અંધશ્રદ્ધા /
મોરબીના કાંતિલાલે જીવતા સમાધિ લેવાની કરી જાહેરાત, તો તંત્રએ કરી આ કાર્યવાહી
Team VTV09:29 PM, 16 Nov 19
| Updated: 10:56 PM, 16 Nov 19
આજે વિજ્ઞાન તેની પરમ કક્ષાએ જ્ઞાનના અજવાળાં પાથરી રહ્યુ છે પરંતુ આવા સમયમાં પણ કેટલાક લોકોને જાણે અજ્ઞાનના અંધકારમાં જ રહેવું અને અન્ય લોકોને પણ એ અંધકાર તરફ ધકેલવાનું વળગણ હોય છે. આ વાતની સાક્ષી જેવો તાજો કિસ્સો મોરબી જિલ્લાના પીપળીયા ગામેથી સામે આવ્યો છે...જેમાં એક વ્યક્તિએ જીવતા સમાધિ લેવાની તૈયારીનો વીડિયો વાયરલ કરીને લોકોમાં કુતૂહલ ઊભું કરી દીધું છે.
છેલ્લા થોડા મહિનાના અંતરે 2 ઘટનાઓ બની પરંતુ બન્નેનું ઘટનાઓનું કામ એક છે અને તે છે ભોળા નાગરિકમાં અંધશ્રદ્ધા ફેલાવવાનું. મોરબી જિલ્લાના પીપીળિયા ગામના કાંતિલાલ મૂછડિયા છે જેમણે વિડિયોના માધ્યમથી જીવતા સમાધિ લેવાની જાહેરાત કરીને વહીવટી તંત્રને સતર્ક કરી દીધું છે અને ભોળા શ્રદ્ધાળુઓમાં કુતૂહલ ઉભું કર્યું છે. તો બીજી તરફ થોડા સમય અગાઉ જામનગરના જામવંથલીમા 77 વર્ષના હરિલાલ વેલજીભાઇ ખોલીયાએ દેહત્યાગ કરવાની ભવિષ્યવાણી કરી હતી. તે સમયે હરિલાલ થોડા સમય બેભાન થયા હતા. જોકે બે કલાક બેભાન રહ્યા બાદ હરીબાપા ભાનમાં આવ્યા હતા. અંતે બાપાનો દેહત્યાગનો દાવો પોકળ સાબિત થયો હતો.
કાંતિલાલે જીવતા સમાધી લેવાની કરી વાત
મોરબી જિલ્લાના પીપળીયા ગામે રહેતા કાંતિલાલ મૂછડિયાએ પોતાના એક વીડિયો દ્વારા લોકોમાં કુતૂહલ જગાડયું છે. આ વ્યક્તિએ આગામી 28 નવેમ્બરે જીવતા જ સમાધિ લઈ લેવાની ઈચ્છા જાહેર કરીને વહીવટી તંત્રને ધંધે લગાડ્યું છે તો સામે પક્ષે ભોળા શ્રદ્ધાળુઓમાં અંધવિશ્વાસને પ્રોત્સાહન આપવાનું કામ પણ કર્યું છે. કાંતિલાલ મૂછડિયાનું કહેવું છે કે, દાદા નવઘણે તેને બોલાવ્યા છે અને વચન મુજબ તે ત્યાં જવા માગે છે. તેઓ મોક્ષપ્રાપ્તિ માટે જીવતા સમાધિ લેવા માગે છે.
દેહત્યાગ કરવા મક્કમ છે કાંતિલાલ મૂછડિયા
પોતાના આરાધ્ય એવા દાદા નવઘણ પાસે જવા માટે મક્કમ બનેલા કાંતિલાલ મૂછડિયાને અનેક લોકોએ આ પ્રકારે દેહત્યાગ નહીં કરવા સમજાવ્યા. જો કે કાંતિલાલ પોતાનો ઈરાદો ઢીલો કરાવના મૂડમાં હાલ તો જણાતા નથી. કાંતિલાલના પરિવારજનોએ પણ તેમને આ પ્રકારે સમાધિ નહીં લેવાનોઆગ્રહ કર્યો છે. પરંતુ કાંતિલાલ પોતાના ઈરાદા પર હાલતો મક્કમ જણાઈ રહ્યા છે. તેઓ કોઈને અંધારામાં રાખીને અંધશ્રદ્ધાને પોષે તેવું પગલું ન ભરી લે તે માટે જિલ્લા પોલીસ તંત્ર અને વહીવટીતંત્ર તેના પર નજર રાખી રહ્યું છે.
જિલ્લા તંત્ર દ્વારા પણ સમજાવવાનો કરાયો પ્રયાસ
આથી જિલ્લા પોલીસતંત્ર દ્વારા પણ કાંતિલાલને આ પ્રકારનું પગલું નહીં ભરવા સમજાવ્યા છે. તો મોરબી અધિક કલેક્ટર દ્વારા પણ કાંતિલાલને અંધશ્રદ્ધમા તણાઈને સમાધિ જેવુ પગલું નહીં ભરવા માનવીય સલાહ સાથે કાયદેસર ચેતવણી પણ આપવામાં આવી છે.
કાંતિલાલે 28 તારીખનું આપ્યું છે અલ્ટિમેટમ
હાલ તો પરિવારજનો, શુભેચ્છકો, અને વહીવટી તંત્ર દ્વારા કાંતિલાલ મૂછડિયાને સમાધિ નહીં લેવાનો આગ્રહ અને કાયદાકીય ચેતવણી આપવામાં આવી છે છતાં અનેક ભોળા ભક્તોને 28 નવેમ્બરનો ઈંતજાર છે. કેમ કે એ દિવસનું જ કાંતિલાલે અલ્ટિમેટમ આપેલું છે. જો કે, કાંતિલાલની આ ઈચ્છાને વિજ્ઞાનજાથાના જયંત પંડયા આ રીતે મૂલવી રહ્યા છે.
હાલ તો પરિવારજનો, શુભેચ્છકો અને હિત ચિંતકો દ્વારા કાંતિલાલને સમજાવાનું ચાલું છે. પરંતુ તેમ છતાં કાંતિલાલના દિમાગમા શું ચાલી રહ્યું છે તેનો અંદાજો તો 28 નંબરે જ આવી શકશે. જો કે વહીવટી તંત્ર અંધશ્રદ્ધાને ફેલાવતા કોઈપણ પગલાને સફળ નહી થવા દે તે નક્કી છે છતાં નાગરિકોને પણ આવી રીતે મોક્ષ મળી જાય તેવા કોઈ ભ્રમમાં નહીં રહેવાનું વીટીવી અપીલ કરે છે..