ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / ખોટા વ્યક્તિને પૈસા જવાની ચિંતા થશે દૂર? NPCIનું નવું AI આસિસ્ટન્ટ સમસ્યાઓ ઉકેલવામાં કરશે મદદ
5 ફોટો ગેલેરી
Last Updated: 01:16 PM, 23 September 2026
1/5
ડિજિટલ પેમેન્ટના આ યુગમાં UPI આપણા જીવનનો અભિન્ન ભાગ બની ગયું છે. ચા-નાસ્તાની નાની ચુકવણીથી લઈને મોટા ટ્રાન્ઝેક્શન સુધી આજે લોકો UPIનો ઉપયોગ કરી રહ્યા છે. પરંતુ ક્યારેક પેમેન્ટ અટકી જવું, પૈસા ખોટી જગ્યાએ ટ્રાન્સફર થઈ જવા, જૂની ચુકવણી નિષ્ફળ થવી કે AutoPayને કારણે ખાતામાંથી રકમ કપાઈ જવા જેવી સમસ્યાઓ પણ સામે આવે છે. આવી સ્થિતિમાં ફરિયાદ કરવા માટે લાંબા ફોર્મ ભરવા પડે અથવા યોગ્ય માહિતી શોધવામાં સમય લાગે છે. હવે આ મુશ્કેલીને સરળ બનાવવા માટે BHIM Payments Appએ મોટું પગલું ભર્યું છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)ની પેટાકંપની NBSL દ્વારા 22 સપ્ટેમ્બરે 'MyUPI' નામનું AI આસિસ્ટન્ટ લોન્ચ કરવામાં આવ્યું છે. આ સુવિધા Global Fintech Fest 2026માં રજૂ કરવામાં આવી હતી.
2/5
MyUPI માત્ર સામાન્ય સુવિધા નથી, પરંતુ કૃત્રિમ બુદ્ધિમત્તા એટલે કે AI આધારિત સાથી તરીકે કામ કરશે. હાલમાં આ સુવિધા હિન્દી, અંગ્રેજી, તેલુગુ, બંગાળી અને તમિલ ભાષામાં 24/7 ઉપલબ્ધ છે. જો યુઝરને પોતાના ભૂતકાળના ટ્રાન્ઝેક્શન વિશે માહિતી જોઈતી હોય અથવા કોઈ ફરિયાદ નોંધાવવી હોય તો તે પોતાની સ્થાનિક ભાષામાં ટાઇપ કરીને મદદ માંગી શકે છે. આ સુવિધા BHIM એપના 'Quick Action' વિભાગમાં સરળતાથી ઉપલબ્ધ રહેશે. ફરિયાદ સબમિટ કર્યા બાદ યુઝરને એક રેફરન્સ નંબર મળશે, જેના આધારે તે પોતાની ફરિયાદનું સ્ટેટસ પણ સરળતાથી ટ્રેક કરી શકશે. એટલે હવે UPI સંબંધિત સમસ્યા માટે લાંબી પ્રક્રિયા કરવાની જરૂર નહીં રહે.
ADVERTISEMENT
3/5
ઓનલાઈન છેતરપિંડીના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે MyUPIમાં સુરક્ષાને પણ ખાસ મહત્વ આપવામાં આવ્યું છે. તેમાં 'Pay Safe' વિકલ્પ આપવામાં આવ્યો છે, જેના દ્વારા પેમેન્ટ કરતા પહેલાં અન્ય વ્યક્તિનો UPI ID અથવા QR કોડ નાખીને તેનું સાચું નામ ચકાસી શકાશે. આ ઉપરાંત 'Safety Switch' પણ આપવામાં આવ્યું છે. જો કોઈને પોતાનો મોબાઇલ ફોન ચોરાઈ ગયો હોવાની, બેંક એકાઉન્ટ સાથે ચેડાં થયાની અથવા કોઈ શંકાસ્પદ મેસેજ મળવાની આશંકા હોય તો તે તરત જ પોતાના બેંક એકાઉન્ટને બ્લોક કરી શકે છે. AI આસિસ્ટન્ટ નવી રીતે થતી છેતરપિંડીની પદ્ધતિઓ વિશે પણ યુઝર્સને ચેતવણી આપશે.
4/5
ઘણી વખત UPI AutoPayના કારણે પિન દાખલ કર્યા વગર ખાતામાંથી પૈસા કપાઈ જાય છે અને યુઝરને ખબર પણ નથી પડતી કે રકમ શા માટે કપાઈ. MyUPI દ્વારા યુઝર્સને પોતાના તમામ AutoPay Mandatesની સંપૂર્ણ માહિતી મળશે. જરૂરિયાત મુજબ કોઈપણ AutoPayને Pause, Resume અથવા કાયમી રીતે Cancel કરી શકાશે. જો કોઈ યુઝર પોતાના મોબાઇલ નંબર પર પૈસા મેળવવા ન માંગતો હોય તો તે નંબરને UPIમાંથી ડી-લિંક પણ કરી શકશે. આ ઉપરાંત 'Transaction Replay' વિકલ્પ પણ આપવામાં આવ્યો છે. જો જૂની ચુકવણી નિષ્ફળ ગઈ હોય તો યુઝર નવા પિન સાથે તેને ફરીથી પ્રોસેસ કરી શકશે, ભલે અગાઉનું પેમેન્ટ કોઈ અલગ એપ્લિકેશનથી કરવામાં આવ્યું હોય.
ADVERTISEMENT
5/5
MyUPI આવ્યા બાદ કેટલાક યુઝર્સના મનમાં સવાલ થઈ શકે છે કે શું AI આસિસ્ટન્ટ પોતાની રીતે પેમેન્ટ કરી દેશે? જોકે BHIM એપ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે સુરક્ષા સાથે કોઈ સમાધાન કરવામાં આવ્યું નથી. UPI PIN દાખલ કર્યા વગર કોઈપણ પેમેન્ટ પૂર્ણ થશે નહીં. NPCI BHIM Services Limitedના MD અને CEO લલિતા નટરાજના જણાવ્યા અનુસાર, આ નવી સુવિધાથી એપ વધુ વિશ્વસનીય બનશે અને ગ્રાહકો ડર્યા વગર સમયસર કાર્યવાહી કરી શકશે તેમજ સચોટ માહિતી મેળવી શકશે. હાલ MyUPI કેટલીક પ્રાદેશિક ભાષાઓમાં ઉપલબ્ધ છે અને તેને ભવિષ્યમાં અન્ય ઘણી પ્રાદેશિક ભાષાઓમાં પણ વિસ્તારવા માટે વધુ વિકાસ ચાલી રહ્યો છે. એટલે UPI યુઝર્સ માટે આ AI આસિસ્ટન્ટ પેમેન્ટની સમસ્યા ઉકેલવાની સાથે સુરક્ષા અને AutoPay પર નિયંત્રણ મેળવવામાં પણ ઉપયોગી સાબિત થઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ