બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:51 PM, 4 July 2026
Raipur Natwarlal Hotel Fraud : તાજમહેલ, લાલ કિલ્લો અને સંસદ ભવન જેવી ઐતિહાસિક ઇમારતો પણ "વેચી" નાખ્યાનો દાવો કરીને લોકોને કરોડો રૂપિયાનો ચૂનો લગાવનાર નટવરલાલ વિશે તો તમે બધા જાણતા જ હશો. જોકે આવી જ કઈંક ઘટના હવે છત્તીસગઢમાંથી સામે આવી છે. વાસ્તવમાં છત્તીસગઢની રાજધાની રાયપુરમાંથી એક એવી ઠગાઈનો કિસ્સો સામે આવ્યો છે, જેને જાણીને પોલીસ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ. 69 વર્ષીય એક વ્યક્તિ છેલ્લા લગભગ 36 વર્ષથી દેશની જાણીતી હોટલોમાં રોકાઈ, જમવાનું-રહેવાનું માણી અને બિલ ચૂકવ્યા વગર ફરાર થઈ જતો હતો. એટલું જ નહીં તે હોટલોમાંથી કિંમતી સામાન પણ લઈને નીકળી જતો હતો. હવે રાયપુરની એક ઘટનાના આધારે પોલીસે આખરે તેને ઝડપી લીધો છે.
ADVERTISEMENT
રાયપુરની હોટલ હયાતમાં શું બન્યું?
પ્રાથમિક વિગતો મુજબ રાયપુરની ચાર સ્ટાર હોટલ હયાતમાં 25 જૂને એક વ્યક્તિ રોકાયો હતો. બે દિવસ બાદ 27 જૂનની સવારે તેણે નિયમિત ચેક-આઉટ પ્રક્રિયા કર્યા વગર હોટલ છોડી દીધી. તેણે આશરે 63,755 રૂપિયાનું બિલ ચૂકવ્યું નહોતું. ઉપરાંત, હોટલ દ્વારા ખાસ ઉપયોગ માટે આપવામાં આવેલ અંદાજે 1.48 લાખ રૂપિયાનું લેપટોપ પણ પોતાની સાથે લઈ ગયો હતો. હોટલના સુરક્ષા વિભાગે તેના મોબાઇલ નંબર પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ફોન સતત બંધ આવતાં સમગ્ર ઘટનાની ફરિયાદ તેલીબાંધા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી.
ADVERTISEMENT
बिंगसन जॉन गिरफ्तार।
— Police Commissionerate Raipur (@CPRaipurPolice) July 3, 2026
देश के कई राज्यों में ठगी करने वाले आरोपी को रायपुर पुलिस कमिश्नरेट ने मात्र 72 घंटे में गिरफ्तार किया।#policecommissionerateraipur #raipurpolicecommissionerate pic.twitter.com/VsCB8g1G5o
પોલીસે આરોપી સુધી કેવી રીતે પહોંચ મેળવી?
ADVERTISEMENT
ફરિયાદ બાદ રાયપુરની એન્ટી ક્રાઇમ યુનિટ અને સ્થાનિક પોલીસે સંયુક્ત તપાસ શરૂ કરી. હોટલમાં આપવામાં આવેલા દસ્તાવેજો, મોબાઇલ નંબર અને અન્ય ટેક્નિકલ માહિતીના આધારે તપાસ આગળ વધારવામાં આવી. તપાસ દરમિયાન આરોપીનું લોકેશન ઓડિશાના ભુવનેશ્વરમાં મળ્યું. ત્યારબાદ પોલીસની એક ટીમ ભુવનેશ્વર પહોંચી અને આરોપીની ધરપકડ કરી. શરૂઆતમાં તેણે પોતાની ઓળખ અન્ય નામથી આપી હતી, પરંતુ પૂછપરછ દરમિયાન તેની સાચી ઓળખ બિંગસન જ્હોન તરીકે સામે આવી.
પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો
ADVERTISEMENT
પોલીસ સમક્ષ બિંગસન જ્હોને સ્વીકાર્યું કે, તે વર્ષ 1990થી દેશભરની જાણીતી હોટલોમાં આ જ રીતની ઠગાઈ કરતો આવ્યો છે. તે અત્યાર સુધીમાં 300થી વધુ હોટલોમાં રોકાઈ ચૂક્યો છે. દરેક જગ્યાએ તે રહેવાની અને જમવાની સુવિધાનો લાભ લેતો, ત્યારબાદ બિલ ચૂકવ્યા વગર ફરાર થઈ જતો અને ઘણી વખત હોટલનો કિંમતી સામાન પણ સાથે લઈ જતો હતો.
આરોપીનો ગુનાહિત ઇતિહાસ
ADVERTISEMENT
69 વર્ષીય બિંગસન જ્હોન મૂળ તમિલનાડુના તૂતિકોરિન જિલ્લાના રહેવાસી છે. પોલીસના જણાવ્યા અનુસાર તે દેશના વિવિધ રાજ્યોની જેલોમાં મળીને લગભગ 15 વર્ષ સુધી સજા ભોગવી ચૂક્યો છે. દિલ્હીની તિહાર જેલમાં રહેવા દરમિયાન તેનો સંપર્ક અનેક કુખ્યાત ગુનેગારો સાથે થયો હતો. પોલીસ હવે આરોપી સામે નોંધાયેલા અન્ય કેસોની વિગતો એકત્ર કરી રહી છે અને દેશના વિવિધ રાજ્યોની પોલીસ સાથે પણ સંપર્ક કરી રહી છે. પ્રાથમિક તપાસમાં સામે આવેલા ખુલાસાઓને જોતા આ કેસ દેશના સૌથી લાંબા સમય સુધી ચાલેલા હોટલ ઠગાઈના બનાવોમાંનો એક માનવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો : બદ્રીનાથ મંદિરમાં દાન ચોરીના આક્ષેપથી ગરમાવો, અપાયા તપાસના આદેશ
ADVERTISEMENT
કોણ હતો નટવરલાલ ?
ભારતમાં જ્યારે કોઈ અત્યંત ચાલાક અને ચતુર ઠગની વાત થાય છે ત્યારે સૌથી પહેલાં 'નટવરલાલ'નું નામ યાદ આવે છે. અસલી નામ મિથિલેશ કુમાર શ્રીવાસ્તવ ધરાવતા નટવરલાલ પોતાની બુદ્ધિ અને બનાવટી દસ્તાવેજોના સહારે અનેક મોટી ઠગાઈઓ કરવા માટે કુખ્યાત બન્યા હતા. કહેવાય છે કે તેમણે તાજમહેલ, લાલ કિલ્લો અને સંસદ ભવન જેવી ઐતિહાસિક ઇમારતો પણ "વેચી" નાખ્યાનો દાવો કરીને લોકોને કરોડો રૂપિયાનો ચૂનો લગાવ્યો હતો. ત્યારથી ભારતમાં કોઈ પણ ખૂબ જ ચાલાક અને સતત ઠગાઈ કરનાર વ્યક્તિને રૂપક તરીકે "નટવરલાલ" કહેવામાં આવે છે. રાયપુરમાં ઝડપાયેલા બિંગસન જ્હોનને પણ લોકો 'નટવરલાલ' કહી રહ્યા છે, કારણ કે તેણે વર્ષો સુધી દેશની અનેક જાણીતી હોટલોમાં રહીને બિલ ચૂકવ્યા વગર ફરાર થવાની અને હોટલનો કિંમતી સામાન લઈ જવાની કથિત રીત અપનાવી હતી. જોકે, તેનું અસલી નામ નટવરલાલ નથી; આ ઉપમા તેની કથિત ઠગાઈની રીતને ધ્યાનમાં રાખીને વપરાઈ રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.