ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / આજે લોકરક્ષક દળની લેખિત પરીક્ષા, 2.63 લાખ ઉમેદવારો આપશે Exam
Last Updated: 09:10 AM, 14 June 2026
ADVERTISEMENT
ગુજરાતમાં સરકારી નોકરીની તૈયારી કરી રહેલા લાખો યુવાનો માટે આજે મહત્વનો દિવસ છે. રાજ્યના ગૃહ વિભાગ અને ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા 12,933 લોકરક્ષક (LRD) જગ્યાઓ માટેની લેખિત પરીક્ષા રાજ્યભરના વિવિધ કેન્દ્રો પર યોજાઈ રહી છે. ભરતી પ્રક્રિયાને પારદર્શક અને નિષ્પક્ષ બનાવવા માટે તંત્ર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
ADVERTISEMENT
પરીક્ષામાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી અંદાજે 2.63 લાખ ઉમેદવારો ભાગ લઈ રહ્યા છે. ઉમેદવારોને સમયસર પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવા માટે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) દ્વારા વધારાની બસો દોડાવવામાં આવી રહી છે. બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશનો પર ઉમેદવારોની ભારે અવરજવર જોવા મળી રહી છે.
ભરતી બોર્ડે ઉમેદવારોને પરીક્ષા શરૂ થવાના સમય કરતાં વહેલા કેન્દ્ર પર પહોંચવાની સલાહ આપી છે. ટ્રાફિક, વરસાદ અથવા અન્ય અણધારી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સમયસર હાજર રહેવા અપીલ કરવામાં આવી છે.
ADVERTISEMENT

878 પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી નજર
ADVERTISEMENT
પરીક્ષા દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરીતિ અટકાવવા રાજ્યભરના 878 પરીક્ષા કેન્દ્રોમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તમામ પરીક્ષા હોલ અને વર્ગખંડોને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે અને ગાંધીનગર સ્થિત કંટ્રોલ રૂમમાંથી સતત લાઈવ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.
ઈલેક્ટ્રીક વસ્તુઓ લઈ જવા પર પ્રતિબંધ
ADVERTISEMENT
ઉમેદવારોને મોબાઇલ ફોન, સ્માર્ટ વોચ, બ્લૂટૂથ ડિવાઇસ, કેલ્ક્યુલેટર સહિતની તમામ ઇલેક્ટ્રોનિક વસ્તુઓ પરીક્ષા કેન્દ્રમાં લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કેન્દ્રના પ્રવેશદ્વાર પર મેટલ ડિટેક્ટર દ્વારા તપાસ તેમજ મહિલા અને પુરુષ પોલીસ કર્મચારીઓ દ્વારા સઘન ચેકિંગ બાદ જ ઉમેદવારોને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.

ADVERTISEMENT
સોશિયલ મીડિયા પર પણ વોચ
પરીક્ષા સંબંધિત અફવાઓ, ખોટા મેસેજ અને ગેરમાર્ગે દોરતી માહિતી ફેલાવવાના પ્રયાસોને રોકવા માટે સાયબર ક્રાઇમ વિભાગ પણ સક્રિય બન્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને શંકાસ્પદ પ્રવૃત્તિઓ સામે તાત્કાલિક કાર્યવાહી માટે વિશેષ ટીમો તૈનાત કરવામાં આવી છે.
ADVERTISEMENT
રાજ્ય સરકાર અને ભરતી બોર્ડના અધિકારીઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે સમગ્ર પરીક્ષા પ્રક્રિયા શાંતિપૂર્ણ, પારદર્શક અને સફળતાપૂર્વક પૂર્ણ થશે. લાખો ઉમેદવારો માટે આજનો દિવસ તેમની કારકિર્દીના નવા અધ્યાયની શરૂઆત બની શકે છે.
આ પણ વાંચોઃ ધોરાજીમાં ગેરકાયદેસર રેતી ખનન પર SOGનો મોટો દરોડો, રૂ. 3.97 કરોડનો મુદ્દામાલ જપ્ત
ભાવનગરમાં લોકરક્ષક દળ ની પરીક્ષા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત
ભાવનગરમાં આજે લોકરક્ષક દળ (LRD) ભરતી પરીક્ષાનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો હતો. સવારે 7:30 વાગ્યાથી પરીક્ષાર્થીઓનું સઘન ચેકિંગ શરૂ કરી તેમને પરીક્ષા કેન્દ્રોમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. તમામ 35 પરીક્ષા કેન્દ્રો પર CCTV કેમેરા તેમજ સતત વીડિયોગ્રાફી દ્વારા કડક દેખરેખ રાખવામાં આવી રહી છે. ઉમેદવારોને બાયોમેટ્રિક વેરિફિકેશન પૂર્ણ થયા બાદ જ પરીક્ષા ખંડમાં પ્રવેશ અપાઈ રહ્યો છે. આ પરીક્ષામાં ભાવનગર, અમરેલી અને બોટાદ જિલ્લાના કુલ 10,650 ઉમેદવારો ભાગ લઈ રહ્યા છે. પરીક્ષા સંબંધિત પ્રશ્નપત્રો અને અન્ય સંવેદનશીલ સામગ્રીની સુરક્ષા માટે માજીરાજ હાઈસ્કૂલ ખાતે સ્ટ્રોંગ રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે. સમગ્ર પરીક્ષા પ્રક્રિયા પારદર્શક અને નિષ્પક્ષ રીતે પૂર્ણ થાય તે માટે તંત્ર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.