અફઘાનિસ્તાનના કાબૂલમાં છેલ્લા ડોઢ મહિનાથી આતંકીઓએ અપહરણ કરેલી ભારતીય જૂડિથ ડિસોજા સહીસલામત રીતે છોડવવામાં આવી છે. વિદેશ મંત્રી સુષમા સ્વરાજે ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે "જૂડિથ હવે આપણી સાથે છે સુરક્ષિત છે. જલદી જ તે કાબૂલથી પોતાના ઘરે પાછી ફરશે."
મળનારી માહિતી પ્રમાણે જૂડિથ શનિવાર સાંજે સુધીમાં દિલ્હી પહોંચી જશે. ત્યાર બાદ તે કોલકાતા રવાના થશે. સુષમા સ્વરાજે જૂડિથને સલામત રીતે છોડવવા બદલ અફઘાનિસ્તાનમાં પોતાના એમ્બેસેડર મનપ્રીત વોહરાને શુભેચ્છા પાઠવી હતી. સાથે સાથે તેમણે અફઘાનિસ્તાન પ્રશાસનનો પણ જૂડિથને છોડવવામાં મદદ કરી તે બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
જૂડિથના ભાઈ જેરોમે શુક્રવારના રોજ રાજધાની દિલ્હીમાં સુષમા સ્વરાજ સાથે મુલાકાત કરીને પોતાની બહેનને સુરક્ષિત રીતે છોડવવા માટે મદદ માંગી હતી. જેરોમે જણાવ્યું હતું કે તેણે વિદેશ મંત્રી સુષમા સ્વરાજના નિવાસસ્થાન પર જઈને તેમની મુલાકાત લીધી હતી. સ્વરાજે જૂડિથના ભાઈને ભરોસો અપાવ્યો હતો કે જૂડિથને હેમખેમ પાછી લાવવા બનતી બધી કોશિશ કરશે. તમણે અપાવેલા ભરોસાને કારણે જૂડિથના ભાઈમાં આશાનું કિરણ જાગ્યું હતું કે જૂડિથ જલદી ઘરે પાછી ફરશે.