ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / ના હોય, હવે છત પર સોલાર લગાવવા ચાર્જ ચૂકવવો પડશે? જાણો સરકારની તૈયારી
9 ફોટો ગેલેરી
Last Updated: 10:42 AM, 25 November 2026
1/9
અત્યાર સુધી સોલાર પેનલ લગાવીને લોકો વીજળીના બિલમાં સારી એવી બચત કરી રહ્યા છે. પરંતુ હવે સરકાર સોલાર સિસ્ટમ સાથે જોડાયેલા નિયમોમાં ફેરફાર કરવાનું વિચારી રહી છે. નવા પ્રસ્તાવ પ્રમાણે, મોટી ક્ષમતાવાળી સોલાર સિસ્ટમ લગાવનારાઓ માટે બેટરી લગાવવી ફરજિયાત બની શકે છે. આ ઉપરાંત ગ્રીડમાં વધારે વીજળી મોકલવા પર નેટ મીટરિંગનો વધારાનો ચાર્જ પણ લાગી શકે છે. જોકે, નાના ઘરેલુ ગ્રાહકોને આ નિયમોમાં રાહત મળવાની શક્યતા છે.
2/9
જો તમે પણ ઘરની છત પર સોલાર પેનલ લગાવવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. કેન્દ્ર સરકાર રૂફટોપ સોલાર સાથે જોડાયેલા નિયમોમાં ફેરફાર કરવાની તૈયારી કરી રહી છે. વીજળી મંત્રાલયે Electricity (Rights of Consumers) Rules, 2020માં સુધારા માટે ડ્રાફ્ટ જાહેર કર્યો છે.આ નવા પ્રસ્તાવમાં બે મોટા ફેરફાર સૂચવવામાં આવ્યા છે. પહેલો ફેરફાર એ છે કે નક્કી કરેલી ક્ષમતા કરતાં મોટી સોલાર સિસ્ટમ લગાવનારાઓએ બેટરી સ્ટોરેજ સિસ્ટમ પણ લગાવવી પડી શકે છે. બીજો ફેરફાર એ છે કે નક્કી કરેલી મર્યાદા કરતાં વધારે વીજળી ગ્રીડમાં મોકલવા પર વધારાનો ચાર્જ ચૂકવવો પડી શકે છે.એટલે કે અત્યાર સુધી સોલાર પેનલ લગાવીને વીજળીના બિલમાં બચત કરતા મોટા ગ્રાહકો માટે હવે વધારાનો ખર્ચ ઊભો થઈ શકે છે. જોકે, આ નિયમો હાલ પ્રસ્તાવના તબક્કામાં છે.
ADVERTISEMENT
3/9
સરકારના નવા પ્રસ્તાવ પ્રમાણે, કઈ ક્ષમતાથી વધારે સોલાર સિસ્ટમ લગાવનારાઓ માટે બેટરી જરૂરી રહેશે તે નક્કી કરવાની જવાબદારી રાજ્ય વીજળી નિયમન પંચની રહેશે. દરેક રાજ્યની જરૂરિયાત પ્રમાણે આ મર્યાદા નક્કી થઈ શકે છે.પરંતુ જો કોઈ રાજ્યનું વીજળી નિયમન પંચ અલગથી ક્ષમતા નક્કી નહીં કરે તો 10 કિલોવોટ (kW)થી વધારે ક્ષમતાવાળી રૂફટોપ સોલાર સિસ્ટમ પર બેટરી લગાવવાનો નિયમ લાગુ થઈ શકે છે.પ્રસ્તાવ પ્રમાણે સોલાર સિસ્ટમમાં લગાવવામાં આવતી બેટરીની ક્ષમતા એક દિવસમાં સોલાર પેનલ દ્વારા બનતી કુલ વીજળીના ઓછામાં ઓછા 20 ટકા જેટલી હોવી જોઈએ. આ નિયમ 1 એપ્રિલ 2028થી લાગુ કરવાની દરખાસ્ત છે.
4/9
સોલાર પેનલ દિવસ દરમિયાન સૂર્યપ્રકાશની મદદથી વીજળી બનાવે છે. આ સમયે ઘરમાં જરૂરિયાત કરતાં વધારે વીજળી બને તો તેને ગ્રીડમાં મોકલી શકાય છે. પરંતુ સાંજે અને રાત્રે સૂર્યપ્રકાશ ન હોવાથી સોલાર પેનલ વીજળી બનાવી શકતા નથી.નવી વ્યવસ્થા પ્રમાણે બેટરીમાં દિવસ દરમિયાન બનેલી વીજળીનો કેટલોક હિસ્સો સ્ટોર કરી શકાશે. ત્યારબાદ સાંજે કે રાત્રે જ્યારે સોલાર પેનલમાંથી વીજળી નહીં મળે ત્યારે બેટરીમાં જમા કરેલી વીજળીનો ઉપયોગ કરી શકાશે.આ વ્યવસ્થાથી ગ્રીડ પરની નિર્ભરતા ઘટાડી શકાય છે. જોકે, બેટરી ખરીદવા અને લગાવવા માટે ગ્રાહકોએ વધારાના પૈસા ખર્ચવા પડી શકે છે.
ADVERTISEMENT
5/9
સરકારના નવા પ્રસ્તાવમાં નેટ મીટરિંગને લઈને પણ ફેરફાર સૂચવવામાં આવ્યો છે. હાલમાં ઘણા ઘરોમાં સોલાર પેનલ દ્વારા દિવસ દરમિયાન જરૂર કરતાં વધારે વીજળી બને છે. આવી વધારાની વીજળી પાવર ગ્રીડમાં મોકલવામાં આવે છે. જ્યારે રાત્રે કે જરૂરિયાતના સમયે ગ્રાહકો ગ્રીડમાંથી વીજળી લે છે.નેટ મીટરિંગ સિસ્ટમમાં ગ્રાહક દ્વારા ગ્રીડમાં મોકલવામાં આવેલી અને ગ્રીડમાંથી લેવામાં આવેલી વીજળીનો હિસાબ રાખવામાં આવે છે. તેના આધારે વીજળીનું બિલ તૈયાર થાય છે. આ વ્યવસ્થાથી ગ્રાહકોને બિલમાં સારી એવી બચત થાય છે.પરંતુ સરકારનું માનવું છે કે દિવસ દરમિયાન વધારે વીજળી ગ્રીડમાં મોકલવાથી અને રાત્રે ફરી ગ્રીડમાંથી વીજળી લેવાથી વીજ કંપનીઓ એટલે કે DISCOM પર નેટવર્કનો ખર્ચ વધે છે. આ ખર્ચને ધ્યાનમાં રાખીને નેટ મીટરિંગ પર વધારાનો ચાર્જ લગાવવાની દરખાસ્ત કરવામાં આવી છે.
6/9
નવા પ્રસ્તાવ પ્રમાણે, દરેક રાજ્યનું વીજળી નિયમન પંચ નક્કી કરશે કે કેટલી ક્ષમતાની સોલાર સિસ્ટમ સુધી ગ્રાહકો પાસેથી કોઈ વધારાનો નેટ મીટરિંગ ચાર્જ લેવામાં નહીં આવે.પરંતુ આ નક્કી કરેલી મર્યાદા કરતાં વધારે ક્ષમતાની સોલાર સિસ્ટમ લગાવનારાઓ પાસેથી વધારાનો ચાર્જ વસૂલવામાં આવી શકે છે. આ ચાર્જ નક્કી કરતી વખતે વીજળીના નેટવર્કમાં થતું નુકસાન અને બેટરી સ્ટોરેજ પાછળ આવતો અંદાજિત ખર્ચ ધ્યાનમાં લેવામાં આવશે.એટલે કે વધારે ક્ષમતાવાળી સોલાર સિસ્ટમ ધરાવતા ગ્રાહકોને હવે વીજળી ગ્રીડમાં મોકલવા માટે પણ વધારાનો ખર્ચ કરવો પડી શકે છે.
ADVERTISEMENT
7/9
આ નવા પ્રસ્તાવમાં નાના ઘરેલુ ગ્રાહકોને રાહત મળવાની શક્યતા છે. સામાન્ય રીતે ઘરોમાં ઓછી ક્ષમતાની સોલાર સિસ્ટમ લગાવવામાં આવે છે. આવા ગ્રાહકો રાજ્ય વીજળી નિયમન પંચ દ્વારા નક્કી કરવામાં આવેલી મર્યાદામાં આવી શકે છે.આથી નાના ગ્રાહકોને વધારાના નેટ મીટરિંગ ચાર્જમાંથી રાહત મળી શકે છે. બીજી તરફ મોટા બંગલા, કોમર્શિયલ બિલ્ડિંગ, ઓફિસો અને ઔદ્યોગિક એકમોમાં વધારે ક્ષમતાની સોલાર સિસ્ટમ લગાવનારાઓને વધારાનો ખર્ચ થઈ શકે છે.તેમણે બેટરી સ્ટોરેજ સિસ્ટમ લગાવવાની સાથે નેટ મીટરિંગ માટે પણ વધારાના પૈસા ચૂકવવા પડી શકે છે.
8/9
સરકારે વીજળીના બિલને લઈને પણ ગ્રાહકોને રાહત આપતો એક પ્રસ્તાવ રજૂ કર્યો છે. ઘણી વખત કોઈ ટેકનિકલ ખામી કે મીટરની સમસ્યાને કારણે અચાનક વીજળીનું બિલ ખૂબ વધારે આવી જાય છે. તો ક્યારેક બિલમાં સામાન્ય કરતાં ઘણી ઓછી રકમ પણ જોવા મળે છે.નવા ડ્રાફ્ટ પ્રમાણે જો કોઈ મહિનાનું વીજળીનું બિલ અગાઉના છ બિલિંગ સાઇકલની સરેરાશ રકમ કરતાં પાંચ ગણાથી વધારે આવે અથવા સરેરાશના પાંચમા ભાગ કરતાં પણ ઓછું આવે તો વીજ કંપનીએ પોતાની રીતે તેની તપાસ કરવી પડશે.આવી ભૂલને 30 દિવસની અંદર સુધારવાની દરખાસ્ત કરવામાં આવી છે.
ADVERTISEMENT
9/9
આ પ્રસ્તાવમાં ગ્રાહકો માટે સૌથી મોટી રાહતની વાત એ છે કે વીજળીના બિલમાં ગડબડ હોય તો તપાસ પૂરી થાય ત્યાં સુધી ગ્રાહકનું વીજ કનેક્શન કાપવામાં નહીં આવે.આ સમય દરમિયાન ગ્રાહક અગાઉના છ વીજળીના બિલની સરેરાશ જેટલી રકમ ચૂકવે તો વીજ કંપની તેનું કનેક્શન કાપી શકશે નહીં. એટલે કે બિલમાં અચાનક મોટો વધારો થાય તો ગ્રાહકને તપાસ પૂરી થાય ત્યાં સુધી રાહત મળી શકે છે.સરકારના આ પ્રસ્તાવનો હેતુ સોલાર વીજળીના ઉપયોગને વધુ વ્યવસ્થિત બનાવવાની સાથે વીજળી ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવાનો છે. જોકે, આ ફેરફારો હાલ ડ્રાફ્ટમાં સૂચવવામાં આવ્યા છે. અંતિમ નિયમો જાહેર થયા બાદ જ ગ્રાહકોને તેના અમલ અંગે સ્પષ્ટતા મળશે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ