બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / VTV વિશેષ / સલમાન ખાનને સજા ઈચ્છી રહ્યા છે અનિલ બિશ્નોઈ, જીવલેણ હુમલા, અસંખ્ય ધમકીઓથી ડર્યા વગર 10,000થી વધુ બ્લેકબકને શિકારીઓથી બચાવ્યા

અસલી હીરો! / સલમાન ખાનને સજા ઈચ્છી રહ્યા છે અનિલ બિશ્નોઈ, જીવલેણ હુમલા, અસંખ્ય ધમકીઓથી ડર્યા વગર 10,000થી વધુ બ્લેકબકને શિકારીઓથી બચાવ્યા

Vikram Mehta

Last Updated: 09:55 AM, 19 October 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોરેન્સ બિશ્નોઈ, સલમાન ખાન અને કાળિયારનો શિકાર કેસ હાલ ચર્ચામાં છે. કાળિયાર બિશ્નોઈ સમાજ માટે કેમ મહત્વના છે, તેની પાછળ સદીઓ જૂની કથા છે. 29 નિયમોની આચારસંહિતા છે, 363 બલિદાનની વાત છે. એટલે જ અનિલ બિશ્નોઈ જીવના જોખમે પણ 10 હજારથી વધુ કાળિયારને બચાવી ચૂક્યા છે.

વર્ષ 1730નો સમયખંડ.
રાજસ્થાનના મારવાડ જોધપુર પ્રદેશમાં મહારાજા અભયસિંહના શાસનકાળમાં મહેરાનગઢ કિલ્લામાં એક રાજમહેલના નિર્માણ માટે લાકડાની જરૂરિયાત ઉભી થઇ. મંત્રી ગિરધરદાસ ભંડારી મજૂરો અને રાજના સૈનિકોની નાની ટૂકડી લઇને ખેજડલી ગામમાં ખિજડાના વૃક્ષો કાપવા માટે આવી પહોંચ્યા.

રામૂ ખોડ નામના એક ખેડૂતના ખેતરેથી વૃક્ષ છેદનનો આરંભ કર્યો. આ રામૂ ખોડની પત્ની અમૃતા દેવી અને અન્ય ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો. પણ ભંડારી પર કોઇ અસર ન થઇ. ભંડારીએ પોતાના માણસોને વૃક્ષ કાપવાનો આદેશ આપ્યો. અમૃતા બિશ્નોઈ ઝાડને વળગી પડ્યા. કહ્યુ, પહેલા મારા શરીરના ટુકડા થશે અને પછી આ વૃક્ષને તમે કાપી શકશો.

ખિજડાના વૃક્ષોને બચાવવા માટે અમૃતાદેવીએ પોતાની ત્રણ દીકરીઓ રત્ની, આસુ અને ભાગુ સાથે પ્રાણ ન્યોછાવર કરી દીધા. અમૃતા દેવીમાંથી પ્રેરણા લઇને આજુબાજુના 84 ગામોમાંથી બિશ્નોઈ સમાજના સ્ત્રી-પુરુષોએ ખિજડાના વૃક્ષની રક્ષા કાજે પોતાના પ્રાણની આહુતિ આપી દીધી. 363 લોકો શહીદ થયા. જેમાં 269 પુરુષ અને 94 મહિલા હતી. જ્યારે રાજા અભયસિંહને આ ઘટનાની જાણ થઇ ત્યારે તેમના પસ્તાવાનો પાર ન રહ્યો. અભયસિંહે બિશ્નોઈ સમાજની માફી માંગી. તામ્રપત્ર દઇને બિશ્નોઈ સમાજને આશ્વાસન આપ્યું કે હવે પછી આ વિસ્તારમાં કોઇ પણ વૃક્ષ કાપવામાં નહીં આવે. ખેજડલી જ એ જગ્યા છે કે જ્યાંથી ચિપકો આંદોલનની ઉત્પતિ ભારતમાં થઇ હતી.

રણ અને રેતીનો પ્રદેશ રાજસ્થાન. ભાતીગળ લોકસંસ્કૃતિથી ભરેલા આ બહુરંગી પ્રદેશના પટ્ટ પર આવી તો અનેક બલિદાની કથાઓનો કેસરીયો ઇતિહાસ લખાયેલો છે. આપણે ત્યાં સાહિત્યસ્વામી ઝવેરચંદ મેઘાણીની કલમે પ્રગટેલી 'એક તેતરને કારણે' જેવી કથાઓ ધરબાયેલી છે. રાજસ્થાનમાં અમૃતા દેવી બિશ્નોઈની બલિદાની કથા આવું જ એક સશક્ત પ્રકરણ છે. જીવમાં શિવના દર્શન કરતી રાજસ્થાનની બિશ્નોઈ જાતિની જીવદયા પરંપરાનું એક ઉજળું પૃષ્ઠ છે.

‘જીવ દયા પાલણી, રૂંખ લીલો ન ઘાવેં’ એટલે કે જીવ માત્ર માટે દયાનો ભાવ રાખો, વૃક્ષો ન કાપો’ની વિચારધારામાં માનતો બિશ્નોઈ સમાજ. હાલ જે સિનારીયો છે એ જોતા બિશ્નોઈ શબ્દ બોલો એટલે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનું જ નામ સામે આવે છે. મહારાષ્ટ્રના દિગ્ગજ નેતા બાબા સિદ્દીકી હત્યાકાંડના પડઘા હજુ શમ્યા નથી. બોલિવૂડ સ્ટાર સલમાન ખાન સાથેની નજદીકીને કારણભૂત ગણાવીને લોરેન્સ બિશ્નોઈની ગેંગના એક સદસ્યએ આ હત્યાકાંડને અંજામ આપ્યો હોવાનું ખુલ્લેઆમ સોશિયલ મીડિયામાં સ્વીકાર્યું છે.

લોરેન્સ બિશ્નોઈ અગાઉ જાહેરમાં સલમાન ખાનને મારી નાખવાની ધમકી આપી ચૂક્યો છે. લોરેન્સ બિશ્નોઈના કહેવા પ્રમાણે સલમાન ખાન સાથેની એની દુશ્મનીનું કારણ છે સલમાન ખાનનો બહુચર્ચિત 1998નો કાળિયાર શિકાર કેસ. બિશ્નોઈ સમાજ કાળિયારને પોતાના બાળક સમાન માને છે એટલે સલમાન પ્રત્યે સમગ્ર બિશ્નોઈ સમાજમાંથી આક્રોશ ધગધગી રહ્યો છે. ભાજપના એક સિનીયર નેતાએ તો સલમાન ખાનને બિશ્નોઈ સમાજની માફી માગવાની સલાહ પણ આપી છે. બિશ્નોઈ સમાજ વન્યજીવ અને પ્રકૃતિ સાથે ભાવનાત્મક સેતુથી જોડાયેલો છે ત્યારે આજે વાત કરવી છે વન્યજીવ અને પ્રકૃતિ માટે પોતાના પ્રાણ પણ ન્યોછાવર કરી નાખતી બિશ્નોઈ જાતિની પરંપરાને અકબંધ રાખતા એક જવાંમર્દ માણસની. એનું નામ અનિલ બિશ્નોઈ. કોણ છે આ અનિલ બિશ્નોઈ?

રાજસ્થાનની હાડ ધ્રુજાવતી એક ઠંડી શિયાળુ રાત. ઘનઘોર રાત્રીનું સામ્રાજ્ય પથરાઇ ગયું છે. હનુમાનગઢ જિલ્લાનું લખાસર ગામ મિઠી નિંદર માણી રહ્યું છે. આખા દિવસના થાક પછી ખાટલે આડા પડવાની તૈયારી કરી રહેલા ગામના એક વ્યક્તિને સમાચાર મળે છે કે જંગલ વિસ્તારમાં કેટલાક ખતરનાક શિકારીઓ કાળિયારનો શિકાર કરવાની વેતરણમાં છે. શિકારીઓ પોતાની મેલી મંશાને પાર પાડે એ પહેલા જ એ વ્યક્તિ જીવના જોખમે સ્થળ પર પહોંચે છે અને એકલા હાથે શિકારીઓ સામે બાથ ભિડીને ભગાડી મુકે છે. પ્રાણની પરવા કર્યા વગર કાળિયારને શિકારીઓના પંજામાંથી છોડાવનાર આ ભડવીર એટલે અનિલ બિશ્નોઈ. જેમના નામે 10,000થી વધુ કાળિયારને બચાવવાનો રેકોર્ડ નોંધાયેલો છે એ અસલી હીરો. જેમની સાથે આજે આપણે વાત કરવાના છીએ!

પ્રકૃતિપ્રેમ અને પ્રાણીપ્રેમ ગળથૂથીમાં!
અનિલ બિશ્નોઈ હાલ રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લાના લખાસર ગામના નિવાસી છે.  વ્યવ્સાયે તો તેઓ ખેડૂત છે. ખેતી કરીને ગુજરાન ચલાવે છે. અનિલ બિશ્નોઈ પોતાની કમાણીનો મોટાભાગનો હિસ્સો વન્યજીવોના સંરક્ષણ પાછળ ફાળવે છે. હનુમાનગઢ જિલ્લાના પિલીબંગા તાલુકામાં આવેલા લખાસર ગામમાં જ તારીખ 2 ઓકટોબર, 1972ના રોજ એમનો જન્મ. પ્રારંભિક શિક્ષણ ગામમાં જ લીધું. કોલેજ લાઇફમાં આવેલા એક ટર્નિંગ પોઇન્ટથી એમના જીવનના ધ્યેયને એક દિશા મળી. અનિલ બિશ્નોઈ વાતચીતની શરુઆતમાં કહે છે, 'બિશ્નોઈ સમાજનો હોવાનો કારણે વન્યપ્રાણી અને પ્રકૃતિ તરફ તીવ્ર પ્રેમભાવના. મને બાળપણથી જ ભણવા-ગણવા કરતા વન્યજીવોના જતન અને વૃક્ષોના ઉછેરમાં વધારે રસ પડે. એમને પાણી પીવડાવવું- એમને ચરાવવા લઇ જવા..આ બધી મારી અત્યંત ગમતી પ્રવૃતિ. મારા પરિવારને મારા કરિઅરની ચિંતા થઇ એટલે મને બહાર ભણવા મોકલી દીધો'

IMG-20210913-WA0043

જ્યારે બિશ્નોઈ સમાજનું રાષ્ટ્રીય સંમેલન યોજાયું
પરિવારે અનિલ બિશ્નોઈને બાજુના ગામ સુરતગઢ કોલેજમાં ભણવા મોકલી દીધા હતા. અનિલ બિશ્નોઈ બી.એ અને બી.એડ થયેલા છે. શિક્ષક બનવાની તમન્ના અંદર સળવળતી હતી પણ વિધાતાને કંઇક જૂદુ મંજૂર હતું. અનિલ બિશ્નોઈ કહે છે,'જ્યારે હું બીએ કરી રહ્યો હતો ત્યારે એટલે કે મારા કોલેજકાળમાં અમારા સમાજનું એક રાષ્ટ્રીય સંમેલન આયોજિત થયેલું. રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી પણ એ સંમેલનમાં ખાસ ઉપસ્થિત રહેલા. એ સંમેલનમાં ઉપસ્થિત તમામ મહાનુભાવોએ પોતાના ભાષણોમાં વન્યજીવોના અસ્તિત્વ પર તોળાતા સંકટ સામે ચિંતા વ્યક્ત કરેલી અને વન્યજીવોના સંરક્ષણ પર ખાસ ભાર મુકેલો. યુવાઓને વન્યજીવોને બચાવવા આગળ આવવા આહવાન કર્યું. આ ભાષણોની મારા પર ઉંડી અસર થઇ અને મેં વન્યજીવોના સંરક્ષણ માટે દૃઢ નિશ્ચય કર્યો'

મેં ખેતરમાં જઇને જોયું તો...
યુવાન ઉંમરે લીધેલા એ દૃઢ નિશ્ચયને મજબૂતાઇ આપતી એક નાની પણ અસરકારક ઘટના અનિલ બિશ્નોઈના જીવનમાં ઘટી. અનિલ બિશ્નોઈ કહે છે, 'બી.એ.ની પરીક્ષા આપ્યા બાદ રજાઓમાં હું જ્યારે મારા ગામમાં આવ્યો ત્યારે ખેતરે ગયો તો મેં જોયું કે એક હરણી અને તેનું તાજુ જન્મેલું બચ્ચું ઝખમી હાલતમાં ખેતરના એક છેડે કણસતા હતા. આસપાસ શિકારી કૂતરાઓ લાળ ટપકાવતા ઘુમી રહ્યા હતા. મેં કુતરાઓને દૂર ભગાડીને હરણી અને તેના બચ્ચાની રક્ષા કરી. જોકે ત્યાં સુધીમાં તો હરણી મૃત્યુ પામી ચૂકી હતી. મેં એના તાજા જન્મેલા બચ્ચાને પહેલા તો વ્યવ્સથિત સાફ કર્યુ અને ઘરે લઇ આવ્યો. હજુ સાવ તાજુ જન્મેલું બચ્ચું હતું. દૂધ-પાણી પાયું અને પરિવારના જ એક બાળકની જેમ એનો ઉછેર કર્યો. આ એક ઘટનાએ મારા માનસપટ પર પ્રબળ અસર કરી છે. મેં વિચાર્યું કે આવા તો ઘણા વન્યજીવો શિકારનો ભોગ બનતા હશે. પ્રકૃતિનો ભાગ છે આ વન્યજીવો અને એનું રક્ષણ કરવું આપણી ફરજ છે'

બાળકની જેમ જતન, મૃત બ્લેકબકના કરે છે અંતિમસંસ્કાર
છેલ્લા ત્રણ દાયકાથી અનિલ બિશ્નોઈ બ્લેકબકની રક્ષા કરી રહ્યા છે. અનિલ બિશ્નોઈ કહે છે, 'આ ત્રણ દાયકામાં હજારો વન્યજીવોનું મેં રક્ષણ કર્યું છે. દસ હજારથી વધુ બ્લેકબકને શિકારથી બચાવ્યા છે. ઘાયલ બ્લેકબકને સારવાર આપી છે. નહેર-તળાવમાં પડેલા બ્લેકબકને બચાવ્યા છે. જેમ પરિવારજનનો આપણે અંતિમસંસ્કાર કરીએ છીએ એમ મૃત બ્લેકબકના અંતિમ સંસ્કાર પણ કર્યા છે.'

એકલા ચલો રે...
અનિલ બિશ્નોઈ કહે છે, 'મેં જ્યારે વન્યજીવોના સંરક્ષણનું અભિયાન શરુ કર્યું ત્યારે તો હું સાવ એકલપંડે આ કામ કરી રહ્યો હતો. અંતરિયાળ વિસ્તારોમાં જઇને શિકાર પ્રવૃતિથી બ્લેકબકનું રક્ષણ કરવું એ મારા માટે કપરું કામ હતું. એ સમયે તો કોઈ સાધનો પણ ન હતા. ફોન પણ નહોતા ત્યારે સોશિયલ મીડિયા તો જોજનો દૂરની વાત હતી. હું સરકારી વાહનોમાં અંતરિયાળ વિસ્તારોમાં પહોંચતો અને શિકારી પ્રવૃતિને પડકારતો. શિકારીઓ સામે અમે કેસ પણ દાખલ કર્યા છે. અત્યારે શિકારીઓ સામે કરેલા બસ્સોથી વધુ કેસ કોર્ટમાં ચાલે છે. અત્યારે મારા સંકલ્પ સાથે બીજા યુવા લોકો પણ જોડાયા છે એનો મને આનંદ છે.'

બે હજારથી વધુ યુવાનોની ટીમ બનાવી
અનિલ બિશ્નોઈ યુવાઓને પોતાના કાર્યમાં જોડવા અંગે કહે છે, 'એ સમયે બ્લેકબકની શિકાર પ્રવૃતિએ માઝા મુકેલી. જેવી મને શિકારની ઘટનાની સૂચના મળતી એટલે હું સ્થળ પર દોડી જતો. મેં ધીમેધીમે યુવાઓને જાગૃત કરીને એ લોકોને મારા અભિયાનનો ભાગ બનાવ્યા. અત્યારે બે હજારથી વધુ યુવાનોની ટીમ મારા માર્ગદર્શન તળે કામ કરી છે અને અમારી ટીમ પચાસથી સો જેટલા ગામડાઓમાં અમે સક્રિય છીએ. અમે પોલીસ-ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને આકરી કાર્યવાહી માટે રજૂઆત કરીએ છીએ. જો શિકારીઓ સામે કડક પગલા લેવામાં ન આવે તો અમે વિરોધ પ્રદર્શનો પણ કરીએ છીએ'

DSC_8809

ગોળીબારી કરી, પાછળ ટ્રેકટરો દોડાવ્યા
શિકાર પ્રવૃતિ સાથે  કાંઇ સોજા સારા માણસો જોડાયેલા ન હોય. પોતાના કામમાં અવરોધ ઉભો થાય તો જીવ લેતા પણ આ શિકારીઓ અચકાય નહીં. આવા ખુંખાર અને શિકારીઓને આંખમાં કણાની જેમ ખૂંચતા અનિલ બિશ્નોઈને પણ ઘણી ધમકીઓ મળી ચૂકી છે. અનિલ બિશ્નોઈ કહે છે, 'જે લોકો બ્લેકબક કે નિલગાય જેવા વન્યજીવોનો શિકાર કરે છે એ લોકો એક રીતે આતંકવાદીનું જ સ્વરૂપ છે. એમના લોકોમાં દયાભાવનાનો સદતંર અભાવ હોય છે. આ લોકો તરફથી રોજ ધમકી મળે છે. મારી પાછળ ટ્રેકટરો દોડાવ્યા છે. મોટરસાયકલો પર સવાર થઇને હુમલો કરવા માટે પીછો કર્યો છે. કેટલાક વર્ષ પહેલા શિકારીએ મારા પર ફાયરિંગ પણ કર્યું હતું પરંતુ સદનસીબે હું એમા બચી જવા પામ્યો હતો. શિકારીઓ સાથે અથડામણ થઇ હોય એવા પ્રસંગો તો ઘણા છે'

વધુ વાંચો: ' EFT' એક એવી બિમારી જે હવે ગુજરાતમાં પગપેસારો થયો છે. શું છે આ જાણો?

બ્લેકબકનો શિકાર થવા પાછળ આવી ખોટી માન્યતા
બ્લેકબકના શિકાર થવા પાછળના કારણ અંગે જણાવતા અનિલ બિશ્નોઈ કહે છે કે, 'સામાન્ય રીતે બ્લેકબકના બાહ્ય રીતે સુંદર એવા દેખાવને કારણે એવી ખોટી માન્યતા પ્રવર્તે છે કે હરણનું માંસ બહું મીઠું હોય છે. આ ખોટી માન્યતાથી પ્રેરાઇને શિકારીઓ બ્લેકબકનો શિકાર કરે છે. જોકે આ વાત ખોટી છે. અમે ઘણા શિકારીઓની પુછપરછ કરી છે જેમાં બ્લેકબકનું માંસ મીઠુ હોવાની વાતને ખોટી પાડી છે. પાંચસો-સાતસોથી હજાર રૂપિયા એક બ્લેકબક દીઠ શિકારીને મળે છે. પણ હોટેલમાં વેપાર કરતા શિકારીઓની બોસ ટોળકી પાંચસો-છસ્સો રૂપિયા કિલોના હિસાબે બ્લેકબકના માંસનું વેચાણ કરે છે. આવી વિગત અમારી સામે આવી છે'

શિકાર પ્રવૃતિને તિલાંજલી
અનિલ બિશ્નોઈની પ્રવૃતિની અસરરૂપે કેટલાક પરિવારોએ શિકાર પ્રવૃતિ છોડી દીધી હોવાની ઘટનાઓ પણ બની છે. અનિલ બિશ્નોઈ કહે છે, ‘અમે માંસાહાર માટે બ્લેકબકનો શિકાર કરતા પરિવારોને મળીને શિકારથી દૂર રહેવા સમજાવીએ છીએ. અમારા ક્ષેત્રમાંથી બાવરી જાતીના ઘણા લોકોએ શિકાર પ્રવૃતિને કાયમી તિલાંજલી આપી દીધી છે અને અમારી સાથે વન્યજીવ સંરક્ષણમાં જોડાયા છે’

સલમાન ખાન કાળિયાર શિકાર કેસ સંદર્ભે અનિલ બિશ્નોઈ શું માને છે?
સલમાન ખાન કેસ સમયે પણ અમે ઉગ્ર વિરોધ કર્યો હતો. આજે પણ અમારી માંગ એ જ છે કે સલમાન ખાનને કડક સજા કરવામાં આવી. જો સલમાન ખાનને સજા થશે તો લોકોને ન્યાયતંત્રમાં વિશ્વાસ ઉભો થશે અન્ચથા લોકોને એવું લાગશે કે કાયદો ફક્ત સામાન્ય માણસ માટે છે. સેલિબ્રિટીને કાયદો લાગુ પડતો નથી. સલમાન ખાન સેલિબ્રિટી છે. જો એને કડક સજા થશે તો નાના શિકારીઓમાં ધાક બેસશે કે આવડો મોટો સ્ટાર પણ કાયદાના ગાળિયામાંથી બચી શક્યો નથી તો પછી આપણી શું વિસાત!

Screenshot 2024-10-19 081658

અબોલ જીવો માટે બનાવ્યા તળાવ
ગરમીના સમયમાં જ્યારે તાપમાન વધી જાય છે ત્યારે અનિલ બિશ્નોઈએ પાણીની વ્યવ્સથા ન હોય એ જગ્યાએ અબોલ જીવો માટે સાંઠથી વધુ નાના તળાવો બનાવ્યા છે. જીવદયાપ્રેમી અનિલ બિશ્નોઈ પ્લાસ્ટિક મુક્ત પર્યાવરણ અભિયાન પણ ચલાવી રહ્યા છે.

બિશ્નોઈ સમાજ, 363 બલિદાન અને બોલિવૂડ ફિલ્મ
બિશ્નોઈ સમાજના વન્યજીવ અને પ્રકૃતિ તરફના લગાવની વાત આવે ત્યારે અનિલ બિશ્નોઈની વાતમાં ગૌરવનો રણકો ભળે છે. તેઓ કહે છે, ‘બિશ્નોઈ સમાજ પર્યાવરણ અને વન્યજીવો માટે બલિદાન આપવા માટે હંમેશા તત્પર હોય છે. અમારા ઇષ્ટદેવ જંભેશ્વર ભગવાન છે. જેમણે આપેલા 29 નિયમોની આચારસંહિતાનું અમે પાલન કરીએ છીએ. આ નિયમાવલીમાં વન્યજીવો અને પ્રકૃતિના સંરક્ષણનો સંદેશ છે. ખિજડાના એક વૃક્ષ માટે ત્રણસોથી વધુ મહિલાઓની બલિદાની કથાઓ બિશ્નોઈ સમાજ સાથે જોડાયેલી છે’

અનિલ બિશ્નોઈએ આપેલી રસપ્રદ વિગત પ્રમાણે આ પ્રચલિત ઇતિહાસકથા પરથી એક બોલિવૂડ ફિલ્મ પણ આવવાની છે. રાજસ્થાની દિગદર્શન રામરતનજી બિશ્નોઈ દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં સ્નેહા ઉલ્લાલ અમૃતાદેવીની મુખ્ય ભૂમિકામાં જોવા મળવાની છે. અને હા, અનિલ બિશ્નોઈએ પણ આ ફિલ્મમાં એક ભૂમિકા ભજવી છે. હાલ આ ફિલ્મ એક આંતરિક વિવાદમાં ફસાઇ હોવાને કારણે કોર્ટે સ્ટે આપ્યો છે. કોર્ટ લીલીઝંડી આપશે એટલે આ ફિલ્મ રજૂ થશે.

વધુ વાંચો: પ્રસુતા માતાઓ અહીં ચઢાવે છે દૂધ, કેવા છે મંદિરના ચમત્કારો, કેમ અહીં પુરુષોને પ્રવેશ નથી?

પ્રકૃતિની રચના ભગવાને કરી છે!
અનિલ બિશ્નોઈ મુલાકાતને અંતે કહે છે, ‘તમામ વાચકોને હું એટલું જ કહીશ કે જે વસ્તુને આપણે બનાવી નથી એના પર આપણો અધિકાર નથી. પ્રકૃતિની રચના મનુષ્યએ નહીં પણ ભગવાને કરી છે. પ્રકૃતિનું રક્ષણ કરવું એ આપણી ફરજ છે. વન્યજીવોના સંરક્ષણ માટે આપણે આગળ આવીએ એજ અપેક્ષા અને અભ્યર્થના..’

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

SALMAN KHAN Lawrence Bishnoi blackbuck
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ