બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / ગુનાહિત કૃત્યો ડામવા રાજકોટ પોલીસની મોટી કાર્યવાહી, સોશિયલ મીડિયામાં રોફ જમાવનારાઓને પણ આડેહાથ લીધા
Last Updated: 06:23 PM, 30 July 2026
રાજકોટ: છેલ્લા કેટલાક મહિનાથી શહેરમાં ફાયરિંગની સતત બની રહેલી ઘટનાઓ બાદ રાજકોટ પોલીસ હવે એક્શન મોડમાં આવી ગઈ છે. દિવાળી દરમિયાન થયેલા ગેંગ ફાયરિંગથી લઈને તાજેતરમાં બનેલી હત્યા સુધીની ઘટનાઓને ધ્યાનમાં રાખીને પોલીસ કમિશનર બ્રિજેશકુમાર ઝાએ કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા મોટો નિર્ણય લીધો છે. હથિયારના લાયસન્સનો દુરુપયોગ કરનાર અને સોશિયલ મીડિયામાં હથિયારો સાથે ફોટા-વીડિયો પોસ્ટ કરીને રોફ જમાવનારાઓ સામે કડક કાર્યવાહી કરતાં શહેરમાં અત્યાર સુધી 450થી વધુ હથિયારના લાયસન્સ રદ્દ કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT
રાજકોટમાં છેલ્લા છ મહિનામાં ફાયરિંગની ત્રણથી વધુ ગંભીર ઘટનાઓ નોંધાઈ છે. દિવાળીના સમયગાળા દરમિયાન પેંડા અને મૂર્ધા ગેંગ વચ્ચે થયેલા ફાયરિંગ બાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાનો મુદ્દો ચર્ચામાં આવ્યો હતો. ત્યારબાદ રામદેવ ડાંગર અને દિવ્યરાજ સરવૈયા દ્વારા કરવામાં આવેલા ફાયરિંગની ઘટના સામે આવી હતી. તાજેતરમાં નાનામૌવા ગામમાં કૃષ્ણસિંહ જાડેજા નામના યુવકની ગોળી મારીને હત્યા કરવામાં આવતા પોલીસ વધુ સતર્ક બની છે.
ADVERTISEMENT
રાજકોટ પોલીસના જણાવ્યા અનુસાર કેટલાક લાયસન્સ ધારકો સોશિયલ મીડિયામાં રિવોલ્વર અને પિસ્તોલ સાથે ફોટા તથા વીડિયો વાયરલ કરીને દબદબો ઉભો કરવાનો પ્રયાસ કરતા હતા. કેટલાક લોકો જાહેરમાં ફાયરિંગ કરવા અથવા ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હોવાનું પણ સામે આવ્યું હતું. આવા તમામ કેસોની સમીક્ષા બાદ પોલીસ કમિશનરે 450થી વધુ હથિયારના લાયસન્સ રદ્દ કરવાનો નિર્ણય લીધો છે.
ADVERTISEMENT
ગુજરાતમાં મુખ્યત્વે બે પ્રકારના હથિયારના લાયસન્સ આપવામાં આવે છે. એક પ્રોહિબિટેડ (Prohibited) અને બીજું નોન-પ્રોહિબિટેડ (Non-Prohibited) લાયસન્સ.
ADVERTISEMENT
નોન-પ્રોહિબિટેડ (NPB) લાયસન્સ સામાન્ય નાગરિકોને નિર્ધારિત શરતો હેઠળ આપવામાં આવે છે. આ લાયસન્સ હેઠળ રિવોલ્વર અને પિસ્તોલ જેવા હથિયારો રાખી શકાય છે.
પ્રોહિબિટેડ બોર (PB) લાયસન્સ હેઠળ આવતા અત્યાધુનિક અને હાઈ-કેલિબર હથિયારો માટે ખાસ મંજૂરી જરૂરી હોય છે અને આવા લાયસન્સ માત્ર અત્યંત વિશિષ્ટ સંજોગોમાં અથવા સરકાર દ્વારા અધિકૃત વ્યક્તિઓને જ આપવામાં આવે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
નિવૃત્ત ડીવાયએસપી સી.પી. દલાલના જણાવ્યા મુજબ લાયસન્સ રદ્દ થયા બાદ સંબંધિત વ્યક્તિએ પોતાનું હથિયાર પોલીસ સ્ટેશનમાં જમા કરાવવું પડે છે. ત્યારબાદ હથિયારનું શું કરવું તે અંગે પોલીસ કમિશનર અથવા સક્ષમ અધિકારીની મંજૂરી લેવી પડે છે.
લાયસન્સ ધારકને સામાન્ય રીતે એક મહિનાથી લઈને 12 મહિના સુધીનો સમય આપવામાં આવી શકે છે, જેમાં તે કાયદેસર રીતે લાયસન્સ ધરાવતી અન્ય વ્યક્તિને હથિયાર વેચી શકે છે અથવા ટ્રાન્સફર કરી શકે છે. જો નિયત સમયગાળામાં હથિયારનો નિકાલ કરવામાં ન આવે તો કાયદાકીય જોગવાઈ મુજબ તેની હરાજી પણ થઈ શકે છે. હથિયારની કિંમત 2 લાખ રૂપિયા હોય કે 10 લાખ રૂપિયા, નિયમો દરેક માટે સમાન રીતે લાગુ પડે છે.
શહેરી વિસ્તારમાં હથિયારના લાયસન્સ આપવા અને રદ્દ કરવાની સત્તા પોલીસ કમિશનર પાસે હોય છે, જ્યારે જિલ્લા વિસ્તારમાં આ સત્તા જિલ્લા કલેક્ટર પાસે રહે છે. જો કોઈ વ્યક્તિને લાયસન્સ રદ્દ કરવાનો નિર્ણય અન્યાયી લાગે તો તે રાજ્યના ગૃહ વિભાગ સમક્ષ અથવા કોર્ટમાં અપીલ કરી શકે છે.
રાજકોટ પોલીસનું કહેવું છે કે કાયદાનો ભંગ કરનાર અથવા હથિયારનો દુરુપયોગ કરનાર સામે આવી કાર્યવાહી આગામી સમયમાં પણ ચાલુ રહેશે. શહેરમાં શાંતિ અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે પોલીસ વધુ કડક વલણ અપનાવી રહી છે. પોલીસનું માનવું છે કે હથિયારનું લાયસન્સ માત્ર મંજૂરી નથી, પરંતુ જવાબદારી પણ છે. નિયમોનો ભંગ કરનાર સામે લેવામાં આવેલી કાર્યવાહી અન્ય તમામ લાયસન્સ ધારકો માટે પણ ચેતવણી સમાન છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.