂળ બેન્કિંગ સેવાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાની સલાહ આપી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.