બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / "એ ઓસ્ટ્રેલિયા ગયા છે.. કંપનીમાં ફોનની પરમિશન નથી" કહી પત્નીએ 2 વર્ષ પતિની હત્યાનો રાઝ છુપાવ્યો, આખરે એક સવાલે કર્યો પર્દાફાશ
Last Updated: 06:11 PM, 30 July 2026
જામનગરમાં બે વર્ષથી ગુમ થયેલા એક યુવકની કહાની આખરે એવા વળાંક પર પહોંચી કે પોલીસ પણ ક્ષણભર માટે ચોંકી ઉઠી. પરિવારને સતત કહેવામાં આવતું હતું કે 'જીગ્નેશ ઓસ્ટ્રેલિયામાં નોકરી કરે છે... ત્યાં કંપનીમાં ફોન રાખવાની કે વાત કરવાની પરવાનગી નથી.' આ એક જ બહાના પર આખા પરિવારને બે વર્ષ સુધી વિશ્વાસમાં રાખવામાં આવ્યો. પરંતુ જ્યારે પરિવારના એક સભ્યે કહ્યું કે, "હું ઓસ્ટ્રેલિયા જાઉં છું... નંબર આપો, તેને મળી આવીશ," ત્યારે આખા કાવતરાનો પર્દાફાશ થયો
ADVERTISEMENT
આ કેસ માત્ર ગુમ થયેલા વ્યક્તિનો નથી. પોલીસે ખુલાસો કર્યો છે કે આ સમગ્ર ઘટના પાછળ પ્રેમપ્રકરણ, પૂર્વયોજિત કાવતરું અને સનસનાટીભરી હત્યા છુપાયેલી હતી. કેસની મોડસ ઓપરેન્ડી જોઈને લોકોને અજય દેવગણની ફિલ્મ 'દૃશ્યમ' યાદ આવી રહી છે, જ્યારે પત્ની અને પ્રેમીનું કાવતરું મધ્યપ્રદેશના ચર્ચિત સોનમ રઘુવંશી કેસ સાથે પણ સરખાવવામાં આવી રહ્યો છે.
ADVERTISEMENT
પોલીસ તપાસ મુજબ મૃતક જીગ્નેશ ધર્મેશભાઈ માવદીયાના લગ્નને લગભગ પાંચ વર્ષ થયા હતા. તપાસમાં સામે આવ્યું છે કે તેની પત્ની પૃથ્વી માવદીયાના લગ્ન પહેલાંથી જ નિલેશ મનસુખભાઈ કછેટીયા સાથે પ્રેમસંબંધ હતા. લગ્ન બાદ પણ બંને વચ્ચેનો સંપર્ક યથાવત રહ્યો અને થોડા સમય બાદ બંનેએ જીગ્નેશને રસ્તામાંથી હટાવવાનો પ્લાન ઘડ્યો.

ADVERTISEMENT
પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓએ જીગ્નેશને દારૂમાં સાયનાઇડ ભેળવી પીવડાવ્યું, જેના કારણે તેનું મોત થયું. ત્યારબાદ પુરાવા નાશ કરવા માટે મૃતદેહને દરેડ વિસ્તારમાં આવેલા એક કારખાનામાં લઈ જઈ અંદાજે 12 ફૂટ ઊંડો ખાડો ખોદી દાટી દેવાયો.
ADVERTISEMENT
હત્યા પછી સૌથી ચોંકાવનારો ભાગ શરૂ થયો. પત્નીએ પરિવારને સતત સમજાવ્યું કે જીગ્નેશ ઓસ્ટ્રેલિયામાં છે અને જ્યાં નોકરી કરે છે ત્યાં ફોન રાખવાની મંજૂરી નથી. આ કારણસર તે કોઈની સાથે સંપર્ક કરી શકતો નથી.
પરિવાર પણ શરૂઆતમાં આ વાત માની બેઠો. પરંતુ સમય પસાર થતો ગયો અને બે વર્ષ સુધી જીગ્નેશનો એક પણ ફોન કે મેસેજ ન આવતા શંકા ઊભી થવા લાગી.
ADVERTISEMENT
કેસમાં સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ ત્યારે આવ્યો જ્યારે મૃતકના ભાઈએ જણાવ્યું કે પરિવારનો જ એક સભ્ય ઓસ્ટ્રેલિયા જવાનો છે અને જીગ્નેશનો સંપર્ક કરાવવો પડશે. તેમણે પત્નીને કહ્યું કે નંબર આપો, ત્યાં જઈને તેને મળી લઈશું.
ADVERTISEMENT

પોલીસના જણાવ્યા મુજબ આ સવાલ સાંભળતાં જ પત્ની ગભરાઈ ગઈ. ત્યારબાદ પોલીસ સમક્ષ સમગ્ર મામલાની પૂછપરછ શરૂ થઈ અને આખરે તેણે ગુનો કબૂલી લીધો હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
આરોપીઓની કબૂલાતના આધારે પોલીસે દરેડ વિસ્તારમાં દર્શાવેલા સ્થળે ફોરેન્સિક નિષ્ણાતોની હાજરીમાં ખોદકામ શરૂ કર્યું છે. પોલીસને આશંકા છે કે મૃતદેહના અવશેષો ત્યાંથી મળી શકે છે. હાલ વૈજ્ઞાનિક પુરાવા એકત્ર કરવાની પ્રક્રિયા ચાલુ છે.
આ પણ વાંચો- હવામાન વિભાગની મોટી ચેતવણી, આગામી ચાર દિવસ મેઘો તાંડવ કરશે, અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં રેડ એલર્ટ
ASP પ્રતિભા રાયના જણાવ્યા મુજબ, પરિવાર તરફથી અરજી મળી હતી કે જીગ્નેશ બે વર્ષથી ગુમ છે અને પત્ની સતત કહેતી હતી કે તે ઓસ્ટ્રેલિયામાં છે. જ્યારે પરિવારજનોએ ઓસ્ટ્રેલિયામાં મળી આવવાની વાત કરી ત્યારે પત્ની પર દબાણ વધ્યું. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે પત્નીએ પોતાના પ્રેમી સાથે મળીને જીગ્નેશને દારૂમાં સાયનાઇડ આપીને મારી નાખ્યો અને લાશને કારખાનામાં દાટી દીધી હતી. હાલ સ્થળ પરથી પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી ચાલી રહી છે.
આ કેસમાં બે વર્ષ સુધી હત્યાને ગુમ થયેલા વ્યક્તિના કેસ તરીકે જીવંત રાખવાનો પ્રયાસ થયો. પરિવારને ખોટી વાતો કહી ગેરમાર્ગે દોરવામાં આવ્યો, મૃતદેહ જમીનમાં દાટી દેવાયો અને આખી કહાની ઓસ્ટ્રેલિયાની નોકરીની આસપાસ ગૂંથાઈ. પરંતુ એક સવાલે આખી સ્ક્રિપ્ટ તોડી નાખી.
હવે પોલીસે પત્ની પૃથ્વી જીગ્નેશ માવદીયા અને તેના પ્રેમી નિલેશ મનસુખભાઈ કછેટીયા સામે હત્યા, પુરાવા નાશ કરવા સહિતની ગંભીર કલમો હેઠળ કાર્યવાહી શરૂ કરી છે. બે વર્ષથી રહસ્ય બનેલો ગુમ વ્યક્તિનો કેસ હવે જામનગરના સૌથી ચર્ચિત મર્ડર મિસ્ટ્રીમાં ફેરવાઈ ગયો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.