સરકાર વિકાસની વાતો કરે. કરોડો રૂપિયા પણ પાણીની જેમ વહાવે. પરંતુ વિકાસ કોણ કરશે? આ સવાલ આજે સૌથી મોટો છે. કારણ કે, સરકાર કરોડો રૂપિયા આપી વિકાસના કાર્યોને લીલીજંડી આપે. પરંતુ આ વિકાસના કાર્યોને પૂર્ણ કરાવવાની જેમની જવાબદારી છે તે તંત્ર ઊંઘતું રહે છે. આવો જ એક કિસ્સો સુરતમાં સામે આવ્યો છે. જ્યાં કરોડોના ખર્ચે બ્રિજ તો તૈયાર થઈ રહ્યો છે. પરંતુ તેમાં ઉપયોગમાં લેવાતું લોખંડ કટાઈ ગયું છે.
બ્રિજ સીટીના એક ઓવરબ્રિજના સળિયાને લાગ્યો કાટ
કરોડાના કામકાજમાં ભ્રષ્ટાચાર આચરાયાની આવી ગંધ
સુરત શહેરને બ્રિજ સીટી તરીકે પણ ઓળખવામાં આવે છે ત્યારે શહેરમાં અનેક બ્રિજ હાલ સુધી નિર્માણ પામ્યા છે પરંતુ રિંગ રોડને પૂર્ણ કરતો એક બ્રિજ જે બાકી હતો તેનું કામ હાલ ચાલી રહ્યું છે ત્યારે વિપક્ષ દ્વારા આ બ્રિજમાં વાપરવામાં આવતા સળિયા કાટ લાગેલા હોવાનો આક્ષેપ કર્યો હતો જો કે આ મામલે મનપા હાલ કંઇપણ બોલવા માટે તૈયાર નથી.
સુરતમાં આકાર પામ્યા છે 100 થી વધુ બ્રિજ
સુરત શહેરના અનેક હુલામણાં નામ છે ત્યારે શહેરમાં આવેલ અનેક બ્રિજોને કારણે શહેરનું હુલામણું નામ બ્રિજ સિટી પણ પડ્યુ છે. શહેરમાં 100થી વધુ બ્રિજો નિર્માણ પામ્યા બાદ લોકો માટે ખુલ્લા પણ મુકી દેવામાં આવ્યા છે. શહેરના મધ્યમાંથી પસાર થતાં રીંગરોડ ઉપર ફક્ત એક જ બ્રિજ બાકી હતો જેનું કામ પણ છેલ્લા કેટલાંક મહિનાઓથી ચાલી રહ્યું છે. ત્યારે આ બ્રિજ બનાવવાનો કોન્ટ્રાક્ટ એક ખાનગી કંપનીને સોંપી દેવામાં આવ્યો છે.
બ્રિજના સ્લેબમાં વાપરવામાં આવેલ સળિયાને લાગ્યો કાટ
પરંતુ આ બ્રિજના નિર્માણ કાર્ય પાસેથી પસાર થતાં જ કોંગ્રેસના કોર્પોરેટરની આંખ સામે એક વાત આવી અને તેમના દ્વારા આ બ્રિજના સ્લેબના સમયે વાપરવામાં આવતા સળિયા કાટ લાગેલા હોવાનું ધ્યાને આવ્યું તેમના દ્વારા આ બાબતે મનપા કમિશ્નર સહિત શહેરના બ્રિજ સેલમાં ફરિયાદ પણ કરવામાં આવી.
કાટ લાગેલ સળિયાને કલર મારવાનો હોય પરંતુ...
આ બાબતની ખરાઇ કરવા માટે VTV ટીમ જ્યારે બ્રિજ પાસે પહોંચી તો ટીમના ધ્યાને પણ આ વાત આવી અને ખરેખર સળિયાએ કાટ લાગેલા જોવા મળ્યા હતા. ખરેખર કાટ લાગેલા સળિયાને કલર માર્યા બાદ વાપરવાના હોય પરંતુ તે બાબતે મનપાનું ધ્યાન નથી.
અધિકારીઓની મિલીભગત આવી સામે
મનપાના અધિકારીઓ દ્વારા આ જ્યારે પણ વિકાસના કામો થતાં હોય ત્યારે ત્યાં વિઝીટ કરીને તમામ કાર્યો ઉપર બાજ નજર રાખવા સાથે મટિરીયલની વિગતો પણ નોંધવાની હોય છે પરંતુ અધિકારીઓની મિલીભગતને કારણે કદાચ કટાઇ ગયેલા સળિયા આ બ્રિજમાં વાપરવામાં આવતા હોઇ શકે.
આ મામલે કોંગ્રેસ પણ હવે લડી લેવા મૂડમાં હોય તેમ જ્યાં પણ મનપાના કાર્યો ચાલતા હશે ત્યાં જનતા રેડ કરવાની વાત કરી રહી છે પરંતુ કોંગ્રેસ દ્વારા જનતા રેડ મામલે સુરતની જનતા કેટલો સહયોગ કરે છે તે જોવાનું રહ્યું.