બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / મુંબઈ / મુંબઈમાં વરસાદે મચાવ્યો હાહાકાર, IMDએ જાહેર કર્યું રેડ એલર્ટ, આગામી 3 કલાક ભારે
6 ફોટો ગેલેરી
Last Updated: 01:36 PM, 4 July 2026
1/6
ભારતીય હવામાન વિભાગ (IMD) એ મુંબઈ તેમજ થાણે, પાલઘર અને રાયગઢ માટે ભારે વરસાદને ધ્યાનમાં રાખીને રેડ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ત્રણ કલાક દરમિયાન કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. સાથે જ 50થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી પણ કરવામાં આવી છે. લોકોને જરૂરી હોય ત્યારે જ બહાર નીકળવા અને સત્તાવાર સૂચનાઓનું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે. મુંબઈ અને તેના ઉપનગરોમાં છૂટાછવાયા વિસ્તારોમાં દિવસ દરમિયાન અત્યંત ભારે વરસાદ પણ નોંધાઈ શકે છે
2/6
શનિવારે સવારે 8 વાગ્યા સુધીના છેલ્લા 24 કલાકમાં સાંતાક્રુઝ વેધશાળામાં 109.6 મીમી અને કોલાબા વેધશાળામાં 90.2 મીમી વરસાદ નોંધાયો હતો. ચાલુ વરસાદી સિઝનમાં 3 જુલાઈ સુધી સાંતાક્રુઝમાં કુલ 928.9 મીમી વરસાદ નોંધાયો છે, જે તેની વાર્ષિક સરેરાશના 40.06 ટકા જેટલો છે. જ્યારે કોલાબામાં કુલ 870.9 મીમી વરસાદ નોંધાયો છે, જે તેની વાર્ષિક સરેરાશના 41.57 ટકા જેટલો છે. નોંધનીય છે કે આ વર્ષે અત્યાર સુધી નોંધાયેલો વરસાદ વર્ષ 2025ના સમાન સમયગાળા કરતાં નોંધપાત્ર રીતે વધુ રહ્યો છે
3/6
છેલ્લા 24 કલાક દરમિયાન મુંબઈમાં સરેરાશ 98.80 મીમી વરસાદ નોંધાયો હતો. પૂર્વીય ઉપનગરોમાં 98.39 મીમી અને પશ્ચિમી ઉપનગરોમાં 93.73 મીમી વરસાદ પડ્યો હતો. પશ્ચિમી ઉપનગરોમાં ખાર વિસ્તારમાં સૌથી વધુ 150.6 મીમી વરસાદ નોંધાયો હતો, જ્યારે બાંદ્રામાં 146 મીમી વરસાદ પડ્યો હતો. પૂર્વીય ઉપનગરોમાં ઘાટકોપરમાં 143 મીમી અને પ્રભાદેવી વિસ્તારમાં 141.8 મીમી વરસાદ નોંધાતા આ બંને વિસ્તારો સૌથી વધુ વરસાદ મેળવનારા રહ્યા હતા
4/6
ભારે વરસાદ છતાં શનિવાર સવાર સુધીમાં શહેર કે ઉપનગરોમાં પાણી ભરાવાની કોઈ સક્રિય ફરિયાદ નોંધાઈ નથી. BMCના જણાવ્યા મુજબ સવારે 9 વાગ્યા સુધી મધ્ય રેલ્વે અને પશ્ચિમ રેલ્વે બંને રૂટ પર લોકલ ટ્રેનો નિયમિત રીતે ચાલી રહી હતી અને શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિક પણ સામાન્ય રહ્યો હતો. જોકે ભારે વરસાદ અને તેજ પવનને કારણે વૃક્ષો તથા ડાળીઓ પડી જવાની કુલ 91 ફરિયાદો નોંધાઈ હતી, જેમાંથી સૌથી વધુ 50 ફરિયાદો પશ્ચિમી ઉપનગરોમાંથી મળી હતી. રસ્તાઓ સાફ કરવાની કામગીરી સતત ચાલુ રાખવામાં આવી છે.
5/6
શહેરમાં શોર્ટ સર્કિટના કુલ 30 બનાવો નોંધાયા હતા, જેના પગલે સંબંધિત વીજ વિભાગને જાણ કરવામાં આવી હતી અને કટોકટીની ટીમોને તાત્કાલિક તૈનાત કરવામાં આવી હતી. ઉપરાંત ઘરો અથવા દિવાલો આંશિક રીતે તૂટી પડવાના કુલ 19 બનાવો પણ નોંધાયા હતા, જ્યાં અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક મદદ પહોંચાડવામાં આવી હતી. દરિયાકિનારાના વિસ્તારો માટે પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. શનિવારે બપોરે 2:50 વાગ્યે 4.26 મીટરની ઊંચી ભરતી અને રાત્રે 8:56 વાગ્યે 1.66 મીટરની નીચી ભરતી આવશે. જ્યારે રવિવારે સવારે 2:52 વાગ્યે અને બપોરે 3:22 વાગ્યે 4.19 મીટરની ઊંચી ભરતી આવવાની આગાહી કરવામાં આવી છે
6/6
મુંબઈને પીવાનું પાણી પૂરું પાડતા સાત તળાવો એટલે કે ઉચ્ચ વૈતરણા, મોડક સાગર, તાનસા, મધ્ય વૈતરણા, ભાત્સા, વિહાર અને તુલસી તળાવમાં 4 જુલાઈ, 2026ની સવાર સુધી કુલ 1,36,137 મિલિયન લિટર પાણીનો સંગ્રહ નોંધાયો છે. આ જથ્થો વર્ષ 2024ની સમાન તારીખના 1,24,343 મિલિયન લિટર કરતાં વધુ છે, પરંતુ વર્ષ 2025ના સમાન સમયગાળાના 7,34,562 મિલિયન લિટર કરતાં નોંધપાત્ર રીતે ઓછો છે. હાલ IMDએ લોકોને સત્તાવાર સૂચનાઓ પર નજર રાખવા, અનાવશ્યક મુસાફરી ટાળવા અને ભારે વરસાદ, તેજ પવન તેમજ ઊંચી ભરતી દરમિયાન સંપૂર્ણ સાવચેતી રાખવાની અપીલ કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ