ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / શહેરની હદ બહાર ઉદ્યોગો ખસેડવા 1,700 એકર જમીન અનામત, સુરેન્દ્રનગર-ખેડામાં પણ નવા ઔદ્યોગિક ક્લસ્ટર બનાવાશે
Last Updated: 02:27 PM, 23 September 2026
ADVERTISEMENT
અમદાવાદ શહેરની હદમાં હાલ કાર્યરત ઉદ્યોગોને શહેરની બહાર ખસેડવા માટે ગુજરાત સરકારે કુલ ૧,૭૦૦ એકર જમીન અનામત રાખી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની હદની બહાર ઔદ્યોગિક એકમોને ખસેડવાના હેતુથી જાહેર કરાયેલી ‘થ્રાઇવ’ (ટ્રાન્ઝિશન ફોર હાર્મોનાઇઝ્ડ રિલોકેશન એન્ડ ઇન્ક્લુઝિવ વાઇબ્રન્ટ ઇકોનોમી) યોજના હેઠળ આ જમીન નવા ઔદ્યોગિક ક્લસ્ટર માટે ફાળવવામાં આવશે. આગામી ઔદ્યોગિક ક્લસ્ટર માટે ઓળખાયેલી જમીનમાંથી આશરે ૧,૧૦૦ એકર સુરેન્દ્રનગર જિલ્લામાં અને લગભગ ૬૦૦ એકર ખેડા જિલ્લામાં અનામત રાખવામાં આવી છે.
ADVERTISEMENT

‘થ્રાઇવ’ યોજના મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં આવેલા ઉદ્યોગો માટે પ્રોત્સાહન આધારિત સ્થળાંતર નીતિ તરીકે તૈયાર કરવામાં આવી છે. સરકારનો હેતુ શહેરોમાંથી ઔદ્યોગિક પ્રવૃત્તિનું ભારણ ઘટાડવા સાથે પર્યાવરણની સ્થિતિ સુધારવાનો પણ છે. સરકારના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ અમદાવાદમાં હાલ જીઆઈડીસી એસ્ટેટમાં કાર્યરત ઉદ્યોગોને નવા ક્લસ્ટરમાં સ્થળાંતર માટે પ્રાથમિકતા આપવામાં આવશે, જોકે શહેરની હદમાં ખાનગી જમીન પર કાર્યરત ઔદ્યોગિક એકમો પણ નવા ક્લસ્ટર માટે જમીન મેળવવાપાત્ર રહેશે.
ADVERTISEMENT
સૂત્રોના જણાવ્યા મુજબ હાલના જીઆઈડીસી એસ્ટેટમાં આવેલા પ્લોટના રૂપાંતરણ અને ટ્રાન્સફરની પ્રક્રિયા સરળ બનાવવા સરકાર પગલાં વિચારી રહી છે, જેથી ઉદ્યોગોને જૂની જગ્યામાંથી બહાર નીકળવામાં મુશ્કેલી ન પડે. સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે જીઆઈડીસી એસ્ટેટમાં ઉદ્યોગો માટે ફ્રીહોલ્ડ જમીન પ્રક્રિયા સરળ બનાવવાની પણ વિચારણા ચાલી રહી છે, જેથી હાલના પ્લોટમાંથી બહાર નીકળવાની પ્રક્રિયા બિનજરૂરી વહીવટી પ્રક્રિયાના કારણે અટકી ન રહે.
ADVERTISEMENT
ગુજરાત હાઈકોર્ટે અમદાવાદ શહેરની હદ બહાર ઔદ્યોગિક એકમોને ખસેડવા અંગે અનેક વખત નિર્દેશ આપ્યાે છે. હાઈકોર્ટના નિર્દેશોના પગલે હવે ઔદ્યોગિક એકમોના સ્થળાંતરની પ્રક્રિયાને શહેરી પર્યાવરણ અને આયોજન સુધારવાના વ્યાપક હેતુ સાથે આગળ ધપાવવામાં આવી રહી છે. સરકારનો દાવો છે કે આ પગલાથી અમદાવાદને વધુ સ્વચ્છ અને પર્યાવરણને અનુકૂળ બનાવવામાં મદદ મળશે. ખાસ કરીને અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ-૨૦૩૦ અને સંભવિત ઓલિમ્પિક્સ-૨૦૩૬ માટેની તૈયારીઓ વચ્ચે શહેરના ઔદ્યોગિક માળખામાં ફેરફારની દિશામાં આ પગલું મહત્ત્વનું બની શકે છે.
ADVERTISEMENT
સ્થળાંતરનો આર્થિક ફટકો ઘટાડવા કર્મચારીદીઠ રૂ. ૫,૦૦૦ની સહાય ‘થ્રાઇવ’ નીતિ હેઠળ ઉદ્યોગોને સ્થળાંતરથી થનારી તાત્કાલિક આર્થિક અસર ઘટાડવા માટે વિવિધ પ્રોત્સાહનો આપવાની જોગવાઈ છે, તેમાં દરેક કર્મચારીને છ મહિના સુધી દર મહિને રૂ. ૫,૦૦૦ની વેતન સહાયનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ઔદ્યોગિક પાર્ક સ્થાપવા અને સામૂહિક પર્યાવરણીય માળખાકીય સુવિધાઓ ઊભી કરવા માટે મૂડી સહાય આપવાની પણ જોગવાઈ છે.
ADVERTISEMENT
જોકે, ઉદ્યોગ સંગઠનોએ સ્થળાંતરની વ્યવહારિકતા અને ખર્ચ અંગે ચિંતા વ્યક્ત કરી છે. ખાસ કરીને સ્થાનિક શ્રમબળ અને સપ્લાય ચેઇન પર નિર્ભર ઔદ્યોગિક એકમો માટે સ્થળાંતર કરવું મુશ્કેલ બની શકે છે. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (જીસીસીઆઈ)ની જીઆઈડીસી સમિતિના અધ્યક્ષ અજય પટેલે જણાવ્યું હતું કે શહેરની બહાર ઔદ્યોગિક એકમોને ખસેડવાની પ્રક્રિયા વિક્ષેપજનક બની શકે છે અને સરકાર ઇચ્છે તેવા પ્રમાણમાં ઉદ્યોગોની ભાગીદારી ન પણ મળે. તેમણે જણાવ્યું હતું કે સરકારને ઉદ્યોગોને શહેરની અંદર જ કાર્યરત રહેવાની મંજૂરી આપવી જોઈએ, કારણ કે સ્થળાંતર અત્યંત મુશ્કેલ પ્રક્રિયા છે અને તેના કારણે સમગ્ર કર્મચારીવર્ગને પણ સ્થળ બદલવું પડી શકે છે. તેમના જણાવ્યા મુજબ, કેટલાક કેમિકલ ઉદ્યોગોએ વર્ષો દરમિયાન પર્યાવરણ સંબંધિત ધોરણોનું પાલન સુધાર્યું છે. નવા સ્થળે પણ સમાન સ્તરનું પર્યાવરણીય પાલન હાંસલ કરવામાં સમય લાગશે અને તે મુશ્કેલ બની શકે છે.
ADVERTISEMENT
અજય પટેલે ચેતવણી આપતાં જણાવ્યું હતું કે જો સ્થળાંતર ફરજિયાત કરવામાં આવશે તો માત્ર આશરે ૧૦ ટકા ઔદ્યોગિક એકમો જ વાસ્તવમાં સ્થળાંતર કરે, જ્યારે અન્ય એકમો બંધ થઈ શકે અથવા પોતાનો વ્યવસાય બદલી શકે છે. ટેક્સટાઇલ પ્રોસેસિંગ ક્ષેત્ર સાથે સંકળાયેલા એક સંગઠનના સભ્યએ જણાવ્યું હતું કે ઔદ્યોગિક એકમો સ્થળાંતર કરશે કે નહીં તે મુખ્યત્વે આર્થિક શરતો અને નવા સ્થળે ઉપલબ્ધ માળખાકીય સુવિધાઓ કેટલી તૈયાર છે તેના પર નિર્ભર રહેશે.
સરકારની યોજના મુજબ નવા ઔદ્યોગિક ક્લસ્ટરમાં અમદાવાદના જીઆઈડીસી એસ્ટેટમાં કાર્યરત એકમોને પ્રાથમિકતા આપવામાં આવશે. જોકે, ખાનગી જમીન પર કાર્યરત ઉદ્યોગો પણ આ યોજના હેઠળ લાભ મેળવી શકશે. સરકાર હવે જમીન ફાળવણી, હાલના પ્લોટમાંથી બહાર નીકળવાની પ્રક્રિયા અને સ્થળાંતરનો આર્થિક બોજ ઘટાડવા માટેની સહાય—આ ત્રણેય પાસાંને જોડીને સમગ્ર પ્રક્રિયા આગળ ધપાવવાની દિશામાં કામ કરી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT