ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / નેપાળ જળપ્રલય: 3-3 દિવસ વીતી ગયાં, છતાંય મૃતદેહ અટકવાનું નામ નથી લઇ રહ્યાં, 469ના મોત

વિશ્વ / નેપાળ જળપ્રલય: 3-3 દિવસ વીતી ગયાં, છતાંય મૃતદેહ અટકવાનું નામ નથી લઇ રહ્યાં, 469ના મોત

Published By: Bijal Vyas

Last Updated: 10:19 AM, 28 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નેપાળ-તિબેટ સરહદ પર આવેલા વિનાશક પૂરના ત્રણ દિવસ બાદ પણ કાટમાળમાંથી મૃતદેહો મળી રહ્યા છે. મૃત્યુઆંક 469 પર પહોંચ્યો છે, જ્યારે 30થી વધુ દેશોના નાગરિકો હજુ પણ ગુમ છે, જેમાં સૌથી મોટું જૂથ 288 ભારતીયોનું છે. ભારત, અમેરિકા, બ્રિટન અને શ્રીલંકાએ સહાયની જાહેરાત કરી છે, જ્યારે યુપી અને ઉત્તરાખંડના વહીવટીતંત્રને પણ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.

ADVERTISEMENT

નેપાળ-તિબેટ સરહદ પર વિનાશક પૂર આવ્યાને ત્રણ દિવસ વીતી ગયા હોવા છતાં, કાટમાળમાંથી મૃતદેહો બહાર કાઢવાની કામગીરી યથાવત છે. મૃત્યુઆંક હવે 469 પર પહોંચી ગયો છે.

સૌથી ચિંતાની વાત એ છે કે, આ ઘટના બાદ ભારત, અમેરિકા, ચીન, યુકે, ઓસ્ટ્રેલિયા, કેનેડા અને યુક્રેન સહિત લગભગ 30 દેશોના નાગરિકો જેમાં પ્રવાસીઓ અને કામદારોનો સમાવેશ થાય છે. લાપતા હોવાના અહેવાલ છે. નેપાળ પોલીસના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં હેલિકોપ્ટર અને જમીની માર્ગો દ્વારા આશરે 1600 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે, તેમ છતાં અન્ય સેંકડો લોકો ક્યાં છે તેની કોઈ માહિતી મળી નથી.

બચાવ અને રાહત કાર્ય

નેપાળ પોલીસના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 796 લોકોને હેલિકોપ્ટર દ્વારા અને અન્ય 796 લોકોને જમીન માર્ગે સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. સૌથી વધુ મૃતદેહો 137 ચિતવન જિલ્લામાંથી મળી આવ્યા છે, જ્યારે રસુવા, નુવાકોટ, ધાદિંગ, ગોરખા, તનાહું અને નવલપરાસી જિલ્લામાંથી પણ મૃતદેહો મળી આવ્યા છે. પૂરને કારણે 35 પુલ, 45 સસ્પેન્શન બ્રિજ અને આશરે 40 કિલોમીટરના રસ્તાઓ નાશ પામ્યા છે. ત્રિશુલી અને દેવીઘાટ જેવા જળવિદ્યુત પ્રોજેક્ટ્સને પણ નુકસાન થયું છે.

નેપાળના વડાપ્રધાન બાલન શાહે ગુરુવારે નુવાકોટ જિલ્લાની બિદુર નગરપાલિકાની મુલાકાત લીધી અને પરિસ્થિતિની જાણકારી મેળવી. આ દરમિયાન, ચીનના વડાપ્રધાન લી કિયાંગે પણ તિબેટના ગ્યિરોંગ વિસ્તારની મુલાકાત લીધી, જ્યાં ચીની સેનાની એક વિશેષ ટીમ રાહત કામગીરીમાં જોડાયેલી છે.

ભારત તરફથી મદદ

ભારતે નેપાળને મદદ કરવા માટે અત્યાર સુધીમાં દવાઓ અને ખાદ્ય સામગ્રીના પેકેટ્સ સહિત 47.5 ટન રાહત સામગ્રી મોકલી છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે કાઠમંડુ અને બેઇજિંગ સ્થિત ભારતીય દૂતાવાસો સાથેની બેઠકમાં પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. અત્યાર સુધીમાં કુલ 84 ભારતીય નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે, જેમાં ત્રિશુલી-1 હાઇડ્રોપાવર પ્રોજેક્ટના 63 કામદારો અને તમિલનાડુના 21 વ્યક્તિઓનો સમાવેશ થાય છે.

કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું હતું કે ભારત નેપાળને તમામ શક્ય મદદ પૂરી પાડશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેપાળના નેતૃત્વ સાથે વ્યક્તિગત રીતે વાતચીત કરી અધિકારીઓને રાહત સામગ્રી મોકલવાની સૂચના આપી છે.

અન્ય દેશોની મદદ

અમેરિકાએ અસરગ્રસ્તો માટે 5 લાખ ડોલરની સહાયની જાહેરાત કરી છે. બ્રિટને 5 મિલિયન પાઉન્ડની સહાયનું વચન આપ્યું છે અને કટોકટી રાહત ટીમો તૈનાત કરવાની જાહેરાત કરી છે, કારણ કે આ દુર્ઘટના બાદ લગભગ 33 બ્રિટિશ નાગરિકો પણ ગુમ છે. શ્રીલંકાએ પણ 1 મિલિયન ડોલરની આર્થિક સહાયની ઓફર કરી છે.

ક્યા દેશના કેટલા લોકો લાપતા?

નેપાળની આપત્તિ વ્યવસ્થાપન એજન્સીના જણાવ્યા અનુસાર, માત્ર નેપાળમાં જ 910 લોકો ગુમ થયા છે. તેમાં 113 નેપાલી પ્રવાસીઓ, 85 સૈન્ય અને પોલીસ જવાનો તથા રાસુવા જિલ્લાના 161 સ્થાનિક રહેવાસીઓનો સમાવેશ થાય છે. તિબેટ તરફ, ચીનના સરકારી મીડિયાના અહેવાલ મુજબ 558 લોકો ગુમ થયા છે, જેમાં અંદાજે 260 વિદેશી નાગરિકોનો પણ સમાવેશ થાય છે.

ભારતના વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, અત્યાર સુધી 288 ભારતીય નાગરિકોનો સંપર્ક થઈ શક્યો નથી. તેમાંથી 73 લોકો એક જળવિદ્યુત પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા હતા, જ્યારે અન્ય ઘણા લોકો કૈલાશ માનસરોવર યાત્રા પર હતા. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે અહેવાલ આપ્યો છે કે તેમના 90 નાગરિકોની કોઈ ખબર મળી નથી. જોકે, અત્યાર સુધી કોઈ અમેરિકન નાગરિકના મૃત્યુની પુષ્ટિ થઈ નથી અને ત્રણ વ્યક્તિઓને બચાવી લેવામાં આવ્યા છે.

લાપતા થયેલા નાગરિકોમાં મલેશિયાના 51, યુક્રેનના 55, ઓસ્ટ્રેલિયાના 39 અને બ્રિટનના 33 નાગરિકોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, કેનેડાના 25, દક્ષિણ કોરિયાના 9, સિંગાપોર અને જર્મનીના પ્રત્યેકના 8, રશિયાના 8, દક્ષિણ આફ્રિકા અને લાતવિયાના પ્રત્યેકના 6, જાપાન અને ન્યુઝીલેન્ડના પ્રત્યેકના 5, ફ્રાન્સના 4 તેમજ બેલ્જિયમ અને સ્પેનના પ્રત્યેકના 3 નાગરિકો પણ લાપતા છે.

આ યાદીમાં ઇટાલી, કઝાકિસ્તાન, પોર્ટુગલ, આયર્લેન્ડ અને નેધરલેન્ડના 2-2 નાગરિકોનો પણ સમાવેશ થાય છે, જ્યારે બેલારુસ, ફિનલેન્ડ, હંગેરી, ઇઝરાયેલ, લિથુઆનિયા, ફિલિપાઇન્સ, બલ્ગેરિયા, સ્વિત્ઝરલેન્ડ, સર્બિયા અને સ્વીડનમાંથી દરેકના એક-એક નાગરિક ગુમ થયા હોવાના અહેવાલ છે.

ઉત્તર પ્રદેશમાં પણ એલર્ટ

વહીવટીતંત્રે નેપાળની સરહદને અડીને આવેલા ઉત્તર પ્રદેશના મહારાજગંજ અને કુશીનગર જિલ્લામાં હાઈ એલર્ટ જાહેર કર્યું છે. ગંડક નદીના જળસ્તર પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સૂચનાના આધારે, 32 સભ્યોની SDRF ટીમ અને 22 PAC જવાનોને નેપાળમાં તૈનાત કરવામાં આવ્યા છે. બલિયા જિલ્લાના રાસરા નગરના રહેવાસી ઉષા દેવી અને તેમના પુત્ર રાહુલ ગુમ થયા હોવાના અહેવાલો પણ છે. ઘટના બની ત્યારે તેઓ તેમની દુકાન પર હાજર હતા. પાણીના પ્રવાહમાં સતત વધારો થવાને કારણે બિહારના વાલ્મીકિનગર બેરેજના તમામ 36 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે.

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકવા માટે રાજ્યના 13 સંવેદનશીલ ગ્લેશિયર ઝીલો પર દેખરેખ વધારવાનો પણ નિર્દેશ આપ્યો છે.

આખરે શું થયુ હતું?

ઉલ્લેખનીય છે કે, બુધવારે, નેપાળ-ચીન સરહદ નજીક આવેલા માઉન્ટ લાંગટાંગ લિરુંગ પાસેના ગ્લેશિયરનો એક મોટો ભાગ અચાનક તૂટી પડ્યો. આ સાથે જ પર્વતની ખડકાળ સપાટીમાં પણ તિરાડ પડી, જેના પરિણામે બરફ, ખડકો અને કાટમાળનો વિશાળ જથ્થો નીચે ખીણમાં ધસી આવ્યો.

કાટમાળ સૌપ્રથમ લેન્ડે નદીમાં પડ્યો, જેનાથી તેનો પ્રવાહ કામચલાઉ ધોરણે અટકી ગયો. જોકે, આ કામચલાઉ અવરોધ જેવો દૂર થયો કે તરત જ પાણી અને કાટમાળનો પ્રચંડ પ્રવાહ ભોટે કોશી અને ત્રિશુલી નદી પ્રણાલીઓમાં ધસી આવ્યો અને મધ્ય નેપાળના અનેક વિસ્તારોમાં ભારે તબાહી મચાવી.

આ પણ વાંચોઃ હિમાલયના હિમનદી તળાવો બન્યા ખતરો, બિહાર-યુપી-ઉત્તરાખંડમાં GLOFનું જોખમ

આ ઘટનાની તપાસ કર્યા બાદ, USGS એ અહેવાલ આપ્યો કે શરૂઆતમાં જેને 4.4ની તીવ્રતાનો ભૂકંપ માનવામાં આવતો હતો, તે વાસ્તવમાં ભૂકંપને લગતી કોઈ ઘટના નહોતી. પરંતુ તે ગ્લેશિયર તૂટી પડવા અને તેના પરિણામે કાટમાળના પ્રવાહને કારણે સર્જાયેલી એક હલચલ હતી. વૈજ્ઞાનિકો જણાવે છે કે આ પતન પ્રક્રિયામાં માત્ર ગ્લેશિયર જ નહીં, પરંતુ તેની નીચે રહેલા ખડકોનો અમુક હિસ્સો પણ સામેલ હતો, અને તેથી જ આ વિનાશ આટલો વ્યાપક હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

missing rescue update nepal tibet flash flood death toll

Published by

Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ